અંગ્રેજોનો ભારતના વિભાજનનો વ્યૂહ પહેલેથી જ હતો
SadhanaWeekly.com       | ૦૭-ઓક્ટોબર-૨૦૧૬


ભારત એ ઉપમહાદ્વીપ નથી. અંગ્રેજોએ ખૂબ જ ચાલાકીપૂર્વક ભારતને ખંડ-ખંડ કરવા આ શબ્દ પ્રયોજ્યો હતો. આ વાત હંમેશા રાષ્ટ્રવાદી સંગઠનો કહેતાં આવ્યાં છે. ત્યારે ક્યાં સુધી છે ભારતની અસલી સરહદો ? શું કામ અંગ્રેજોએ ભારતને ઉપ-મહાદ્વીપનું નામ આપ્યું હતું તે જણાવે છે જાણીતા લેખક મુઝ્ફ્ફર હુસેન તેમના આ વિશેષ લેખમાં :
આજે આપણે જે જમીન પર રહીએ છીએ એ ભારત દેશથી આપણું તાત્પર્ય શું છે ? આજે જે ભારતનો નકશો છે તે સત્ય છે કે પછી જેનું વિવરણ આપણા વેદો અને અન્ય પ્રાચીન પુસ્તકોમાં મળે છે એ સાચો છે ? ભારત ઉપમહાદ્વીપ નથી. અંગ્રેજોએ એક વિશેષ હેતુથી ભારતને ઉપમહાદ્વીપની સંજ્ઞા આપી હતી, પરંતુ જે ધરતીની વિરાસતની આપણે વાત કરીએ છીએ તે આજના રાજનૈતિક ભારત પર પોતાના વિચાર કેન્દ્રિત કરશે તો એનો કોઈ અર્થ નથી. પહેલાં તો આપણે એ સમજવાની જરૂર છે કે બ્રિટિશ સામ્રાજ્યવાદીઓએ ભારતને ઉપમહાદ્વીપ કેમ કહ્યો ? એમના સબ કોન્ટીનેન્ટ શબ્દ પાછળ એક ષડયંત્ર હતું. અગર ભારતને મહાદ્વીપ કહે તો તો પછી પ્રાચીન પરિભાષામાં ભારતને વ્યક્ત કરવું પડે. આથી ઉપમહાદ્વીપ કહ્યો, જેથી સમય આવ્યે આ દેશોને એમની ભૌગોલિક સ્થિતિ અનુસાર વહેંચી શકાય. ઉપમહાદ્વીપનો અર્થ છે કે એમાં અન્ય પણ દેશ છે. આ એમની સમજી-વિચારીને ચાલેલી ચાલ હતી. તેમણે પોતાની ઇચ્છા અનુસાર ૧૯૩૫ના કાયદા મુજબ નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને બ્રહ્મદેશને અલગ ભૌગોલિક સ્થળ માનીને ભારતની અંદર જ અન્ય દેશો બનાવી દીધી. હદ તો ત્યાં થઈ કે માલદ્વીપ જેવા નાનકડા દ્વીપને પણ ભારતથી અલગ કરીને એક નવો સાર્વભૌમ દેશ બનાવી દીધો. તિબેટનું વિવરણ પણ એ જ પ્રકારે કર્યું કે જાણે એને ભારત સાથે કંઈ લેવા-દેવા જ નથી. ભારતની આઝાદી વખતે પણ ધર્મને નામે ભાગલા પડ્યા અને એથી જ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પછી પાકિસ્તાનના વિભાજનથી બાંગ્લાદેશ બન્યું... આ રીતે એક નૈસર્ગિક ભૂમિના એટલા ટુકડા કરવામાં આવ્યા કે ભારત એમની ભાષામાં ઉપમહાદ્વીપ બનીને જ રહી ગયો. શું આ તોડફોડ અને વિભાજનની વૃત્તિને એક મહાદેશ કહેવાશે ?
ભારતને તોડીને નવા દેશ બનાવનારા રાજનૈતિક આધાર તો શોધી લે છે, પરંતુ શું આ પ્રાકૃતિક કહેડાવવાને લાયક છે ખરો ? વાસ્તવિક્તાની બુનિયાદ પર જોઈએ તો આ બધા અધૂરા દેશ છે, ન તો એમની પાસે કુદરતી સીમાઓ છે કે ન તો અલગ સાંસ્કૃતિક વિભાગ. બીજી બાજુ આ વહેંચાયેલા ભારતમાં સાંસ્કૃતિક વિરાસત શોધવી મુશ્કેલ છે. આપણા વેદોના આધાર પર તો જ્યાં સુધી હિમાલયની શાખાઓ ફેલાયેલી છે ત્યાં સુધી ભારતની સીમાઓ છે. યાને ઈરાનના તિબરેજ પર્વતનાં શિખરોથી લઈને ઈન્ડો ચાયના અને ઇન્ડોનેશિયા સુધી ફેલાયેલી હિમાલયની ચોટીઓ અને હિંદ મહાસાગરની લહેરો ધરતીને ચૂમે છે ત્યાં સુધી ભારતની અસલી સીમાઓ છે. આ સીમાઓમાં એક વિચિત્ર પ્રકારનું નૈસર્ગિક બંધન છે. આ સીમાઓ વચ્ચે ભારત એક સંપૂર્ણ રાષ્ટ્રની જેમ વિકસ્યું. અહીં ફેલાયેલી સંસ્કૃતિ એની એકતા અને અખંડતાની સાક્ષી હતી, કોઈ પણ દેશનું રાજનૈતિક વિભાજન એની દૃઢતા કે એકતાની ઓળખ નથી. સાંસ્કૃતિક ભારતની નદીઓ હિમાલયથી નીકળે છે અને હિંદ મહાસાગરના અરબી સાગર અને બંગાળની ખાડીને મળે છે, પરંતુ સિંધ, બ્રહ્મપુત્રા અને ગંગા હજુ પણ વહે તો એ જ પ્રકારે છે, પરંતુ આજના વિભાજન પ્રમાણે તે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ચીન થઈને વહે છે.
આપણી દક્ષિણની નદીઓ આજે પણ આપણા જ પર્વતોમાંથી નીકળે છે અને સાગરમાં વિલીન થાય છે. હિમાલય તો ન જાણે કેટલાય દેશોમાં વહેંચાયેલો છે. યાને આપણી સાંસ્કૃતિક અને પ્રાકૃતિક એકતા છિન્ન-ભિન્ન થઈ ગઈ છે. દુનિયાની ધરતી પર બનેલા અને વસેલા ભારતની આંતરિક અને બાહ્ય એકતા કંઈ ઓર જ હતી. આજે આપણે જે શક્તિપીઠ કહીએ છીએ તે તો સાંસ્કૃતિક ભારતના પર જિલ્લા હતા, જે ૧૨ જ્યોતિર્લિંગની ચર્ચા કરીએ છીએ તે આપણા પ્રાચીન ભારતનાં ૧૨ રાજ્ય હતાં. દેશને જોડવા માટે ચાર દિશાઓમાં ચાર કુંભમેળાનું આયોજન થતું હતું. આ સાંસ્કૃતિક અખંડતાની રક્ષા કરવા માટે તેઓએ નગર પણ એ જ રીતે બનાવ્યાં હતાં. અગર પૂર્વમાં રાંચી છે. તો પશ્ર્ચિમમાં કરાચી છે. ઉત્તરમાં મથુરા છે. તો દક્ષિણમાં મદુરાઈ... ઢાકા અને ધોળકા બંને એક જ અક્ષાંશ-રેખાંશ પર એકબીજાથી વિપરીત વસેલાં જોવા મળે છે. ભોપાલ અને નેપાલ, અટક અને કટક એવા પચાસ નગર ભારતના માનચિત્રમાં જોવા મળે છે. જેની પાસે જ્ઞાનની આંખો છે તેઓ એમ જ કહેશે કે આ સાંસ્કૃતિક ધારાથી જ તો દેશનું નિર્માણ થયું છે. એ ધરતીનો ટુકડો નથી, પરંતુ એક સંસ્કૃતિનું ધડકતું દિલ છે અને આ ધડકન ભારતની વિરાસત છે.
ભારતની સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત છે, એક સમય હતો કે સંપૂર્ણ દેશની એ ભાષા હતી. આ સંસ્કૃતને જ્યારે કૃતિમાં બદલ્યું ત્યારે તે શબ્દ સંસ્કૃતિ બની ગયો. એમાં એક નહીં અનેક વિચારધારાનો સંગમ છે. સંસ્કૃતમાંથી આવેલી દેવનાગરી લિપિ એ સૌથી વૈજ્ઞાનિક લિપિ છે.
ભારતની એક સૌથી મોટી વિરાસત શૂન્ય છે. જેના અભાવમાં ગણિત અસ્તિત્વહીન છે. ભારતીય પદ્ધતિ આધારિત કેલેન્ડર એટલું પરિપૂર્ણ છે કે એને કોઈ પડકાર નથી આપી શકતું. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની તારીખો કે મૌની અમાવસ્યાના સ્નાનની તારીખ વર્ષો પહેલાં બતાવાય છે. આયુર્વેદનો જન્મ અને એની સફળતા ભારતીય સંસ્કૃતિની વિરાસત છે. ચાર દિશાઓની ખોજ ભારતીય મનીષીઓની ભેટ છે. આજે મોરેશિયસ અને સૂર્યનામ જેવા આઠ દેશો છે, જ્યાં ભારતીય સંસ્કૃતિ ફૂલીફાલી છે. વિશ્ર્વના નકશા પર ભારતીય સંસ્કૃતિએ પગ જમાવ્યો છે એ હકીકત છે.