રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ પોરબંદર, માંગરોળ, સોમનાથની મુલાકાતે

    ૦૨-ઓક્ટોબર-૨૦૧૭
 
રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે સૌરાષ્‍ટ્રની મુલાકાતે છે. રાષ્‍ટ્રપતિ બન્‍યા બાદ શ્રીરામનાથ કોવિંદ સૌરાષ્‍ટ્રની મુલાકાતે બીજી વખત પધાર્યા છે.


આજે સવારે તેઓ દિલ્‍હીથી સૌરાષ્‍ટ્રની મુલાકાતે આવવા રવાના થયા હતા અને આજે ગાંધી જયંતી નિમિતે પોરબંદર તથા માંગરોળમાં જેટીનો શિલાન્‍યાસ અને શ્રી સોમનાથ મહાદેવના દર્શન તથા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહેનાર છે.

પોરબંદર

પોરબંદરઃ મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતી નિમિતે પોરબંદરના આંગણે આજે રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ પૂ. મહાત્‍મા ગાંધીને શ્રધ્‍ધાસુમન અર્પણ કરશે. રાષ્‍ટ્રપતિના આ કાર્યક્રમમાં રાજ્‍યપાલ ઓ.પી. કોહલી અને મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સહભાગી થયા છે.

રાષ્‍ટ્રપતિના નિયત થયેલા કાર્યક્રમ મુજબ તેઓ ૧૨.૧૫ કલાકે પોરબંદર એરપોર્ટ ખાતે ઉતરાણ કરનાર છે. જ્‍યાં મુખ્‍યમંત્રી સહિત મંત્રીઓ, કલેકટર, જિલ્લા પોલીસ વડા સ્‍વાગત કરશે. બાદમાં રાષ્‍ટ્રપતિ સાથે કિર્તીમંદિરે પહોંચનાર છે, જ્‍યાં ૧૨.૨૫ થી ૧૨.૪૮ સુધી આયોજીત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે અને બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. આ તકે પૂ. બાપુનું પ્રિય ભજન રજૂ કરાશે અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ પ્રેઝન્‍ટેશન રજૂ કરાશે. આ સ્‍થળેથી જ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ ગુજરાતને ખુલ્લામાં શૌચાલય મુકત ગુજરાતની ઘોષણા કરવામાં આવશે અને ધન કચરા વ્‍યવસ્‍થાપન યુકત અભિયાનને આગળ ધપાવવા ગ્રામીણ ગુજરાત નિર્માણ સમારોહ યોજાશે.

બાદમાં રાષ્‍ટ્રપતિ પોરબંદર સર્કિટ હાઉસ ખાતે લંચ લઈ ૨.૦૫ કલાકે હવાઈ માર્ગે માંગરોળ તરફ જવા રવાના થનાર છે.

જૂનાગઢ-માંગરોળ

જૂનાગઢ-માંગરોળઃ ભારતના રાષ્‍ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદ માંગરોળમા ઉપસ્‍થિત રહી ૧૧૭૫ કરોડના ફિશરીઝ હાર્બરનો શિલાન્‍યાસ કરશે. ત્‍યારબાદ ૪૫ ગામોને પાણી પુરૂં પાડવાની મહિ-નર્મદા યોજનાનું લોકાર્પણ કરી સભાને સંબોધશે.

રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદજી આજે ગાંધી જયંતિના દિને માંગરોળ અને સોમનાથના પ્રવાસે આવી રહ્યા હોય જેને લઈ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લઈ બન્ને કાર્યક્રમ સ્‍થળોએ જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ છે.

આજે આજે ૨જી ઓકટોબરને ગાંધી જયંતિના દિને રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદજી સોરઠના પ્રવાસે આવી રહ્યા હોય વહીવટી અને પોલીસ તંત્રમાં બેઠકોના દોર ચાલુ રહેલ હોવાની સાથે કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

રાષ્‍ટ્રપતિજી પ્રથમ બપોરે અઢી વાગ્‍યે માંગરોળ આવનાર છે. જ્‍યાં ખાતમુહુર્ત અને સભાના કાર્યક્રમને પૂર્ણ કરી ચાર વાગ્‍યે સોમનાથ પહોંચી સીધા મહાદેવને શીશ ઝુકાવવા મંદિરે જઈ પૂજા-અર્ચન કરવાનો સત્તાવાર કાર્યક્રમ હોવાનું તંત્રમાંથી જાણવા મળેલ છે. રાષ્‍ટ્રપતિજીના કાર્યક્રમને લઈ સોમનાથ મંદિર સહિતના આજુબાજુના વિસ્‍તારમાં જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવા ઉપરાંત સ્‍વચ્‍છતા પર તંત્રએ ખાસ ધ્‍યાન આપ્‍યું હોવાનું જોવા મળી રહેલ છે. રાષ્‍ટ્રપતિજી સોમનાથ મંદિરમાં જલાભિષેક સહિતની પૂજાઓ કરનાર છે.

રાષ્‍ટ્રપતિની માંગરોળ મુલાકાતના પગલે પોલીસ તંત્ર દ્વારા ચૂસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

પ્રભાસપાટણ-વેરાવળ

વેરાવળ-પ્રભાસપાટણઃ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે સોમનાથ આવી પહોંચવાના છે ત્‍યારે તેમના આગમન પૂર્વેની તૈયારીને આખરી ઓપ અપાયો હતો. ગઈકાલે તેમનો જન્‍મ દિવસ હતો. આજે રાષ્‍ટ્રપિતાના જન્‍મ દિવસે રાષ્‍ટ્રપતિ સોમનાથ દાદાના દર્શન કરશે. હેલીપેડથી સોમનાથ મંદિર સુધીના રસ્‍તાનું બેરિકેડિંગ અને રીનોવેશન કરવામાં આવ્‍યા હતા. સ્‍વાગત, સાગર દર્શન તથા મંદિરમાં દર્શન-મહાપૂજાનું યોગ્‍ય પ્‍લાનિંગ કરવામાં આવ્‍યું હતું. બપોરે ૪.૧૫ કલાકે રાષ્‍ટ્રપતિ કોવિંદ સોમનાથ આવી પહોંચશે. મંદિરે પૂજા, અભિષેક અને દર્શન કરશે. ૫.૦૫ વાગ્‍યે હેલીકોપ્‍ટર દ્વારા રાજકોટ પરત ફરશે. મંદિર ટ્રસ્‍ટ દ્વારા પણ પૂજન-દર્શન માટેની સુચારૂ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.