ડિમ્પી ચકલીનો ગુસ્સો
SadhanaWeekly.com       | ૦૭-જુલાઇ-૨૦૧૬

 

ડિમ્પુ ચકો અને ડિમ્પી ચકલી વચ્ચે આજે જોરદાર ઝઘડો થઈ ગયો. ડિમ્પી ચકલી રડતાં રડતાં કહેતી હતી : ‘મેં તારી સાથે લગ્ન કરીને જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. આ તો હું છું જે આટલા લાંબા સમયથી તારી સાથે રહું છું. બીજી હોત તો તેને છોડીને ક્યારની ભાગી ગઈ હોત.. મને કેટલી બધી ભૂખ અને તરસ લાગી છે અને તું મને થોડું પાણી પણ લાવી નથી આપતો...!!’
ડિમ્પુ સમજદાર ચકો હતો. ડિમ્પી જ્યારે ગુસ્સે થતી અને રડતી ત્યારે એ ચૂપ જ રહેવાનું યોગ્ય માનતો. જ્યારે ડિમ્પીનો ગુસ્સો શાંત યો ત્યારે ડિમ્પુએ ખૂબ જ પ્રેમથી કહ્યું : ડિયર, ડિમ્પી રાણી, તું મને સમજવાનો પ્રયત્ન કર. તેં જ મને કહ્યું હતું કે આપણે મોટા સીટીમાં રહેવા જઈએ. હવે તારા કહેવાથી હું તારી સાથે અહીં રહેવા આવી ગયો ત્યારે તારી ફરિયાદો શરૂ‚ થઈ ગઈ. પાણી પીવા નથી મળતું. ખોરાક નથી મળતો. વૃક્ષોનો છાંયડો નથી મળતો. ચારેબાજુ અવાજનો ઘોંઘાટ અને વાહનોના ધુમાડામાં જીવ ગુંગળાય છે. પર્યાવરણ જ નથી એટલે અહીં શાંતિ અને શીતળતા નાશ પામી છે... એમાં હું શું કરું...?
ડિમ્પી કહે : તારી વાત સાચી છે. જંગલના અદ્ભુત પર્યાવરણની શાંતિ અને શીતળતા છોડીને સીટીમાં રહેવા આવવાની મેં જ જીદ કરી હતી. હવે જે થયું એ થયું. પહેલાં મને પાણી પીવા મળે અને થોડું ખાવાનું મળે એવી વ્યવસ્થા કર નહીં તો હમણાં જ હું મરી જઈશ...!
ડિમ્પુ કહે : આપણે થોડા હજુ આગળ ઊડીએ. ક્યાંક કોઈ ઘરની છત ઉપર માણસોએ પાણીનાં કુંડાં અને ખોરાક મૂક્યો જ હશે...!
ડિમ્પી કહે : આ માણસજાત પણ વિચિત્ર છે. પહેલાં પોતાના સ્વાર્થ માટે પર્યાવરણનો નાશ કરે છે અને પછી પક્ષીઓને બચાવવા માટે પાણીનાં કુંડાં અને દાણા મૂકે છે... શું કહેવું આ માણસોને...!
ડિમ્પુ કહે : બધા માણસો એવા નથી. ઘણા માણસોએ અત્યારે ઝુંબેશ ઉપાડી છે કે આ ભયંકર ગરમીમાં દરેક જગ્યાએ પક્ષીઓને પીવા માટે પાણીનાં કુંડાં મૂકો. ચણ મૂકો. પાણીનાં કુંડાંઓનું અને ચકલીઘરનું ઘણા સેવાભાવી લોકો ઠેરઠેર વિતરણ પણ કરી રહ્યા છે...!!
ડિમ્પી કહે : ‘તું બહુ ભોળો છે ડિમ્પુ...! આમાં પણ સેવાના નામે માણસોનો સ્વાર્થ છે. તેમને પોતાનું નામ થાય એમાં રસ છે. નામ કમાવવા માટે... પોતાનો જયજયકાર થાય એટલે પાણીનાં કુંડાંનું વિતરણ કરે છે. ચકલીઘર વહેંચે છે. છાપામાં જાહેરાત આપે...
પોસ્ટરો લગાવે... ફેસબુક અને વોટ્સએપ પર પક્ષીઓને બચાવવા પાણીનાં કુંડાં મૂકવાના મેસેજ છોડે... માણસોથી તો ભગવાન બચાવે.. દરેક જગ્યાએ પોતાનો સ્વાર્થ...!!’
ડિમ્પુ કહે : ‘તું કહે છે એ બરાબર... પણ બધા માણસો એવા નથી. કેટલાક સેવાભાવી માણસો પોતાના નામ માટે કે યશ મેળવવા
માટે નથી કરતા પણ જીવદયા.. પક્ષીપ્રેમના લીધે પાણીનાં કુંડાં મૂકે છે.. ચકલી ઘર વહેંચે છે.. ચણ નાંખે છે. આપણા સમાજના
ચકા-ચકીને બચાવવા... આપણી જાતિનો નાશ થતો બચાવવા ઘણા સારા માણસો પ્રયત્ન કરી રહ્યા છે. બધા માણસો ખરાબ નથી...!’
ડિમ્પી કહે : ‘હા... તારી વાત સાચી. થોડા માણસો સારા હશે. જે કોઈ પણ અપેક્ષા વગર પક્ષીપ્રેમના લીધે આ ભયંકર ગરમીમાં
પાણીનાં કુંડાં, ચકલીઘર અને ચણ મૂકે છે. બાકી બધા પોતાના સ્વાર્થ અને નામ કમાવવા માટે પક્ષીઓને બચાવવાના નાટક કરે છે.
આ બધા સ્વાર્થીઓને તો બાથ‚મમાં પૂરીને કૂટવા જોઈએ...’
ડિમ્પુ કહે : ‘જો આપણી વાતોવાતોમાં આપણે કેટલા બધા દૂર આવી ગયા. ચાલ સામે પેલું ઘર દેખાય છે ને ત્યાં જઈએ. ત્યાં
પાણીનાં કુંડાં દેખાય છે...!!’
ડિમ્પુ અને ડિમ્પી એ ઘરમાં ગયાં. ત્યાં પાણીનાં કુંડાં મૂક્યાં હતાં. બંનેએ પેટ ભરીને પાણી પીધું. મિનરલ મીઠું પાણી હતું. પાણી પીને
બંને ખૂબ જ ખુશ થયાં અને એમના જીવને ‘હાશ’ થઈ.
ડિમ્પુ અને ડિમ્પીને જોઈને ઘરના માલિક એક દાદા બહાર આવ્યા. દાદાએ બંનેને મીઠો આવકાર આપ્યો અને કહ્યું : ‘તમે બંને ભૂખ્યાં
પણ લાગો છો. ઊભાં રહો. હું તમારા માટે કાંઈક લાવું.’ દાદા અંદર ગયા અને બંને માટે લાડુ, દાળ, ભાત, શાક, પૂરીનું ભોજન લઈને
આવ્યા.
ડિમ્પુ અને ડિમ્પીએ ખૂબ જ મઝા સાથે આવું સ્વાદિષ્ટ ભોજન ધરાઈને જલસાથી ખાધું. બંને ખુશખુશ થઈ ગયાં અને દાદાને ‘થેંક્યુ’
કહ્યું.
ડિમ્પુ કહે : ‘ડિમ્પી રાણી, હું નહોતો કહેતો... બધા માણસો ખરાબ નથી. કેટલાક સારા માણસો આ દાદા જેવા આજે પણ છે જે કોઈ
પણ સ્વાર્થ વગર પક્ષીપ્રેમના લીધે સેવા કરે છે...!’
ડિમ્પી કહે : ‘હા... ડિમ્પુ રાજા, તું સાચું કહેતો હતો - આ દાદા જેવા કેટલાક માણસો ખરેખર પક્ષીઓ પ્રત્યેના પ્રેમના લીધે સાચી સેવા
કરે છે. હું હવે તારી સાથે ઝઘડો નહીં કરું પ્રોમિસ...!’
અને પછી ડિમ્પુ અને ડિમ્પી પાછા પર્યાવરણની શોધમાં આગળ ઊડવા લાગ્યાં.


બાળપ્રેરક પ્રસંગ
માનવને જોડવાથી દેશ જોડાશે

એક દિવસ વિનોબાજી પાસે કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા. વિનોબાજીએ તેમને કાગળના ટુકડા આપીને કહ્યું, "આ કાગળ પર ભારતનો નકશો બનેલો હતો હવે તમારે ફરી આ ટુકડાઓથી ભારતનો નકશો બનાવવાનો છે. વિદ્યાર્થીઓ ખૂબ સમય સુધી બુદ્ધિની કસરત કર્યા બાદ પણ આ ટુકડાઓને જોડીને ભારતનો નકશો ન બનાવી શક્યા. પાસે જ એક યુવાન બેઠો હતો તે આ બધું જોઈ રહ્યો હતો. તેણે થોડું સાહસ કરીને વિનોબાજીને કહ્યું, "જો તમે મને આજ્ઞા આપો તો હું જોડી દઉં વિનોબાજીની આજ્ઞા લઈને થોડી જ વારમાં તે યુવકે ટુકડાઓને જોડીને ભારતનો નકશો બનાવી દીધો. વિનોબાજીએ તેને પૂછ્યું, "તમે આટલી ઝડપથી કેવી રીતે ટુકડાઓને જોડી દીધા ? યુવકે કહ્યું, "આ ટુકડાઓમાં એક બાજુ ભારતનો નકશો છે અને બીજી બાજુ એક મનુષ્યનું ચિત્ર છે. મેં મનુષ્યનું ચિત્ર જોડ્યું તો ભારતનો નકશો આપોઆપ બની ગયો. આ સાંભળીને વિનોબાજીએ કહ્યું, "ઠીક છે. જો આપણે દેશ જોડવો હશે તો પહેલાં માનવને જોડવા પડશે. મનુષ્ય જોડાશે તો દેશ આપોઆપ જોડાશે.


૧. સફાઈ માટે કેન્દ્ર સરકારનું કયું મિશન છે ?
૨. ચાણોદ કઈ નદીને કિનારે આવેલું છે ?
૩. કચ્છી પ્રજાનું નવું વર્ષ ક્યારે હોય છે ?
૪. ઇસરોએ એક સાથે કેટલા મિસાઈલ છોડ્યા ?
૫. વર્ષાઋતુનું બીજું નામ શું છે ?
૬. કઈ તિથિએ ચંદ્ર પૂરો પ્રકાશે છે ?
૭. ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ છે ?
૮. ગાંધીજીએ કઈ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી ?
૯. મેઘધનુષમાં કુલ કેટલા રંગ હોય છે ?
૧૦. રથયાત્રામાં કોની મૂર્તિઓ બિરાજમાન હોય છે ?