હીરો નંબર ૧
SadhanaWeekly.com       | ૦૫-ઓગસ્ટ-૨૦૧૬

ઝગમગ ઉંદરનાં નવાં નવાં લગ્ન થયાં હતાં. ઝમઝમ એની પત્ની સુરસુર ઉંદરી સાથે ખૂબ જ ખુશ હતો.
એક દિવસ સુરસુરે ઝમઝમને કહ્યું, "આપણા લગ્નને એક મહિનો થઈ ગયો. હવે તમે કોઈ નોકરી શોધી લો. ક્યાં સુધી ઘરમાં બેસી રહેશો ?
ઝમઝમ ઉંદરે કહ્યું, : ‘અરે, તું શું વાત કરે છે..? હું અને નોકરી..? અરે હું તો ફિલ્મનો હીરો બનીશ. મારો જન્મ જ હીરો બનવા માટે થયો છે. મેં કેટલાય નાટકમાં પણ હીરો તરીકે કામ કર્યું છે. મારી પાસે અનુભવ છે. હું આવતી કાલે જ એક ફિલ્મ સ્ટુડિયોમાં નિર્માતા-ડિરેક્ટરને મળવા જવાનો છું...!’
બીજા દિવસે ઝમઝમ ઉંદર બનીઠનીને હીરો જેવો તૈયાર થઈ ગયો. એણે કાળા ગોગલ્સ પહેર્યાં હતાં. માથે ટોપી પણ પહેરી હતી. જીન્સ અને ટી-શર્ટમાં એ ખરેખર હીરો જ લાગતો હતો. ગીર જંગલના હાથીભાઈના ફિલ્મ સ્ટુડિયોમાં ઝમઝમ દાખલ થયો. હાથીભાઈને ઝમઝમે કહ્યું : ‘મને તમારી ફિલ્મમાં હીરો બનાવો. હું તમારી ફિલ્મને સુપરડુપર હિટ બનાવીને ૧૦૦ કરોડ રૂ‚પિયાની ક્લબમાં એન્ટ્રી કરાવી દઈશ.’
હાથીભાઈએ ઝમઝમને કહ્યું : સૉરી... પણ મારી ફિલ્મમાં હીરોનો રોલ તો જિરાફભાઈને આપ્યો છે. એક પટાવાળાનો રોલ ખાલી છે. તમે જો પટાવાળાનો રોલ કરવા માંગતા હોવ તો આવી જાઓ...!
ઝમઝમને હાથીભાઈની આ વાત સાંભળીને ખોટું લાગ્યું. એ તરત જ પગ પછાડતો હાથીભાઈના સ્ટુડિયોમાંથી બહાર નીકળી ગયો. ઘરે જ્યારે સુરસુરે તેને ઉદાસ થઈને પાછો ફરેલો જોયો ત્યારે એ તરત જ સમજી ગઈ કે ઝમઝમને હીરોનો રોલ નથી મળ્યો...! સુરસુરે ખૂબ જ પ્રેમથી ઝમઝમને સમજાવ્યો કે, ‘તમે ચિંતા ના કરો.. આજે નહીં તો કાલે તમને સરસ રોલ મળશે...!’
પછી તો ઝમઝમે દરેક સ્ટુડિયોના ધક્કા ખાધા, પણ ક્યાંય કામ ના મળ્યું. ઝમઝમ ખૂબ જ નિરાશ થઈ ગયો. માથે હાથ ધરીને ઘરે બેસી ગયો. સુરસુરને પણ હવે ખૂબ જ ચિંતા થવા લાગી.
એક દિવસ સુરસુરે ઝમઝમને કહ્યું : ‘ચાલો, આપણે બંને હાથીભાઈના સ્ટુડિયોમાં જઈએ અને એમને વિનંતી કરીએ કે એ તમને એમની ફિલ્મમાં જે રોલ આપશે એ તમે કરશો. કંઈ પણ કામ આપે તમે ના ન પાડતા. કોઈપણ કામ નાનું નથી હોતું. આમ ક્યાં સુધી તમે ઘરમાં બેસી રહેશો....?’
સુરસુરની વાત ઝમઝમને સાચી લાગી. તે માની ગયો. ઝમઝમ અને સુરસુર બંને હાથીભાઈના સ્ટુડિયોમાં ગયાં. હાથીભાઈ આ બંનેને જોઈને જ આખી વાત સમજી ગયા. કેમ કે એમને દુનિયાનો અનુભવ હતો. ઝમઝમે કહ્યું : ‘હાથીભાઈ, મને માફ કરી દો. તમે જે કામ આપશો તે હું કરીશ. તમે તમારી ફિલ્મમાં મને પટાવાળાનો રોલ આપો પ્લીઝ...!’ સુરસુરે પણ વિનંતી કરી : ‘પ્લીઝ હાથીભાઈ અમારી મદદ કરો..!’
હાથીભાઈ ખૂબ જ ઉદાર હતા. તેમણે પોતાની ફિલ્મમાં ઝમઝમને પટાવાળાનો રોલ આપ્યો. ઝમઝમે ખૂબ જ મહેનત અને નિષ્ઠાપૂર્વક આ રોલ નિભાવ્યો. ફિલ્મ બની ગઈ અને રીલિઝ થઈ ત્યારે બધાએ ઝમઝમના પટાવાળાના રોલનાં ખૂબ જ વખાણ કર્યાં પછી તો ઝમઝમ ફિલ્મોમાં જામી ગયો. એને નાના મોટા ઘણા રોલ મળવા લાગ્યા.
આમ, એક દિવસ ઝમઝમને હીરો તરીકેની પણ ઑફર મળી. હીરોનો રોલ સાંભળીને ઝમઝમ ખુશ થઈ ગયો. તેને સમજાયું કે નાનામાંથી જ મોટા માણસ બનાય.
બે વર્ષ પછી ગીર જંગલનો ફિલ્મી દુનિયાનો ઝમઝમ હીરો નંબર વન થઈ ગયો. એની ત્રણ ફિલ્મો સુપરડુપર હિટ થઈ ગઈ. ૧૦૦ કરોડની ક્લબમાં એની ફિલ્મોએ એન્ટ્રી લીધી. ઝમઝમ ઉંદર પત્ની સુરસુર ઉંદરી સાથે સરસ રીતે પોતાની જિંદગી જીવવા લાગ્યો.


પ્રેરક પ્રસંગ
માટીનું મૂલ્ય

પ્રવાસ દરમિયાન એક વાર ભગવાન બુદ્ધને તરસ લાગી. પોતાના પ્રિય શિષ્ય આનંદને કહ્યું, "આનંદ, તરસ લાગી છે, નદીથી જળ લઈને આવો.
આનંદ જળનું પાત્ર લઈને તરત જ નદી તરફ ચાલવા લાગ્યો. ત્યારે જ કેટલાંક બળદગાડાં નદી પાર કરવા લાગ્યાં. નદી વધુ ઊંડી ન હતી. બળદગાડાં તો નદીને પાર કરી ગયા, પરંતુ પાણી ગંદું થઈ ગયું. આનંદ વગર પાણીએ પાછો ફર્યો. તથાગતે પૂછ્યું, "કેમ ? શું થયું ? આનંદે જવાબ વાળ્યો : "ભગવાન, બળદગાડાંના પૈડાંઓ માટીથી લદેલાં હતાં. નદીમાં પાણી ઓછું હતું. પૈડાંઓની માટી તેમાં ભળવાથી પાણી ગંદું થઈ ગયું. તથાગત મલકાયા અને બોલ્યા : "શિષ્ય, માટીથી પાણી દૂષિત નથી થતું. માટી તો જળને શુદ્ધ કરે છે. હવે ફરી જાઓ અને પાણી લઈ આવો. આનંદ ફરી નદી પાસે પહોંચ્યો ત્યારે આશ્ર્ચર્યચકિત થઈ ગયો, તથાગતની વાત ખરેખર સાચી નીકળી. પાણી સાચે જ સ્વચ્છ થઈ ગયું હતું. માટી પાણીમાં નીચે બેસી ગઈ હતી. આનંદે પોતાના પાત્રમાં જળ ભર્યું અને તથાગતની તરફ ચાલવા લાગ્યો. બુદ્ધે જળ પીધું અને પીધા બાદ કહ્યું, "આનંદ, વાસ્તવમાં માટી અજાણતાં આપણને ઘણી વસ્તુઓ આપે છે. તેની ધૈર્યશીલતા, વિનમ્રતા, પરોપકારીપણાની કોઈ સીમા નથી, તેમ છતાં વિશ્ર્વના તમામ જીવો માટે અનેક વસ્તુઓની પ્રાપ્તિ કરાવે છે.
મહાત્મા બુદ્ધના આ જીવન ઉપયોગી કથનો પર ધ્યાન આપ્યા બાદ આનંદ એ નિષ્કર્ષ પર આવ્યો કે માટીનો મહિમા અનન્ય છે. તેને એક નિશ્ર્ચિત સીમામાં બાંધી ન શકાય.


૧. ભારતમાં ૧૫ ઑગસ્ટે કયો દિવસ ઉજવાય છે ?
૨. "મેરે દેશકી ધરતી, સોના ઊગલે ગીત કઈ ફિલ્મનું છે ?
૩. અમેરિકાના પ્રમુખપદ માટે કોની વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે ?
૪. રક્ષાબંધન પર્વનું બીજું નામ શું છે ?
૫. ત્રિરંગા ધ્વજમાં કેટલા રંગ હોય છે ?
૬. ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ના રચયિતા કોણ છે ?
૭. સમુદ્રમાં દેખાતા બરફના પહાડને શું કહે છે ?
૮. ‘તાજમહેલ’ કયા શહેરમાં આવેલો છે ?
૯. તાજેતરમાં બંગાળનાં કયાં લેખિકાનું અવસાન થયું ?
૧૦. ઝાંઝરકામાં કયા સંતની ગાદી આવેલી છે ?