સામાજિક વિચારનું નિર્માણ કરનારા માધ્યમોની જરૂરિયાત સમાજને હંમેશા રહી છે : મા. મોહનજી ભાગવત
SadhanaWeekly.com       | ૦૧-જાન્યુઆરી-૨૦૧૭


‘સાધના’ ષષ્ટિપૂર્તિ સમારોહ

‘સાધના’ સાપ્તાહિકના આ વર્ષે ૬૦ વર્ષ પૂર્ણ થયા. આ નિમિત્તે આખા વર્ષ દરમિયાન ‘સાધના’ દ્વારા ‘ષષ્ટિપૂર્તિ’ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂ‚પે ૧ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ અમદાવાદની ગુજરાત સ્ટેટ કો. ઓપ. બેન્ક લિ.ના હોલમાં ‘સાધના ષષ્ટિપૂર્તિ વર્ષ સમારોહ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ. પૂ. સરસંઘચાલક મા. મોહનજી ભાગવત ઉપસ્થિત રહ્યાં હતા. આ સમારોહમાં ‘સાધના સાપ્તાહિક’ની ૬૦ વર્ષની ગૌરવગાથા પ્રસ્તુત કરતા ‘સ્મરણિકા ગ્રંથ’નું પણ લોકાર્પણ થયું હતું. તેમજ વર્ષ દરમિયાન ‘સાધના’ના પ્રસાર-પ્રચારમાં વિશેષ સહયોગ આપનારા ૨૧ કાર્યકર્તાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં રા. સ્વ. સંઘના સરસંઘચાલક મા. મોહનજી ભાગવતે જણાવ્યું હતું કે, ‘સમાજમાં સભ્ય બોલનારા, સત્યની જાણકારી આપનારા અને સભ્ય સમાજ સુધી પહોંચાડી સામાજિક વિચારનું નિર્માણ કરનારા માધ્યમોની જરૂ‚રિયાત હંમેશાં રહી છે. આજે ટેક્નોલોજી બદલાઈ છે, પણ તેની જરૂ‚રિયાત એ જ રહી છે.’ તેમણે જણાવ્યું કે પહેલા સુત અને ચારણ પ્રત્યક્ષ સમાજ સુધી પહોંચી સમાજને સમાચાર, ઇતિહાસ, પુરાણની માહિતી આપતા પછી સમાચાર પત્રો આવ્યા અને પછી વિઝ્યુઅલ મીડિયા આવ્યું. હવે ઇન્ટરનેટ મીડિયા આવ્યું છે. મીડિયાનું ‚રૂપ બદલાયું છે. પણ તેનું કામ સમાજ સુધી જાણકારી પહોંચાડી સમાજમાં આશા, સકારાત્મક વિચાર, સંસ્કાર ઉત્પન્ન કરવાનું જ છે અને સમાજને તેની જરૂ‚રિયાત છે.
તેમણે જણાવ્યું કે સંઘના સ્વયંસેવકોએ આ વિચાર પહોંચાડવાનું કામ શરૂ‚ કર્યું છે. તેમણે કહ્યું કે સંઘના સ્વયંસેવકના સંપર્કમાં આવનારો વ્યક્તિ ભલે સંઘનો ન બને પણ સારો વ્યક્તિ જ‚રૂર બનશે. સ્વયંસેવકને આજ શીખવવામાં આવ્યું છે. સાધના સાપ્તાહિક વિશે જણાવતા તેમણે કહ્યું કે ‘સાધના’ એ આખા સમાજના મિત્ર બનવાનું છે. સમાજ અને સાધના અલગ અલગ ન હોઈ શકે. તે એક બીજાના અભિન્ન અંગ છે.
‘સાધના’ સાપ્તાહિકના તંત્રી મુકેશભાઈ શાહે જણાવ્યું હતું કે સાધનાના ૬૦ વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થયા. આ ૬૦ વર્ષના પેપરથી શ્યાહી, શ્યાહીથી શબ્દ, શબ્દથી સંસ્કાર અને સંસ્કારથી નિષ્ઠા પેદા કરવાનું કામ સાધનાએ કર્યું છે. સાધના સાપ્તાહિક અને તેની વેબસાઈટ સંપૂર્ણ પારિવારિક છે. તે સંપૂર્ણ પરિવાર એક સાથે વાંચી - જોઈ શકે તેવો અમારો હંમેશાં પ્રયાસ છે અને રહેશે.
‘સાધના’ના આ ષષ્ટિપૂર્તિ સમારોહ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પરસોત્તમભાઈ રૂપાલા, રમણભાઈ વોરા, હરિન પાઠક તથા ‘સાધના’ના ટ્રસ્ટીગણ સહિત મોટી સંખ્યામાં સાધનાના કાર્યકર્તાઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા.