આ ગુજરાતણના સમર્થનમાં આખું ઓકલેન્ડ કેમ આવી ગયું...!
SadhanaWeekly.com       | ૦૨-ડિસેમ્બર-૨૦૧૬
આરાધના પટેલ

તાજેતરમાં ઓકલેન્ડના વેક્ટર અરિના ખાતે VNZMA (Vodafone New Zealand Music Awards)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભારંભમાં ગુજરાતી મૂળની કીવી સિંગરે રંગભેદ અને જાતિવાદના કારણે ઍવોર્ડ પરત કરી દીધો હતો. આ જોઈને હાજર રહેલા પ્રેક્ષકો આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતા. ઉપરાંત આયોજન કરનારાઓએ આ રાત્રીને ઐતિહાસિક હોવાનું જણાવ્યું હતું.
૫૧મા વોડાફોન મ્યૂઝિક ઍવોર્ડમાં હાજર ૩૨ વર્ષીય આરાધના પટેલે ઍવોર્ડ પરત આપવાનું કારણ જણાવતાં કહ્યું કે, ‘મારા બ્રાઉન ગર્લ’ સોન્ગમાં ઘણી બધી વાતો કહેવામાં આવી છે, જે જાતિવાદ પર આધારિત છે. જો મેં આ ઍવોર્ડ સ્વીકાર્યો હોત તો મને લાગત કે મારા ગીતમાં સચ્ચાઈ છે અને પછી તમે મને હિપહોપ આર્ટિસ્ટમાં સ્થાન આપો એ યોગ્ય નથી. વધુમાં આરાધનાએ જણાવ્યું કે, ‘હું સિંગર છું, રેપર નથી. હું હિપહોપ આર્ટિસ્ટ નથી. એટલા માટે અત્યારે જ હું SWIDTને ઍવોર્ડ પરત કરી રહી છું. પટેલે ઉમેર્યું કે, તે માને છે Onehunga-બેઝનું રેપર્સ ટ્રૂપ ભવિષ્યનું હિપહોપ છે.’
આટલું બોલ્યા બાદ હાજર કીવી પ્રેક્ષકોએ તેને વધાવી લીધી હતી. બાદમાં કીવી મ્યુઝિશિયન્સ અને ફેન્સે આરાધનાનાં ભરપૂર વખાણ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા હતા. તમામ લોકો આરાધના સાથે સહમત થયા હતા. ઍવોર્ડ સેરેમની બાદ SWIDT એ ટ્વિટ કરી આભાર માન્યો હતો અને ફોલોઅર્સને જણાવ્યું હતું કે, ‘ગઈ રાત એક ઐતિહાસિક રાત્રી હતી. આભાર. ક્વીન આરાધના પટેલનો અવાજ, ભાષણ એકદમ શાંત અને પાવરફુલ હતું.’