અમદાવાદનું અદ્ભુત કાઈટ મ્યુઝિયમ...એક વાર તો જોવા જેવુ છે હો!

 
‘પતંગ ઉત્સવ’ ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્ર્વફલક પર પતંગના શોખને ઉત્સવમાં પરિવર્તિત કરી વિશ્ર્વભરમાં ફેલાયેલા પતંગરસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ-સંસ્કૃતિને ઉજાગર કરતું ‘પતંગ સંગ્રહાલય’ પતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્ર્વના પ્રવાસીઓ માટે ‘પતંગ સંગ્રહાલય’ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ટાગોર હોલના સાંનિધ્યમાં આવેલ સંસ્કાર કેન્દ્રમાં પતંગનું આ જોવાલાયક સંગ્રહાલય આવેલું છે. મુલાકાતીઓ અહીં સોમવાર સિવાય સવારે ૧૦થી રાત્રિના ૮ દરમિયાન ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે.


હ ૧૯૮૫માં ભાનુ શાહ નામના પતંગપ્રેમીએ સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે પતંગ મ્યુઝિયમ બનાવવા માટે મહત્ત્વનો સહકાર આપ્યો હતો. ગુજરાતમાં આ એક માત્ર પતંગ સંગ્રહાલય છે. આ મ્યુઝિયમમાં એવા પતંગોનો સંગ્રહ કરવામાં આવ્યો છે કે જે વિશ્ર્વભરમાં દુર્લભ માનવામાં આવે છે.
હ ભારતમાં આ પ્રકારનું મ્યુઝિયમ બન્યું હોય તેવી આ પ્રથમ ઘટના હતી અને વિશ્ર્વમાં ચીનના પતંગ મ્યુઝિયમ બાદ આ મ્યુઝિયમને બીજા નંબરનું સન્માન આપવામાં આવે છે.
હ કાગળના ૪૦૦ ટુકડાઓમાંથી બનેલા પતંગનું પણ સવિશેષ આકર્ષણ મુલાકાતીઓમાં રહે છે. આ સિવાય પતંગનો ઇતિહાસ પણ રોચક રીતે મ્યુઝિયમમાં કંડારાયો છે.
હ મજાની વાત એ છે કે મ્યુઝિયમની મુલાકાત ગુજરાત કરતાં વિદેશીઓ વધુ લે છે. પ્રતિવર્ષ દેશી મુલાકાતીઓ કરતાં વિદેશી લોકોની સંખ્યા વધુ હોય છે.
હ આ મ્યુઝિયમની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ ગણાય છે. એમાં પણ જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાતા કાઈટ ફેસ્ટિવલ દરમિયાન આ મ્યુઝિયમમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાય છે.