દુનિયાભરનાં હિન્દુ મંદિરોની માહિતી એક ક્લિક પર
SadhanaWeekly.com       | ૧૨-જાન્યુઆરી-૨૦૧૭
હરિ ઐયર

હિન્દુત્વ વિશે બહમુતી હિન્દુઓ ભલે સભાન ના હોય પણ જે લોકો પોતાના ધર્મ અને ઓળખ વિશે સભાન છે એવા લોકો તેને જાળવવા કામ કરે જ છે ને એવું અદ્ભુત કામ કરે છે કે આપણે મોમાં આંગળાં નાખી જઈએ. હરિ ઐયર નામના એક 27 વર્ષના તમિલ યુવકે આવું જ અદ્ભુત કામ કરી બતાવ્યું છે. હરીએ ધ ગ્લોબલ હિન્દુ ટેમ્પલ ડિરેક્ટરી બનાવી છે. ભારતમાં તો ગણ્યાં ગણાય નહી એટલાં મંદિરો છે પણ હિન્દુત્વ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. હિન્દુત્વ પણ ગ્લોબલ બન્યું છે અને આખી દુનિયામાં હિન્દુઓ ફેલાયેલા છે. તેના કારણે દુનિયાના લગભગ તમામ દેશોમાં હિન્દુ મંદિરો બન્યાં છે. અલબત્ત અહીં ભારતમાં રહેતાં લોકોને આ મંદિરો વિશે બહુ ખબર નથી હોતી. હરિએ ગજબનું કામ એ કર્યું છે કે તેણે ભારત બહાર આવેલાં તમામ મંદિરો વિશેની માહિતી વેબસાઈટ પર મૂકી દીધી છે. ભારતની બહાર લગભગ 2000 જેટલાં હિન્દુ મંદિરો છે. આ મંદિર કયાં આવેલું છે, તેમાં કયા ભગવાનની પૂજા થાય છે, તેમાં દર્શનના સમય કયા છે, આ મંદિર સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકાય વગેરે તમામ માહિતી હરિએ આ ડિરેક્ટરીમાં મૂકી છે. તમે વેબસાઈટ ખોલીને એક કલીક કરો એટલે આ માહિતી તમને મળી જાય.


હરિને આ અદ્ભુત વિચાર કઈ રીતે આવ્યો તે સમજવા જેવું છે. હરિ તમિલનાડુનો છે પણ તે મુંબઈમાં જન્મ્યો અને મુંબઈમાં જ મોટો થયો. મુંબઈમાં જ તે ભણ્યો અને પછી ડિઝાઈનર એન્જિનિયર બન્યો. ત્રણ વરસ પહેલાં તેને વિશ્ર્વ વિખ્યાત બોઈંગ કંપ્નીએ ઓફર આપી અને તેને પોતાની ઓસ્ટ્રેલિયાની સબસિડરી બોઈંગ ઓસ્ટ્રેલિયા માટે પસંદ કર્યો. હરિએ એ ઓફર સ્વીકારી અને મેલબોર્ન આવી ગયો.
હરિને પહેલેથી હિન્દુત્વમાં રસ છે અને તે મલબોર્ન આવ્યો તે પહેલાં કોઈએ તેને મેલબોર્નના એક અદ્ભુત મંદિર વિશે કહેલું. હરિની ઇચ્છા એ મંદિરમાં જવાની હતી પણ મંદિરમાં દર્શનનો સમય શું છે તે વિશે તેને ખબર નહોતી. હરિએ મંદિરની વેબસાઈટ સર્ચ કરી પણ તેમાં કોઈ માહિતી નહોતી.
હરિએ વિચાર્યું કે મંદિર સવારે તો ખૂલતું જ હશે તેથી એક રજાના દિવસે એ સવારે નીકળી ગયો. મંદિર તેના ઘરેથી દૂર હતું તેથી વહેલી સવારે જ એ રવાના થઈ ગયો. તેના આશ્ર્ચર્ય અને આઘાત વચ્ચે મંદિર બંધ હતું. હરિએ આજુબાજુ તપાસ કરી તો ખબર પડી કે મંદિર તો સાંજે જ ખૂલે છે. હવે ઘરે પાછા આવીને ફરી જવાય તેવી સ્થિતિ નહોતી તેથી હરિએ આખો દિવસ ત્યાં પસાર કરવો પડ્યો. મંદિરના ઓટલે બેસીને તેણે દિવસ કાઢ્યો ને દર્શન કરીને પાછો આવ્યો પણ આ સ્થિતિ જોઈને તેને હતાશા થઈ ગઈ. તેને વિચાર આવ્યો કે પોતાના જેવી હાલત બીજાં લોકોની થતી જ હશે ને? ને પોતાના જેવાં ઓસ્ટ્રેલિયામાં રહેતાં બીજાં કેટલાંય લોક એવાં હશે કે જે માહિતીના અભાવે આ મંદિરોમાં કદી જતાં જ નહીં હોય. તેણે એ વખતે જ નક્કી કર્યું કે તે ઓસ્ટ્રેલિયાનાં તમામ હિન્દુ મંદિરો અંગેની માહિતી ઓેનલાઈન મૂકશે. તેણે એ કામ શરૂ કર્યું એ પછી તેને બીજો વિચાર આવ્યો કે શા માટે માત્ર ઓસ્ટ્રેલિયાના હિન્દુઓ વિશે જ વિચારવું? દુનિયાના બધા દેશોમાં બહારથી આવીને રહેતા હિન્દુઓની આ જ હાલત થતી હશે ને? એટલે તેણે દુનિયાભરનાં હિન્દુ મંદિરોની માહિતી ધરાવતી વેબસાઈટ બનાવવાનું નક્કી કર્યું ને ત્રણ વરસની મહેનત પછી 2000થી વધારે મંદિરોની રજેરજ માહિતી ધરાવતી તેણે www.allhindutemples.com અને www.hindutemplesapp.com વેબસાઈટ બનાવી ને સાથે સાથે આઈકયુએસ એપ પણ બનાવી કે જેની મદદથી મોબાઈલ પર આ મહિતી મેળવી શકાય. આ વેબસાઈટ પર ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપ અને કેનેડાનાં તમામ મંદિરોની માહિતી છે. મંદિરના ફોન નંબર સાથે આ માહિતી છે તેથી કોઈને જવું હોય તો ફોન કરીને તમામ માહિતી મેળવી શકે.
આફ્રિકાનાં તમામ મંદિરોની માહિતી નથી પણ તે ઉમેરાઈ રહી છે. દક્ષિણ એશિયાનાં મંદિરોની માહિતી નથી કેમ કે ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, કમ્બોડિયા વગેરે દેશોમાં એટલાં બધાં મંદિરો છે કે તેમની માહિતી આપતી વેબસાઈટ બનાવવા માટે જંગી સ્ટાફ જોઈએ, પુષ્કળ નાણાં જોઈએ.
હરિનો પ્રયત્ન એ વાતનો પુરાવો છે કે વિદેશમાં રહેતા ભારતીયો પોતાની ઓળખ વિશે વધારે સભાન છે ને હિન્દુત્વને જાળવવા પણ મતે છે. ભારત બહાર રહેતા લાખો હિન્દુઓ માટે આ વેબસાઈટ આશિર્વાદરૂપ છે એ તો ફાયદો છે જ પણ તેના કારણે હિન્દુત્વ ગ્લોબલ બન્યું છે એ મોટો ફાયદો છે.