૧૦ રાજ્યોમાં ફેલાયેલું સૌથી મોટું ૧૭૦૦૦ કરોડનું રોઝ વેલી ચિટફંડ કૌભાંડ
SadhanaWeekly.com       | ૧૧-જાન્યુઆરી-૨૦૧૭


 

પશ્ર્ચિમ બંગાળ ચિટફંડ કૌભાંડને લઈને ફરી ચર્ચામાં છે. પહેલાં ૨૫૦૦ કરોડનું શારદા ચિટફંડ પછી ૩૫૦૦ કરોડ રૂ‚પિયાનું બેસિક ઇન્ટરનેશનલ લિમિટેડ ચિટફંડ અને હવે સૌથી મોટું ૧૭૦૦૦ કરોડ રૂ‚પિયાનું ‘રોઝ વેલી ચિટફંડ...’ તો આવો જાણીએ પ. બંગાળની તૃણમૂલ સરકાર જેનાથી હચમચી ગઈ છે તે રોઝ વેલી ચિટફંડ વિશે...

રોજવેલી ચિટફંડ વિશે જાણવું હોય તો પહેલાં ‘ચિટફંડ’ શબ્દને સમજવો પડે. ચિટફંડ એટલે એક પ્રકારની બચત યોજના, જેમાં રોકાણકારો રૂ‚પિયાની સાથે સોનું, ચાંદી, જેવી અન્ય મિલકતોનું રોકાણ પણ કરી શકે છે. ભારતમાં આવું ‘ચિટફંડ એક ૧૯૮૨’ અંતર્ગત ચલાવાય છે. આવા ચિટફંડમાં લોકો રોકાણ કરે અને તેનું વ્યાજ રૂ‚પી વળતર મેળવે, પણ કેટલીક ચિટફંડ કંપની ડૂબી જાય, અથવા રોકાણકારોના પૈસા ન ચૂકવે એટલે એ કૌભાંડ રૂ‚પે બહાર આવે છે અને જે કંપની હોય તેની પાછળ આ શબ્દ કૌભાંડની જેમ લાગી જાય છે. જેમ કે આવી જ એક કંપની છે રોજવેલી હેપ્પીનેસ અનલિમિટેડ... તેનું કૌભાંડ બહાર આવ્યું એટલે નામ પડ્યું . રોજવેલી ચિટફંડ કૌભાંડ.

રોજવેલી ચિટફંડમાં શું થયું ?

રોજવેલી કંપની પર આરોપ છે કે તેણે સેબી (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)ની મંજૂરી વગર જ વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ની વચ્ચે ગેરકાનૂની રીતે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા, જેમાં લોકોને વચન આપવામાં આવ્યું કે તમારા રોકાણ બદલ અનેકગણું વધારે વળતર આપવામાં આવશે, જેની તપાસ સુપ્રીમકોર્ટે સીબીઆઈને સોંપી અને બહાર આવ્યું ૧૭૦૦૦ કરોડ રૂ‚પિયાનું કૌભાંડ.
રોજવેલી કંપનીના માલિકનું નામ છે ગૌતમ કુંડૂ. જે ત્રિપુરાના રહેવાસી છે. કંપનીએ દેશનાં ૧૦ રાજ્યોમાંથી રોકાણના સામે વધુ વળતર આપવાના નામે કરોડો રૂ‚પિયા ઉઘરાવ્યા. કંપનીનાં આ ૧૦ રાજ્યોમાં ૮૮૦ કાર્યાલયો હતાં, જ્યાંથી આ વ્યવહાર થતો હતો. આ કંપનીની પહોંચ રાજનીતિથી લઈને રિયલ એસ્ટેટ, બોલીવૂડ અને મીડિયા સુધી હતી. કોર્પોરેટ જગતથી લઈને રાજનેતાઓની મિલીભગતથી દેશનાં ૧૦ રાજ્યોમાં ચાલી રહેલા એક કૌભાંડમાં લોકોના કરોડો ‚રૂપિયા ડૂબી ગયા છે. કંપનીના માલિક કુંડૂ પર આરોપ છે કે તેણે તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓની મદદથી ભેગા થયેલા રૂ‚પિયા દેશની બહાર મોકલી દીધા છે. આમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના કેટલાક નેતાઓએ પણ કુંડૂની મદદ કરી છે. તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓ પર આરોપ છે કે તેમણે કેટલીક સરકારી એજન્સીઓના માધ્યમથી આ કંપનીના પૈસા સગેવગે કરવા કંપનીના માલિકની મદદ કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫માં ૪ કંપનીના માલિક ગૌતમ કુંડૂની ધરપકડ થઈ ચૂકી છે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના તપસ પોલની પણ ધરપકડ થઈ છે અને હવે તાજેતરમાં જ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુદીપ બંદોપાધ્યાયની ધરપકડ સીબીઆઈએ કરી છે. તપાસ ચાલુ છે. લાગે છે કે હજી ઘણાં નામ જાહેર થઈ શકે છે આ કૌભાંડમાં...

 

- હિતેશ સોંડાગર