કેસર-ક્યારી કાશ્મીર : જનતાંત્રિક-પંથનિરપેક્ષ ભારતવર્ષની આધારશિલા
SadhanaWeekly.com       | ૨૦-જુલાઇ-૨૦૧૬


ફરી એકવાર કેસર-ક્યારી કાશ્મીરમાં જેહાદી ઇસ્લામિસ્ટોએ આગ લગાડી છે. કાશ્મીરની કથિત સમસ્યા એ પં. જવાહરલાલ નહેરુજીની હિમાલય જેવી મોટી ભૂલનું પરિણામ છે. જેના કડવા ફળ સ્વરાજના ૬૯ વર્ષોથી આપણે ચાખી રહ્યા છીએ ! દાયકાઓ પૂર્વે શ્રી અટલબિહારી વાજપેયીએ ડંકે કી ચોટ પર ઉચ્ચાર્યંુ હતું : "મુસ્લિમબહુલ કાશ્મીર ઘાટી શેષ ભારતવર્ષ સાથે અવિભાજ્ય અંગ તરીકે જોડાયેલું રહે અને કાશ્મીર ઘાટીના મુસ્લિમ નાગરિકો એનું સ્પષ્ટ સમર્થન કરે, એ જ ભારતીય જનતાંત્રિક પંથનિરપેક્ષ રાષ્ટ્ર-રાજ્યની ગેરંટી છે. મઝહબ આધારિત પાકિસ્તાન અલગ થયા પછી; માત્ર મુસ્લિમ બહુમતી હોવાને કારણે જ કાશ્મિર ઘાટી ભારતથી અલગ હોવી જોઈએ, એવો તર્ક કરનારા ભૂલી જાય છે કે, તો પછી કાશ્મિરસહિત શેષ ભારતમાં રહેવાનો મુસ્લિમોનો અધિકાર નષ્ટ થઈ શકે છે. ભારતમાં વસતા મુસ્લિમો અને વિશેષ કરી કાશ્મીર ઘાટીમાં વસતા મુસ્લિમો આ સંદર્ભમાં કેવું વલણ દાખવે છે? એ બાબત જ તેમની ભારતીય ગણરાજ્યમાં શ્રદ્ધા અને પંથનિરપેક્ષ - રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાની કસોટીનો પત્થર સિદ્ધ થશે. પ્રધાનમંત્રીપદ પર રહીને અટલજીએ કાશ્મીર-કોકડાના ઉકેલ માટે : ‘ઇન્સાનિયત, જમ્મુરિયત અને કાશ્મીરિયત’ને આધારશિલા ગણાવેલ. ઇસ્લામિસ્ટ જેહાદી બુરહાન વાણી એક ગુન્હાહિત વિકૃત મવાલી હતો. તેણે ભારતવર્ષની એકતા અખંડતા-સાર્વભૌમત્વ વિરુદ્ધ જંગ છેડીને, તે પાકિસ્તાની પ્યાદું હતો એ સિદ્ધ કર્યંુ છે. આવા શયતાનને સજાએ મૌત જ હોય, એ ભારતીય રક્ષા-પંક્તિના વીર જવાનોએ ગાંડીવ-ટંકારપૂર્વક સ્પષ્ટ કર્યંુ છે. આ સંદર્ભમાં મવાલી બુરહાન વાણીના જનાજામાં સામેલ થનાર હરકોઈ શખ્સ એ ભારતવિરોધી અને પાકિસ્તાન સમર્થક છે, એવી સાફ વાત કહેવાનો સમય પાકી ગયો છે. જમ્મુ-કાશ્મીર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીના આ સંદર્ભમાં ઉચ્ચારણો તેમની શકુની-ચાલને ઉજાગર કરનારાં છે. વાજપેયી સરકારમાં મંત્રી બનતી વખતે શેષ ભારત સાથેના જમ્મુ-કાશ્મીર રાજ્યનું જોડાણ ઉમર અબ્દુલ્લાને માન્ય હતું. પરંતુ હવે સત્તા ગુમાવ્યા પછી, એ જ ઉમર અબ્દુલ્લા યુ-ટર્ન લઈ રહ્યા છે. એમાં તકવાદથી પણ આગળ દેશ-વિઘાતક વૃત્તી-પ્રવૃત્તિને સ્પષ્ટ સમર્થન જણાઈ આવે છે !

આખરે કાશ્મીર ઘાટીમાં ઇસ્લામિસ્ટ જેહાદીઓનો રોડ-મેપ શો છે ? આ પાકિસ્તાન પરસ્ત વિઘાતક તત્ત્વો, કાશ્મીર ઘાટીને સંપૂર્ણપણે ‘હિંદુમુક્ત’ કરવા માગે છે. આ જ સંદર્ભમાં લાખો કાશ્મીરી પંડિતો - શીખોને બેરહમીથી કાશ્મીર ઘાટીમાંથી હાંકી કઢાયા છે. ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરાકાંડ પછી અનુગોધરા રમખાણો દરમ્યાન ‘માનવ અધિકારો’ની દુહાઈ દેનારા એ કથિત બૌદ્ધિક, સેક્યુલર, કર્મશીલ, રેશનાલિસ્ટ જમાત, કાશ્મીર ઘાટીને ‘હિંદુમુક્ત’ બનાવવાની શયતાની ચાલ અંગે શા માટે ભેદી ચુપકીદી સેવે છે ?!

પવિત્ર રમઝાન માસ દરમ્યાન સમગ્ર વિશ્ર્વના અનેક દેશોમાં શયતાનિયત આચરનાર, અનેક નિરપરાધી- અસહાય લોકોને મધ્યયુગીન બર્બરતાપૂર્વક રહેંસી નાખનાર; એ શયતાનોને ઇસ્લામ સાથે શું લેવા-દેવા છે ? આ જેહાદી આતંકીઓ ‘ઇસ્લામના દુશ્મનો’ છે, તેવી બેટુક વાત ઉચ્ચારવામાં જગતભરના મુસ્લિમો શા માટે પાછા પડે છે ? આ જેહાદીઓ કેવળ બિનમુસ્લિમોને જ મારતા નથી. તેમના નિશાન પર શિયા મુસ્લિમો અને વહાબી ઇસ્લામિયત સિવાયના અન્ય મુસ્લિમો પણ છે. સૂફી-મુસ્લિમો પણ તેમના શયતાની પંજાની પકડ બહાર નથી !

કાશ્મીર ઘાટીમાં ત્યાંના મુસ્લિમ બિરાદરોની જે કોઈ વાજબી કઠિનાઈઓ અને સમસ્યાઓ છે, તેને માટે આજદિન સુધીના તમામ મુસ્લિમ મુખ્યમંત્રીઓ જ જવાબદાર છે ! તો પછી તેઓનાં પાપોની સજા બિનમુસ્લિમોએ શા માટે ભોગવવી પડે ? ભારતીય રાષ્ટ્ર-રાજ્ય વિરુદ્ધ જંગે ચઢેલા બુરહાન વાણી-એ મવાલી આતંકીને હીરો ગણનાર એ સ્પષ્ટતા કરે કે, બુરહાન વાણી કઈ રીતે ‘ઇન્સાનિયત, જમ્મુરિયત, કાશ્મીરીયત’નું પ્રતીક હોઈ શકે ? બુરહાન વાણીને વળી કાશ્મીરની ભવ્ય પરંપરા, તેની સંસ્કૃતિ, ભાષા સાથે શું લેવા-દેવા ? આતંકી બુરહાન વાણી માત્ર ભારતથી અલગ આઝાદ કાશ્મિર નહોતો ઈચ્છતો. તવલીનસિંઘ કહે છે તેમ, "એ તો કાશ્મિર ઘાટીમાં ઇસ્લામિસ્ટ શાસન સ્થાપવા માંગતો હતો. જેમને આઈડિયા ઑફ ઇન્ડિયા પસંદ ન હોય, તેઓ કાશ્મિર બહાર જઈ શકે છે,. પરંતુ કાશ્મિર ઘાટી તો ભારતમાં જ રહેશે !

‘સાધના’ના સુજ્ઞ વાચકોને પ્રશ્ર્ન થશે કે, તો પછી ભડકે બળી રહેલી કાશ્મીર-ઘાટીની સમસ્યાનો રાષ્ટ્રના વ્યાપક હિતમાં અને સ્વયં જમ્મુ-કાશ્મીરના લોકોના હિતમાં શો ઉકેલ હોઈ શકે? તેના ઉત્તર કાંઈક આ પ્રકારના હોઈ શકે...

(૧) કાશ્મીર ઘાટીની બહાર... શેષ ભારતમાં પણ વસતા વિશાળ મુસ્લિમ જનસમુદાયને, તેમના બિનમુસ્લિમ ફેલો સિટીઝન્સ જેટલા જ અધિકારો પ્રાપ્ત છે. નહેરુવાદીઓ એને માટે ‘ગંગા-જમુની સંસ્કૃતિ’નું ‚પકડું વિશેષણ પ્રયોજે છે. જો આ બાબત શેષ ભારત માટે  સારી હોય તો, કાશ્મીર ઘાટીમાં પણ શા માટે એ જ ‘ગંગા જમુના સંસ્કૃતિ’ આવકાર્ય અને અનિવાર્ય ન ગણાવી જોઈએ ?! આ ગંગા-જમુના સંસ્કૃતિની તાકીદની માગ છે કે, કાશ્મીર ઘાટીમાંથી હાંકી કઢાયેલા એ લાખો હિંદુ પંડિતોને પુન: કાશ્મીરમાં વસાવવા જોઈએ. એ માટે જમ્મુ ક્ષેત્ર સાથે જોડાયેલી દક્ષિણ કાશ્મીર ઘાટીથી લઈ છેક અમરનાથ ગુફા સુધીના ક્ષેત્રમાં એક સળંગ ભૂભાગ-કોરિડોર નોટીફાય કરીને, એ વિસ્તારમાં કાશ્મીરી હિંદુઓ - શીખોને વસાવવા જોઈએ. ત્યાં તેમની સુરક્ષા, સન્માન અને રોજગારીની આવશ્યકતાની ગેરંટી રૂપ આગોતરી વ્યવસ્થા કરવી જોઈએ. એ માટે જમ્મુ-કાશ્મીર સરકાર, ભારત સરકાર અને ભારતનાં અન્ય રાજ્યોની સરકારો પણ વ્યાપક પેકેજ રૂપ સહાયરાશિ જાહેર કરી શકે. તેમાં શેષ ભારતના સાહસિક ઉદ્યોગપતિઓએ પણ સક્રિય સહાયરૂપ થવું જોઈએ અને તેમાં કથિત ૩૭૦મી કલમનો અંતરાય પણ દૂર કરવો રહ્યો.

ઉપરોક્ત સૂચન સદ્ગત પ્રો. બલરાજ મધોકજીનું છે. મધોકજીનાં સુપુત્રી ડૉ. માધુરી મધોકે ‘સાધના’માં પ્રકાશિત મધોકજીને શ્રદ્ધાંજલિ રૂપ લેખ વાંચીને ‘સાધના’ પ્રત્યે પ્રસન્નતા અને કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરવા સાથે, સદ્ગત મધોકજીનો ૧૯૯૨માં અમેરિકાથી પ્રકાશિત એક વિસ્તૃત લેખ પણ મોકલી આપ્યો છે. પ્રસ્તુત લેખમાં મધોકજીએ કાશ્મીર ઘાટીમાં ‘હિંદુ હોમલેન્ડ’-હિંદુઓ માટેની સુરક્ષિત વસાહતની હિમાયત કરેલ છે. કાશ્મીર ઘાટીના પાકિસ્તાની એજન્ટો, કાશ્મીર ઘાટીને સંપૂર્ણપણે ‘હિન્દુમુક્ત’ કરવા માગે છે. જેથી કાશ્મીર ઘાટીને પાકિસ્તાનમાં ભેળવી દેવાની નાપાક યોજના સફળ થઈ શકે. પાકિસ્તાનીઓની આ શયતાની ચાલને નિષ્ફળ કરવા માટે, કાશ્મીર ઘાટીમાં હિંદુઓની વિશાળ વસ્તી હોવી અનિવાર્ય છે.

મધોકજી આગળ સૂચવે છે તે પ્રમાણે આ કાશ્મીરી હિંદુઓ-શીખો માટે જમ્મુ-કાશ્મીર રાજ્ય વિધાનસભામાં નિશ્ર્ચિત બેઠકો આરક્ષિત કરવી જોઈએ.

મધોકજી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાન પ્રેરીત ઉપદ્રવનું વિશ્ર્લેષણ કરતા ત્રણ કારણો દર્શાવે છે.

(૧) પાકિસ્તાનમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. સિંધ, બલુચિસ્તાન, પખ્તુનિસ્તાનમાં અલગ પડવાની-પાકિસ્તાનથી મુક્ત થવાની ચળવળ જોર પકડી રહી છે. તેને દબાવી દેવા માટે અને પાકિસ્તાનના લોકોનું ધ્યાન એનાથી હટાવવા માટે પાકિસ્તાન માટે ‘કાશ્મીર રાગ’ આલાપવો અનિવાર્ય છે.

(૨) કાશ્મીરની કથિત આઝાદીની જેહાદ ચાલુ રાખીને, પાકિસ્તાન અન્ય મુસ્લિમ રાજ્યોનો ટેકો મેળવવાની ચાલ ચાલે છે. તેનાથી પાકિસ્તાનને આર્થિક અને લશ્કરી સહાય પણ મળી શકે છે.

(૩) કાશ્મીરની કથિત આઝાદીને સક્રિય સમર્થન આપવાની જાહેરાત કરીને, પાકિસ્તાન ભારતની આંતરિક બાબતોમાં દરમ્યાનગીરી કરવાની શકુની-ચાલ સહેલાઈથી ખેલી શકે છે. ભારત સામેનાં અગાઉનાં ચાર યુદ્ધો હારી ચૂકેલું પાકિસ્તાન હવે ખુલ્લી લડાઈને બદલે છદ્મયુદ્ધની ચાલ ચાલી રહ્યું છે. પાકિસ્તાની તાનાશાહ જનરલ જિયા-ઉલ-હક્ક ‘થાઉસન્ડ્સ કટ્સ ઓન ઇન્ડિયા’-ભારત માતાના દેહ ઉપર હજારો ઘા કરી, તેને લોહી નીંગળતી હાલતમાં મૂકવાની શતરંજ ચાલ ખેલવાનું સૂચવી ગયો

છે ! પાકિસ્તાન એ જ શયતાની ચાલ આગળ ધપાવે છે...

આ સંદર્ભમાં ભારતના શાસકો અને પ્રબુદ્ધ જનતાએ આ મહારોગનું બરાબર નિદાન કરીને જ તેનું અનિવાર્ય ઓપરેશન હાથ ધરવું રહ્યું.

ઇસ્લામિસ્ટ જેહાદી આતંકીઓ સુખી ઘરના અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત પણ જોવા મળે છે. એટલે ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા માત્રથી આતંકવાદ નાથી શકાશે નહીં. અઢળક કેન્દ્રીય સહાયથી સુખી-સાધન સંપન્ન થયેલ ઘાટીના મુસ્લિમો જ્યારે જેહાદી બની પાકિસ્તાની ઝંડા ફરકાવે, ત્યારે કથિત વિકાસ વ્યૂહની પુનર્વિચારણા કરી, ઈઝરાયલ જેવી નીતિ અનિવાર્ય જણાય છે.

મધોકજી સૂચવે છે તે પ્રમાણે જમ્મુ ક્ષેત્રની ઉત્તરે દક્ષિણ કાશ્મીરમાં નહેરુ ટનલથી લઈ અનંતનાગ, પહેલગામ, મતન, અમરનાથ ગુફા સુધીના ક્ષેત્રમાં હિંદુ વસાહતો ઊભી કરવી જોઈશે, જેથી ધાર્મિક પ્રવાસન વિકાસ સાથે પહેલગામને પર્યટન સ્થળ તરીકે વધુ વિકસિત કરી શકાય. આ આખીયે પટ્ટીમાં કાશ્મીરી પંડિતો-શીખોને વસાવીને તેમની રોજી-રોટીની સમસ્યાઓ પણ ઉકેલી શકાય.

જમ્મુ-કાશ્મીર રાજ્યનું શેષ ભારત સાથેનું પૂર્ણ જોડાણ સાકાર કરવા માટે, કલમ ૩૭૦; જે બંધારણ ઘડતી વખતે માત્ર અસ્થાયી જોગવાઈ જ હતી, તે અવિલંબ રદ કરવામાં આવે.

જમ્મુ-કાશ્મીર સરહદે અને સમગ્ર રાજ્યમાં સરહદપારથી થતી આતંકી ઘુસણખોરી અને તેને પનાહ આપનાર અંદરના પાંચમી કતારિયા પાક. પરસ્તો સામે કડક કાર્યવાહી કરવા માટે ભારતીય સૈન્યને, અર્ધ લશ્કરી દળોને અને રાજ્ય પોલીસને વધુ શસ્ત્રસજ્જ કરી, તેમને સ્થળ ઉપર જ નિર્ણયો કરવાની સત્તાઓ આપવામાં આવે.

આજે તો દર શુક્રવારે - જુમ્માની નમાજ પછી, મસ્જિદોને દરવાજે બુકાનીધારી ઇસ્લામિસ્ટ જેહાદીઓ ખુલ્લેઆમ પાકિસ્તાની અને આઈએસઆઈએસના ઝંડાઓ ફરકાવી, ભારત વિરોધી સૂત્રોચ્ચારો કરે છે. મસ્જિદ પરિસરનો આવો દેશવિરોધી દુરુપયોગ તાત્કાલિક અટકાવી દેવો જોઈએ. આવા રાષ્ટ્રવિરોધીઓની વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ.

છેલ્લા મહિનાઓથી કાશ્મીર ઘાટીમાંના પાકપરસ્તોએ શયતાનિયતની હદ ઓળંગી છે. જ્યારે પણ જેહાદી આતંકવાદીઓ વિરુદ્ધ લશ્કર, અર્ધલશ્કરી દળોનું ઓપરેશન શરુ થાય કે, કાશ્મીર ઘાટીના એ પાકિસ્તાની ફંડીંગથી પ્રેરિત પાકિસ્તાની એજન્ટો આપણા સુરક્ષા દળોના વીર જવાનોના માર્ગ ઉપર અંતરાયો ઊભા કરે છે. તેમના ઉપર પત્થરબાજી કરે છે; ઘાતક હથિયારોથી હુમલાઓ પણ કરે છે. એ રીતે સુરક્ષા દળોને સામેથી આતંકવાદીઓ વિરુદ્ધ અને પાછળથી પાકપરસ્ત એજન્ટો સામે લડવું પડે છે. આવી ગંભીર કટોકટીની પરિસ્થિતિમાં આપણા વીર જવાનો અનન્ય રાષ્ટ્રભક્તિ, બહાદુરી અને બલિદાની ભાવનાથી જાનના જોખમે તેમની કપરી કામગીરી સફળતાથી પાર પાડી રહ્યા છે.

કાશ્મીર મોરચેથી રોજેરોજ, દેશના લાડકવાયા વીર જવાનોની રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી દેશના ખૂણે ખૂણે પહોંચે છે. એ ભારતમાતાના સપૂતોની શહાદતને કૃતજ્ઞભાવે વંદન કરવાને બદલે, દિલ્હીની જે.એન.યુ.- જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પેધી ગયેલા, પાકિસ્તાની એજન્ટો ઉમર ખાલિદ આણિ મંડળી, ભારત વિરોધી સૂત્રોચ્ચારો કરે છે અને જેહાદી ઇસ્લામિસ્ટ આતંકવાદી બુરહાન વાણીના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં ટ્વીટ કરીને પોતાની પાકિસ્તાન-પરસ્તીની ઘોષણા બેશરમીપૂર્વક કરે છે; ત્યારે આપણે ત્યાંના કથિત સેક્યુલર, બૌદ્ધિક, કર્મશીલો નફ્ફટાઈપૂર્વક આ ઇસ્લામિસ્ટ જેહાદીઓના સમર્થનમાં કુતર્કોની વણઝાર વહેતી કરે છે ! ત્યારે કવિની વેદના : ‘હર શાખ પે ઉલ્લુ બેઠે હૈં... અંજામે ગુલિસ્તાં ક્યા હોગા ?’ યાદ આવી જાય છે. આ સંદર્ભમાં ભારતના પ્રગટ શત્રુ પાકિસ્તાનથી નિરંતર સાવધાન રહેવા સાથે... દેશની અંદર જ રહીને દેશને નષ્ટ કરવાની આ પાંચમી-કતારની વિકૃત વિચારધારા સામે જાગ્રતપણે વૈચારિક લડત આપવાની પણ અનિવાર્યતા છે. આ કથિત સેક્યુલર જમાતના બુદ્ધિખોરોમાં ભારતની અંદર, ભારતની સરહદો ઉપર અને વ્યાપકપણે સમસ્ત વિશ્ર્વમાં માથું ઊંચકી રહેલ ઇસ્લામિસ્ટ જેહાદીઓની શયતાનિયત વિરુદ્ધ એક હરફ સુધ્ધાં ઉચ્ચારવાની વૃત્તિ-પ્રવૃત્તિ જણાતી નથી; પરંતુ તેઓનો વન પોઈન્ટ પ્રોગ્રામ છે : હિંદુવિરોધ અને ભારતને અંદર-બહારથી ખોખલું કરીને, ભારતમાં હજુ કોણ જાણે કેટકેટલાં ‘સ્તાનો’ ઊભાં કરવા માગે છે. કોઈ કહે છે દલિતીસ્તાન, કોઈ માગે છે ભીલીસ્તાન... જેહાદી-મઝહિબી પાકિસ્તાન થયા પછી પણ ધરાયા નથી; તે આવા અનેક ‘સ્તાનો’ ઊભાં કરવામાં મસ્ત એ શકુનિઓને એટલું જ કહેવાનું, તો પછી ‘હિંદુસ્થાન’ ક્યાં રહેશે ? અને ‘હિંદુસ્થાન’ જ નહી રહે... તો પછી તમારી કથિત ‘અભિવ્યક્તિની આઝાદી’, લોકશાહી, સહિષ્ણુતા, બિનસાંપ્રદાયિકતાનું શું થશે ? ઇસ્લામિસ્ટ જેહાદીઓ અને માઓવાદીઓ તો લોકશાહીના જ દુશ્મનો છે.

આવી રાષ્ટ્રીય સંકટની ગંભીર પળોમાં ભારતીય રાષ્ટ્ર-રાજ્યની એકતા, અખંડતા, સમરસતા, ભારતીય જીવનમૂલ્યો, ભારતીય સંસ્કૃતિની સુરક્ષા અને સંવર્ધન માટે ભારતમાતાના મુકુટમણિ કાશ્મીરની સુરક્ષા-સંવર્ધન અનિવાર્ય છે. એ માટે ‘ન દૈન્યમ્, ન પલાયનમ્’ની ઉદ્ઘોષણા-રાષ્ટ્રીય સંકલ્પ સાથે દેશજનતાએ અને તેના શાસકોએ ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ની ગાંડિવ પ્રત્યંચાનો ટંકાર કરવો અનિવાર્ય છે. જે દેશમાં ગાંડિવધારી પાર્થ અને પાર્થસારથિ શ્રીકૃષ્ણની પરંપરા જીવંત-જાગત-સક્રિય છે તેનો ધર્મયુદ્ધમાં વિજય નિશ્ર્ચિત છે ! યત્ર ધર્મો... તત: જય !