બોલો તમારે એક રૂપિયોય ખર્ચ કાર્ય વિના ખેતી કરવી છે
SadhanaWeekly.com       | ૦૭-ઓક્ટોબર-૨૦૧૬

 

મેરે દેશ કી ધરતી સોના ઉગલે...
ભારતમાં જૈવિક ખેતી અને શૂન્ય બજેટ ખેતીના વાવેતર
આપણામાં કહેવત છે કે, વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી મૂડી છે અને સ્વસ્થ જીવન સફળતાની ચાવી છે અને આ સ્વસ્થ જીવન જીવવા માટે જરૂર છે સ્વચ્છ અને સંતુલિત આહારની. માટે જ કહેવાયું છે કે જેવું અન્ન તેવું મન, પરંતુ શું આપણે આરોગેલું અન્ન ખરેખર પૌષ્ટિક છે ? જવાબ હામાં કોઈ જ નહીં આપી શકે. કારણ કે આજકાલ ખેતીમાં વધી રહેલાં રાસાયણિક ખાતરોને કારણે અનાજ, શાકભાજી ઝેરી બની ગઈ છે. તેના કારણે અનેક પ્રકારના રોગો થાય છે અને સ્વાસ્થ્ય જોખમાય છે. પણ આ સમસ્યાનો ઉકેલ પણ ભારતીય પરંપરામાં જ છે. પરંપરાગત જૈવિક ખેતી દ્વારા આપણે રાસાયણિક ખાતરોના ઉપયોગ વિના સ્વાસ્થ્યવર્ધક પાક મેળવી શકીએ છીએ. જૈવિક અને જીરો બજેટ ખેતી માટે ભારતભરમાં અનેક લોકો, સંસ્થાઓ સક્રિય પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં ભારતીય કિસાન સંઘનો મહત્ત્વનો ફાળો છે. તાજેતરમાં જ ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ ગુજરાત અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસની જીરો બજેટ ખેતી મહાશિબિર યોજાઈ ગઈ. પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ ગુજરાતનાં ખેડૂતોને જીરો બજેટ ખેતીનો મહિમા સમજાવી માર્ગદર્શન આપ્યું. પર્યાવરણ વિદ વંદના શીવા પણ જૈવિક ખેતી માટે કાર્યરત છે. તો આવો જાણીએ આપણી પરંપરાગત ખેતીનાં વાવેતર વિશે.


પ્રસંગ - ૧
મહારાષ્ષ્ટ્રનું નારાયણગાંવ. વસતિ હશે ચાલીસેક હજારની પણ જ્યાં જુઓ ત્યાં દવાની દુકાન, દવાખાનાં અને હૉસ્પિટલ. પુણે નજીક આવેલા નારાયણગાંવની બજારમાંથી પસાર થતા ખેડૂત સંતોષ નિંબાળકરે રસ્તાની એક તરફ દવાખાનાનાં પાટિયાં ને બીજી તરફ રાસાયણિક ખાતર-કીટનાશકની દુકાનોની લંગાર દેખાડે છે.
સંતોષ નિંબાળકરને જો કે એ દુકાન-દવાખાનામાં જવાની જ‚ર પડતી નથી, કારણ કે એમણે વર્ષોથી જીરો બજેટ નેચરલ ફાર્મિંગ પદ્ધતિ અપનાવી છે એટલે વિષમુક્ત, પોષણક્ષમ અનાજ-ભાજીપાલો એ એમના ખેતરમાં જ ઉગાડે છે. પોતાની આ સફર વિશે સંતોષ નિંબાળકર કહે છે : ‘બાપ-દાદાની ખેતી હતી, પણ હું રેસ્ટોરાંના બિઝનેસમાં હતો. આજુબાજુના ગામેથી ખેડૂતો મોટરસાઈકલ પર પસાર થતા ત્યારે મારી રેસ્ટોરાઁએ પોરો ખાવા ઊભા રહેતા. એમને પૂછીએ : ક્યાં ચાલ્યા ? તો એક જ જવાબ મળે : હૉસ્પિટલમાં જઈએ છીએ. કોઈ પોતાના ચેકિંગ માટે જાય તો કોઈ સગાંવહાલાની ખબર કાઢવા જાય. મને થયું કે આ ખોટું થઈ રહ્યું છે. રાસાયણિક વિષવાળો ખોરાક આપણો જીવ લઈ રહ્યો છે.
સાલ હતી ૨૦૦૦ની. સુભાષ પાલેકરની કૃષિ શિબિરોની એ શરૂઆત હતી. સંતોષ નિંબાળકરે પણ એવી એક શિબિર યોજી અને પછી એ ખેતીવાડી પ્રત્યે ગંભીર બન્યા. ખેતરમાં ટ્રક ભરીને રાસાયણિક ખાતર પડ્યું હતું. એને જમીનમાં ધરાર ન નાખ્યું. જો કે સતત ચાર વર્ષ એ રસાયણવિહોણી ખેતીમાં સાવ નિષ્ફળ રહ્યા, કારણ કે એમના હાઈબ્રિડ બિયારણને નૈસર્ગિક પદ્ધતિ માફક ન આવી.
સંતોષ નિંબાળકર કહે છે : ‘પાંચેક વર્ષ નકામાં ગયાં. સમાજે હાંસી ઉડાવી, પણ હું ડગ્યો નહીં. મેં દેશી બિયારણથી જ ખેતી કરવા માંડી. જીવામૃત-બીજામૃત તો માત્ર બે જ વર્ષ આપ્યાં ને જમીન એવી સમૃદ્ધ બની ગઈ કે હવે કંઈ કરવું પડતું નથી.’
આજે સંતોષ નિંબાળકર એમની ૧૨-૧૩ એકર જમીનમાં કોબી, ફ્લાવર, રીંગણાં, મરચાં, ભીંડા, ગુવાર, ચોળી, કલિંગર, મકાઈ, મગ, મોગરો વગેરે મિશ્ર પાક-આંતરપાકની પદ્ધતિએ લે છે. ખેતરના ઈંચેઈંચમાં સૂકા ઘાસનું આચ્છાદાન કરેલું હોવાથી નહીં ટ્રેક્ટર નહીં પાણીનો પમ્પ ને ટપક સિંચાઈની પણ આવશ્યકતા નહીં. પાણી ન હોય તો બે-ત્રણ મહિના ખેતી નહીં કરવાની.
રાસાયણિક ખેતીથી પાકતી શેરડી ૧૦૦ કિલોએ ૧૨ કિલો સાકર આપે, જ્યારે નિંબાળકરની શેરડી ૧૬-૧૭ કિલો આપે છે. નારાયણગાંવના બસસ્ટેન્ડ સામે એમણે રસાયણમુક્ત શેરડીનો સંચોય ચાલુ કર્યો છે. જ્યાં સતત ભીડ જામેલી હોય છે. ફાર્મ પર એમણે કૃષિ પર્યટન પણ શ‚ કર્યું છે. થોડા સમય પહેલાં એક જર્મન વિદ્યાર્થિની એ અહીં દોઢ મહિનો રહીને નૈસર્ગિક ખાદ્ય પદાર્થો શરીરને કેવું પોષણ આપે છે એના પર સંશોધન કરી ગઈ. આ ફાર્મ જોવા આવતા પર્યટકો જે ભાજીપાલો ખરીદી જાય અને બાકીની પેદાશ પુણેના બાંધેલા ગ્રાહકોને પહોંચાડવામાં આવે એટલે આ ખેડૂતને તો માર્કેટિંગનો ખર્ચ જ નથી.
સંતોષભાઉના ફાર્મમાં ઓછામાં ઓછામા પાંચસો વૃક્ષ છે. વીસ ગુંઠામાં એમણે છ વર્ષ પહેલાં ૫૦-૬૦ આંબા, એટલાં જ આમળાં અને ૮૦ સીતાફળ વાંકીચૂકી હરોળમાં સાડા સાત ફૂટના અંતરે વાવ્યાં હતાં. ત્રણ વર્ષથી પાણી પણ બંધ કર્યું છે, છતાં ભરપૂર ફાલ ઊતરે છે. ઉનાળામાં સીતાફળ સાવ સુકાઈ જાય, પણ સંતોષભાઉ એને સમાધિ અવસ્થા ગણે છે. આ વૃક્ષો ચોમાસામાં ફરી નવપલ્લવિત થઈને શિયાળામાં ફળ આપવા માંડે છે. અહીં એક એકર જમીનમાં ફક્ત વગડાનાં વૃક્ષ વાવવામાં આવ્યાં છે. હેતુ એટલો જ કે પક્ષીઓ ખાઈ-પીને ઘર બનાવે. એ જ રીતે ગામવાળાઓએ ત્યજી દીધેલી ગાયોને પણ આ ફાર્મમાં આશરો આપવામાં આવે છે.
દેશના ભૂતપૂર્વ કૃષિપ્રધાન શરદ પવારે એમને બારામતી મળવા બોલાવેલા અને ઝીરો બજેટ ફાર્મિંગ વિશે માહિતી મેળવેલી. સંતોષભાઉ ખેડૂતો માટે ઉત્પાદનથી વેચાણની તરકીબ શીખવવા માટે શિબિર પણ યોજે છે. નૈસર્ગિક ખેતીનું આ અત્યંત સફળ મોડેલ નજરે જોવા છતાં મહારાષ્ટ્રનો ખેડૂત રાસાયણિક ખેતી જલદી છોડતો નથી એનું કારણ જણાવતાં સંતોષ નિંબાળકર કહે છે કે એવી બાતમી પ્રસરે કે ફલાણા ખેડૂતને ફલાણા ખાતરથી વધુ પેદાશ મળી એટલે બધા એ ખાતર ખરીદવા દોડે. હડહડતાં જૂઠાણાં ને પદ્ધતિસરના પ્રચારથી સત્યકથન બનાવી દેવામાં આવે છે.
પ્રસંગ - ૨
સુરતથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કામરેજ ચાર રસ્તાથી થોડે જ આગળ વધીએ એટલે દાદા ભગવાનના મંદિરનું સંકુલ આવે. એની બાજુમાંથી એક રસ્તો નનસાડ નામના ગામ તરફ આગળ વધે. બન્ને તરફ માલેતુજારોને પોસાય એવાં નવાં બાંધકામોની ભરમાર છે. નનસાડની એક તરફ કહેવાતા વિકાસનાં બાંધકામ છે તો બીજી તરફ એકદમ સમૃદ્ધ ખેતી.
અહીં પટેલ ફળિયામાં રહેતા કુશલ સુરેશ પટેલ ગામના બીજા યુવાનોની જેમ અમેરિકા ગયા નહીં. એમણે વારસામાં મળેલા વાડી-વજીફાને સાવ નવી જ પદ્ધતિની ખેતીમાં તબદીલ કરી નાખ્યાં. કુશલભાઈએ અપનાવેલી ખેતી આમ તો શૂન્ય રોકાણ ખેતી કહેવાય, પરંતુ કુશલભાઈ જેવા અનેક એને પાલેકર પદ્ધતિની ખેતી તરીકે જ ઓળખે છે.
કુશલ પટેલ કહે છે કે ‘પાલેકર પદ્ધતિ અપનાવતાં પહેલાં જમીન અને પાકના વિજ્ઞાનની સમજ લેવી તથા એનું અર્થશાસ્ત્ર સમજવું જરૂરી છે. શેરડી ઉગાડતા ખેડૂતોને સામાન્ય રીતે એક વીઘામાં ૨૫,૦૦૦ ‚પિયા ખર્ચ થાય, પણ મને એ લગભગ અડધો એટલે કે ૧૨,૦૦૦ રૂપિયા થયેલો. મજાની વાત તો એ કે આ ખર્ચ મારા આંતરપાક મગ ને શણબીજમાંથી જ નીકળી ગયો એટલે ઉત્પાદનખર્ચ શૂન્ય થયો ને શેરડીની જે આવક થાય એ પૂરો નફો, આટલું અર્થશાસ્ત્ર સમજાઈ જાય તો અનેક ખેડૂત આ પદ્ધતિ તરફ વળશે. મને ઓળખતા જે શિક્ષિત ખેડૂત છે એમને પાલેકર પદ્ધતિનું આકર્ષણ થયું છે. મારા મિત્ર જિગર નાયકને ઘઉં અને ચોખામાં ખૂબ સારી સફળતા મળી છે. મંદરોઈ ગામનાં લતાબહેને પણ આ પદ્ધતિ અપનાવી છે. ખેડૂતોએ કેળાં, ચોખા, ઘઉં, આંબા-ચીકુની વાડીમાં પાલેકર પદ્ધતિનો અમલ કરવા માંડ્યો છે.
કુશલ પટેલના દાદા છોટુભાઈ પટેલ દેશી પદ્ધતિથી ખેતી કરતા પણ પિતા સુરેશભાઈએ રાસાયણિક ખેતી અપનાવેલી. કુશલભાઈ વારસામાં મળેલી બાવીસ એકર જમીનમાંથી નવ એકરમાં પાલેકર પદ્ધતિથી અને બાકીની ૧૩ એકરમાં પિતાની જેમ રાસાયણિક ખાતરથી ખેતી કરે છે. જો કે તબક્કાવાર તમામ જમીન પર પાલેકર પદ્ધતિથી જ ખેતી કરવાનું એમનું આયોજન છે.
કુશલ પટેલ કહે છે કે મને ગાય પાળવાનો પણ પહેલેથી શોખ. ઘરમાં ૩૫ વર્ષથી ગોબર ગેસ પ્લાન્ટ ચાલે છે. ખેતીમાં સતત ઉત્પાદન ખર્ચ વધતો જાય છે. આવક ઘટતી જાય છે એટલે હું વૈકલ્પિક ખેતીની દિશા શોધતો હતો. ઈન્ટરનેટથી મને પાલેકર પદ્ધતિની જાણ થઈ અને આકર્ષણ પણ થયું. અનુભવના આધારે હું કહું છું કે હવે આ ખેતી તરફ બધાએ વળવું જ પડશે. જમીન વધવાની નથી, પરંતુ વસતિ તો વધતી જ રહેવાની.
ઑગસ્ટ, ૨૦૧૫માં કુશલ પટેલે એમના મિત્રો પ્રવીણ સાવલિયા અને દિનેશ કલારિયાની સાથે મળીને પાલેકર સાહેબની એક શિબિર સુરત-કામરેજના દાદા ભગવાન મંદિર સંકુલમાં કરી હતી. ગુજરાતના બહુ ઓછા, પણ દેશભરમાંથી કુલ ૮૦૦ લોકો એમાં આવ્યા હતા. બસ, ત્યારથી કુશલ પટેલને ખેતી માટે નવી જ પ્રેરણા મળી.
શેરડીમાં પ્રયોગાત્મક સફળતા બીજા ખેડૂતોની સક્સેસ સ્ટોરી સાંભળીને એ હવે આગળ વધે છે. પોતાની નવ એકર જમીનમાં એ શેરડીનું જ ઉત્પાદન કરે છે. શેરડીનો એક પાક એમણે લણી લીધો છે. અત્યારે બીજો પાક ઊભો છે. શેરડીની વચ્ચે એમણે મગ અને શણબીજના પાક કર્યા છે. મૂળ પાકની વચ્ચે આંતર પાક લેવો એ પાલેકર પદ્ધતિનો મૂળ પાઠ. જીવામૃતનો ઉપયોગ એમને ફળ્યો છે.
કુશલ પટેલના માર્ગદર્શનમાં બીજા પણ આ પદ્ધતિએ ખેતી કરતા થયા છે. દક્ષિણ ગુજરાતમાં પાણીની અછત નથી એટલે વૈકલ્પિક પદ્ધતિ અંગે લોકો વિચારતા નથી. તેમ છતાં ઉત્પાદન ખર્ચ શૂન્ય આવે. મજૂરની જ‚રિયાત ઘટે રોગ કે જીવાતનો ઉપદ્રવ ન હોય અને જે પાકે એ એકદમ શુદ્ધ ને સ્વાદ-સોડમવાળું હોય તો એ પદ્ધતિનું આકર્ષણ વહેલા-મોડું થાય ને થવાનું જ છે !
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અણોર ગામ પાલેકર પદ્ધતિનું મોડેલ બની જશે એવી તૈયારી થઈ રહી છે. ગામમાં પાલેકર પદ્ધતિ માટે પ્રયત્નશીલ એવા જયદીપસિંહ યાદવ કહે છે કે અમે ગામમાં ખેડૂતોને ૨૦ વાછરડી આપી છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને નૈસર્ગિક ખેતી અપનાવવાનું દરેકને સમજાવીએ છીએ. અણોરમાં ૧૦૦થી વધુ કૂવા છે એટલે ખેતીમાં સારા પરિણામની શક્યતા છે. અમે સમૂહ ખેતી-સમૂહ પશુપાલન પર કાર્ય કરીએ છીએ. એક વર્ષના પ્રયાસમાં લોકો સ્વીકારતા થયા છે. હવે બે વર્ષમાં અણોર ગામ ગોઆધારિત ખેતી અને શૂન્ય રોકાણ કૃષિપદ્ધતિવાળું મોડેલ ગામ બની જશે.
જીરો બજેટ ખેતીના સફળ કિસ્સા વાંચ્યા બાદ સૌના મનમાં એક પ્રશ્ર્ન જરૂર થશે કે, એક સમયે જમીનમાંથી ટૂંકાગાળામાં વધુમાં વધુ ઉત્પાદન મેળવી લેવા મથતો ભારતીય ખેડૂત હાલ કેમ પરંપરાગત સજીવ અને જીરો બજેટ જેવી ખેત પદ્ધતિ તરફ વળી રહ્યો છે. વધુ ઉત્પાદન લેવાની લ્હાયમાં પોતાની મા સમાન જમીનમાં એટલા ઝેરી તત્ત્વો ભરી દીધા છે કે, તેમાંથી ઉત્પન્ન થતું અન્ન પણ અન્ન ઓછું અને ઝેર વધારે થઈ ગયું છે. માધ્યમોમાં નીત-નીત તમે ખોરાકના નામે સાક્ષાત્ ઝેર આરોગી રહ્યા છો, તમે જે રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ પાક સંરક્ષણ અને સંવર્ધન માટે કરી રહ્યા છો તે તમારી જમીન અને પાકની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ સાક્ષાત્ ભક્ષક સાબિત થઈ રહ્યા છે જેવા ચેતવણી સભર અહેવાલો આવતા રહ્યાં છે ત્યારે ભારતીય કિસાન સંઘ જેવા સંગઠને ભારતના ખેડૂતોને પરંપરાગત, સજીવ જીરો બજેટ ખેતી તરફ વાળવા એક અભિયાન ચલાવ્યું છે.
ભારતની હરિત ક્રાંતિ
વાત ભારતની હરિત ક્રાંતિની. દેશ આઝાદ થયો ત્યારે દેશ ભયંકર ખાદ્યાન્ન કટોકટીનો સામનો કરી રહ્યો હતો. દર વર્ષે હજારો લોકો દુષ્કાળ અને ભૂખમરાનો કોળિયો બની જતા, ત્યારે આપણી સૌપ્રથમ જરૂરિયાત હતી દેશના અન્ન ભંડારોને છલોછલ કરવાની. આના માટે તત્કાલીન સરકાર દ્વારા ૧૯૫૦થી ૬૫ વચ્ચે અનેક કદમ ઉઠાવવામાં આવ્યાં. આમ છતાં વિદેશોમાંથી અનાજ આયાતની માત્રા સતત વધતી જ જતી હતી. પરિસ્થિતિ એ હતી કે સરકારે અમેરિકા જેવા દેશો પાસેથી અનાજ ઉધારમાં લેવું પડતું. ભારતની આ મજબૂરીનો લાભ અમેરિકા સહિત વિદેશી તાકાતોએ ઉઠાવ્યો અને કહ્યું, ક્યાં સુધી તમે આમ અમારી જોડે ઝોળી ફેલાવ્યા કરશો. તમારી પાસે જમીન છે, પાણી છે તો તમારા જ દેશમાં અનાજ પેદા કરો. બીજ અમે આપીશું, આ બીજ આવવાથી ભારતમાં ઉત્પાદન મબલખ થયું. ધીરે ધીરે ભારત આયાતકારની હરોળમાંથી નિકાસકારની પંગતમાં આવી ગયું, પરંતુ એ વિકાસની પાછળ પાછળ અનેક દૂષણો પણ પ્રવેશ્યાં. હરિતક્રાંતિથી રાસાયણિક ખાતર, કીટનાશકો અને પાણીની વધુ ખટપટ થવા લાગી. વધુ ને વધુ ઉત્પાદન મેળવનાર આપણા ખેડૂતને બિચારાને ખબર પણ ન પડી કે તે ક્યારે બરબાદીના આરે પહોંચી ગયો. આમ ખેડૂત અને જમીન વચ્ચે સદીઓથી જે મા-પુત્રનો સંબંધ ચાલ્યો આવતો હતો તે લાલચની ભેટ ચડી ગયો. આપણા દેશમાં હરિતક્રાંતિના નામે રાસાયણિક ખાતરો, કીટનાશક દવાઓ, હાઈબ્રિડ બિયારણ અને હદ વગરના ભૂગર્ભજળના ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદનક્ષમતામાં સતત ઓટ આવી રહી છે. પાક બરબાદ થઈ રહ્યા છે. જમીનો બંજર થઈ રહી છે. નિરંતર વધી રહેલ ખર્ચ અને બજાર પર નિર્ભરતાને કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે જરૂર છે આપણી પરંપરાગત પદ્ધતિ તરફ વળવાની. હાલ આપણો ખેડૂત સજીવ ખેતી અને જીરો બજેટ ખેતી તરફ વળી રહ્યો છે. સૌ પ્રથમ વાત ઝીરો બજેટ ખેતીની.

જીરો બજેટ ખેતી
કુદરતી ખેતીની સાથે સાથે આપણે ત્યાં હવે જીરો ‘બજેટ ખેતી’ શબ્દ પણ ક્યારેક ક્યારેક કાને અથડાય છે. જીરો બજેટનો અર્થ ચાહે કોઈપણ અન્ય પાક હોય કે પછી બગાયતી પાક તેનો ઉત્પાદન ખર્ચ સાવ શૂન્ય આવે છે. આ ખેતીમાં મુખ્ય પાકની સાથે સાથે આડ પાક તરીકે અન્ય પાકની ખેતી પણ કરવામાં આવે છે, જેના ઉત્પાદનમાંથી મુખ્ય પાકનો ઉત્પાદન ખર્ચો કાઢી લેવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં ખેતી માટે જરૂરી તમામ સંસાધનો ઘરમાં જ બનાવવામાં આવે છે.
ગુજરાતના ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ ગુજરાત અને ગુજરાત કૃષિવિભાગના સંયુક્ત ઉપક્રમે સતત પાંચ દિવસ સુધી જીરો બજેટ આધ્યાત્મિક મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ વર્તમાન સમયમાં જીરો બજેટ ખેતીની જરૂરિયાત પર મંથન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી મા. શ્રી સુભાષ પાલેકરજીએ જીરો બજેટ ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી સુભાષ પાલેકરજી જીરો બજેટ ફાર્મિંગના પ્રણેતા છે. મહારાષ્ટ્રના અમરાવતીના આ અનોખા ખેડૂતે ‘જીરો બજેટ નેચરલ ફાર્મિંગ’ ટેકનિકથી દેશના પચાસ લાખ જેટલા ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યા છે. તેઓ છેલ્લા ૧૬ વર્ષમાં આખા દેશમાં જીરો બજેટ નેચરલ ફાર્મિંગની ૨૦૦૦થી પણ વધુ શિબિરો યોજી ચૂક્યાં છે. મજાની વાત એ છે કે, તેમની શિબિરોમાં ૯૮ ટકા લોકો ૨૫ વર્ષથી ઓછી ઉંમરના આવે છે.
જીરો બજેટ ખેતી અંગે માર્ગદર્શન આપતાં પાલેકરજીએ જણાવ્યું હતું કે, જીરો બજેટ આધ્યાત્મિક ખેતીએ સજીવ ખેતીથી ભિન્ન છે. પુરાતન નથી. અત્યાધુનિક કૃષિ પદ્ધતિ છે. જીરો બજેટ આધ્યાત્મિક ખેતીમાં ૧ ગી૨ અથવા ૧ કાંક૨ેજ ગાયથી પ૦ વીઘાં (૩૦) એક૨ જમીનમાં ખેતી પિયત કે બિનપિયત હોય તો પણ થઈ શકે છે. આ પદ્ધતિમાં કંમ્પોસ્ટ નથી, વર્મી કમ્પોસ્ટ નથી. રાસા. ખાત૨ નથી, સજીવ ખાત૨ નથી, જંતુનાશક દવા પણ નથી અને બાગાયત અને શે૨ડીમાં ખેડ પણ નહીં તેમ છતાં આ પદ્ધતિથી ઉત્પાદન રાસાયણિક અને સજીવ ખેતીથી વધુ મળે છે. પ્રથમ વર્ષે જ પિ૨ણામ મળે છે.
આ પદ્ધતિથી ૧૦% પાણી અને ૧૦% વીજળીની જ‚ર પડે છે. તેથી ૯૦% પાણી અને વીજ બચત થાય છે. જીરો બજેટ આધ્યાત્મિક ખેતીએ પર્યાવ૨ણ પૂ૨ક, ઉત્પાદન ખર્ચ, શૂન્ય, ઝે૨મુક્ત, પોષણમૂલ્યોથી સંતૃપ્ત અને ઔષધી છે. બજા૨માં ખરીદના૨ ડબલ ભાવો આપે છે. વૈશ્ર્વિક તાપવૃદ્ધિ અને જલવાયુ પિ૨વર્તન વધા૨વાવાળા ગ્રીન હાઉસ ગ્રેસીસનું ઉત્સર્જન સૈાથી વધુ સજીવ અને રાસાયણિક ખેતી દ્વારા થાય છે. આ પદ્ધતિમાં બિલકુલ ઉત્સર્જન થતું નથી, કા૨ણ કે ઉત્સર્જન ક૨વાવાળા ખાત૨ ઉપયોગમાં લેતા નથી.
વધતી જતી જનસંખ્યા - ઘટતી જતી જમીન અને ખાદ્યાન્નની વધતી જતી માંગની આપૂર્તિ ક૨વાના ઉદ્દેશની પૂર્તિ કરી શકાતી નથી.
જીરો બજેટ આધ્યાત્મિક ખેતી દ્વારા ઉત્પાદન વધે છે. તો જે આપણે આયાત કરી રહ્યા છીએ તે દાળ-ખાદ્યતેલોની પણ જરૂ૨ નહીં પડે, વૈશ્ર્વિકરણની પિ૨સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારને મુઠ્ઠીમાં લેવાનું છે. ત્યા૨ે ઓછામાં ઓછું ઉત્પાદન ખર્ચ અને ઉચ્ચ ગુણવત્તા જરૂરી બને છે. રાસાયણિક ખેતી ખર્ચ બહુ વધા૨ે આવે છે અને ગુણવત્તા પણ નથી - ખાદ્યાન્ન ઝેરીલા છે અને દુનિયાના કોઈ પણ ગ્રાહકો આ ખાઈને મ૨વા નથી માંગતા અને નિકાસ કરી શકતા નથી પણ જીરો બજેટ આધ્યાત્મિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ શૂન્ય અને વિષમુક્ત છે. પોષણક્ષમ મૂલ્યોથી સંતૃપ્ત છે અને જીવલેણ બીમારીથી બચાવે છે. આખી દુનિયામાં તેની માંગ છે. તો આંત૨રાષ્ટ્રીય પ્રતિર્સ્પધામાં ઓછી કિંમત રાખીને પણ દુનિયાને જીતી શકીએ છીએ.
શંક૨બીજ, જી. એમ. બીજ, રાસાયણિક ખાત૨, જંતુનાશક દવાઓ, નિયંત્રણ નાશકો, ટ્રેકટ૨, ઓજા૨ અને વિદેશી કૃષિ ટેકનોલોજી દ્વારા દેશના લાખો - કરોડો રૂપિયા દેશની બહા૨ જઈ રહ્યા છે અને આપણા દેશની અર્થવ્યવસ્થા બ૨બાદ થઈ ૨હી છે.
દેશમાં આજ સુધી લાખો આત્મહત્યાઓ થઈ ૨હી છે, પરંતુ જીરો બજેટ આધ્યાત્મિક ખેતી ક૨તા એક પણ ખેડૂતે આત્મહત્યા કરી નથી. જો આ રોકવું હોય તો જીરો બજેટ આધ્યાત્મિક ખેતી એ જ એક માત્ર વિકલ્પ છે.
જીરો બજેટ આધ્યાત્મિક ખેતી આંદોલન માત્ર ખેડૂતો નથી શહેરી ગ્રાહકોનું પણ છે. કા૨ણ કે આપણે તેમને ઝે૨મુક્ત ખાત૨ આપીને, પ્રદૂષણમુક્ત પાણી - પર્યાવ૨ણ આપીને જીવંત રાખે છે, જેથી સંયુક્ત આંદોલનના રૂપમાં પણ જોવું જોઈએ.

 


શું જૈવિક ખેતી ભારતનું ભવિષ્ય બની શકે છે ?
ખેતરમાં વધુ ઝાડ વાવો
કુદરતી ખેતીમાં ઝાડવાંઓનું ખૂબ જ મહત્ત્વ છે. ખેતરમાં ઉગાડેલાં ઝાડ માત્ર લાકડું કે ફળ જ નથી આપતાં, આ ઝાડનાં પાંદડાંનો ઉપયોગ ખેતરમાંના પાકને ખોરાક પૂરો પાડવા માટે પણ થઈ શકે છે. જરૂરી છે જલદીથી વિકસતા અને નાઇટ્રોજન પૂરો પાડતાં વૃક્ષો વાવવાની. જો કે ખેતરમાં કે વાડીમાં એક જ પ્રકારનાં વૃક્ષો ન વાવતાં તેમાં વિવિધતા રાખવી જોઈએ. એક વીઘામાં ૬થી વધારે પ્રકારનાં વૃક્ષો ન વાવવાં જોઈએ અને જો ખેતરની વચ્ચોવચ વૃક્ષ હોય તો તે સાત કે આઠ ફૂટથી ઊંચું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ખેતરમાં ઊગેલ ઝાડ નીચે ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે તેવાં કોથમીર, પપૈયું, ફુદીનો, મગફળી, વેલમાં ઊગે તેવાં શાકભાજી ઊગાડવાં જોઈએ. આમ કરવાથી જૈવ વૈવિધ્યતા વધારવામાં સહાયતા મળશે.
કુદરતી ખેતીનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે માટીની ગુણવતા વધારવી (એટલે કે સૂક્ષ્મ જીવાણુઓની માત્રા) એ જમીનની ઉત્પાદકતા વધારવા માટેનું મુખ્ય અંગ છે.
સૂક્ષ્મ જીવાણુઓ જે હવા, બાયોમાસ (કૃષિ અવશેષ, પાંદ, વનસ્પતિ વગેરે)માં પ્રાકૃતિક રૂપ ઉપલબ્ધ પોષક તત્ત્વોને ઝાડ, પાકના ઉપયોગ લાયક બનાવે છે જેથી જમીનની ઉત્પાદકતા વધે છે અને જમીનની ઉત્પાદકતા વધારવા માટે રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ સદંતર જ બંધ.
દ દ દ
ખેતર કે વાડીનો કચરો (કૃષિ અવશેષ, પાંદ, વનસ્પતિ વગેરે) ખેતર કે વાડીમાં જ. તે આપની જમીન બહાર ન જવો જોઈએ અને તેને બાળવો તો નહીં જ. આ કચરાનો ઉપયોગ જમીન ઢાંકવા એટલે કે તડકાથી બચાવવા કરવો જેથી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે. શરૂઆતનાં વર્ષોમાં પાંજરાપોળ કે ગૌશાળામાંથી ગાયનું છાણ લાવીને નાખવું.
તમે બીજા ખેડૂતોના ખેતરમાંથી પણ કચરો લાવી નાખી શકો. આખા ખેતરમાં ત્રણેક ઈંચની બાયોમાસની પરત બની જાય તો બહુ જ સરસ પણ કોઈ ઉતાવળ કરવી નહીં. સમય એનું કામ કરશે અને તમે તમારું. આ પરત બનવાથી ઘણા ફાયદા થાય છે.
હ વધારે વરસાદ, તોફાન કે વાવાઝોડામાં થતું જમીનનું ધોવાણ અટકાવી શકાય છે
હ જમીનના પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે.
હ સૂક્ષ્મ જીવાણુઓ માટે યોગ્ય વાતાવરણ બન્યું રહે છે જેથી તેની સંખ્યા વધે છે, આ પરત સૂક્ષ્મ જીવાણુઓનો ખોરાક બને છે અને છેલ્લે જમીનમાં ભળી જઈ તેને ઉપજાઉ બનાવે છે.

એક જ પ્રકારનો પાક ન લેતાં જુદા જુદા પ્રકારનો પાક એક જ સમયે વાવવો જોઈએ.
દા.ત ત્રણ એકરનું ખેતર હોય તો તેમાં દોઢ દોઢ એકરમાં બે અલગ અલગ પાક લઈ શકાય અથવા તો એક જ પાકની અલગ અલગ જાત વાવવી જોઈએ.
આમ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જીવાત પર નિયંત્રણ લાગે છે.
સમયચક્ર સાથે તાલમેલ સાધી ખેડૂતે બે કે તેથી વધુ પાક એક જ સમયે ઉગાડવો જોઈએ.
જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી તો દરેક ખેતરમાં બે દાણા વાળો (એટલે કે ફળીવળો) અને કપાસ, ઘઉં, ચોળા (જેવા એક દાણાવાળો પાક વાવવો જોઈએ.)
ફળીવાળી (એટલે કે બે દાણાવાળી) ફસલ જમીનને પૂરતો નાઇટ્રોજન પૂરો પાડે છે. દર વખતે એક જ જાતનો કપાસ ન વાવતાં જુદા જુદા પ્રકારની જાતનો પ્રયોગ કરવો જોઈએ.

એક પહેલ કુદરતી ખેતી તરફ
ધ્યાન રાખવું અન કોશિશ કરવી કે જમીન સાવ ખુલ્લી ન રહે. આના માટે અલગ અલગ સમય પર ઉગાડી અને લણી શકાય તેવા પાક ઉગાડવા જોઈએ.
એટલે કે જમીન પર કાંઈક ને કાંઈક ઊગેલું જ ખપે જેથી જમીન પર સીધો તડકો ન લાગે.
ખેતરમાં સતત પાક ઊગેલો રહેવાથી સૂરજની ગરમી જે શક્તિનો અથાગ સ્રોત છે તે પાક મેળવી લે છે અને જમીનના પાણીનું બાષ્પીભવન પણ ઓછું થાય છે અને સૂક્ષ્મ જીવાણુઓને યોગ્ય વાતાવરણ મળી રહે છે અને તેમની સતત વૃદ્ધિ થતી રહે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે.