ડાંગ દરબાર : વનવાસી હેરિટેજ અને પ્રાસંગિક પ્રવાસનનું અજોડ ઉદાહરણ
SadhanaWeekly.com       | ૦૨-ઓક્ટોબર-૨૦૧૭

 
 
હોળીના દિવસોમાં ગુજરાત આખાના વનવાસીઓ કરતાં ડાંગના વનવાસીઓની એક પરંપરા નોખી પડે છે અને તે છે ડાંગ દરબાર. ગુજરાતના સૌથી નાના જિલ્લા અને વનવાસી રજવાડા સાથે સંકળાયેલા ડાંગ દરબારનો રોમાંચક ઇતિહાસ છે. હાલના ડાંગ દરબારને સમજવા માટે ડાંગના રાજકીય ઇતિહાસ અને ડાંગ દરબારના પ્રારંભમાં ડોકિયું કરવું જ‚રી છે. આશરે ૧૪મા સૈકાથી ડાંગી ભીલ રાજાઓ ડાંગમાં સત્તા ધરાવતા હોવાનાં પ્રમાણો સાંપડે છે, પરંતુ અંગ્રેજોના ગુજરાતમાં આગમન સુધી (૧૮૧૮) તેમના રાજકીય અસ્તિત્વની નોંધ લેવાઈ ન હતી, પરંતુ સાંસ્થાનિક બ્રિટનના આગમન પછી સત્તાની સાઠમારી અને જંગલ હક્કોની લડાઈમાં ડાંગ ઇતિહાસના કેન્દ્રમાં આવ્યું. ૧૯મા સૈકાના સત્તા સર્વોપરિતાના સંઘર્ષમાં પણ ડાંગી રાજાઓ મહાકાય બ્રિટિશ સત્તાને સહેલાઈને શરણે થયા ન હતા. વડોદરાના ગાયકવાડી રાજ્યને ન ગાંઠનારા, દાદ ન દેનારા ભીલ રાજાઓ પોતાની ભૂમિ પર પરદેશી સત્તાને શેના ગાંઠે ?
‘અન્વીક્ષા’ (પોતાના ભૂતકાળ તરફ પાછા વળીને જોવું, તેનું મૂલ્યાંકન કરવું)ના મુદ્દે બ્રિટિશ પ્રજાનો જગતભરમાં જોટો જડે તેમ નથી. ભારતમાં સામ્રાજ્ય સ્થાપનાના પ્રારંભે અને આઝાદી સુધીનો ઇતિહાસ તેના પુરાવારૂપ છે. આ પ્રક્રિયા તેમણે મહાકાય રાજ્યોથી લઈ વનવાસી સમૂહો સુધી કુશળતાપૂર્વક અજમાવી હતી. ડાંગી રાજાઓ પણ તેમાંથી બાકાત રહી શક્યા ન હતા. અહીંના રાજાઓના શૌર્ય, પરાક્રમ અને વીરત્વથી સુપેરે વાકેફ બ્રિટિશરોએ તેમને શરણે લાવવા જે વિધવિધ ઉપાયો યોજ્યા તેમાંનો એક ઉપાય ડાંગ દરબાર હતો, કારણ કે ડાંગી રાજાઓને તેમનાં જંગલોમાં આરપારની લડાઈમાં જીતવા એ સ્વપ્ન સમાન હતું. એટલા માટે જ ૧૯મા સૈકામાં બ્રિટિશ લશ્કરી અધિકારીઓ ડાંગના દરવાજે પહોંચતાં જ પૂછતા કે "is Devi Singh Silpat is still alive ?' (શું દેવીસિંહ શિલ્પત જીવે છે ?) આવી સંઘર્ષશીલ, સહેલાઈથી શરણે ન થનારી પ્રજાને બ્રિટિશ આણમાં લાવવા માટે ભીલ એજન્ટ ડગ્લાસ ગ્રેહામે ડાંગ દરબારનો વિચાર રજૂ કર્યો હતો. તેનું કારણ પણ ૧૯૩૮-૩૯નો ગાઢવીના રાજા ઉદયસિંહનો વિદ્રોહ હતો.
ડાંગ દરબાર વિશેના ડગ્લાસ ગ્રેહામના વિચારને વ્યવહારમાં અમલમાં મૂકવાનું કાર્ય ભીલ એજન્ટ મોરીસે કર્યંુ હતું. તેની પાછળનો ઉદ્દેશ ડાંગના ભીલ સરદારો વર્ષમાં એકવાર નિશ્ર્ચિત સ્થાને ભેગા થાય, જ્યાં તેમનું પરંપરાને છાજે તેમ સન્માન થાય અને એ દ્વારા તેમના અહંને પંપાળવાનો પણ હતો. આમ ૧૮૪૩ના વર્ષે પહેલો ડાંગ દરબાર શરૂ‚ થયો. શરૂમાં આ ઉપક્રમને ‘મુલાકાત યા પરિષદ’નું નામ અપાયું હતું, પરંતુ ૧૮૭૦થી તેના માટે ‘વાર્ષિક દરબાર’ શબ્દ વપરાવો શરૂ‚ થયો. જે સમય જતાં ‘ડાંગ દરબાર’ થયું. ડાંગ દરબારમાં ‘ડાંગ’ પ્રદેશને ‘દરબાર’ રાજકીય પરિવેશનું સૂચન કરે છે. અર્થાત્ ‘ડાંગી રાજાઓનો દરબાર’.
અંગ્રેજ સમયમાં ડાંગ દરબાર મે મહિનામાં યોજાતો હતો, જ્યાં ડાંગના નાના-મોટા ૧૪ રાજાઓનું રાજકીય સન્માન થતું. આ રાજાઓમાં ૧૩ ભીલ અને ૧ કોંકણી જાતના હતા. ડાંગ દરબાર વખતે તેમને સંપૂર્ણ માન-સન્માન આપી સરકારી ખર્ચે મોજ કરાવવામાં આવતી. બદલામાં અંગ્રેજ અધિકારીઓએ ડાંગના કિંમતી જંગલોના હક્કો સિફતપૂર્વક સેરવી લીધા, છતાં ડાંગી રાજાઓ ‘આમના રાજા’ (અમો રાજ), ‘આમી કુમાર’ (અમે રાજકુમાર) ‘આમના રાજ’ (અમારું રાજ) જેવા શબ્દોથી પોતે પોતાનો ખભો થાબડતા હતા, કારણ કે તેમને બ્રિટિશ સત્તાની લાંબા ગાળાની વ્યૂહરચના સમજાઈ ન હતી. ટૂંકમાં બળને બદલે કળથી ડાંગી રાજાઓ અને ગુજરાતના આ અંધારિયા પ્રદેશને અંગ્રેજોએ પોતાનો કરી લીધો.
ડાંગ દરબારનો પ્રધાન હેતુ ભીલ રાજાઓ, નાયકો, બાહુબંધો અને આમ વનવાસીઓ ડાંગ દરબાર નિમિત્તે સાંસ્થાનિક સત્તા પ્રત્યે આદર અને સમર્પિત વ્યવહાર અદા કરે તેવી સ્થિતિ સર્જવાનો હતો, જે હવે સાર્થક થઈ ચૂક્યું હતું. આવા વાર્ષિક મેળાવડામાં ઉપસ્થિત રાજાઓને તેમના ‘હક’ની રકમ, પાઘડી, ખેસ, વાસણો અને શિરપાવ આપી તેમનું બહુમાન કરવામાં આવતું. બ્રિટિશ શાસન પ્રત્યે વફાદાર રાજાઓનું વિશેષ સન્માન થતું. ઉદાહરણ તરીકે ૧૯૧૦માં પીંપરીના નાયકને જંગલ ખાતાની ઉમદા સેવા કરવા બદલ બંદૂક ભેટ આપવામાં આવી હતી. ઊલટું, શાસન સામે વિદ્રોહ કરનાર રાજાને દંડ કરવાની જોગવાઈ પણ હતી. આવા કિસ્સાઓ ૧૯૧૪ના ડાંગના છેલ્લા બળવા વખતે બન્યા હતા. સમય જતાં ભીલ રાજાઓ માટે ડાંગ દરબારમાં ઉપસ્થિત રહેવું અનિવાર્ય બન્યું હતું. ડાંગ દરબારમાં તેમની ગેરહાજરીને બ્રિટિશરાજ પ્રતિ બિનવફાદારી લેખવામાં આવતી.
આવું ઘણું બધું ડાંગી રાજાઓ, ડાંગ દરબાર અને ડાંગના ઇતિહાસ સાથે સંકળાયેલું છે. આ વર્ષે ડાંગના પાટનગર આહવાના રંગ ઉપવનમાં ૧૭૩મો ડાંગ દરબાર યોજાયો. ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રે અજોડ સાંસ્કૃતિક વિરાસતને નિહાળવા દરેક ગુજરાતીએ વર્ષમાં એકાદવાર તો જવું જોઈએ. ડાંગ દરબાર હેરિટેજ પ્રવાસનની સાથે પ્રાસંગિક પ્રવાસનનું અજોડ ઉદાહરણ છે.