રખડી પડ્યા રસ્તામાં
SadhanaWeekly.com       | ૧૩-મે-૨૦૧૬


લાંબા-લાંબા કાનવાળો સસલો. ભારે ઘમંડી. એક તો એના કાનનાં વખાણ કર્યાં ઘોડાએ... બસ, ત્યારથી એ પોતાની જાતને શું સમજે છે એ સમજાતું ન હતું. આવો લાંબા કાનવાળો સસલો ખૂબ ચતુર. એક તો ‚પાળો ને નાજુક દેહ. લાંબા-લાંબા સરસ મજાના કાન. એમાં ભળી ચતુરાઈ... ને ઘોડાએ કર્યાં વખાણ... પછી તો ઘમંડ ન આવે તો જ નવાઈ !
આ સસલાને બધાં ગુમાનસિંહ કહી બોલાવે અને ગુમાનસિંહ હરખાય. એક સાંજે જંગલના રાજા સિંહનું તેવું આવ્યું. ગુમાનસિંહ તો પરસેવે રેબઝેબ. જંગલના રાજાનું તેડું ?... મારી કોઈ ભૂલ ? મેં કોઈ ગુનો કર્યો નથી, તો મને જ શા માટે બોલાવ્યો હશે ? વળી, રાજાનું કહેણ...ના તો પડાય નહીં તમ-તમારે જાવ....મારાથી અવાશે તો આવીશ કે તમારી પાછળ આવું છું. એવું તો બોલાય જ નહીં. હુકમ એટલે હુકમ.
જંગલના રાજાનું તેડું.. બાપ રે ! મર્યો જ સમજી લ્યો. જીવતો પાછો નહીં આવું એવું જ સમજવાનું ને ? એટલે આસપાસ રહેતા પાડોશીઓને ગુમાનસિંહે નમસ્કાર કર્યા.. ‘બોલ્યું-ચાલ્યું માફ કરજો.. રાજાનું તેડું આવ્યું છે. છેલ્લા રામ-રામ કહેતાં સસલો રોઈ પડ્યો. ડબ..ડબ..ડબ આંખમાં આંસુઓ છલકાતાં હતાં. બધાંએ સાંત્વના આપી. જાવ...કંઈ જ નહીં થાય તો વળી કેટલાકે કહ્યું, ‘જિંદગીનો શો ભરોસો.. આપણે તો રાંકડી રૈયત... રાજાના ગુલામ... આજે આમ તો કાલે તેમ કંઈ બચવાના છીએ ? વળી મોત તો સામે જ ઊભું હોય છે, પણ આપણને દેખાતું નથી. ગુમાનસિંહ, ગભરાવ નહીં. સામી છાતીએ ચાલી નીકળો.
જેને જે મનમાં આવ્યું એ બોલ્યું. કેટલાકે ગુમાનસિંહને પાનો ચઢાવ્યો તો કેટલાકે એની દયા ખાધી, કેટલાકે તો જીવતો નહીં જ આવે એવું કહી દીધું સીધું મોંએ. આવી પડેલી આફત સામે રાસલો લાચાર હતો, તેની અક્કલ ચાલતી ન હતી. રાજાના ત્યાં જવા ભારે હૈયે પગ ઉપાડ્યા.
રાજા સિંહનો દરબાર આવી ગયો... મોટા-મોટા ડુંગરો. ડુંગરો પર મોટા-મોટા પથ્થરો... પથ્થરોમાં પોલાણ ને અંદર મોટી ગુફા... ગુફા... જોતાં જ સસલાજી ધ્રૂજી ઊઠ્યા... ત્યાં તો જંગલના રાજા દેખાયા. ભરાવદાર કેશવાળી, પીળાશ પડતી બે શિકારી આંખો, તીક્ષ્ણ દાંત સસલું કાંપવા લાગ્યું, ને બોલ્યું, ‘નામદાર..મારો કોઈ વાંક, કોઈ ગુનો ?’
‘હા...મોટો વાંક ને મોટો ગુનો’ સિંહે કહ્યું.
‘કહો રાજાજી...’ ગુમાનસિંહ બોલ્યા.
‘જો એક તો તું સુંદર છે. મુલાયમ છે. મીઠડું છે, નાજુક છે, લાંબા મસ્ત મજાના કાનવાળો છે.. બસ, આ તારો ગુનો.’ સિંહ બોલ્યો.
‘માફ કરજો નામદાર, પણ આ તો કુદરતની કૃપા છે. એમાં મારો શો વાંક ?’
‘તારો વાંક કેમ નહીં ? જો સાંભળ, ઈશ્ર્વરે અક્કલ બધાને આપી છે, બરાબર ?’
‘હા નામદાર, બરાબર.’ રાજાની હા માં હા ભણ્યા વિના સસલાને છૂટકો ન હતો.
‘પણ... ચતુરાઈ તું કરી જાણે છે. અક્કલને સારી રીતે વાપરી જાણે છે એ તારો ગુનો.. સિંહે કહ્યું.
‘ઓ..હ.. રાજાજી, ન વાપરીએ તો કહે વાપરતો નથી. અક્કલને વાપરી તો એમાંય વાંક ?’ શું કરવું ? મને કંઈ જ સમજાતું નથી.
રાજા સિંહ હસી પડ્યો.. સસલો ધ્રૂજ્યો... રાજાએ નજીક બોલાવ્યો ને પૂછ્યું,
‘હા તો, તને જ બધા ગુમાનસિંહ કહી બોલાવે છે, બરાબરને ?’
‘હા...નામદાર..’
‘તો જોડાઈ જા મારા મંડળમાં.. હું આજથી તને મારો મંત્રી બનાવું છું, સમજ્યો ?’ ગુમાનસિંહ સસલો કૂદી પડ્યો. ગુમાનસિંહનો હવે વધ્યો રોફ. રાજાનો મંત્રી છે. પોતે જંગલના રાજાનો મંત્રી છે. એવા ઢોલ ચારે તરફ વગાડવા માંડ્યો. આમ તો એ વાત માનવામાં ન આવે પણ ખુદ રાજાએ જ જાહેરાત કરી. વાહ...વાહ.. ભાગ્ય ખૂલી ગયાં. ગુમાનસિંહનો આનંદ સમાતો ન હતો.
હવે રાજાને જ્યાં જવાનું હોય ત્યાં ગુમાનસિંહ હાજર હોય પણ પેલી આદત પડેલી હતી ને જૂની, આસ-પાસ પોતાનાં વખાણ કરવાની એટલે રાજાના કાફલા સાથે એક દિવસ સવારી નીકળી. વળી ગુમાનસિંહ પહેલાં જ્યાં રહેતા હતા એ જ સ્થળેથી નીકળી રાજાની સવારી. ગુમાનસિંહે આસ-પાસનાને જગાડ્યા અને કહ્યું, ‘જુઓ...મારો મોભો... જુઓ મારું માન, હું એટલે કોણ ? રાજાનો મંત્રી હા... જંગલના રાજા સિંહનો મંત્રી...’
આ તરફ સવારી આગળ ને આગળ વધતી ગઈ અને ગુમાનસિંહ પોતાની બખોલ, ઝાડી, ઝાંખર, કોતરોમાં સહુને મળવા, પોતાની હોંશિયારી બતાવવા નીકળ્યા. જોત-જોતામાં રાજાની સવારી નીકળી ગઈ દૂર-દૂર. કઈ તરફ સવારી ગઈ એ ગુમાનસિંહને સમજાયું નહીં. ને આમ-તેમ રખડવા લાગ્યા.
જંગલ તો ઘણું મોટું. ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા ? કંઈ સમજાયું નહીં પણ... આપણા ગુમાનસિંહ રખડી પડ્યા રસ્તામાં... મંત્રી હોવાનો ફાંકો મારવામાં અને જાતનો ઢંઢેરો પીટવામાં મંત્રીપદ ગુમાવ્યું. રાજા કઈ દિશામાં ગયા છે એની ખબર નથી... આવતાં-જતાં સહુને પૂછે છે... પણ, બીજાઓને શી ખબર ? વળી, જીવ જોખમમાં હોય ત્યાં રાજા કઈ દિશામાં ગયા... એની કોણ કરે પંચાત ?
આમ ને આમ ગુમાનસિંહે ગુમાવ્યું મંત્રીપદ... આવતાં-જતાં હવે સહુ પૂછે છે ગુમાનસિંહને... ‘કેમ, રખડી પડ્યા રસ્તામાં ?’ શો જવાબ આપે
ગુમાનસિંહ... ?

 

બાળપ્રેરક પ્રસંગ
વિકૃતિ અને સુકૃતિ પોતાની અંદર


એક મનોવૈજ્ઞાનિક, જે જાણીતો ચિત્રકાર પણ હતો. એક એવા નિર્મમ, ક્રૂર, અપરાધીનું ચિત્ર બનાવવા ઇચ્છતો હતો કે તેને જોઈને જ  કર્યો. જ્યારે તે ચિત્ર બનાવવા લાગ્યો, તો તેને તે આકૃતિ પરિચિત લાગી. અંતે, તે ચિત્રકારથી ન રહેવાયું અને તેણે અપરાધીને પૂછ્યું : "શું મેં તમને પહેલાં ક્યારેય જોયા છે ? અપરાધીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ચિત્રકારે પૂછ્યું, "તમે શા માટે રડો છે ? પ્રશ્ર્ન પૂછીને શું મેં તમારા જખમોને ખોદ્યા છે ? તે વ્યક્તિએ કહ્યું, "વીસ વર્ષ પહેલાં પણ તમે મારું ચિત્ર બનાવ્યું હતું. ત્યારે તે ચિત્ર સંસારના સરળ, ભોળા બાળકનું હતું. ત્યારે મારી મુખાકૃતિ પર માનવતાની મહેક ઝળહળતી હતી, પરંતુ હવે વીસ વર્ષના સમયમાં મારાં જ કુકર્મોએ મારી દુર્ગતિ કરી દીધી છે અને મારા ચહેરાને પણ ખરાબ કરી દીધો છે. ચહેરો તો એ જ છે, પરંતુ હવે તેની કુ‚પતા અને નિષ્ઠુરતા ઊપસી આવી છે. હવે તમે જ કહો હું રડું નહિ તો શું કરું ?
બંને જ ચિત્ર મનુષ્યના અંતરમાં છે. આ તેના પર જ નિર્ભર છે કે તે પોતાની વિકૃતિ ઉપસાવે છે કે સુકૃતિને.

 

પ્રશ્ર્નમંચ - ૨૫૪


૧. ઉજ્જૈનમાં કયો કુંભ મેળો ભરાયો છે ?
૨. ઉજ્જૈન નગરીનું પ્રાચીન નામ શું છે ?
૩. ઉજ્જૈન કઈ નદીને કિનારે વસેલું છે ?
૪. ઉજ્જૈનમાં કયું જ્યોતિર્લિંગ આવેલું છે ?
૫. દીપા કર્માકર કઈ રમતની ખેલાડી છે ?
૬. ડૉ. અબ્દુલકલામ કયા સંતને આદર્શ ગણતા હતા ?
૭. ‘સત્યના પ્રયોગો’ કોની આત્મકથા છે?
૮. ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય છે ?
૯. કેરળની મુખ્ય ભાષા કઈ છે ?
૧૦.‘માનવીની ભવાઈ’ પુસ્તકના લેખક કોણ છે ?