સૌથી મોટું ઇનામ
SadhanaWeekly.com       | ૦૯-સપ્ટેમ્બર-૨૦૧૬


અરૂ‚ણની શાળામાં જાત જાતની હરીફાઈઓનું આયોજન થતું રહેતું હતું. તે દરેક સ્પર્ધામાં કોઈ ને કોઈ પુરસ્કાર અવશ્ય મેળવતો. સાહિત્યના કાર્યક્રમોમાં તેને બહુ ઉત્સાહ અને રસ હતો. આ વખતે નિબંધસ્પર્ધા રાખેલ તેનો વિષય ‘વૃક્ષો આપણા મિત્રો’ હતો. અરૂણને આ વિષય બહુ જ ગમ્યો.
ચોમાસાના દિવસો નજીક હતા. આ ઋતુ વૃક્ષારોપણ માટે સૌથી ઉત્તમ મનાય છે. અ‚ણના મનમાં વિચાર અચાનક વીજળીની જેમ ઝબક્યો. વૃક્ષ ઉપર નિબંધ લખવા કરતાં પોતાના હાથે વૃક્ષારોપણ કરવું વધારે સારું રહેશે. પ્રવૃત્તિ અને પર્યાવરણની દૃષ્ટિએ આ કાર્ય અનિવાર્ય છે. હવે અરૂણે નિશ્ર્ચય કર્યો કે નિબંધ લખવાને બદલે તે વૃક્ષારોપણમાં કમર કસીને લાગી જશે.
પોતાના આ નિર્ણય બાબતે અરૂણે કોઈને કંઈ કહ્યું નહીં. આ તરફ બધા સ્પર્ધકો ખૂબ મહેનતપૂર્વક તૈયારીમાં લાગી ગયા. તો બીજી તરફ અરૂણ આંબાના રોપા વાવવા લાગ્યો. જ્યારે તે પોતાના નાના નાના હાથે રોપા રોપતો ત્યારે વિચારતો કે ‘જ્યાં વૃક્ષ ત્યાં વનરાજી, વૃક્ષ એ જ જીવન’. વૃક્ષો અને છોડવાઓની મહત્તા બાબતે તેની પાસે ઘણી માહિતી હતી. જે તેને વિવિધ પુસ્તકો, સામયિકો અને અખબારોમાંથી મળી હતી.
સમય આવતાં શાળામાં નિબંધસ્પર્ધાનું આયોજન થયું. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, પણ અરૂણ તેમાં સદ્ભાગી ના બન્યો તેનું સૌને આશ્ર્ચર્ય થયું. કેમ કે તે વક્તૃત્વ અને લેખનની બધી સ્પર્ધાઓમાં હમેશા પ્રથમ આવતો.
તેના મિત્રોએ તેને કારણ પૂછ્યું તો તેણે ધીમે ધીમે મલકાતાં એટલું જ કહ્યું, ‘મેં બીજું કામ કર્યું છે. તેની બાબતે તમને આપોઆપ ખબર પડી જશે.’ અમુક ઈર્ષાળુ મિત્રો આથી ખુશ પણ થયેલા. નિબંધસ્પર્ધાના પરિણામ માટે સૌ સ્પર્ધકો બહાવરા અને ઉતાવળા થઈ રહ્યા હતા. કેમ કે મોટા મોટા પુરસ્કારો પહેલી વખત રાખવામાં આવ્યા હતા. થોડા દિવસ બાદ પુરસ્કાર વિતરણનો દિવસ આવી ગયો. વિશાળ મંચની સામે શ્રોતા અને દર્શક‚પે ઉપસ્થિત વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં સ્પર્ધાના પરિણામની ખૂબ ઉત્સુકતા જોવા મળતી હતી. તેમાં અરૂણ પણ સામેલ હતો. અમુક મસ્તીખોર વિદ્યાર્થીઓ આપસમાં તેની મજાક ઉડાવતા હતા. જ્યારે અરૂણ મંચસ્થ વિદ્વાન મહાનુભાવોના ઉદ્ગાર ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતો હતો અને સમજી અંદર ઉતારતો હતો.
થોડીવાર બાદ સંસ્થાના પ્રમુખે સ્પર્ધાના પરિણામો જાહેર કર્યાં. પછી મુખ્ય અતિથિના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યા. અરૂણે પણ તાળીઓ વગાડી. એક પછી એક સૌ સફળ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા. બીજાની ખુશીમાં અરૂણ ખુશ નજરે પડતો હતો.
કાર્યક્રમના સમાપન બાદ સૌ પોતપોતાના ઘેર જવા લાગ્યા. તેવામાં શાળાના આચાર્યની નજર અરૂણ પર પડી. એટલે તેમણે તેને પોતાની પાસે બોલાવ્યો. સ્પર્ધામાં સામેલ ન થવાનું કારણ પૂછતાં અરૂણે બે હાથ જોડીને કહ્યું, ‘સર, સ્પર્ધામાં મેં જાણી જોઈને ભાગ લીધો નથી. કેમ કે મારી પાસે સમય નહોતો. બીજી વાત એ કે નિબંધલેખન કરતાં મારું ધ્યાન વૃક્ષારોપણ તરફ વધુ થઈ ગયેલું.’
અરૂણની વાત પૂરી થાય તે પહેલાં તેમણે પૂછ્યું, ‘શું તેં વૃક્ષારોપણ કર્યું છે ? ક્યાં, કઈ રીતે ?’
ઉનાળામાં કેરીઓ ખાઈ ખાઈને લોકોએ ગોટલીઓને કચરામાં ફેંકી દીધી હતી. વરસાદ થતાં એ ગોટલીઓ અંકુરિત થઈ ગઈ. તેમાં નાના નાના ચીકણા ચમકદાર પાનવાળા ઢગલાબંધ રોપા લહેરાવા લાગ્યા. મેં એ રોપાઓને ઉજ્જડ પડેલ જમીનમાં રોપી દીધા. જે રીતે મેં એ કામ કર્યું તે બાબતે નિબંધ લખવાનું વિચારેલું. અરૂણનો જવાબ સાંભળીને સંસ્થાના પ્રમુખે ઉત્સુકતાથી પ્રશ્ર્ન કર્યો, ‘બેટા, છોડવાઓ વાવવા તો સહેલા છે, પણ તેને સાચવવા મુશ્કેલ નથી ?’
‘હા, સર, એ બહુ મુશ્કેલ કામ છે, પણ મારા મનમાં એ વિશ્ર્વાસ છે કે જો હું તેની જાળવણી, દેખભાળ અને પાલન-પોષણમાં ધ્યાન આપીશ તો મોટા ભાગના છોડવાઓ બચી જશે અને ભવિષ્યમાં વૃક્ષ બની ખૂબ ફળ ફૂલ અને શીતળ છાયા આપશે. તમે જ કહો છો ને કે પરિશ્રમનું ફળ જરૂરથી મળે છે.’
અરુણની આ વાત સાંભળતાં જ પ્રમુખ ખુશીથી ભાવવિભોર થઈ ગયા. ‘બેટા, તું ખરેખર હોશિયાર છે. દિન-પ્રતિદિન વૃક્ષોના અંધાધૂંધ કપાણથી પ્રાકૃતિક પ્રકોપ વધી રહ્યો છે. પ્રદૂષિત હવા-પાણીને કારણે સ્વાસ્થ્ય પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. અત્યારે પ્રકૃતિ અને પ્રાણીઓને બચાવવાનો બસ એક જ રસ્તો છે, જેનો કોઈ વિકલ્પ નથી. તેં ખૂબ જ મહત્ત્વનો અને વખાણવા યોગ્ય પ્રેરક પ્રયાસ કર્યો છે. તને શાળા તરફથી આ માટે અમે ખાસ પુરસ્કાર આપીશું. તું જ એક દિવસ અરૂણું પ્રભાત લાવીશ.’
અરૂણે ત્યારે દૃઢતાપૂર્વક વિનંતીના સ્વરે કહ્યું, ‘ના, સર, મારે કોઈ પુરસ્કાર ન જોઈએ. મને તો સૌથી મોટા પુરસ્કાર રૂ‚પે તમારા આશીર્વાદ મળી ગયા છે. આ સાંભળી સંસ્થાના પ્રમુખે અ‚ણની પીઠ થપથપાવી અને બાથમાં લઈ લીધો. જેણે આ ભાવપૂર્ણ દૃશ્ય જોયું તે સૌ ગદ્ગદિત થઈ ગયા.

 

કુહાડી જ મારો સહારો

આ પ્રસંગ યુનાનનો છે. એક છોકરો હતો, તેનાં માતાપિતા મૃત્યુ પામ્યાં હતાં. તે જંગલમાંથી લાકડાં કાપતો હતો. તેને બજારમાં વેચીને પોતાનું પેટ ભરતો, બાકીના સમયમાં તે વાંચતો. એક દિવસની વાત છે, તે જંગલમાંથી લાકડાં કાપીને બજારમાં વેચવા જઈ રહ્યો હતો. તે સમયના મોટા વિદ્વાન ડેમોક્રેટ્સ તેને મળ્યા. તેમણે તે છોકરાને પૂછ્યું : ‘કેમ ભાઈ, આ ભારો કોણે બાંધ્યો ? લાગે છે તારી માતાએ બાંધ્યો.’
"મેં બાંધ્યો છે, હું અનાથ છું. છોકરાએ જવાબ આપ્યો. છોકરાનો જવાબ સાંભળીને ડેમોક્રેટ્સ તેની સામે એકીટસે જોતા રહ્યા અને પૂછ્યું : "તને જમવાનું કોણ આપે છે ?
કુહાડી દેખાડતાં છોકરાએ કહ્યું : "આ જ મારો સહારો છે. ખૂબ આત્મવિશ્ર્વાસથી તેણે પોતાની વાત પૂરી કરી. "હું જંગલમાં લાકડાં કાપીને બજારમાં વેચું છું. તેનાથી જ મને પેટ ભરવા માટે ખાવાનું મળે છે. હવે તો ડેમોક્રેટ્સ તે છોકરા વિશે બધું જ જાણવા ઉત્સાહિત દેખાતા હતા. તેમણે બીજો એક પ્રશ્ર્ન પૂછ્યો, "દિવસભર તું શું કરે છે ? "હું વાંચું પણ છું. ખૂબ વાંચીશ અને એક દિવસ ડેમોક્રેટ્સ જેવો વિદ્વાન બનીશ. છોકરાને શું ખબર હતી કે તે જેની સાથે વાત કરી રહ્યો છે તે જ ડેમોક્રેટ્સ છે. ડેમોક્રેટ્સને હસવું આવ્યું. ફરી થોડા ગંભીર થઈને એક અંતિમ પ્રશ્ર્ન કર્યો : "જો હું તારો આ ભારો ખોલી દઉં તો શું તું તેને ફરી બાંધી શકીશ ?
"શ્રીમાન, તમે આને ખોલવાની તકલીફ ન ઉઠાવો. લો, હું જ ખોલી દઉં છું અને ફરી બાંધીને બતાવી દઈશ. તેણે તરત જ ભારો ખોલી દીધો અને બાંધીને બતાવી દીધો. આ જોઈને ડેમોક્રેટ્સ ખૂબ પ્રસન્ન થયા. ત્યાર બાદ તેઓ છોકરાને ઘરે લઈ ગયા. તેના અભ્યાસની, રહેવાની, ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા કરી આપી. આ જ બાળક આગળ વધીને રેખાગણિતનો ખૂબ મોટો વિદ્વાન બન્યો. આ પ્રતિભાશાળી બાળકનું નામ હતું પાયથાગોરસ.

પ્રશ્ર્નમંચ - ૨૬૬

૧. વિઘ્નહર્તા દેવ કોણ કહેવાય છે ?
૨. ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ છે ?
૩. ‘સાર્વજનિક ગણેશોત્સવ’ ઉજવણી પ્રથા કોણે શરૂ કરી હતી ?
૪. ગણપતિનું વાહન કોણ છે ?
૫. ગણપતિના ભાઈનું નામ શું હતું ?
૬. ડૉ. રાધાકૃષ્ણનનો જન્મદિન કઈ તારીખે આવે છે ?
૭. ‘પર્યુષણ’ કયા ધર્મ સાથે જોડાયેલ છે ?
૮. "શિક્ષક કભી સાધારણ નહીં હોતા વાક્ય કોનું છે ?
૯. WHO નું આખું નામ શું છે ?
૧૦. ‘ઇકો ફ્રેન્ડલી’ ગણપતિ શામાંથી બને છે ?