આ ભાઈએ આપ્યું શહીદ જવાનોને 11 લાખનું દાન
SadhanaWeekly.com       | ૦૭-ઓક્ટોબર-૨૦૧૬


કાશ્મીરના ઉરીમાં સૈનિકો પર થયેલ આતંકવાદી હુમલામાં ૧૮ જેટલા સૈનિકોએ શહીદી વહોરી હતી. આ હુમલા બાદ દેશભરમાંથી શહીદોના પરિવાર સુધી સહાય પહોંચી રહી છે, ત્યારે રાજકોટના ડૉ. હર્ષદભાઈ પંડિતે પણ શહીદોના પરિવારને રૂપિયા ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧નો ચેક અર્પણ કર્યો છે. આ ઉપરાંત તેમણે સંકલ્પ પણ કર્યો છે કે, તેઓ જીવશે ત્યાં સુધી પોતાને મળતા સરકારી પેન્શનમાંથી દર મહિને ૧૧ હજાર ‚પિયા શહીદોના પરિવારને આપતા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. હર્ષદભાઈ ગુજરાત સરકારમાં વેટનરી ઓફિસરથી લઈને નાયબ પશુપાલન નિયામક સુધીની ફરજ નિભાવી ચૂક્યા છે. ૧૯૯૮માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને સમાજસેવાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો. સમાજસેવા પાછળ અત્યાર સુધીમાં તેમણે ૯૦ લાખ રૂપિયાનું દાન કર્યું છે. માતૃભાષા અને નૈસર્ગિક ઉપચારના તેઓ આગ્રહી છે. આ માટે પણ તેમણે ખૂબ પ્રશંસનિય કામ કર્યું છે, અને હાલ પણ કાર્યરત છે. સમાજના આ ભેખધારી સમાજસેવકને અભિનંદન અને આભાર.