વિચાર વૈભવ: પૂંછડી ગુમાવ્યા પછીની અદ્ભુત પ્રાપ્તિ સ્માર્ટ ફોન... ફોનોપનિષદ

    ૧૭-નવેમ્બર-૨૦૧૭

 
 
એક તદ્દન નવા વિશ્ર્વમાં આપણે જીવી રહ્યા છીએ, સ્માર્ટફોનના વિશ્ર્વમાં. પહેલાં ફોન હાથમાં રહેતો, હવે તે હાથનો ભાગ બની ગયો છે, હાથનું એક્ષ્ટેન્શન લાગે છે. પૂંછડી ગુમાવ્યા પછીની આ મહત્ત્વની પ્રાપ્તિ છે.
એ વાત સાચી કે પૂંછડી કુદરતી હતી, પણ આપણે એવા યુગમાં પણ આવી ગયા છીએ જેમાં કુદરતી-અકુદરતીના ભેદ જ જાણે કે પડકારાયેલા છે. બધાં અંગોનું પ્રત્યારોપણ થાય છે, ત્યારે આ સ્માર્ટફોનનું ‘હસ્તારોહણ’ નાની ઘટના નથી. નાનાં બાળકોને શિક્ષણ વિના આવડી જાય તેવી કુદરતી ‘સામાજિકતા’ પ્રાપ્ત કરી લીધી છે. રોડપતિથી કરોડપતિ સુધીનાની હસ્તરેખા જેમ જ વિવિધ સ્વપે આવેલા આ યંત્રે આપણને પકડી લીધા છે, મનુષ્યે શોધેલા બીજા કોઈ પણ યંત્ર કરતાં આનો પગપેસારો (?), ઘૂસણખોરી (?) કરતાં આંતરપ્રવેશ વધુ સરળ અને સફળ રહ્યો છે. ટેક્નોલોજી આપણી લાગણીઓ સાથે રમત કરે છે કે એક પ્રકારનું અમાનવીયપણું ઊભું કરે છે તેવા આક્ષેપો કે દલીલો બીજી ટેક્નોલોજી માટે સંભળાય કે અનુભવાય છે તેવી આ મોબાઈલ-સ્માર્ટફોન માટે સંભળાતી નથી.
Sharry Turkle નું પુસ્તક Alone Together થોડો ઉઘાડ આપે છે, શેરીની દલીલ તો ટેક્નોલોજી તરફની આપણી વધતી અપેક્ષાઓ અને પરિણામે ટેક્નોલોજીનું જીવનના આધારકેન્દ્રમાં આવવાના વલણની છે. જે બાબત મને મજા કરાવે છે એ એકલા પડ્યા પછી તમે એકલા નથી હોતા. મૌન થઈને તમે ઈશ્ર્વર સિવાય કોઈની સાથે વાતો કરતા હોવ છો. ટેક્નોલોજીના તેજીલા ઘોડાને આપણે કઈ લગામથી સાચવશું તે તો આવનારો સમય કહેશે, અત્યારે તો મારું વિસ્મય મને વહાલ કરે છે, અત્યારે તો મારી એકાંતની શેરીમાં શરણાઈ વાગે છે, અત્યારે તો મારા વોટ્સ-એપમાંથી વાછટ આવે છે, અત્યારે તો ફેસબૂકનાં ફેફસાંની ધમણની મારી ભાષા પણ હવાફેર કરે છે. મને સ્માર્ટફોનના આ સવાયા સગપણની સુવાસનો નકશો અને નશો છે. મારી હસ્તરેખા ઉપર ઊગેલા ધાતુગિરીના તરંગિત-તરલ પવન-પાલવનો ઉત્સવ ચાલે છે. મારા ફોનની ફેણ નીચે જ ક્યાંક ગગન-સદૃશ વિષ્ણુ બેઠા છે, રીંગ ટોનમાં રાધા અને સ્ક્રીન પર શ્યામ છે. ગામડાની સીમમાં ભૂલીને આવ્યો હતો તે બાળપણની મસ્તીનો મિજાજ અને મિજાગરો કશુંક ઉઘાડવાસ કરે છે. એ સીમમાં તો જાદુગરની દાબડી હોય તેવા આ ફોનના પેટમાં સંતાડી રાખી છે. અહીંથી જ મારી અસીમની યાત્રા આરંભાય છે. આ યંત્રને વળગેલા હવાવરણમાં જ એક મંત્ર પણ ફરકી રહ્યો છે. યંત્ર મંત્રની કેટેગરીની કરામત અને કિસ્મત પામે તેવા યુગમાં આપણે સમયનો પગરવ સાંભળી રહ્યા છીએ.
આ યંત્રે એક તરફ માહિતીના મહાદરવાજા ખોલી આપ્યા છે, તો બીજી તરફ મનુષ્યની સર્જકતાને પણ સંકોરી છે. વીડિયો જ્યારથી સરળતાથી ઉમેરાણા છે ત્યારથી આને ‘ફોન’ કહેવો કે ‘આંખેન્દ્ર’ કહેવો કે ‘ઉપમસ્તક’ કહેવો તેવી કોઈ મૂંઝવણ અનુભવી શકાય છે. એ મદદનીશથી વધુ છે પણ મારાથી સહેજ ઓછો છે. એ મારું પ્રતિબિંબ નથી પણ સહબિંબ છે. આ યંત્ર સાથે જીવવા માટે આપણે નવી ભાષા ઊભી કરવી પડશે. આપણે ના ઇચ્છીએ એ રીતે આપણી ઓળખ સંખ્યાત્મક બની ગઈ છે. સૌથી મોટી સગવડ ‘અનુકૂલન’ની છે. મેસેજ કરો, હું મારી અનુકૂળતાએ જવાબ આપીશ. તમારો ફોટો કે સમાચાર ફેસબૂકની દીવાલ પર ટીંગાવો, મારી અનુકૂળતાએ જોઈ લઈશ. જ્યારથી ઈ-મેલ અને ઇન્ટરનેટ ઉપલબ્ધ થયા છે ત્યારથી આપણને ચીપ-કે-નેનો ક્રાંતિનો સ્પર્શ થવા લાગ્યો છે.
એકવીસમી સદીના ફોનોપનિષદના આ મંત્રો સાંભળો : ‘તે મારા હાથમાં પણ છે અને હૃદયમાં પણ છે. તેને જીભ નથી પણ બોલી શકે છે. તેને કાન નથી પણ સાંભળી શકે છે. તેના મસ્તિષ્કમાં બધું જ સંઘરાયેલું પડ્યું છે. તે મારી લાગણીઓને સઘળે પહોંચાડે છે. જ્યારે હું સભામાં હોઉં ત્યારે મને સભાની બહાર રહેલા બીજાઓની સાથે જોડે છે. હું સ્કીન-સેન્સિટિવ તો તે સ્ક્રીન-સેન્સિટિવ છે. તેની આંખે પકડેલાં દૃશ્યો તે સંઘરી રાખે છે.’
હું આ મંત્રો લખું છું ત્યારે માની લો કે ૧૫જીનો ફોન બોલી ઊઠે, ‘વાહ...!’ તો શું મનુષ્યને મનુષ્યની જરૂર નહીં પડે ? શું આવતી કાલે ફોન મારી રમૂજ સાંભળીને હસી પડશે ? શું એ મારી વેદનાની ક્ષણે મારી સાથે રડશે... આપણે જાણે વાઈબ્રેશન મોડ પર મુકાયા છીએ. ચાલો, એક સ્પંદન તો અનુભવીએ, આનાથી વધુ કઈ ધન્યતા હોઈ શકે... અહો... મમ સૌભાગ્યં...