પ્રકૃતિની રક્ષા કોણ કરશે ?
SadhanaWeekly.com       | ૦૬-મે-૨૦૧૬સુંદરવન ઉત્તમ પ્રકારનાં ઇમારતી લાકડાં માટે પ્રખ્યાત હતું. દાયકાઓથી સુંદરવનનું લાકડું ધનવાનોનાં ઘરોમાં રાચરચીલું બનીને પહોંચતું અને વર્ષો સુધી તેમનાં ઘરોની શોભા વધારતું. વર્ષોથી આ ક્રમ ચાલતો. કઠિયારાઓના અસંખ્ય પરિવારોનું ગુજરાન આ સુંદરવનનાં ઇમારતી લાકડાંએ કેટલીયે પેઢીઓ સુધી ચલાવ્યું હતું. સુંદરવનની જમીન પણ ઉપજાઉ, એટલે દર વર્ષે નવાં વૃક્ષો ઊગતાં જાય અને સુંદરવનની સમૃદ્ધિ પણ જળવાતી જાય.
પરંતુ આજે જાણે કંઈક સંકટ જેવું વાતાવરણ ઊભું થયું હતું. ખુદ સુંદરવનના રાજા શેરસિંહ પણ ચિંતામાં જણાતા હતા. સમી સાંજે શેરસિંહ દરબાર ભરીને બેઠા હતા. આખો દરબાર સુંદરવનનાં પશુપક્ષીઓથી ઠસોઠસ ભરેલો હતો. સહુના ચહેરા પર ચિંતા અને દુ:ખ દેખાતાં હતાં. આખા સુંદરવનનાં પ્રાણીઓ ઉમટ્યાં હતાં પરંતુ શાંતિ એટલી વરતાતી હતી કે, જાણે કોઈ છે જ નહિ...!
થોડીવાર પછી શાંતિનો ભંગ કરતો એક અવાજ આવ્યો, "મહારાજ, હવે તો બસ એક તમારા જ નિર્ણયની રાહ જોવાય છે. સભા વચ્ચે ઊભા થઈને સુંદરવનના સૌથી વડીલ અને સૌના માનીતા હાથીદાદા શેરસિંહને સંબોધીને બોલ્યા. રામુ રીંછ પણ હાથીદાદાની વાતમાં ટાપસી પુરાવતો બોલ્યો, "હા મહારાજ, સુંદરવનનાં દરેક પશુપક્ષીની આજે એક જ વ્યથા છે કે, અમને અમારા ઘરથી બેઘર કરનાર અને આપણા આ સુંદરવનને ઉજાડનાર એ માણસોને શું કોઈ રોકી જ નહિ શકે...? ચિકુ વાંદરો, સોમુ શિયાળ, કોકી કાગડી, ડમરુ દેડકો, ગોલુ ગધેડો, આલુ અજગર, સીમા સમડી અને કંકુ હરણી પણ એકીસાથે બોલી ઊઠ્યાં... : હા હા સાચી વાત છે..., કંઈક કરો મહારાજ... કંઈક કરો મહારાજ...!!
લાંબા સમયથી મૌન ધારણ કરીને બેઠેલા સુંદરવનના રાજા શેરસિંહે આખરે મૌન તોડ્યું. સિંહાસન પરથી ઊભા થઈને રાજા બોલ્યા, "શાંત થાઓ મિત્રો, શાંત થાઓ..., હું ક્યારની મૌન બેઠો છું એનો એ અર્થ નથી કે મને તમારી કોઈ ચિંતા નથી ! હું તો બસ એ જ વિચારમાં ડૂબ્યો હતો કે, આ સંકટમાંથી આપણા પ્રાણપ્યારા સુંદરવનને બચાવવું કેવી રીતે. ગહન ચિંતન અને મનોમંથનના અંતે મને ઉપાય મળી ગયો છે. મિત્રો, હવે તમે બધાં ચિંતા છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો.
રાજાએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે, "મેં તમારામાંથી દરેકની વાત બહુ શાંતિથી અને ધ્યાનપૂર્વક સાંભળી છે. સર્વપ્રથમ મને આ સંકટ વિશે ચેતવણી આપનાર સીમા સમડીનો હું આભારી છું કે જેણે મને આજથી ત્રણ દિવસ પહેલાં જ જણાવ્યું હતું કે, આપણા સુંદરવનનો ઘેરાવો જાણે ઓછો થઈ ગયો હોય તેમ જણાય છે. સીમા સમડીએ આપેલી જાણકારીની તપાસ મેં જાતે જ કાળા ડુંગરની ટોચ પર જઈને કરી અને ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે નક્કી આપણા સુંદરવનનો કોઈક સફાયો કરી રહ્યું છે. પરંતુ હવે મૂળ કારણ શોધે કોણ...? પછી મેં આ કામ મારા પ્રિય મિત્ર અને મારા પિતાના પરમ મિત્ર એવા શનુકાકાના દીકરા ચિકુ વાનરને આ કામ સોંપ્યું. ચિકુ વાનરે તે બીડું ઝડપી લીધું અને અડધા જ દિવસમાં મને તેણે પાકી માહિતી આપી દીધી કે, આપણા સુંદરવનમાં જે ઉત્તમ ઇમારતી લાકડું છે તેની મોટા પાયે કાપણી શ‚ થઈ છે. માણસોનાં ધાડેધાડાં પોતાના હાથમાં ધર્ર્ર્ર્‌ધર્ર્ર્ર્રર અવાજ કરતાં યંત્રો લઈને સંખ્યાબંધ વૃક્ષો કાપવા જ લાગ્યા છે.
સમસ્યા તો વિકટ હતી અને તેનો તાત્કાલિક ઉકેલ લાવવો પણ એટલો જ જ‚રી હતો. શેરસિંહે કહ્યું કે, "પછી મેં આપણા સુંદરવનના સૌથી અનુભવી અને સન્માનનીય વડીલ હાથીદાદાને બોલાવ્યા અને માંડીને બધી વાત કરી. હાથીદાદાએ કહ્યું કે, મહારાજ ! આપણા સુંદરવનનું લાકડું બહુ જ મજબૂત અને ઇમારતી હોવાથી આપણા બાપદાદાના સમયથી જ આ વાત સહુને ખબર છે કે, વૃક્ષો કપાય છે. પરંતુ જેટલાં વૃક્ષો દર વર્ષે કપાય છે તેના કરતાં અનેકગણાં વધારે નવાં વૃક્ષો ઊગે પણ છે અને જે કઠિયારાઓ વૃક્ષો કાપીને લઈ જતા હતા તે પણ મોટા ભાગે સૂકાં જ વૃક્ષો હોય તે ખાસ જોતા હતા. એટલે આજ લગી તો આ વાત ચિંતાનું કારણ બની નહોતી. આજે વળી અચાનક શું થયું તે તો જાણવું પડે...!
ત્યાં જ એકદમ ચિકુ વાંદરો વચ્ચે બોલી પડ્યો, "મને ખબર પડી ગઈ... મને ખબર પડી ગઈ...! હાથીદાદાએ પૂછ્યું, અલ્યા, શું ખબર પડી ગઈ ? ચિકુ વાંદરો બોલ્યો, "દાદા, મારા પિતા મને માણસોની વાર્તા કહેતા હતા તેમાં તેમણે મને માણસો પાસે લાકડાં કાપવાનું જે સાધન હોય છે તેનું વર્ણન કર્યુ હતું તેવું સાધન આજે આ માણસો પાસે નથી...! મારા પિતા તો મને કહેતા કે એક માણસ આખો દિવસ મહેનત કરે ત્યારે માંડ એક ઝાડ કાપી શકે, અને આ લોકો પાસે તો એવાં યંત્રો છે કે, આંખના પલકારામાં તો એક આખું ઝાડ કાપી નાખે..!
શેરસિંહે પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે, "બસ.. આખી વાત હું ત્યારે જ સમજી ચૂક્યો હતો અને એટલે જ આજે સભા બોલાવી છે. હવે કેવળ હું જે કહું તે ઉપાય તમારે બધાએ મળીને કરવાનો છે.
પછી તો રાજાએ તરત જ ગુસ્સે થઈને ગર્જના કરી અને કહ્યું, "સાંભળો મારા સુંદરવનના વાસીઓ, આ માનવી હવે ભાન ભૂલ્યો છે. જે પ્રકૃતિએ તેને જીવાડ્યો છે તેનો જ તે વિનાશ કરવા નીકળી પડ્યો છે. આપણે બધાં સુંદરવનના વાસીઓ મળીને તેમની સાન હવે ઠેકાણે લાવીશું.
બધાં એકસાથે બોલી ઊઠ્યાં, "હા, હા, આપણે જ‚ર તે કરી બતાવીશું.
રાજા શેરસિંહે પછી પોતાની આખી યોજના જાહેર કરતાં કહ્યું, "સૌથી પહેલો ઉપાય તો એ છે કે, આપણે વૃક્ષો કાપનાર માણસોને આપણા સુંદરવનમાંથી ભગાડવા છે, એટલે જેટલાં પણ શિકારી પ્રાણીઓ છે તે બધાં આજથી જ સુંદરવનની સરહદે ચોફેર પોતાનો નિવાસ કરશે. તેમની મદદમાં રહેશે આખી વાનર સેના. ઉપરાંત સમડીઓ, ગીધો, ગરુડો, અજગરો અને જંગલી પાડાઓ પણ સુંદરવનની સરહદથી નજીક જ પોતાનાં ઘરો બનાવશે. તમારા સહુનું હવે એક જ કામ છે કે, વૃક્ષ કાપવા માટે આવેલા એક પણ માણસને તમારે જીવિત છોડવાનો નથી. ચારે બાજુ એટલો ભય ફેલાવી દો કે કોઈ સુંદરવનની તરફ ત્રાંસી નજરે જોઈ જ ના શકે...!
બીજો ઉપાય બતાવતાં રાજા શેરસિંહે કહ્યું, "હવે મારાં બધાં જ પક્ષીમિત્રોને મારી ખાસ ભલામણ છે કે, તમારે હવે આપણા સુંદરવનના બધા જ ઘટાદાર અને ઉત્તમ વૃક્ષોનાં બીજનો વધુમાં વધુ ફેલાવો કરવાનો છે. ખાસ કરીને સુંદરવનની તમામ સરહદો પર વેરી શકાય એટલાં બીજ વેરો. જે પણ ફળ તમે ખાઓ તેના બીજને ચાંચમાં ભરીને સુંદરવનની સરહદે નાખો.
પોતાની વાત પૂરી કરતાં રાજા શેરસિંહે કહ્યું, "બસ આટલા ઉપાયો કર્યા પછી હવે આપણે આવનારા ચોમાસાની જ રાહ જોવાની છે. વરસાદ આવશે ને નવાં વૃક્ષો ઊગશે અને પછી ફરીથી આપણું સુંદરવન હર્યુભર્યુ થઈ જશે.
તો બાળમિત્રો, તમે શું વિચારો છો...? ચાલો, આપણે પણ નવાં નવાં વૃક્ષો ઉગાડવાની તૈયારી કરી લઈએ. !!!