હોશિયાર હરણ
SadhanaWeekly.com       | ૧૬-જૂન-૨૦૧૬

 

એક ઘનઘોર જંગલ હતું. એ જંગલમાં ઘણાં બધાં ઝાડ હતાં. જાંબુડાનું ઝાડ, રાયણનું ઝાડ, વડ, પીપર, લીમડાનાં ઝાડ એમ અનેક ઝાડ હતાં. ઝાડના વિશાળ છાંયામાં જંગલનાં પશુઓ આરામ કરતાં. સાબર, હરણ, શિયાળ, નીલગાય, વરૂ‚ જેવાં અનેક પ્રાણીઓ એ જંગલમાં હતાં. વાઘ કે સિંહ જેવાં હિંસક પ્રાણીઓ આવે ત્યારે તે બધાં દોડીને દૂર નાસી જતાં. ઝાડ ઉપર બેઠેલાં પક્ષીઓ હિંસક પ્રાણીઓના આવવાની ખબર ચિચિયારીઓ કરીને તેમને કરતાં. એટલે બધાં ઝડપથી દૂર દૂર દોડી જતાં. તેમ છતાં કોઈને કોઈ પ્રાણી એમનો શિકાર થઈ જતું.
ચોમાસું શ‚રૂ થયું. વરસાદ વરસવા લાગ્યો. લીલા કૂણા ઘાસથી જમીન પર હરિયાળી છવાઈ ગઈ. વધારે વરસાદ પડે ત્યારે પશુઓ ઝાડ નીચે આવીને ઊભાં રહી જતાં. જ્યાં ઝાડ નહોતાં તેવી ઘણી જગ્યાએ વરસાદના પાણીથી જમીન પોચી થઈ જતી. ક્યાંક ખાડા હોય તો તેમાં વરસાદનું પાણી પણ ભરાતું.
વરસાદ વરસીને રહી ગયો. ઝાડનાં પાન હવાની સાથે ડોલતાં માથું અને ડીલ લૂછતાં હોય તેમ ટીપાં ખંખેરાતાં હતાં. પક્ષીઓ ડાળીઓ અને પાંદડાંની ઓથ લઈને બેસી ગયાં હતાં.
અચાનક પક્ષીઓની ચિચિયારી શ‚રૂ થઈ ગઈ. ઝાડ નીચે ઊભેલાં પશુ ઊંચી ડોક કરીને ચારેબાજુ જોવા લાગ્યાં. હરણે વાઘને દબાતા પગલે આવતો જોયો. એટલે હરણ ત્યાંથી કૂદકા મારતુંક ને ભાગ્યું. એ ભાગ્યું એટલે બીજાં પણ ભાગવા લાગ્યાં.
એક શિયાળ પાછળ રહી ગયું. છતાં તે હિંમત રાખીને દોડવા લાગ્યું. આગળ શિયાળ અને પાછળ વાઘ. શિયાળ તો પોતાનો જીવ બચાવવા માટે દોડતું હતું. વાઘ પોતાનો શિકાર કરવા માટે દોડતો હતો. એવામાં શિયાળ એક ખાડામાં લપસી પડ્યું.
વાઘને ખબર ન પડી કે શિયાળ ક્યાં ગયું. એ તો મોટી છલાંગ મારતો આગળ દોડી ગયો.
શિયાળને થયું કે હાશ ! વાઘથી તો બચી જવાયું પણ આ ખાડામાંથી બહાર કેમ નીકળવું ? ખાડો માંડ ત્રણેક ફૂટ જેટલો હતો પણ ખાડો અડધો તો પાણીથી ભરેલો હતો. શિયાળે નહોર ભેરવી બહાર નીકળવા મહેનત કરી. પણ એ સમયે માટી ભીની હોવાથી લપસી પડ્યું. વારંવાર બહાર નીકળવા આગળના પગ ભરાવ્યા પણ દર વખતે લપસી પડ્યું.
હવે શું કરવું ?
શિયાળ તો મૂંઝાવા લાગ્યું. બહાર કેમ કરીને નીકળવું ? લીમડાના ઝાડ પર બેસીને કાગડાભાઈ શિયાળનો ખેલ જોઈ રહ્યા હતા. એ તો ડાળ સાથે ચાંચ લૂછીને ઊડતા ઊડતા ખાડા પાસે આવ્યા.
કાગડો શિયાળને કહે : "કાં શિયાળભાઈ, તરતાં શીખો છો ?
શિયાળ કહે : "આવો કાગડાભાઈ, તમે પણ છબછબિયાં કરવા આવો.
"ના રે ના. અમને આવા નાના ખાડામાં ના ફાવે. એમ કહીને કાગડાભાઈ તો પાંખો ફફડાવતા ઊડી ગયા. પહોંચી ગયા બીજા ઝાડ ઉપર.
શિયાળને તો ખાડામાં તકલીફ હતી. બે પગે જ ઊભા રહેવું પડતું હતું. ચારેય પગ નીચે મૂકે તો પાણીમાં ડૂબી જાય.
એવામાં એક સાબરશિંગો ત્યાંથી નીકળ્યો. સાબરશિંગો એટલે મોટા શિંગડાવાળું હરણ. તેના પગની ખરીમાં માટી ભરાઈ ગઈ હતી.
એમાં કાંકરી હતી તે ખૂંચતી હતી. એટલે એને પગ ધોવા હતા.
હરણે ખાડો જોયો. ખાડામાં પાણી જોયું. એટલે તેને થયું કે, હવે પગ બરાબર ધોઈ શકાશે. પણ તેણે જોયું કે ખાડામાં શિયાળ હતું. એટલે તે ઊભો રહી ગયો.
ત્યાં શિયાળે જ સાબરશિંગાને બોલાવ્યો.
"આવો આવો, સાબરશિંગાજી, અહીં પાણીમાં છબછબિયાં કરવાની ખૂબ મજા આવે છે.
"પણ તમે પાણીમાં છો એટલે હું કેવી રીતે આવું ? હું તો બીજે જઈશ.
"અરે એમ ના થાય. શિયાળને ગમે તેમ કરી ખાડામાંથી બહાર નીકળવું હતું. "જુઓ, એમ કરીએ. તમે નીચે આવો એટલે હું તમારી પીઠ પર બેસી બહાર નીકળી જઈશ. પછી તમે એકલા જ ખાડામાં ધુબાકા મારજો ને ! શિયાળને તો બહાર નીકળવું હતું એટલે તેણે આ શીંગડાવાળા હરણને આમંત્રણ આપ્યું.
હરણે વિચાર કર્યો. શિયાળ જો ત્યાંથી જતું રહે, તો પોતે નિરાંતે પાણીમાં રહીને પોતાના પગ સાફ કરી શકશે. એમ વિચારી સાબરશિંગાએ ખાડામાં ઝંપલાવ્યું.
શિયાળ તો રાહ જોઈને જ બેઠું હતું. તેણે સાબરશિંગાને કહ્યું : "તમે જો સહેજ નીચે બેસો તો હું તમારી પીઠ પર બેસીને બહાર નીકળી
જઉં.
હરણ સહેજ નીચે બેઠું. શિયાળ તરત જ એની પીઠ પર બેસી ગયું.
પછી કહે, "લો, હવે તમે ચારે પગે ઊભા થાઓ. એટલે હું આ ખાડાની બહાર નીકળી જાઉં.
હરણ ઊભું થયું. એટલે તરત જ શિયાળ તો કૂદકો મારીને બહાર નીકળી ગયું. શિયાળ ગયું એટલે હરણને હાશ થઈ. તેણે નિરાંતે ખાડામાં ભરાયેલા પાણીથી પગ ધોયા. પગ બરાબર સાફ થઈ ગયા. એટલે તેણે બહાર નીકળવાનો વિચાર કર્યો.
તેણે બહાર નીકળવા માટે કૂદકો માર્યો પણ પાછું ખાડામાં લપસીને પડ્યું. બે-ત્રણ વખત કૂદકા માર્યા પણ બહાર નીકળી શકાયું નહીં.
હવે શું કરવું ?
પણ હરણ હિંમત રાખીને કોશિશ કરવામાં માનતું હતું. કેટલાક કૂદકા મારી જોયા. છતાં બહાર નીકળાયું નહીં એટલે તેણે બીજો વિચાર કર્યો.
જેવો વિચાર કર્યો કે તરત તેણે એ વિચારને અમલમાં મૂક્યો. અહીં ક્યાં કોઈ બીજાની મદદની રાહ જોવાની હતી. પોતાનું કામ જાતે જ કરવાનું હતું. તેણે તો પોતાના શિંગડા વડે ખાડાની દીવાલ તરફથી માટી ખોદવાની શરૂ‚ કરી દીધી. માટી ભીની હતી. હરણ દૃઢ મનોબળ સાથે કોશિશ કરતું હતું. થોડી વારમાં તો એણે માટી ખોદીને બે પગથિયાં તૈયાર પણ કરી દીધાં. પછી નિરાંતે ફરી પાણીથી શિંગડાં પણ ધોયાં અને પગથિયાં પર ઠેકતું ઠેકતું હરણ ખાડાની બહાર નીકળી આવ્યું. બહાર નીકળીને એ પાછું એને જ્યાં જવું હતું
ત્યાં દોડી ગયું.

 

બાળપ્રેરક પ્રસંગ

સબ તજ, કાર્ય ભજ

એક વાર એક સંવાદદાતાએ જાણીતા વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનને પૂછ્યું, "શું મહાશય, તમારી તમામ શોધ આકસ્મિક ઘટના છે કે પછી કોઈ પ્રેરણાનું પરિણામ છે ? રાત્રે તમે પથારીમાં ઊંઘો છો ત્યારે તમે આ સંબંધિત કંઈ વિચારો છો ? "ના ભાઈ ના, ગ્રામોફોનના સિવાય કોઈ પણ કામ મેં અકસ્માતે નથી કર્યું. મારી તમામ શોધ નિરંતર પ્રયાસોનું પરિણામ છે. પહેલાં હું એ સમજી લઉં છું કે કઈ વસ્તુ લાભદાયક છે અને ત્યાર બાદ જીવનનો મોહ છોડીને તેની પાછળ લાગી જઉં છું. જે કામને હું આરંભું છું તે હંમેશા મારા મસ્તિષ્કમાં રહે છે અને જ્યાં સુધી તે કામ પૂર્ણ નથી થઈ જતું, મને શાંતિ નથી મળતી.
ખરેખર જે લોકો સંપૂર્ણ શક્તિ એક જ કામ પર લગાવી દે છે તેમને વિજય અવશ્ય મળે છે. જો તેમાં વિદ્યા અને વિવેક હોય તો સફળતા મળ્યા વિના નથી રહેતી.

પ્રશ્ર્નમંચ - ૨૫૭ ભાગ લો અને જીતો ઇનામો

૧. સાપ એ કયા વર્ગનું પ્રાણી છે ?
૨. ચામાચીડિયું કયા વર્ગનું પ્રાણી છે ?
૩. ફ્લેમીંગો પક્ષીનું ગુજરાતી નામ શું છે ?
૪. સુઘરીપક્ષી પોતાનો માળો ક્યાં બનાવે છે ?
૫. હમણાં ગીરમાં કેટલા સિંહ એકસાથે દેખાયા હતા ?
૬. કલકલિયો પક્ષી શાનો શિકાર કરે છે ?
૭. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
૮. કુદરતના ‘સફાઈ કામદાર’ તરીકે કયું પક્ષી ઓળખાય છે ?
૯. મધ્ય ગુજરાતની કઈ નદીમાં મગર જોવા મળે છે ?
૧૦. ‘સમયના છડીદાર’ તરીકે કયું પક્ષી ઓળખાય છે ?