રિમોટવાળી ગાડી
SadhanaWeekly.com       | ૨૦-ઓગસ્ટ-૨૦૧૬


નાની નાની બે છોકરીઓ હતી. એક મિત્વા ને બીજી વિશ્ર્વા. બંને સાથે ભણતી હતી, બીજા ધોરણમાં. તેમની શાળા પણ એક હતી, અને બેઉનાં ઘર પણ પાસપાસે હતાં. હા, નાનાં બાળકોમાં હોય છે એવી એમની દોસ્તી પણ હતી.
રવિવારે મિત્વા આવીને કહે : "વિશ્ર્વા, ચાલ પગથિયાં રમીએ.
વિશ્ર્વાના ઘરનું આંગણું વિશાળ હતું. પગથિયાં બનાવીને બેઉ રમવા લાગ્યાં. બે-બે દાવ પૂરા કરીને વિશ્ર્વા કહે : "બસ, હવે નથી રમવું, મને તો થાક લાગ્યો છે.
મિત્વા કહે : "મને પણ થાક લાગ્યો છે. જો... કહીને તે મોં પહોળું કરીને હાંફવા લાગી.
ત્યાં વિશ્ર્વાની મમ્મીની બૂમ સંભળાઈ : "વિશ્ર્વા-મિત્વા, અહીં આવો. આ બૉર્નવિટા પીને પછી રમો.
બંને ડાઈનિંગ-ટેબલ પર પહોંચી ગયા. બૉર્નવિટાના બે ગ્લાસ તૈયાર હતા. બંનેએ એક-એક ગ્લાસ લઈ લીધો. પછી વિશ્ર્વા કહે : "મમ્મી, અમે સાપ-સીડી રમીએ ?
મમ્મી કહે : "હા, રમો જાઓ !
બેઉ ટેબલની સામસામે બેસી ગયાં. બંનેને સાપ-સીડીની રમત બહુ ગમતી હતી. મિત્વા કહે : "પહેલા દાવમાં હું જીતવાની !
વિશ્ર્વા કહે : "નહીં, હું જીતવાની. તું જોજે !
"અરે હું... તું જોજે ને ! કહીને મિત્વાએ પાસો ફેંક્યો.
દાવ બહુ લાંબો ચાલ્યો. બંનેમાંથી હજુ કોઈ જીત્યું નહોતું. સીડી સડસડાટ ઉપર ચડાવી દેતી હતી, તો સાપનું મુખ ઉપરથી છેક નીચે લાવીને મૂકી દેતું હતું. દાવ લંબાતો જતો હતો. બંનેમાંથી કોઈની હાર-જીત થતી નહોતી. આખરે મિત્વાએ કહ્યું : "હું જાઉં, મમ્મી રાહ જોતી હશે, ખાવાનો સમય થઈ
ગયો છે.
આમ દાવ અધૂરો રહ્યો. હેલો દાવ પણ અનિર્ણાયક રહ્યો હતો. બંને ઊભાં થઈ ગયાં.
શનિવારે સ્કૂલમાંથી ઘેર આવતાં મિત્વા કહે : "વિશ્ર્વા, મારા પપ્પા રમકડાગાડી લાવ્યા છે.
વિશ્ર્વાએ રિમોટવાળી ગાડી જોઈ નહોતી. તેણે નવાઈ સાથે પૂછ્યું : "ગાડી રિમોટથી ચાલે ?
મિત્વા કહે : "હા, રિમોટનું બટન દબાવીએ એટલે ગાડી આગળ જાય, રિવર્સમાં જાય અને આજુબાજુમાં વળે પણ ખરી અને બીજું કહું, એ તાળી પાડવાથી પણ ચાલે છે !
"હેં ! તાળી પાડવાથી ગાડી ચાલે ? વિશ્ર્વાને અચરજ થઈ રહ્યું હતું.
મિત્વા કહે : "હા, આગળથી તાળી પાડીએ તો ગાડી આગળ જાય, પાછળથી તાળી પાડીએ તો ગાડી પાછળ જાય અને બાજુમાંથી તાળી પાડીએ તો ગાડી વળીને એ બાજુ જાય.
વિશ્ર્વા ખુશ થઈ ગઈ : "વાહ ભઈ, વાહ ! આવી ગાડી રમવાની તો મજા પડે. હું જ‚ર આવીશ, મને ગાડી ચલાવવા દેજે, મજા આવશે.
રવિવારે વહેલી વહેલી તૈયાર થઈને વિશ્ર્વા ઊપડી મિત્વાને ઘેર. મિત્વા કહે : "આવ વિશ્ર્વા તું બેસ, હું રિમોટવાળી ગાડી લઈ આવું, પછી આપણે તે રમીએ.
મમ્મી પાસે જઈને મિત્વાએ કહ્યું : "વિશ્ર્વા આવી છે, મમ્મી. અમારે રિમોટવાળી ગાડી રમવી છે, હું લઈ જાઉં છું ગાડી.
તરત જ મિત્વાની પાસે આવીને મમ્મી બોલી : "ના-ના-ના, ગાડી નથી લેવાની. બહુ મોંઘી છે. બીજાં રમકડાં લઈ જા.
વિશ્ર્વાનું મોં પડી ગયું. તેના મુખ પર જે ખુશી તરી આવી હતી તે જતી રહી. તે ઊભી થઈને ભાંગેલે પગલે પોતાના ઘર તરફ ચાલી.
સોમવારે સ્કૂલ છૂટવાને સમયે એક ઝાપટું પડી ગયું. પછીથી ઝરમર ચાલુ રહી હતી. બાળકો ફરફર બંધ થવાની રાહ જોઈને ઊભાં હતા. કેટલીક માતાઓ આવીને પોતાનાં બાળકોને લઈ જઈ રહી હતી. વિશ્ર્વા અને મિત્વા પણ કોઈ ઘેરથી આવે તેની રાહ જોઈને ઊભાં હતાં.
વિશ્ર્વાની મમ્મી બે છત્રીઓ લઈને આવી. એક ઓઢેલી છત્રી અને બીજી વિશ્ર્વા માટેની છત્રી. મિત્વા વિશ્ર્વાની સાથે ઊભી હતી. તેને જોઈને વિશ્ર્વાની મમ્મીએ પૂછ્યું : "મિત્વા, તારે ઘેર આવવું છે ને ?
"હા, આવવું છે, પરંતુ મારી મમ્મી તો આવી નથી !
"હું આવી છું ને ! ચાલ મારી સાથે. કહીને વિશ્ર્વાની મમ્મીએ તેને પોતાની છત્રીમાં લઈ લીધી.
ચાલુ ફરફરમાં પલળ્યા વગર કોરાં કપડાંમાં આવેલી મિત્વાને જોઈને તેની મમ્મીએ પૂછ્યું : "તું પલળ્યા વગર કેવી રીતે આવી ?
મિત્વાએ કહ્યું : "વિશ્ર્વાની મમ્મી એમની છત્રીમાં મને અહીં સુધી મૂકી ગયાં. વિશ્ર્વાની મમ્મી બહુ સારી છે !
અને એ જ વખતે મિત્વાની મમ્મીને પેલી ઘટના યાદ આવી ગઈ : "મેં રિમોટવાળી ગાડી વિશ્ર્વાને રમવા માટે આપી નહોતી, એ વાત તેણે એની મમ્મીને તો કહી નહીં હોય ને !
પછી ગાડી લાવીને આપતાં કહે : "મિત્વા, તારે આ ગાડી રમવી છે ને ! લે, લઈ જા, ને વિશ્ર્વાની સાથે રમ. જા, લઈ જા.

પ્રેરક પ્રસંગ : વચન પાલન


"મહાશય, આ મારી બનાવેલી ઘડિયાળ છે. તમે આને લઈ જાઓ અને સાત વર્ષ બાદ પાછી લેતા આવજો. જો તેમાં પાંચ મિનિટનું પણ અંતર પડી જાય તો તમને ‚પિયા પાછા આપી દઈશ. આવું કહેતાં ગ્રાહમે પોતાના એક ગ્રાહકને ઘડિયાળ આપી. સાત વર્ષ બાદ તે વ્યક્તિ પાછી ફરી અને કહ્યું : "શ્રીમાન, આ રહી તમારી ઘડિયાળ, આને પાછી આપવા આવ્યો છું. ગ્રાહમે પોતાની શરત યાદ કરીને પૂછ્યું. "કહો, આ ઘડિયાળ કેવી રહી ?
ગ્રાહકનું કહેવું હતું કે સાત વર્ષમાં આમાં પાંચ મિનિટનું અંતર આવ્યું છે. ગ્રાહમે કહ્યું, "સારું, તો હું તમને આનું મૂલ્ય પાછું આપી દઉં છું. ગ્રાહમે કહ્યું : "પરંતુ ઘડિયાળ તો હું તમને આપીશ નહીં. હવે તમે તેના દસ ગણા ભાવ આપો તો પણ નહીં. "પરંતુ હું મારી પ્રતિજ્ઞાભંગ કરી નથી શકતો. આવું કહીને ગ્રાહમે ઘડિયાળ લઈ લીધી, મૂલ્ય પાછું આપી દીધું અને ઘડિયાળ દુરસ્ત કરવામાં વ્યસ્ત થઈ ગયો. આ એ ગ્રાહમ છે જેની બનાવેલી ઘડિયાળ ગ્રીનવીચમાં બસ્સો વર્ષથી લાગેલી છે અને હજુ પણ બરોબર સમય બતાવી રહી છે. ગ્રાહમ દૃઢ પ્રતિજ્ઞા અને દૃઢ સંકલ્પની સુંદર પ્રતિમૂર્તિ હતા.

પ્રશ્ર્નમંચ - ૨૬૩


૧. વસ્તી ગણતરી દર કેટલાક વર્ષે થાય છે ?
૨. આર.ટી.આઈ.નું આખું નામ શું છે ?
૩. ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકના લેખક કોણ છે ?
૪. ‘ડાયાલીસીસ’ની સારવાર કયા અંગ માટે આપવામાં આવે છે ?
૫. દેશમાં છ.જ.જ.નું કેન્દ્રિય કાર્યાલય કયા શહેરમાં આવેલું છે ?
૬. આમેરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ?
૭. ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગના પિતા કોણ કહેવાય છે ?
૮. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટિ’માં કોની પ્રતિમા બનાવી છે ?
૯. જાણીતા હાસ્યકાર બકુલ ત્રિપાઠીનું ઉપનામ શું હતું ?
૧૦. દિપીકા કુમારી કઈ રમત સાથે સંકળાયેલ છે ?