ભારતમાં આતંકવાદને આમંત્રણ કોણ આપી રહ્યું છે ?
SadhanaWeekly.com       | ૦૭-ઓક્ટોબર-૨૦૧૬


ઇસ્લામિક બેંક : આતંકને આમંત્રણ !
ભારતમાં ઇસ્લામિક બેંકનાં પડઘમ સંભળાઈ રહ્યાં છે, ત્યારે કેટલાંક રાષ્ટ્રવાદી સંગઠનો આ બેંકનો પુરજોશ વિરોધ કરી રહ્યાં છે. ત્યારે વિશ્ર્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈન આ બેંકનાં ભયસ્થાનોની ચર્ચા કરે છે તેમના આ લેખમાં...

આતંકનું જન્મદાતા સઉદી અરબ હવે ભારતમાં ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક ખોલવા જઈ રહ્યું છે. આપણે ત્યાં હમણાં સમાન આચારસંહિતાની વાતો ચાલી રહી છે. તમામ લોકોની આશા વર્તમાન કેન્દ્ર સરકાર સામે છે. તે તમામને ભારતમાં ઇસ્લામિક બેંક શરૂ કરવાના નિર્ણયથી ધક્કો જરૂર લાગ્યો છે.
વિશ્ર્વ હિન્દુ પરિષદ ઇસ્લામિક બેંક ગેરબંધારણીય અને ભારતની પંથનિરપેક્ષ પરંપરાની વિરુદ્ધ ભારતની અર્થવ્યવસ્થા માટે નુકસાનકારક ગણાવી આ બેંકનો વિરોધ કરી રહી છે. ભારતનું બંધારણ પંથનિરપેક્ષ છે અને એમાં પણ દેશની બેંકિંગ વ્યવસ્થા સંપૂર્ણપણે પંથનિરપેક્ષ જ હોવી જોઈએ, જ્યારે ઇસ્લામિક બેંક શરિયતના નિયમો મુજબ ચાલે છે અને વિશ્ર્વના સભ્ય સમાજો શરિયતનો વિરોધ કરે છે. આપણે ત્યાં પણ શરિયતને લઈ અનેક વિવાદો થઈ ચૂક્યા છે. પરિણામે આ બેંક જો અસ્તિત્વમાં આવી તો વિવાદ વધુ વકરશે. શરિયત બેંક બાદ, દેશમાં જૈન બેંક, પારસી બેંક, બૌદ્ધ બેંકની સ્થાપનાની માગ થશે તો દેશની હાલત શું થશે ? તેનું અનુમાન લગાવવું અઘરું નથી.
ભારતમાં ઇસ્લામિક બેંક સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ નથી. આ અગાઉ કેરળમાં પણ આ પ્રકારનો પ્રયાસ થયો હતો, તે સમયે પણ દેશનાં તમામ રાષ્ટ્રવાદી સંગઠનોએ એનો વિરોધ કર્યો હતો. ખુદ સર્વોચ્ચ ન્યાયલયે પણ એ વખતે તેને ગેરબંધારણીય ગણાવ્યો હતો. ભારતમાં કોઈ પણ બેંકનું સંચાલન ચાર અધિનિયમો મુજબ થાય છે. આર.બી.આઈ. એક્ટ ૧૯૩૪, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૯૮૧, સહકારિતા સમિતિ અધિનિયમ ૧૯૬૧. આ તમામેતમામ અધિનિયમો ઇસ્લામિક બેંકની પરવાનગી આપતા નથી. આરબીઆઇ એક્ટ અને બેંકિગ રેગ્યુલેશન એક્ટના ફેરફાર કર્યા વગર ઇસ્લામિક બેંકને પરવાનગી મળી શકે નહીં. બેંકને ન તો સ્થાયી સંપત્તિ ખરીદવાનો કે વેચવાનો અધિકાર છે કે ન તો નફા-નુકસાનને ગ્રાહકો સાથે વહેંચવાનો અધિકાર છે. વ્યાજ આપવું અને લેવું બેંકોની આવકના મુખ્ય સ્રોત છે.
આ સિવાય રિઝર્વ બેંક સાથે બાકીની બેંકોને સીઆરઆર (કેશ રિઝર્વ રેશિયો) (સ્ટેટરી લિક્વિડ રેશિયો) ‘એસએલઆર’ રૂપે રાશિ જમા રાખવી પડે છે, જેનું તેમને વ્યાજ મળે છે.
ઇસ્લામિક બેંક આ રાશિ જમા રાખતી નથી. એટલે સ્પષ્ટ છે કે તેના પર રિઝર્વ બેંકનું નિયંત્રણ નહીં હોય. ઇસ્લામિક બેંકો અન્ય બેંક સાથે સંબંધ ન રાખી શકે, કારણ કે અન્ય બેંક વ્યાજ લે છે અને આપે પણ છે. આમ ઇસ્લામિક બેંક અનિયમંત્રિત હોવાની સાથે સાથે અન્ય બેંકોની આવક માટે પણ ખતરારૂપ સાબિત થશે.
૨૦૦૮માં રઘુરામ રાજને વિત્ત મંત્રાલયના સલાહકારરૂપે ઇસ્લામિક બેંકની વકીલાત કરી હતી. ત્યારે તત્કાલીન આરબીઆઇ ગવર્નર સુબ્બારાવે આજ તર્કો આપી તેનો વિરોધ કર્યો હતો. ઇસ્લામિક બેંક ધર્માંતરણને પણ પ્રોત્સાહન આપશે. આ બેંકો બિનમુસ્લિમને લોન આપતી નથી. માટે બેંક મેનેજર કોઈ વ્યક્તિને એમ પણ કહી શકે છે કે લોન જોઈતી હોય તો મુસલમાન બની જાઓ. આમ પણ ભારતમાં પહેલેથી જ ધર્માતરણે વિકૃત રૂપ ધારણ કર્યંુ છે ત્યારે ઇસ્લામિક બેંક આ વિકૃતિને વધુ વકરાવશે.
ઇસ્લામિક બેંક શરિયતમાં પ્રતિબંધિત કાર્યો માટે લોન આપતી નથી. અન્ય ધર્મોની વાત છોડો, ઇસ્લામના જ કેટલાક પ્રગતિશીલ મુસ્લિમ દેશો આ બાબત સાથે સહમત નથી. કેટલાક ઉદારવાદી મુસ્લિમ દેશો વ્યાજને અપ્રત્યક્ષ માન્યતા પણ આપે છે. બીજું કે ઇસ્લામિક બેંક અનિયંત્રિત હોવાથી કોઈ વિવાદ ઊભો થતાં મુલ્લા-મૌલવીઓ જ તેના સમાધાનમાં કૂદી પડશે. પરિણામે વિવાદ ઉકેલવાને બદલે વધુ ગૂંચવાશે.
દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળે એ માટે રિઝર્વ બેંક કેટલીક પ્રાથમિકતાઓ નક્કી કરે છે અને તેને પ્રોત્સાહન આપવા માટે તમામ બેંકો બંધાયેલી છે, પરંતુ ઇસ્લામિક બેંક આ બંધનમાંથી મુક્ત છે. તેથી તે પોતાના ગ્રાહકો પાસેથી જકાત પણ વસૂલી શકે છે અને તેને ઇસ્લામના પ્રચાર-પ્રસાર માટે પણ વાપરી શકે છે અને એ જ તેની પ્રાથમિકતા રહેશે. આમ પણ ભારતમાં પહેલેથી જ વકફ બોર્ડોએ અવૈદ્ય રીતે અનેક મિલકતો પર કબજો જમાવી રાખ્યો છે. એ વકફ બોર્ડ ઇસ્લામિક બેંકો પાસેથી મનફાવે તેટલી સહાયતા મેળવશે. આમ આ બેંકોથી ઇસ્લામિક કટ્ટરતા તો ફેલાશે, સાથે સાથે હિન્દુઓને દબાવવાના નવા અવસર પણ પેદા થશે. બળજબરીપૂર્વકના ધર્માંતરણને પણ વેગ મળશે. ઇસ્લામિક બેંકોનો ઇતિહાસ રહ્યો છે કે તે આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાય કરે છે. ત્યારે ભારત જેવા આતંકવાદ પ્રભાવિત દેશ માટે ઇસ્લામિક બેંક સાક્ષાત્ અભિશાપ સાબિત થશે.
(લેખક- વિહિપના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી છે.)