કંઈક લઈ આવ
SadhanaWeekly.com       | ૨૫-નવેમ્બર-૨૦૧૬


એક હતા શેઠ. નાનકડા શહેરના બજારમાં એમની દુકાન. એમને એક નોકરની જરૂર પડે. તે માટે તેઓ પંદર-સત્તર વર્ષના કિશોરને રાખે. તેને નોકરીએ રાખતાં પહેલાં કહે, "જો છોકરા ! સાંભળ, તું બીજે નોકરી કરવા જઈશ તો તને એક હજાર રૂપિયાથી કોઈ વધારે પગાર નહીં આપે. પણ હું તને પંદરસો રૂપિયા આપીશ. કેટલા ? એક હજારની ઉપર પાંચસો બીજા. સમજ્યો ?
આવું સાંભળી કયો બેકાર છોકરો ન હરખાય ? ને પછી આગળ કહે - "પણ... મારી એક શરત રહેશે. હં... ગભરાઈશ નહીં. તારી પાસેથી કંઈ લઈ લેવાનું નથી. ને શરત બહુ અઘરી નથી. તારે હું બતાવું એ બધુંં કામ કરવાનું. કામને ? ભૈ દુકાનનું જ કામ. કંઈક લાવવાનું, મૂકવાનું... સમજ્યો ? પણ જો તું મારું એકાદું ય કામ ન કરી શકે તો તને પગાર ના મળે. સમજી ગયો ?
આમ કહેવામાં શેઠની લુચ્ચાઈ હતી, પરંતુ પંદરેક વરસનો છોકરો ક્યાંથી સમજી શકે ?
પછી શેઠ આગળ કહે, "ને સાંભળ, રોજ આઠ જ કલાક કામ કરવાનું. નિયમ મુજબ જ હોં. ને મહિનાની આખર તારીખે પગાર ગજવામાં ઘાલીને ઘેર જવાનું. સમજ્યો?
બાલદોસ્તો, આ શેઠ દર મહિને કોઈને એક રૂપિયોય પગાર આપતા ન હતા. તમને થશે કે શેઠ નોકરને કેવી રીતે ઉલ્લુ બનાવતા હશે ?
તો સાંભળો એ વાત. છેલ્લા દિવસે નોકરને બોલાવે. તેના હાથમાં દસની નોટ પકડાવી કહે, "જો, આજે તારો પગાર કરી દેવાનો. એક કામ કર. લે આ દસ ‚પિયા. બજારમાં જા ને કંઈક લઈ આવ.
છોકરો ભોળાભાવે પૂછતો, "શેઠ સા’બ, કંઈક એટલે શું ?
શેઠ હસીને કહેતા : "બસ, કંઈક લઈ આવ. કંઈક એટલે કંઈક.
ને છોકરો દસની નોટ લઈ બજારમાં નીકળી પડે. દુકાને દુકાને ફરી કહેતો જાય. ‘મને કંઈક આપો.’ દુકાનદાર પૂછે : પણ કંઈ એટલે શું ? ને છોકરો વીલું મોં કરી આગળ વધે. ને બે કલાક બાદ તે નિરાશ થઈ દુકાને આવી કહે, "શેઠ સા’બ, કંઈક ના મળ્યું.
ને શેઠ લુચ્ચું હસી તેના હાથમાંથી દસની નોટ પાછી લઈ કહે, "તેં આજે મારું આ કામ ના કર્યું એટલે હવે તને પગાર ના મળે.
છોકરો બહુ કરગરે તોય ના માને. ને છોકરો બિચારો રડતો રડતો ઘેર જાય. બીજા દિવસથી નવો છોકરો લઈ આવે. ફરી એની સાથે એવી જ છેતરપિંડી. શેઠને દર મહિને આવા ગરજવાન નોકરો મળી રહે. કામ થાય ને પગાર બચે.
એક વાર બાલુ નામનો નમાયો છોકરો આવ્યો. શેઠે તેને નોકરીએ રાખ્યો. અગાઉ છૂટો થઈ ગયેલ એક છોકરો એકવાર તેને બજારમાં ભેટી ગયો. તેણે શેઠની ચાલાકીની વાત કરી. બાલુ બધું સમજી ગયો. તે વિચારવા લાગ્યો કે આ શેઠને મારે પાઠ ભણાવવો પડશે.
બાલુ હોશિયાર હતો. વિચાર કરતાં એને એવો ઉપાય જડી પણ ગયો.
છેલ્લા દિવસે શેઠે તેને એ જ રીતે બોલાવ્યો. દસની નોટ આપી કહ્યું, "લે બાલુ, આ દસ રૂપિયા ને કંઈક લઈ આવ.
બાલુ કશીય દલીલ કર્યા વગર ઊપડી ગયો. આ જોઈ શેઠને નવાઈ લાગી. તેમને ચિંતા પેઠી કે બાલુ મારી દસની નોટ લઈ ભાગી ન જાય.
બાલુએ પાંચ ‚પિયાની કાળા રંગની નાની માટલી લીધી. ઘરે જઈ ચીપિયો ને કોદાળી લીધાં. ગજવામાં ‚માલ તો હતો જ. નગર બહાર ઝાડી હતી ત્યાં ગયો. ઝાડીમાંથી કોદાળી વડે અવાવરું જગ્યાએ ખોદ્યું. તેમાંથી વીંછી નીકળ્યો. ચીપિયા વડે પકડી તેને માટલીમાં નાખ્યો. ઉપર ‚માલ બાંધી દીધો. ઘેર જઈ કોદાળી ને ચીપિયો મૂકી, માટલી લઈ દુકાને ગયો ને બોલ્યો, "શેઠ સા’બ લો, આ તમારું કંઈક લઈ આવ્યો.
આમ કહી બાલુએ માટલી શેઠની ગાદી પાસે મૂકી. શેઠને નવાઈ લાગી. અન્ય છોકરા કરતાં બાલુ એમને અલગ લાગ્યો. તે કહે, ‘અલ્યા, આમાં શું છે ?’
"તમે જે મંગાવ્યું છે ને એ. જરા ખોલીને જોઈ લ્યો.
ને કુતૂહલવૃત્તિથી શેઠે દોરી છોડી. ‚માલ આઘો કરી અંદર હાથ નાંખ્યો ને ક્યારનો ધૂંઆપૂંઆ થયેલ વીંછીએ શેઠને આંગળીએ ડંખ દીધો. શેઠે ચીસ પાડી હાથ પાછો ખેંચી લીધો. ‘ઓય... મા ! મને કંઈક કરડ્યું.’
ને તરત બાલુ બોલ્યો : ‘હં.. તમે કંઈક મંગાવ્યું. હું કંઈક લાવ્યો ને એ કંઈક તમને કરડ્યું. તમે બતાવેલું કામ પૂરું થયું. હવે લાવો મારો પગાર.’
બાળદોસ્તો, બાલુ વીંછી લેવા જતાં પહેલાં અગાઉ જેમના પગાર બાકી હતા તે છોકરાઓને દુકાને આવવાનું કહી આવ્યો હતો. પોલીસ થાણે જઈ ફરિયાદ પણ નોંધાવી આવેલો. પોલીસ પણ છુપાઈને આ બધો ખેલ જોતી હતી.
શેઠ બરાબરના ફસાયા. દવાખાને જતા પહેલાં બાલુ અને બાકીના તમામને શેઠે પગાર ચૂકવવો પડ્યો.
બોલો, બાલુએ કેવી ચતુરાઈ વાપરી !