૧૯૫૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું એ અત્યંત વિવાદાસ્પદ પ્રકરણ...!
SadhanaWeekly.com       | ૧૧-નવેમ્બર-૨૦૧૭

 
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. હજુ તો થોડા દિવસો પહેલાં ‘વિકાસ’ મુદ્દે ઉગ્ર ચર્ચાએ જોર પકડેલું. પરંતુ એવું શું બન્યું કે, એકાએક નાત-જાત-કોમનો મુદ્દો તખ્તા ઉપર આવી ગયો અને વિકાસ વ. બાબતો પાછળ ધકેલાઈ ગઈ ?! સંચાર-માધ્યમો અને સોશ્યલ મીડિયામાં પણ મુખ્ય રાજકીય પક્ષોનું સ્થાન હાર્દિક, અલ્પેશ, જિગ્નેશે લઈ લીધું. મીડિયાએ એવી તો હવા ઊભી કરી, જાણે આ ત્રણેય યુવાનોના ગજવામાં એમની સંપૂર્ણ જ્ઞાતિ-જાતિ આવી ગઈ હોય ! ચૂંટણી પંડિતો તેમનાં જાડાં સમીકરણોને આધારે જય-પરાજયની ફોર્મ્યુલા ઘડીને તેનો પ્રચાર પણ કરી રહ્યા છે ત્યારે એ જાણવું રસપ્રદ થઈ રહેશે કે, ૧૮ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ ગુજરાત-હિમાચલ પ્રદેશનાં ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે વિજયી કોણ બનશે ? ભાજપા કે કોંગ્રેસ ? એ અંગે પ્રચાર-અપપ્રચારની આંધી ઊઠી છે ત્યારે ગુજરાતની જનતા, મતદારો માટે એ પણ યાદ કરવું રસપ્રદ થઈ રહેશે કે, ગુજરાતના જાહેરજીવનમાં નાત-જાત-કોમવાદનાં પરિબળોનો રાજકીય પ્રયોગ એ તો દાયકાઓ જૂની બાબત છે. આપણને ૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી આંદોલનો અને તેને અપાયેલ કોમી વળાંકની બાબત પણ યાદ છે. માધવસિંહ સોલંકીની ‘ખામ’ થિયરી - ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ જાતિના ધ્રુવીકરણની પણ ખબર છે. પરંતુ એથીયે પાછળ જઈએ તો આજથી ૬૫ વર્ષ અગાઉ-૧૯૫૨ની પહેલી ચૂંટણી-ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પણ નિકૃષ્ટ જ્ઞાતિવાદી કાર્ડ ખેલવામાં આવ્યું હતું. તેની વાત કરીએ તો આજની નવી પેઢીને માટે એ એક આંચકો-આઘાતજનક બાબત થઈ રહેશે. ‘સાધના’ના સુજ્ઞ વાચકો સમક્ષ પ્રસ્તુત છે.. ૧૯૫૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું એ અત્યંત વિવાદાસ્પદ પ્રકરણ...!
 
કોણ હતા ભાઈકાકા?
 
સરદાર વલ્લભભાઈ પટેલના જમણા હાથ સમાન ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ - ભાઈકાકાનું નામ ગુજરાતના જાહેરજીવનમાં બહુ સન્માનપૂર્વક આજે પણ ઉચ્ચારાય છે. વડોદરામાં શ્રી અરવિંદના વિદ્યાર્થી તરીકે દેશભક્તિની દીક્ષા પામનાર ભાઈલાલભાઈ, સિંધમાં સિંધુ નદી ઉપરના સક્કર બેરેજના નિર્માણકાર્યથી યશસ્વી ઇજનેર તરીકે પંકાયેલા. સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ પણ રહેલા. તેમણે પછીના વર્ષોમાં ભાઈકાકાને મ્યુનિસિપાલિટીના મુખ્ય ઇજનેર તરીકે નિમંત્રણ આપેલ. ૧૯૪૦-૪૨ના એ અઢી વર્ષમાં જ, ભાઈકાકાએ અમદાવાદની કાયાપલટ કરી નાખેલી. પછી ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનને કારણે, અમદાવાદની નોકરીનો ત્યાગ કરી, ભાઈકાકા આણંદ ગયા. ભાઈકાકાએ આણંદ-કરમસદ વચ્ચેની વિશાળ જમીન ઉપર, સરદાર સાહેબની પ્રેરક-સ્મૃતિરૂપ શિક્ષણ-સંસ્કારનગરી- વલ્લભવિદ્યાનગરના વિશ્ર્વકર્મા તરીકે બહુ ખ્યાતિ મેળવેલી. વલ્લભવિદ્યાનગર સર્જનનાં વર્ષોમાં - ખાસ કરી સરદાર પટેલના નિધન પછી, ભાઈકાકાને તત્કાલીન કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસ પાર્ટીના બહુ કડવા અનુભવો થયેલા. પરિણામે ૧૯૫૨ની પ્રથમ ચૂંટણી વખતે ભાઈકાકાએ ‘લોકપક્ષ’ નામે રાજકીય મંચ સ્થાપીને, કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ જનમત કેળવવાનું સાહસ કરેલું. એ ચૂંટણીમાં આણંદ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત ભાઈકાકાએ કરેલી.
 
ભાઈકાકા ચૂંટણીમાં ઊભા રહેવાના છે તેવા સમાચારથી કોંગ્રેસીઓમાં હડકંપ મચેલો
 
ચરોતર પંથકમાં ભાઈકાકાની પ્રતિભા એક સ્વાભિમાની વિદ્યાપુરુષ અને સંસ્કારી રાજપુરુષ તરીકે ઊપસી આવેલી. પરિણામે ભાઈકાકા ચૂંટણીમાં ઊભા રહેવાના સમાચાર માત્રથી કોંગ્રેસી વર્તુળોમાં હડકંપ મચી ગયો ! આ સમગ્ર બાબત ભાઈકાકાની આત્મકથારૂપ સંપાદિત પુસ્તક : ‘ભાઈકાકાનાં સંસ્મરણો’માં સુપેરે ઝીલાઈ છે. (સસ્તુ સાહિત્ય પ્રકાશન - પ્રકરણ-૨૪ : રાજકારણમાં પ્રવેશ -પૃષ્ઠ - ૩૫૩થી ૩૬૮)
 
ભાઈકાકા દ્વારા આણંદથી ઉમેદવારી કરવાના સમાચારે વેગ પકડતાં જ, ગુજરાત કોંગ્રેસના તત્કાલીન મોભીજન શ્રી મોરારજીભાઈ દેસાઈએ સ્થાનિક આગેવાન શ્રી રાવજીભાઈ મણિભાઈને બોલાવી, આ અંગેની જાણકારી મેળવવા પ્રયાસ કર્યો. ભાઈકાકા સામે ચિમનભાઈ દેસાઈ જીતી શકે તેવા ઉમેદવાર નહોતા. કદાચ ચિમનભાઈ દેસાઈ ભાઈકાકા સામે ચૂંટણી લડવા છેલ્લી ઘડીએ ઇન્કાર કરે તો, ભાઈકાકા બિનહરીફ પણ ચૂંટાઈ શકે એવી વાત પણ થઈ.
 
છેવટે ભાઈકાકાને હરાવી શકે તેવા એક માત્ર ઉમેદવાર શ્રી નટવરસિંહ સોલંકી જ હોઈ શકે એવો નિષ્કર્ષ નીકળ્યો. કારણ કે આણંદ વિધાનસભા મતદારક્ષેત્રમાં તે વખતે ક્ષત્રિયોની સંખ્યા ૬૦ ટકા હતી. શ્રી નટવરસિંહ સોલંકી ક્ષત્રિય સભાના મંત્રી હતા. પરંતુ એમાં એક મુશ્કેલી એ હતી કે, ૧૯૫૨ પહેલાં ક્ષત્રિયોનું વર્ચસ્વ તોડવા, તત્કાલીન કોંગ્રેસ સરકારે શ્રી નટવરસિંહ સોલંકી વિરુદ્ધ ૧૨ ચેપ્ટર કેસ કરેલા. તેમનાં હથિયારો અને મોગર ગામ અને વાંટાની જમીન પણ જપ્ત કરેલી. પરંતુ ભાઈકાકાને ચૂંટણીમાં હરાવવા માટે મોરારજીભાઈએ રાવજીભાઈ મણિભાઈને સૂચના આપી કે, તમે નટવરસિંહ સોલંકીનો સંપર્ક કરી, તેમને કોંગ્રેસની ટિકિટ ઉપર ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા) વિરુદ્ધ ચૂંટણી લડવા સમજાવીને તૈયાર કરો. વધુમાં નટવરસિંહ સોલંકીને કહેજો કે, તેમની સામેના તમામ ચેપ્ટર કેસ કોઈક ‘સમજફેર’થી કરવામાં આવેલા છે. નટવરસિંહ સામેના સઘળા કેસ પાછા ખેંચવાનો હુકમ પણ કર્યો છે અને તેમની જમીન પણ તેમને પરત કરવામાં આવશે. તેમાં થોડી વાર થશે, પરંતુ જમીન ચોક્કસ પરત કરવામાં આવશે. એવી ખાત્રી પણ મોરારજીભાઈએ સંદેશામાં પાઠવી. આ રીતે ભાઈકાકાને હરાવવા કોંગ્રેસે ક્ષત્રિય કાર્ડ ખેલ્યું !