નર્તનનું મહાપર્વ : દીપઉત્સવ
SadhanaWeekly.com       | ૨૯-ઓક્ટોબર-૨૦૧૬
ગર્ભગૃહે આતમનો અજવાશ એ દિવાળી છે, દીપજ્યોત ખોળિયેથી રામ થાય ત્યાં સુધી ટમટમતા દીપપુંજથી પ્રગટાવેલો ઉજાશ એ ઉત્સવની સુવાસ છે. જીવનપથ પરના સોળ સંસ્કાર ટાણે આ દીપજ્યોત સાક્ષી રાખવાની પૌરાણિક પ્રથા છે તે સોળ સંસ્કાર ઉપરાંત વાર તહેવાર અને ઉત્સવ ટાણે દીપક સ્થાપન દીપક જ્યોત, દીપ અજવાસ, ક્યારેક એક બે દીપકથી શરૂ થઈ સેંકડોની સંખ્યામાં જોડવાની પ્રથા એટલે દિવાળી... વીતેલું વર્ષ સફળ જ રહ્યું છે તેની ઉજવણી એટલે દિવાળી, આવનાર વર્ષના અંધકારને દૂર રાખવાની મથામણ એટલે દિવાળી ઊગતા અને આથમતા સૂર્યને ચપટીક અજવાળું સાચવી દિલમાં ઉજાશની મથામણ આ દીપદર્શનમાં ઝળકે છે. મંદિરોમાં ઘંટારવની તરજ સાથે દીપનર્તનનો સંભળાતો સૂર એટલે આરતી. આરતીના અવસરમાં એક જ્યોત, ત્રણ જ્યોત, પંચજ્યોત, સાત જ્યોતની વૈવિધ્યતા "દીપનું મહત્ત્વ વધારે છે. લંબાતી આરતીના દીવડા અનેક માર્ગે ઉજાસ પાથરે છે.
મંદિર પટાંગણમાં થતી દીપ આરતીનું મહાસ્વરૂપ એટલે અક્ષરધામ મંદિર ખાતે બે દશકથી ઊજવાતો આ વિશેષ દીપોત્સવ...!! એક દીવડાની તાકાત સામે આવા દશ હજાર દીવડાનું દીપજ્યોત નર્તન પર્વ સતત દિવાળીથી છેક લાભપાંચમ એટલે પાંચ દિવસ સુધી ચાલે છે. સંધ્યાટાણે આકાશે ગુલાબી વાદળી ઝાંય ક્ષિતિજે ડોકાતી હોય ત્યારે પટાંગણમાં સાઈઠ દીવાનું એક દીપવૃક્ષ, એવાં લગભગ બસ્સોએક દીપવૃક્ષો પર ટમટમતા દીવડાનું ભવ્ય દર્શન જાણે આકાશના તારા ધરતી પર પ્રગટ્યા હોય તેવો મનોહર નજારો... કાચના પ્યાલામાં રંગીન પાણી વચ્ચે તેલ ઝબોળી દિવેટો પર એક સાથે ચિનગારી પ્રગટે ત્યારે હજારો આગિયા ઉડાઉડ કરતા હોય તેવો આભાસ... સૂર્યનારાયણ પણ ઘડી બેઘડી અટકવાની લાલચ કરે આ નજારો માણવા...!! મંદિર અગાશી, ઝરૂખા, ટોપચા, શિખર પ્રાંગણ સૌ ઝળાંહળાં થાય આ દીપનૃત્ય ટાણે...!!
દિવાળીનો આ પાંચ દિવસનો નજારો દેવલોકનો સાક્ષાત્કાર કરાવે, નર ખોળિયે જાણે નારાયણ બિરાજે... મજાલ છે કોઈ પાશવી દાનવી વિચારની કે મનના ખૂણે પ્રગટે... આ અજવાળું દૈત્યનાશક છે; કુવિચારોનું હનન કરે છે, આ દીપનૃત્ય મન પ્રફુલ્લિત કરે છે, નવા વર્ષની શક્તિનો સંચાર કરે છે.
બાકીની ઝાકમઝાળ અને ઘોંઘાટભર્યા જીવનમાં રોશનીદાર વ્યંજનો ઝાંખાં પડે છે, નવતર સમાજમાં નવા રાહે માર્ગ ભૂલેલા વિભક્ત કુટુંબને શું ખબર પડે દીપમાળાના આ નર્તનની...! ભેગા રહેવાને બદલે એકલશૂરો બની એકલો રૂમમાં પુરાય, બેઠકખંડની જગ્યા ટૂંકાય, નવતર ટેક્નોલોજીના રવાડે ચઢીને દૂર હોય ત્યાં લાગણી દર્શાવે, ને નજીક બગલમાં બેઠેલાને નજરઅંદાજ કરે... ભીડ-ભાડ વધારી છતાં એકલો રહેવા પ્રયત્ન કરે, બંધબારણે મોબાઈલની બારીમાં હવાતિયાં મારે, તળાવથી ટૂંકાવી ટબમાં સ્નાન અને હવે ટબથી ટૂંકાવી "ટેબમાં સ્નાન કર્યા કરે. - હા, નેટ અને વાઈફાઈ ઍરિયામાં નજીકનું કનેક્શન કાપ્યું, લાગણીને સ્થાને માત્ર માગણી જીવતી રાખી, શુભેચ્છાના ઉમળકાને બદલે (તળત) શૉર્ટ મેસેજ કર્યા, વાંચીઅમના ચિત્રોને વાસ્તવિક અને વાસ્તવિકતાને કૃત્રિમ ગણવા લાગ્યો, દિવાળીના દીવડા વાયા ઈ-મેઈલ આવતા થયા ત્યાં સાચુકલું અજવાળું ક્યાં દેખાય...!
દિવાળી ટાણે પોતીકો એક દીવડો પ્રગટાવી, પવનથી બચાવવા આડો હાથ કરી એકાદ ચોગાનમાં પાંચ-પચીસ ભેગા મળી એ દીવડાને અજવાળે આતમનાં અજવાળાં પ્રગટાવી ક્ષણો વહેંચો તો જ સાચી દિવાળી, દીપોત્સવના પર્વનો અહેસાસ થાય... બાકી તો કૃત્રિમ અને વર્ચ્યુઅલ ઊભી કરેલી હવા-મૉલની દુનિયાની દિવાળી જોઈ શકાય. માપાણી ન શકાય. દેવાલયોને આંગણે આ દીપઉત્સવ હજુ સચવાયો છે. અન્નકૂટ, ધનપૂજા, ચોપડાપૂજન, નવા વર્ષનું મુહૂર્ત, બોણી, સબરસ, જય શ્રીકૃષ્ણ બોલીને એક એક ઘેરથી ચપટી ખાંડ ભેગી કરી બે કલાકમાં રૂમાલને છેડે ભેગું કરેલું ગળપણ અને ઉમળકાભેર નવા વર્ષની શુભેચ્છા હૃદયથી દીપ મિલાવીને કરતો એ દિવાળી ઉત્સવ, એ દીપનર્તન. દીપમાળાનો સમય દૂર થતો જાય છે. બાહ્ય અજવાળું વધે પણ અંતરમાં અંધકાર છવાય તેવી દિવાળી હિન્દુસ્તાની ના હોય...
                                                                - શૈલેશ રાવલ