નવા વર્ષની શુભેચ્છાઓમાંમહેકતી સમયની સુગંધ
SadhanaWeekly.com       | ૨૯-ઓક્ટોબર-૨૦૧૬


 


‘હેપ્પી દિવાલી’ અને ‘નૂતન વર્ષાભિનંદન’ના વૉટસએપ સંદેશાઓનો વરસાદ હવે ચાલુ થશે, એસએમએસ અને શુભેચ્છા કાર્ડની પણ એવી જ વણઝાર આવ્યા કરશે, જાણે એક રણના કિનારેથી આપણે કોઈ ત્રુટક ત્રુટક આવતી પણ અંત ના પામતી હોય તેવી વણઝાર જોતા હોઈએ તેવી... વળી એકાદ પોસ્ટકાર્ડ આવી ચડે છે, કોઈ શ્ર્વેત દાઢીધારી વડીલની જેમ. સુંદર અક્ષરોથી પ્રગટ થતા હૃદયના ભાવ વાંચવાનો પણ એક રોમાંચ હોય છે.
ઇમેઈલની શુભેચ્છાઓનો એક અલગ જ માહોલ છે. શુભેચ્છાઓ અને હસ્તધૂનનો અને મીઠાઈઓ અને મિલનસમારંભો પૂરા કરીને ઘેર આવીએ ત્યારે એક નવી અનુભૂતિ જન્મે છે, એક નવા વર્ષનો પ્રવેશ કશુંક જૂનું બનાવે છે. ખોરડે ને ઓરડે આ નવા-જૂનાની ભેળસેળ છે. રૂટીનમાં વ્યક્ત થયેલી લાગણીઓ આપણને ખબર ના પડે તે રીતે થકવી જાય છે. જો કે કૃત્રિમતાને સાવ કૃત્રિમતા તરીકે લેવા જેવી નથી. એક પુષ્પગુચ્છમાં કેદ થયેલાં પુષ્પો એમના પુષ્પત્વને છોડી દેતાં નથી. એમની સુવાસની રંગોળીને આપનાર લેનારની લાગણી કે ભાવ સાથે ક્યાં કશો સંબંધ હોય છે? તેમનું કામ તો મનુષ્યના ચિત્તને ઝંઝોળવાનું છે, ‘તમે આનંદમાં છો, તો, લ્યો, અમે પણ આનંદના રાજદૂતો છીએ. બગીચામાં ઊગેલાં પારેવાં છીએ, અમારું સૌંદર્ય અને અમારી સુગંધ એમ બે પાંખો છે, અમે તમારા મિલનમાં, સ્વાગતમાં સામેલ થઈએ છીએ, તમારી લાગણીનું લટકું છીએ. અમે ઉમેરણ છીએ, અમે અર્થઘટનની ઘટનાના સંવાહક છીએ.’ ફૂલોની આવી સ્વગતોક્તિ જેવું ગૂંજન વીણવા જેવું છે. રૂટીનમાં બરડ થઈને તૂટી પડે એ પહેલાં આ ડાળને સાચવી લેવા જેવી છે, સમજી લેવા જેવી છે. બેડરૂમ અને ડ્રોઇંગ રૂમની અદાઓ એકદમ અલગ હોય છે. અચાનક જ જ્યાં હમેશાં પુસ્તકો અને વર્તમાનપત્રો રહેતાં ત્યાં ચોક્લેટ્સ અને મીઠાઈઓ ગોઠવાઈ ગઈ છે. મને શબ્દ અને પદાર્થનો આ ઝઘડો હમેશાં ગમતો રહ્યો છે. છાપાંઓમાં પણ જાહેરાતોની ગિર્દી આપણને ભરચક બજારમાં મૂકી આપે. મોટા મોલ કે શોપિંગ સેન્ટર કરતાં રતનપોળ જેવી જગાઓમાં દિવાળી વધારે બોલકી હોય છે. ક્યારેક લાગણીઓની અભિવ્યક્તિ એના અસ્સલ મિજાજમાં થતી હોય તે પણ માણવા જેવું હોય છે. ઘણી વખતે વધુ પડતા શિક્ષણે આપણને ઔપચારિક અને કેટલીક હદે કૃત્રિમ બનાવી દીધા છે. ખરીદીના ફોટાઓ અને જાહેરાતોના ઘોંઘાટિયા ફોટાઓની વચ્ચે એક ચોળાફળીની સ્વાદિષ્ટ એન્ટ્રી આખા દૃશ્યને નવું બનાવે છે. ચોળાફળી અભિવ્યક્તિના સચોટ અને નૈસર્ગિક આવેગનું અંગરખું છે. કોઈ પણ ઉત્સવના ભાવપ્રદેશમાં પહોંચીને એની અધિકૃત અભિવ્યક્તિને પામવાનો મારો પ્રયાસ અને પરિશ્રમ હોય છે. એટલા માટે હવે બેડરૂમ નાટકના બેકરૂમ જેવો લાગે છે. ગિફ્ટનાં પેકેટસના ઢગલામાંથી ઊઠતી શુભેચ્છાઓની એક લહેર અને દૂરથી ભગવાન સામે પ્રાર્થનામગ્ન અગરબત્તીની મસ્તીભરી મહેંક ભેગી થાય છે. કોઈની શુભેચ્છાનો મૌન શબ્દ અને મારી પ્રાર્થનાના શબ્દના પ્રયોગની સંરચના મારી દિવાળીની રંગોળી છે. ચોળાયેલાં કપડાંમાંથી ખરતો ગયા વર્ષનો તડકો ધીરે ધીરે રેલાય છે. કબાટમાં ઇસ્ત્રીબંધ બેઠેલા શર્ટમાં સામેની શાળાનાં બાળકોની શિસ્ત ચમકે છે, ટેપરેકોર્ડરની બાજુમાં પડેલી સ્વરમુદ્રિકાઓની મંજુલ હાજરી અલગ માહોલ સર્જે છે.
ઓશીકા પાસે પડેલાં બે પુસ્તકો પેલા લેખકોના ઉજાગરાના પ્રતિનિધિ બનીને બેઠાં છે. બારી આગળ મરી ગયેલા જીવડાની શોકસભા નથી થઈ એની ચિંતા કરતાં બે વૃદ્ધ જીવડાં કશું ગણગણી રહ્યાં છે, કદાચ શંકરાચાર્યના ‘ભજ ગોવિન્દમ્’ ગીતનો પાઠ કરતાં હોય. હવે બેસતા વર્ષના ગણપતિ બેસી ગયા છે, સાકરના ગાંગડા ચાવતો બાળપણનો સમય ઘડિયાળની દાબડીમાં મૂકી દીધો છે. બાકી કામોની નોંધ લઈને બેઠેલી નોટબૂકની આંખોમાં ઉજાગરો છે. કૃત્રિમ રીતે હસ્તધૂનન કરી ગયેલા લોકોને યાદ કરું તો થાક લાગે છે પણ એજન્ડા વગરના મિત્રોના શબ્દોનો રણકો જાગી ઊઠે છે. ‘પોઝિટિવ એનર્જી’ એ જ આપણો આરાધ્ય દેવ એવા મંત્ર સાથે જીવતા સાથીદારોથી હું તરબતર બની જાઉં છું. નવું વર્ષ કોઈની શુભેચ્છાઓના ચોમાસાની ઋતુ નથી, એ તો દર્પણમાં સંતાઈને આપણા પોતાના ઈશ્ર્વર સાથે વાત માંડવાની ઘડી છે, જ્યાં શબ્દો પણ સુખડની જેમ ઘસાઈ જાય, જ્યાં સમયની અને શબ્દની સુગંધ જ હોય તેવા બેસતા વર્ષનું નામ છે, રૂટીન સામે હૃદયની લડાઈ... જ્યાં હૃદયનો ધબકાર જ જીતે છે.
                                                              -ભાગ્યેશ જહા