અને ભાઈકાકાને હરાવવા કોંગ્રેસે ટિકિટ આપી એક ‘ગુંડા ને !

    ૧૫-નવેમ્બર-૨૦૧૭


વાત છે ૧૯૫૨ની ગુજરાત વિધાન સભાની ચૂટંણી વખતની…તે વખતે ભાઈકાકાને હરાવી શકે તેવા એક માત્ર ઉમેદવાર શ્રી નટવરસિંહ સોલંકી જ હોઈ શકે એવો નિષ્કર્ષ કોંગ્રેસે નીકળ્યો. કારણ કે આણંદ વિધાનસભા મતદારક્ષેત્રમાં તે વખતે ક્ષત્રિયોની સંખ્યા ૬૦ ટકા હતી. શ્રી નટવરસિંહ સોલંકી ક્ષત્રિય સભાના મંત્રી હતા. પરંતુ એમાં એક મુશ્કેલી એ હતી કે, ૧૯૫૨ પહેલાં ક્ષત્રિયોનું વર્ચસ્વ તોડવા, તત્કાલીન કોંગ્રેસ સરકારે શ્રી નટવરસિંહ સોલંકી વિરુદ્ધ ૧૨ ચેપ્ટર કેસ કરેલા. તેમનાં હથિયારો અને મોગર ગામ અને વાંટાની જમીન પણ જપ્ત કરેલી. પરંતુ ભાઈકાકાને ચૂંટણીમાં હરાવવા માટે મોરારજીભાઈએ રાવજીભાઈ મણિભાઈને સૂચના આપી કે, તમે નટવરસિંહ સોલંકીનો સંપર્ક કરી, તેમને કોંગ્રેસની ટિકિટ ઉપર ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા) વિરુદ્ધ ચૂંટણી લડવા સમજાવીને તૈયાર કરો. વધુમાં નટવરસિંહ સોલંકીને કહેજો કે, તેમની સામેના તમામ ચેપ્ટર કેસ કોઈક ‘સમજફેર’થી કરવામાં આવેલા છે. નટવરસિંહ સામેના સઘળા કેસ પાછા ખેંચવાનો હુકમ પણ કર્યો છે અને તેમની જમીન પણ તેમને પરત કરવામાં આવશે. તેમાં થોડી વાર થશે, પરંતુ જમીન ચોક્કસ પરત કરવામાં આવશે. એવી ખાત્રી પણ મોરારજીભાઈએ સંદેશામાં પાઠવી. આ રીતે ભાઈકાકાને હરાવવા કોંગ્રેસે ક્ષત્રિય કાર્ડ ખેલ્યું !
હું તો ગુંડો છું !’
 
શ્રી મોરારજીભાઈએ ભણાવેલા પાઠ સાથે રાવજીભાઈને શ્રી નટવરસિંહ સોલંકી પાસે નડિયાદ મોકલ્યા. ત્યારે એ પ્રસ્તાવ સાંભળી નટવરસિંહે ઉચ્ચાર્યું. ‘મને ટિકિટ શી રીતે આપશો ? હું તો ગુંડો છું !’ (પૃષ્ઠ ૩૫૪) પ્રત્યુત્તરમાં રાવજીભાઈએ મોરારજીભાઈનો ઉપરોક્ત સંદેશો પાઠવ્યો. છેવટે નટવરસિંહે સામેથી આવેલી આ ઓફરથી ચેપ્ટર કેસોની આફતમાંથી છૂટવા, ચૂંટણી લડવા સંમતિ આપી. પરંતુ આ ઑફર નટવરસિંહ માટે બહુ સહેલાઈથી સ્વીકારી શકાય તેવી નહોતી. નટવરસિંહે રાવજીભાઈને કહ્યું : ‘મારી સાથે બીજા ક્ષત્રિયોને ટિકિટ આપો તો અમે જૂથમાં કામ કરી શકીએ.’ રાવજીભાઈએ પૂછ્યું : ‘બીજી કેટલી ટિકિટ જોઈએ ?’ નટવરસિંહે વિધાનસભાની ચાર ટિકિટ અને લોકસભાની એક ટિકિટ (એ વખતે વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓ સાથે જ યોજાતી) એમ પાંચ ટિકિટની માગણી કરી અને તે એમને મળી ગઈ ! (પૃષ્ઠ ૩૫૫)
 
 
આ સમગ્ર બાબત ભાઈકાકાની આત્મકથારૂપ સંપાદિત પુસ્તક : ‘ભાઈકાકાનાં સંસ્મરણો’માં સુપેરે ઝીલાઈ છે.