રવિન્દ્ર જાડેજાએ બૂટ પર રાજપૂત કેમ લખ્યું ?
SadhanaWeekly.com       | ૨૮-નવેમ્બર-૨૦૧૬


 

જાડેજાભાઈ… એ તુમને ક્યાં કિયા…? સર રવિન્દ્ર જાડેજા…ગુજરાતનું ક્રિકેટ ગૌરવ. હાલ આ ભાઇ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાય રહેલી ટેસ્ટ મેચમાં ફૂલ ફોર્મમાં છે. આ ફોર્મ લાગે છે. તેમના મનમાં ઘર કરી ગયું છે. હમણાં જ તેમણે 90 રન બનાવ્યા અને ટીમને સારી સ્થિતિ સુધી પહોંચાડી, તેમની રન મારવાની સ્ટાઈલ જોઈ મેદાનના કેમેરા પણ જાડેજા ઉપર જ હતા, પણ એક વાર કેમેરાની નજર જાડેજાના ફૂટવર્ક પર ગઈ અને દુનિયાને એવું જોવા મળ્યું જે ક્યારેય કોઈને જોવા નહીં મળ્યું હોય…

આ જાડેજાભાઈએ બૂટ પર “રાજપૂત” લખાવડાવ્યું છે. ભાઈ જાડેજા આ દ્વારા શું સંદેશો પાઠવવા માગે છે… શું તેમને રાજપૂત હોવા પર ગર્વ છે?  ફેસબૂક પર પણ #royalrajput નો તેઓ દરેકવાર ઉપયોગ કરે છે. ઠીક છે સારી વાત છે, પરંતુ તમે જ્યારે વિશ્ર્વમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા હો તો આવું પ્રદર્શન કરવું શું યોગ્ય ગણાય ? આજે દેશમાં જ્યારે જાતિવાદને નાબૂદ કરવાની વાત ચર્ચાઈ રહી હોય ત્યારે જાડેજાનું આ રીતે પોતાના સમુદાયનું નામ બૂટ પર ચોટાડી તેનું પ્રદર્શન કરવું થોડું અયોગ્ય લાગે છે.

પોતાના લગ્નમાં જાડેજાએ તલવાર બાજી કરી પોતાની આવડત, રાજપૂતાના વટ બતાવ્યો. એમાં કંઈ અને કોઇને વાંધો પણ ન હોઈ શકે. તે વખતે તે તેમના પરિવારની વાત હતી, પણ આ દેશની વાત છે. અહીં આવું ન કર્યું હોત તો જાડેજાનું પર્ફોમન્સ વધારે ગૌરવશાળી બની ગયું હોત.

આશા રાખીએ જાડેજા પોતાના બૂટ પરથી આ લેબલ હવે હટાવી દેશે…ગુજરતને તમારા પર ગર્વ છે....એને ટકાવી રાખો...આ માટે સચિન તમારા આદર્શ બની શકે...