રામની પૂજા ન કરવા દીધી તો આ સમાજે શરીર આખામા રામ નામ લખાવી દીધુ
SadhanaWeekly.com       | ૦૧-ડિસેમ્બર-૨૦૧૬
રગ... રગમાં રામનામ

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જોનારની જ્યાં જ્યાં નજર ઠરે છે, ત્યાં વિવિધતાઓની યાદી ભરેલી હોય છે. વાત એક આવા જ વૈવિધ્યસભર સમાજની, પાછલાં ૧૦૦થી વધુ વર્ષોથી પોતાના પગથી માંડી માથા સુધીનાં અંગેઅંગમાં રામનામ ચીતરવાની પરંપરા નિભાવી રહ્યો છે.
છત્તીસગઢનો રામનામી સંપ્રદાય પોતાના સમગ્ર શરીર પર રામનામ ચિતરાવે છે. રામનામ લખેલાં કપડાં પહેરે છે. ઘરોની દીવાલો પર પણ રામનામ ચિતરાવે છે. આ સમાજના લોકો જ્યારે એકબીજાને મળે છે, ત્યારે પણ રામ-રામ કહીને જ એકબીજાનું અભિવાદન કરે છે. ત્યાં સુધી કે એકબીજાને રામનામથી જ બોલાવે છે, પરંતુ આશ્ર્ચર્ય થાય છે ત્યારે જ્યારે આપણને ખબર પડે છે કે પોતાના અંગેઅંગમાં રામનામ સમાવીને બેઠેલો આ સમાજ ન તો અયોધ્યાના રામને માને છે કે, ન મંદિરોમાં રાખેલી રામની પ્રતિમાઓને નમે છે. આ સમાજ કહે છે કે, અમારો રામ તો દરેક મનુષ્યમાં, વૃક્ષો, જીવ-જંતુ, પ્રાણી અને સમસ્ત પ્રકૃતિમાં સમાયેલો છે.


રામનામી સમાજે પોતાના સમગ્ર શરીર પર રામ-નામ શું કામ ચિતરાવી દીધું, કેમ તેઓએ મંદિરના રામનો બહિષ્કાર કર્યો તેની પાછળ એક દુ:ખદ ઘટના રહેલી છે. કહેવાય છે કે, ૧૦૦ વર્ષ પહેલાં કહેવાતા ઊંચીવરણના લોકોએ આ સમાજના લોકો પર રામ-મંદિરમાં પ્રવેશવા પર અને તેમના આરાધ્ય શ્રીરામથી તેમને દૂર કરી દીધા. સવર્ણોના આ હળાહળ અત્યાચારને કારણે આ લોકોમાં વિદ્રોહ ભડકી ઊઠ્યો. તેઓએ કહ્યું, તમે શું અમને મંદિરે આવતા રોકવાના, અમે જ તમારાં મંદિરો અને મૂર્તિઓનો બહિષ્કાર કરીએ છીએ. તમારાં મંદિરો અને તમારી મૂર્તિઓ તમને મુબારક, બાકી જગતની કોઈ તાકાત અમને અમારા રામથી દૂર નહીં કરી શકે. સવર્ણોને જોરદાર જવાબ આપવા આ સમુદાયના લોકોએ પોતાનાં ઘરો પર, કપડાં પર, ત્યાં સુધી કે પોતાના શરીરના પ્રત્યેક અંગ પર રામનામ ચીતરાવી દીધું.


આજે ભલે આ સંપ્રદાયમાં માનનારાઓની સંખ્યા વધારે ન હોય, પરંતુ છત્તીસગઢના ઝાંજગીર-ચાંપાના નાનકડા ગામ ચારપરાના પરશુરામ નામના દલિત યુવક દ્વારા ૧૮૯૦માં સ્થાપિત આ સમુદાય લોકો માટે કૌતૂહલ તો દંભી જાતિવાદીના ગાલ પર સણસણતા તમાચા સમાન બની ગયો છે.
રામનામી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મેહત્તરલાલ ટંડન કહે છે કે, અમારાં મંદિરો પર સવર્ણોએ છળ અને બળપૂર્વક કબજો કરી લીધો અને અમને અમારા રામથી દૂર કરવાની કોશિશ કરી. અમે મંદિરોમાં જવાનું છોડી દીધું. મંદિરો અને મૂર્તિઓ તેમને જ મુબારક, અમારે માટે તો કણકણમાં રામ વસેલો છે. પોતાના શરીર પર છૂંદાવેલ રામનામ બતાવતાં તે કહે છે કે, અમારા શરીરના કણકણમાં રામ વસી ગયા છે. હિમ્મત હોય તો કોઈ અમને અમારા રામથી દૂર કરી દેખાડે. મારા રામ, મારા મિત્રોમાં છે. મારા રામ મારા પરિવારજનોમાં છે. રામને શોધવા મારે મંદિરમાં જવાની જરૂર નથી.
નિર્ગુણ સંતોની આધ્યાત્મિક પરંપરામાં રચ્યો-પચ્યો રહેતો આ સમાજ માંસાહારને પાપ ગણે છે. તો નશા-વ્યસનોથી પણ દૂર છે. આ સમાજના મોટાભાગના લોકો ખેતી કરે છે અને બચેલા સમયમાં રામ-ભજનનો પ્રચાર. આ સંપ્રદાયમાં કોઈપણ ધર્મ, વર્ણ, લિંગ અને જાતિનો વ્યક્તિ દીક્ષિત થઈ શકે છે. રહન-સહન અને વાતચીતમાં વધુ ને વધુ રામનામનો ઉપયોગ કરતા. આ રામનામીઓ માટે શરીર પર રામનામ છૂંદાવવું અનિવાર્ય છે. પોતાના શરીરના કોઈપણ ભાગમાં રામનામ કોતરાવનાર ને ‘રામનામી’ માથા પર બે રામનામ કોતરાવનારને ‘શિરોમણી’ અને શરીરના પ્રત્યેક ભાગ પર રામનામ કોતરાવનાર નખશિખ રામનામી તરીકે ઓળખાય છે.


અસ્તિત્વ પર સંકટ
શરીરનાં અલગ-અલગ ભાગ પર રામનામ ચિતરાવવાના કારણે આ સંપ્રદાયના લોકો તરત જ ઓળખાઈ જાય છે અને તેમની સંખ્યા પણ ઠીક-ઠીક પ્રમાણમાં છે, પરંતુ માથાથી માંડી પગ સુધી ત્યાં સુધી કે જીભ અને તાળવા પર પણ રામનામ ચિતરાવવા રામનામીઓનું અસ્તિત્વ જોખમાયું છે. નવી પેઢી માત્ર કપાળ પર, હાથ કે પછી શરીર પર એકાદ બે જગ્યાએ જ રામનામ ચિતરાવી પોતાની પરંપરાને આગળ વધારી રહી છે.


રાયપુર જિલ્લાના બિલાઈગઢના એક ગામમાં રહેતા ગુલારામ નામના યુવા રામનામી કહે છે કે મારાં દાદા-દાદી, મા-બાપ અને બહેન-બનેવી પણ રામનામી છે. મેં પણ મારા માથા પર બે જગ્યાઓએ રામનામ લખાવ્યું છે, પરંતુ આખા શરીર પર રામનામ લખાવવાની ન તો મારામાં ઇચ્છાશક્તિ છે કે, સામર્થ્ય.
વર્ષમાં એક વખત યોજાતા રામનામી ભજનમેળામાં રાજ્યભરના રામનામી સંપ્રદાયના લોકો ઊમટી પડે છે. લોકો એકબીજાને મળે છે. નવા લોકોને તેમાં દીક્ષા આપવામાં આવે છે, પરંતુ હવે મેળાઓ ભરાય છે, પરંતુ રામનામી સંપ્રદાયની દીક્ષા લેનારાની સંખ્યા સતત ઘટી રહી છે. પાંચ વર્ષની ઉંમરે પોતાના માથા પર અને ત્યારબાદ સંપૂર્ણ શરીર પર રામ-નામ ચિતરાવનાર ફિરતરામ કહે છે કે નવી પેઢીમાં રામનામ ચીતરાવવાનું આકર્ષણ ઓછું થઈ રહ્યું છે. આધુનિક વિચારસરણીવાળાં મા-બાપ પણ પોતાના બાળકના શરીર પર રામનામ ચીતરાવાનું ટાળી રહ્યાં છે. આ સમાજની શાંતિબાઈ લાંબો નિસાસો નાખતાં કહે છે કે હવે આ સમાજમાં પણ ધર્મકર્મના નામે માત્ર દેખાડાએ ઘર કરી લીધું છે અને હવે તેમાં કાંઈ થઈ શકે એમ પણ નથી. આવનાર ૫ કે ૧૦ વર્ષોમાં ૧૨૦ વર્ષ જૂની આ રામનામી પરંપરા કદાચ ઇતિહાસ બની જાય. પ્રશ્ર્ન થાય છે કે શું આપણે લુપ્ત થતી આ પરંપરાને પ્રાણદાન આપી શકીએ ?

જુવો વીડિયો....