બાઈક એમ્બ્યુલન્સથી લોકોનો જીવ બચાવનારા યોદ્ધાઓ...
SadhanaWeekly.com       | ૨૪-ડિસેમ્બર-૨૦૧૬

 


 અહીં એમ્બ્યુલન્સ બાઈક બની છે સંજીવની

છત્તીસગઢના બસ્તર ગામનું નામ સાંભળ્યું છે? જંગલ વિસ્તાર, નક્સલવાદથી પ્રભાવિત, પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ વિસ્તારમાં આજકાલ એક સંજીવની શોધાઈ છે. ગામના લોકોનો જ આ જુગાડ છે. ગામમાં કોઈ બીમાર પડતું તો દવાખાને જવામાં ખૂબ તકલીફ પડતી અને એમાં પણ કોઈ સગર્ભા મહિલાને દવાખાના સુધી લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડતી. ઘણીવાર રસ્તામાં જ મહિલાનું અવસાન થતું આથી ગામના લોકોએ એક જુગાડ કર્યો એક બાઈક ખરીદી અને બાઈકને એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી. આ બાઈક એમ્બ્યુલન્સથી ગામ લોકોની સમવ્યાનો દૂર નથી થઈ પણ હા, સમસ્યા થોડી સરળ જરુર બની ગઈ છે. લોજિકલ ઇન્ડિયા નામની એક એનજીઓનો રીપોર્ટ કહે છે કે આ બાઈક એમ્બ્યુલન્સે 200 કરતાં વધારે સગર્ભા મહિલાનો જીવ સમયસર દવાખાને પહોંચાડી બચાવ્યો છે.


મહત્વની વાત એ છે કે ગામના લોકોનો આ જુગાડ “યુનિસેફ” સુધી પહોંચ્યો છે અને હવે આ જુગાડ યુનિસેફ આફ્રિકાના લોકોની જિંદગી બચાવવામાં ઉપયોગ કરવાની છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, રાયપુર તો આ બાઈક એમ્બ્યુલન્સની ડિઝાઈન હવે મોડીફાય કરવાની છે. કામ પણ શરુ થઈ ગયું છે.

વાત એમ્બ્યુલન્સ દાદાની…

કરિમુલ હક… ઉંમર - 52 વર્ષ.. પશ્ચિમ બંગાળના જલપાઈગુરીમાં રહેવાનું… કામ પોતાની બાઈક એમ્બ્યુલન્સથી લોકોને દવાખાને પહોંચાડવાનું… અહીંના લોકો તેમને ભગવાન કહે છે.

બાઈક એમ્બ્યુલન્સ...કરિમુલ હક

ભગવાન કેમ ખબર છે ? જલપાઈગુરીની આજુબાજુના 15 ગામોમાં આ “દાદા” સેવાપૂરી પાડી ચૂક્યા છે. આ વિસ્તારમાં સમયસર દવાખાને પહોંચવું એ પડકાર રુપ છે. આવા સમાયે બાળકથી લઈને વડિલ સુધીના 3000 લોકોને બાઈક એમબ્યુલન્સ દ્વારા સમયસર દવાખને લઇ જઇ આ દાદાએ તેમનો જીવ બચાવ્યો છે.

       બાઈક એમ્બ્યુલન્સનો વિચાર ક્યાંથી આવ્યો એ વિશે વાત કરતા કરિમુલભાઈ જણાવે છે કે મારી માતાનું સમયસર દવાખાને ન જવાથી અવસાન થયું. હું દુઃખી થયો… હું વિચારતો રહ્યો કે બીમાર લોકોને સમયસર કઈ રીતે દવાખાને પહોંચાડાય. આવામાં એકવાર એક ચ્હાના બગીચામાં કામ કરતો યુવાન અચાનક બેભાન થઈ ગયો. આ જોઈને તરત મે મારી બાઈક લીધી અને તેને બાઈક પર દવાખાને પહોંચાડ્યો. બસ આ ઘટનાથી મને વિચાર આવ્યો કે બાઈક એમ્બ્યુલન્સ કેમ નહીં ? અત્યાર સુધીમાં 3000 થી વધુ લોકોને આ બાઈક એમ્બ્યુલન્સથી સારવાર અર્થે દવાખાને પહોંચાડ્યા છે. શરુમાં લોકો મારા પર હસતા પણ હવે મને માન આપે છે. હું જીવનભર આ કામ કરતો રહીશ.

જુવો આ વીડિયો....