શરદી થઈ છે? આ રહ્યા ઘરેલું ઉપાય
SadhanaWeekly.com       | ૩૦-ડિસેમ્બર-૨૦૧૬

 


 

આયુર્વેદમાં નાસારોગોમાં ‘શરદી’ને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને મોટાભાગમાં નાકના રોગો ‘પ્રતિશ્યાય’ (શરદી)થી ઉત્પન્ન થતા હોવાનું આયુર્વેદમાં માનવામાં આવેલું છે. શરદી વધી જતાં કાસ (ઉધરસ), શ્ર્વાસ, ક્ષય વગેરેની ઉત્પત્તિ થઈ શકે છે.
અહીં શરદી માટે કેટલાક સરળ ઉપચારો સૂચવું છું, જે વાચકમિત્રોને ‘શરદી’ની વારંવાર તકલીફ રહેતી હશે તો આ ઉપાયો ઘણાં જ ફાયદાકારક સાબિત થશે. જેમાં

(૧) કાળાં મરી ૭ દાણા લઈ તેનો તાજો પાઉડર બનાવી, ૧ ચમચી ઘીમાં મેળવી જમ્યા પછી ચાટી જવું, જ્યાં સુધી બિલકુલ શરદી મટે નહીં ત્યાં સુધી આ પ્રયોગ કરવો.
(૨) સાકર અને કપૂરને વાટી ચણા જેવડી ગોળી બનાવી રોજ ૩થી ૬ ગોળી ખાવી. ગોળી બનાવીને મરીના ચૂર્ણમાં રાખવી, કારણ કે મરી કપૂરને ઊડવા દેતું નથી.
(૩) આંખની ભ્રમરની વચ્ચે જ્યાં તિલક કરીએ છીએ તે જગ્યાએથી નાકના મૂળ સુધી આંગળીથી નાક લાલ થઈ જાય ત્યાં સુધી ઘર્ષણ કરવું, જેનાથી સળેખમ તરત જ હલકું પડી જાય છે. જ્યાં સુધી શરદી મટી ન જાય ત્યાં સુધી વારંવાર (દિવસમાં ત્રણ-ચાર વાર) આ પ્રમાણે કરવું. આ ઉપરાંત સરસિયાનું તેલ પણ નાક ઉપર ઘસી શકાય છે.
(૪) સળેખમ થયું હોય તો પ્રથમ ૨૪ કલાક સુધી ઠંડુ પાણી કે વધારે પડતો પ્રવાહી ખોરાક લેવો નહીં. કારણ કે ઠંડું પાણી પીવાથી સળેખમ વધે છે. ગળાની ફરતે ગરમ કપડું વીંટાળી રાખવું.
(૫) ગોળ, ઘી, પીપરીમૂળ અને સૂંઠની રાબ બનાવી સવાર-સાંજ લેવાથી પણ શરદીમાં ઘણો ફાયદો થશે.
(૬) દર્દીએ ગરમ પદાર્થોનો આહારમાં પ્રયોગ કરવો જેનાથી શરદી જલદીથી પાકી જાય છે, જે માટે ગરમ પાણી પીવું, તેમજ ગરમ પીણાંનું સેવન કરવાનો આગ્રહ રાખવો. જરૂર લાગે તો દૂધમાં આદું તથા સૂંઠ નાખીને પીવાથી પણ દોષો જલદીથી છૂટા પડી જાય છે.
આ સિવાય આ રોગમાં શેકેલા ચણા, ધાણી વગેરેનું સેવન પણ ફાયદાકારક છે.
પ્રતિશ્યાયના રોગી માટે નસ્યની ચિકિત્સા ખૂબ જ ફાયદાકારક પરિણામ આપે છે. આ ઉપરાંત વૈદ્યની સલાહ મુજબ ઔષધ પ્રયોગ પણ શ‚રૂ કરી શકાય છે, જેમાં વ્યાષાદિવટી, મહાલક્ષ્મીવિલાસ રસ, ત્રિભુવન કીર્તિરસ વગેરેનું વૈદ્યની સલાહ મુજબ સેવન કરવું. ર્જીણ પ્રતિશ્યાય, નવીન શરદી તેમજ એલર્જીક શરદી-આ ત્રણેય પ્રતિશ્યાય (શરદી) ઉપર આયુર્વેદનાં ઔષધો અમોઘ શસ્ત્ર સમાન સાબિત થયેલ છે.

 

- ડો. જ્હાનવી ભટ્ટ (વૈદ્ય)