સ્વયંસેવકોની શંકાનું સમાધાન એક પ્રેરણા આપનારો આ પ્રસંગ...
SadhanaWeekly.com       | ૦૩-ઓક્ટોબર-૨૦૧૭ 
સંઘકાર્યના આયામ વધતા જતા હતા, વિકસિત થતા હતા. નવી પેઢી અનેક કાર્યો સાથે જોડાતી જતી હતી. નવી નવી સંસ્થાઓ પણ ઊભી થતી હતી. એક બેઠકમાં એક કાર્યકરે બાળાસાહેબને પ્રશ્ર્ન પૂછ્યો, ‘જે દોષ અન્ય સંસ્થામાં દેખાય છે તે સંઘમાં નહીં આવે તેની શી બાંયધરી ?’ બાળાસાહેબે કહ્યું, ‘બાબા રે, તેમાં બાંયધરી શું હોઈ શકે ? હા, એમ થઈ શકે. આપણે આવા દોષની બાબતમાં જાગૃત છીએ. મનુષ્યની ઉંમર વધે એટલે તે બીમાર નહીં જ પડે એવી બાંયધરી કોઈ આપી શકશે નહીં, પણ તે જો પોતાની તબિયત અંગે સાવધ રહે તો બીમાર પડવાની શક્યતા ઓછી રહે છે.’
બાળાસાહેબના પ્રવાસમાં પ્રશ્ર્નોત્તરીનો કાર્યક્રમ ખાસ થતો. ઘણીવાર સ્વયંસેવક ગમે તે પ્રશ્ર્ન પૂછતા, પણ બાળાસાહેબ પ્રશ્ર્નકર્તાનું સહજ સંવાદથી સમાધાન કરતા. તેમનું સહજ વર્તન સ્વયંસેવકોને આશ્ર્ચર્યમાં મૂકી દેતું. નાગપુરની એક ઉપશાખાનો વનસંચારનો કાર્યક્રમ હતો. કાર્યક્રમનો વક્તા નક્કી થયો ન હતો. શાખાપ્રમુખે કાર્યાલયમાં ફોન કર્યો. બાળાસાહેબ ફોનની પાસે હતા. તેમણે એ ફોન ઉપાડ્યો. સરકાર્યવાહે પોતે ફોન ઉપાડ્યો એ ધ્યાનમાં આવતાં જ તે શાખાપ્રમુખ ગભરાઈ ગયા. બાળાસાહેબે તેમની મુશ્કેલી જાણી લીધી અને પૂછ્યું, ‘હું કાર્યક્રમમાં આવીશ તો ચાલશે ?’ કાર્યકરને વધારે સંકોચ થયો. તે ધ્યાનમાં લઈ બાળાસાહેબે આગળ કહ્યું, ‘ચિંતા કરીશ નહીં. હું કાર્યક્રમમાં આવું જ છું.’ બાળાસાહેબ તે સાયંશાખાના કાર્યક્રમમાં ગયા.
એક બાજુએ સાયંશાખાના મુખ્ય શિક્ષક એવા સ્વયંસેવકો સાથે આવો સહજ વ્યવહાર તો બીજી બાજુ દરેક ક્ષેત્રના કાર્યકરને ચોક્કસ માર્ગદર્શન એવી બાળાસાહેબની વિશેષતા કાયમ પ્રગટ થતી, એકવાર ભારતીય મજદૂર સંઘની પ્રાંતીય કાર્યકરની બેઠકમાં બાળાસાહેબે મજદૂર સંઘ તરીકે ઊભા રહેતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું. આત્મનિર્ભર કાર્યકર, આર્થિક જ‚રિયાત વગેરે બધી દૃષ્ટિએ પ્રત્યેક સભ્ય આર્થિક ભાર ઉપાડે તો સભ્યોમાં પોતીકાપણાની ભાવના નિર્માણ થાય. જે ઉદ્યોગમાં ભારતીય મજદૂર સંઘનું સંગઠન હશે તેના માલિક તરફથી કોઈ પણ સ્વરૂપે સ્મરણિકા સ્વરૂપે પણ જાહેરાત વગેરે ધન લેવું નહીં. તેના કારણે સંગઠન સ્વતંત્ર રહેશે.’ એકતાના સંદર્ભમાં બાળાસાહેબ કાયમ ઝીણવટથી તપાસ કરતા. સંપકાળમાં તોડફોડ, હિંસાચાર ન થાય તેની આગોતરી યોજના કરી છે કે નહીં એ તેમનો પહેલો પ્રશ્ર્ન રહેતો.
પ્રશ્ર્ન પૂછનાર કોણ છે એ ધ્યાનમાં લઈ બાળાસાહેબનો જવાબ આવતો. સંઘ શિક્ષણવર્ગમાં બાળાસાહેબનો ચાર દિવસનો મુકામ રહેતો. પ્રશ્ર્નોત્તરીના કાર્યક્રમમાં પ્રથમ વર્ષમાં આવેલા સ્વયંસેવકે પૂછ્યું, ‘સંઘના કાર્યક્રમમાં પૂ. ડૉક્ટર સાહેબ, પૂ. ગુરુજી અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા આપણે મૂકીએ છીએ. આપ સરસંઘચાલક છો. આપની પ્રતિમા મૂકવામાં આવતી નથી.’ તેનો પ્રશ્ર્ન સાંભળી અન્ય સ્વયંસેવક અસ્વસ્થ થયા. ગણશિક્ષક અને ચર્ચા પ્રવર્તકોને લાગ્યું કે સ્વયંસેવકે આ પ્રશ્ર્ન બાળાસાહેબને કેમ પૂછ્યો ? જૂથચર્ચામાં પૂછવો જોઈએ. બાળાસાહેબે ગંભીરતાથી કહ્યું, ‘સંઘમાં અધિકારી જેમ કહે છે તેમ કરે છે. એ તો તમે જાણો જ છો. મેં જ કહ્યું કે મારી તસવીર લગાવવી નહીં. તો પછી સરસંઘચાલક કહેલું સાંભળશે કે નહીં ?’ પ્રશ્ર્ન પૂછનાર સ્વયંસેવકને સંતોષ થયો.
આવી જ એક પ્રતિષ્ઠિતોની બેઠકમાં એક વિદ્વાન અભ્યાસુ વ્યક્તિએ મુસ્લિમ, તેમનું ઉદ્ધતપણું, તેનું પરિણામ, ખ્રિસ્તી મિશનરીની કાર્યવાહીઓ વગેરે વિશે કહી એક લાંબોલચક પ્રશ્ર્ન પૂછ્યો. સૌને, ખાસ કરીને કાર્યકરોને લાગ્યું કે આ અંગે બાળાસાહેબે લાંબો ઉત્તર આપશે. સંઘની ભૂમિકા સમજાવશે, પણ બાળાસાહેબે બે જ વાક્યમાં જવાબ આપ્યો. ‘મુસ્લિમ, ખ્રિસ્તી એ લઘુમતી અમારા સંગઠનની સમસ્યા નથી, બહુમતી હિન્દુ સમાજ જ અમારા માટે સંગઠનની સમસ્યા છે.’
બાળાસાહેબનું વ્યક્તિત્વ જ એવું હતું કે સ્વયંસેવક સહજપણે નજીક જતા. કોઈ પણ બાળક, યુવાનની જિજ્ઞાસા તેઓ સહૃદયતાથી પૂર્ણ કરતા. ૧૯૬૫ના પુણેના પ્રવાસમાં તેમનો બૌદ્ધિક વર્ગ થયો. બૌદ્ધિક વર્ગ પછી ત્રણ-ચાર યુવાન સ્વયંસેવક તેમની પાસે ગયા. તે સમયે તાજેતરમાં જ ભારત-પાક યુદ્ધ થયું હતું. એક સ્વયંસેવકે કહ્યું, ‘આ યુદ્ધમાં આપણા સ્વયંસેવકોએ ઘણી મોટી કામગીરી કરી. અમને તેનું એકાદ ઉદાહરણ કહો.’ વ્યવસ્થામાં રહેલા સ્વયંસેવક બાળાસાહેબની પ્રતીક્ષામાં હતા. તે સમયે સ્વયંસેવકોએ પ્રશ્ર્ન ન પૂછવો જોઈએ એમ તેમને લાગ્યું, પણ બાળાસાહેબે સહજતાથી કહ્યું, ‘એક દિવસ દિલ્હીની સંઘ કાર્યાલયની ફોનની ઘંટડી રણકી. ફોન ઉચ્ચ સરકારી અધિકારીનો હતો. તેણે કહ્યું, ‘એક મોટી મુશ્કેલી આવી છે. સીમા પર યુદ્ધમાં ઘાયલ થયેલા સાતસો જવાનોને લઈને ગાડી દિલ્હી તરફ આવવા નીકળી છે. દિલ્હીમાં હાલ તો એક પણ દવાખાનામાં જગ્યા નથી. આપ સાતસો ખાટલાના દવાખાના માટે કંઈ કરી શકશો ? સમય તો ઘણો ઓછો છે.
‘દિલ્હીના સ્વયંસેવકો માટે આ આહ્વાન હતું. દિલ્હી શાખા અત્યંત સક્ષમ છે. કેટલાક કલાકોમાં જ તેટલા સમય પૂરતું દવાખાનું સ્વયંસેવકોએ ઊભું કર્યું.’ પૂછનારા સ્વયંસેવકો કેટલા આનંદિત થયા હશે ? તેમના માટે સંઘનું કામ હૃદયપૂર્વક, સાતત્યથી કરવાની પ્રેરણા આપનારો આ પ્રસંગ હતો.