મને બચાવો
SadhanaWeekly.com       | ૨૩-સપ્ટેમ્બર-૨૦૧૬


તરૂની સ્કૂલમાં પર્યાવરણ દિવસની ઊજવણી થઈ રહી હતી. દરેક વિદ્યાર્થીને એક ચાર્ટ પેપર પર પોતાની ભાવનાને વ્યક્ત કરવાની હતી. તે ભલે ચિત્ર હોય કે કવિતા, નિબંધ હોય કે વાર્તા. તેમાં કંઈક ને કંઈક એવું હોવું જોઈએ જે પ્રકૃતિ પ્રેમ પર આધારિત હોય અને તેમાં કંઈ ને કંઈ ખાસ મેસેજ મળી શકે.
તરૂએ દાદાજી પાસે સાંભળેલ વિચારોને આધારે એક મોટો ચાર્ટ પેપર સુંદર રીતે તૈયાર કર્યો. દાદીમાને પણ તે ખૂબ ગમ્યો.
સવારે સ્કૂલે પહોંચીને ત‚એ ગેલેરીમાં નિયત જગ્યાએ પોતાનો ચાર્ટ લગાવી દીધો. દરેક વિદ્યાર્થીને ચાર્ટ લગાવવાની જગ્યા બે દિવસ પહેલાં જ ફાળવી દેવામાં આવી હતી. ચાર્ટ લગાવતી વખતે ત‚એ બીજા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના ચાર્ટને પણ ધ્યાનથી જોયા. વાંચીને વખાણ કર્યાં. બધાએ ખૂબ મહેનત કરી હતી. ઘણી સરસ અને માહિતીપૂર્ણ સામગ્રી એકઠી કરી હતી.
જિલ્લાના કલેક્ટર અને વન અધિકારીઓ તેમજ તેમના સ્ટાફે શાળાની મુલાકાત લઈ પ્રદર્શનનું અવલોકન કર્યંુ. બધા ચાર્ટને તેમણે ખૂબ જ વખાણ્યા. આ પ્રદર્શન ને જોઈ તે ગદ્ગદ્ થઈ ગયા. ત‚ને મનમાં એમ થતું હતું કે કોઈ તેના ચાર્ટ માટે એવી કોઈ ખોટી ટીકા ન કરે તો સારું. એવું થયું પણ નહીં ! પ્રદર્શન પૂરું થયા બાદ તેમાં ભાગ લેનાર સૌને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં. દરેક વિદ્યાર્થી કલેક્ટરની નજરે જાણે કે પ્રથમથી પણ પ્રથમ હતો. બધા વિદ્યાર્થીઓએ પ્રદર્શનનો સમય પૂરો થયા બાદ પોતપોતાના ચાર્ટ પર લખેલ વાક્યો વાંચ્યાં. કલેક્ટર સાહેબે પણ સૌને કંઈ ને કંઈ પ્રશંસાના શબ્દો લખી આપ્યા. તરૂએ પોતાનો ચાર્ટ બહુ શોધ્યો પણ મળ્યો નહીં. તરૂ હેરાનપરેશાન થઈ ગયો. શું તેનો ચાર્ટ હવામાં ઊડીને શાળાની દીવાલની બહાર રસ્તા પર જતો રહ્યો હશે કે પછી આ કોઈની શરારત હશે ?
પરંતુ એવું કંઈ ન હતું. તેના વર્ગની શિક્ષિકાએ જણાવ્યું કે તે ચાર્ટ કલેક્ટર સાહેબને પસંદ આવી જતાં તેઓ પોતાની સાથે લઈ ગયા. તેઓ તેને પોતાની કચેરીની દીવાલ પર લગાવવા માંગે છે. આ સાંભળીને તરૂનું મન જાણે કે સાતમા આસમાનમાં ઝૂમવા લાગ્યું. તે દરમિયાન આચાર્ય પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે એક સરસ મજાની પેન ત‚ને ભેટ આપી. તેણે શાળાનું નામ રોશન કર્યંુ હતું. તરૂ ખૂબ રાજી થયો. તે ઘેર પાછા ફરતાં પોતાના ચાર્ટને ચાદ કરવા લાગ્યો. તેના ચાર્ટમાં અનેક જંગલી જાનવરો, પતંગિયાં અને પક્ષીઓ ચીતર્યાં હતાં. તે બધા જોર જોરથી વિલાપ કરતાં હતાં કે માનવે તેમની જગ્યા, તેમનાં રહેઠાણ અને તેમના ઊડવા-ફરવાની જગ્યા પર કબજો જમાવી દીધો છે. તેથી હવે તેમની પાસે કંઈ રહ્યું નથી. તેના પછી બીજું એક ચિત્ર બનાવેલું હતું, જેમાં એક માણસ ધનની લાલસામાં જંગલ કાપી મલ્ટીપ્લેક્ષ બનાવી વેચે છે. તે મલ્ટીપ્લેક્ષના પાયામાં નીચે ઈંડાં દબાયેલાં છે. ચાર્ટના ઉપરના ભાગે તરૂએ એક શીર્ષક આપ્યું હતું. ‘મને બચાવો’ તરૂએ પોતાના હાથમાં રહેલ પેન જોઈ. તેની આંખમાં આંસુ આવી ગયાં.

પ્રેરક પ્રસંગ
માતૃત્વનો વિસ્તાર

 

માતાની પ્રતીક્ષા કરી રહેલા કુલીન પરિવારના બાળકો કલ્પના કરી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે માતા આપણા માટે રમકડાં લાવશે, તો કોઈ કહી રહ્યું હતું કે આપણા માટે નવાં કપડાં લાવશે. ત્યારે જ સૌએ માતાને ઘરમાં પ્રવેશ કરતાં જોયાં. ઓરડામાં બેસેલાં બાળકોએ માતાના થેલાની તપાસ શરૂ કરી દીધી. તેઓ પોતાની પ્રિય વસ્તુને શોધવા લાગ્યા.
ઓહ, આ શું, તેમાંથી તો કશું જ ન નીકળ્યું. વારાફરતી સૌએ પ્રશ્ર્નોની ઝડી વરસાવી દીધી : "માતા, અમારા માટે મીઠાઈ નથી લાવી ?
"લાવી તો હતી બેટા; પરંતુ... હજુ વાત પૂરી પણ નથી થઈ કે જે બાળકે રમકડાંની કલ્પના કરી હતી તે પણ પૂછવા લાગ્યો : "માતા, મારાં રમકડાંનું શું થયું ? "રમકડાં પણ લાવી હતી, બેટા...
હવે કપડાં માટે પ્રશ્ર્ન પુછાયા : "કપડાં પણ લાવી તો હતી. આ વખતે માતાએ પોતાની વાત પૂરી કરી, પરંતુ તેમના શબ્દો ત્રણ-ચાર બાળકો દ્વારા એક સાથે પુછાતા પ્રશ્ર્નોમાં દબાઈ ગયા. બધાએ એક અવાજે કહ્યું, "લાવી છે તો ક્યાં છે, માતા ? થેલામાં તો એક પણ વસ્તુ નથી. તમે તો હંમેશા સાચું બોલવા માટે કહો છો અને હવે તમે જ ખોટું બોલી રહ્યાં છો. "ખોટું નથી બોલી રહી, મારાં બાળકો. એ સાચું છે કે, હું તમારી પ્રિય વસ્તુ લાવી હતી, પરંતુ રસ્તામાં તમારા ઘણાં બધાં ભાઈ-બહેન મળી ગયાં, તેમને સૌને વસ્તુ વહેંચી દીધી. માતાનુ સ્પષ્ટીકરણ સાંભળીને બાળકો સમજી ગયાં કે માતાએ રસ્તા પર રહેતાં અનાથ, અસહાય, ગરીબ બાળકોને વસ્તુઓ આપી દીધી છે.
એ વિદ્વાન મહિલા હતી - હિન્દી સાહિત્ય જગતનાં જાણીતાં કવયિત્રી શ્રીમતી સુભદ્રા કુમારી ચૌહાણ. તેમના હૃદયમાં દેશ ને દેશવાસીઓ માટે અપાર મમતા હતી. તેઓ સેવા, પ્રેમ, કરુણા અને સહૃદયતાની સાક્ષાત્ પ્રતિમા હતાં.

ગમ્મત ગુલાલ

ચિંકી : ચિન્ટુ, તું આ વીજળીના ગોળા પર શું લખી રહ્યો છે ?
ચિન્ટુ : મારા પિતાનું નામ, મારે તેમનું નામ રોશન કરવું છે.

ચિન્ટુ : પપ્પા, એક ગ્લાસ પાણી આપો ને...
પિતા : આળસુના પીર, જાતે લઈ લે...
ચિન્ટુ : પપ્પા પ્લીઝ...
પિતા : ફરી પાણી માંગ્યું તો લાફો ચોડી દઈશ.
ચિન્ટુ : સારું, લાફો મારવા આવો ત્યારે પાણી લેતા આવજો.

પરીક્ષાખંડના
શિક્ષક : ચિન્ટુ, શું થયું, પ્રશ્ર્ન ખૂબ અઘરો લાગે છે કે શું ?
ચિન્ટુ : ના રે ના, પ્રશ્ર્ન તો સહેલો સટ છે, પણ એનો જવાબ અઘરો લાગે છે.

પ્રશ્ર્નમંચ - ૨૬૮

૧. રીયો પેરાઑલિમ્પિકમાં ભારતને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા ?
૨. આધુનિક સોમનાથ મંદિર કોના પ્રયત્નોથી બન્યું હતું ?
૩. ‘સરહદના ગાંધી’ તરીકે કોણ ઓળખાય છે ?
૪. રણની કઈ વનસ્પતિ લાંબો સમય પાણી વગર રહી શકે છે ?
૫. ભૂકંપ જ્યાંથી શ‚ થાય છે તે બિંદુને શું કહે છે ?
૬. ગંગા નદી કયા પર્વતમાંથી નીકળે છે ?
૭. યાત્રાધામ અંબાજી કયા તાલુકામાં આવેલું છે ?
૮. દુનિયાનો સૌથી કીમતી હીરો કયો ગણાય છે ?
૯. કયું પક્ષી પોતાનો માળો સીવીને બનાવે છે ?
૧૦. સમુદ્રમાં દેખાતા બરફના શિખરને શું કહે છે ?