ચકીબહેનની ખુરશી - એક હતો ચકો ને એક હતી ચકી...
SadhanaWeekly.com       | ૦૩-ઓક્ટોબર-૨૦૧૭

 
એક હતો ચકો ને એક હતી ચકી.
ચકો-ચકી પાડોશી હતાં.
ચકી પાસે સોનાની ખુરશી હતી અને ચકા પાસે ગૂણિયું હતું.
ચકી ખુરશી પર બેસતી હતી ને ચકોભાઈ ગૂણિયા પર બેસતા હતા.
એક વાર ચકી બહાર ગઈ હતી, ત્યારે ચકો છાનોમાનો ખુરશી લઈ ગયો.
ચકીએ આવીને ખુરશી માગી તો ચકો કહે :
"ખુરશી શાની ને વાત શાની ?
જાય છે અહીંથી છાની-માની !
કે આંખ ફોડી કરું કાણી ?
ચકી તો ન્યાય માટે ગામના નેતાજી પાસે ગઈ. ગામનો નેતા કાગડો હતો.
ચકી કહે :
નેતાજી, નેતાજી; ન્યાય કરો, ન્યાય કરો.
ચકાએ મારી ખુરશી લીધી, ન્યાય કરો.
માગું છું પણ આપે નહીં, ન્યાય કરો.
ગામનો નેતા કાગડો કહે : "હું શા માટે ન્યાય કરું ? એથી મને શો લાભ થાય? જા, ચકી જા ! આગે જા !
પછી ચકી તો ચાલતી ચાલતી તાલુકાના નેતાજી પાસે ગઈ. તાલુકાનો નેતા ઘુવડ હતો. ચકી કહે :
નેતાજી, નેતાજી; ન્યાય કરો ન્યાય કરો.
ચકાએ મારી ખુરશી લીધી, ન્યાય કરો.
માગું છું પણ આપે નહીં, ન્યાય કરો.
ગામનો નેતા ન્યાય આપે નહીં,
ચાલતી ચાલતી આવી છું, અહીં.
તાલુકાનો નેતા ઘુવડ કહે : ‘હું શા માટે ન્યાય કરું ? એથી મને શો લાભ થાય? જા, ચકી જા ! આગે જા !’
ચકી તો ચાલવા માંડી. ચાલતી ચાલતી તે જિલ્લાના નેતાજી પાસે ગઈ. જિલ્લાનો નેતા ગધેડો હતો.
ચકી કહે :
નેતાજી, નેતાજી; ન્યાય કરો, ન્યાય કરો.
ચકાએ મારી ખુરશી લીધી, ન્યાય કરો.
માગું છું પણ આપે નહીં, ન્યાય કરો.
ગામનો નેતા ન્યાય આપે નહીં,
તાલુકાનો નેતા ન્યાય આપે નહીં,
ચાલતી ચાલતી આવી છું અહીં.
જિલ્લાનો નેતા ગધેડો કહે : ‘હું શા માટે ન્યાય કરું ? એથી મને શો લાભ થાય? જા, ચકી જા, આગે જા !’
ચકી થાકી હતી તો પણ ચાલવા માંડી. ચાલતી ચાલતી તે રાજ્યના નેતાજી પાસે ગઈ. રાજ્યનો નેતા ઘોડો હતો.
ચકી કહે :
નેતાજી, નેતાજી; ન્યાય કરો, ન્યાય કરો.
ચકાએ મારી ખુરશી લીધી, ન્યાય કરો.
માગું છું પણ આપે નહીં, ન્યાય કરો.
ગામનો નેતા ન્યાય આપે નહીં,
તાલુકાનો નેતા ન્યાય આપે નહીં,
જિલ્લાનો નેતા ન્યાય આપે નહીં,
ચાલતી ચાલતી આવી છું અહીં.
રાજ્યના નેતા ઘોડો કહે : ‘હું શા માટે ન્યાય કરું ? એથી મને શો લાભ થાય? જા, ચકી જા, આગે જા !’
ચાલી ચાલીને ચકી લોથપોથ થઈ ગઈ હતી. છતાં પણ તે ચાલવા માંડી. ચાલતી ચાલતી તે પાટનગર દિલ્હીના નેતાજી પાસે પહોંચી ગઈ. પાટનગરના નેતા હાથીભાઈ હતા.
ચકી કહે :
રાજાજી, રાજાજી, ન્યાય કરો, ન્યાય કરો.
ચકાએ મારી ખુરશી લીધી, ન્યાય કરો.
માગું છું પણ આપે નહીં, ન્યાય કરો.
ગામનો નેતા ન્યાય આપે નહીં,
તાલુકાનો નેતા ન્યાય આપે નહીં,
જિલ્લાનો નેતા ન્યાય આપે નહીં,
રાજ્યનો નેતા ન્યાય આપે નહીં,
ચાલતી ચાલતી આવી છું અહીં.
પાટનગરના નેતા રાજા હાથીભાઈ કહે : ‘હું શા માટે તારો ન્યાય કરું ? એથી મને શો લાભ થાય ? જા, ચકી જા, જવું હોય તો આગે જા ! નહીં તો પાછી વળી જા !’
હવે ચકી ચાલી ચાલીને થાકી ગઈ હતી, તેથી પાછી વળી. રસ્તામાં તેને એક સેવક મળ્યો. સેવકજી હતા ઉંદરભાઈ. તે કહે : ‘ચકીબહેન, ચકીબહેન ! કેમ ઉદાસ દેખાઓ છો ?’
ચકી કહે :
સેવકજી, સેવકજી, ન્યાય કરો, ન્યાય કરો.
ચકાએ મારી ખુરશી લીધી, ન્યાય કરો,
માગું છું પણ આપે નહીં, ન્યાય કરો.
ગામનો નેતા ન્યાય આપે નહીં,
તાલુકાનો નેતા ન્યાય આપે નહીં,
જિલ્લાનો નેતા ન્યાય આપે નહીં,
રાજ્યનો નેતા ન્યાય આપે નહીં,
દેશનો રાજા ન્યાય આપે નહીં,
ચાલતી ચાલતી આવી છું અહીં.
દેશનો સેવક ઉંદર કહે : ‘હું તૈયાર છું. ન્યાય કરવા માટે હું તૈયાર છું. ચકીબહેન, હું તો તૈયાર જ છું. જુઓ...’
એટલું કહીને ઉંદર સેવક રાજાના સિંહાસનનો એક પાયો કોરવા લાગ્યો.
કરડ કરડ થતા અવાજથી રાજા ગભરાઈ ગયો. ડગુમગુ થતા સિંહાસન પરથી ઊભો થઈને તે કહે :
ઉંદરજી, સેવકજી, હું ન્યાય કરાવું છું,
ગુનેગારને હું દંડ કરાવું છું,
ચકીની ખુરશી પાછી અપાવું છું.
પછી તો -
હાથી રાજાએ ઘોડાને દંડ કર્યો,
ને ઘોડાએ ગધેડાને દંડ કર્યો,
ને ગધેડાએ ઘુવડને દંડ કર્યો,
ને ઘુવડે કાગડાને દંડ કર્યો,
ને કાગડાએ ચકાને બોલાવ્યો,
એટલે ચકો ડરી ગયો, ને ચકીની ખુરશી લઈને એને ઘેર આપી આવ્યો.