ચોતરફ : અબ આયા ઊંટ પહાડ કે નીચે
SadhanaWeekly.com       | ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
 
પાકિસ્તાનની યોજનાઓ માટે હવે ચીને ભંડોળ આપવાનું બંધ કર્યું
દરિયામાં એક લાંબી પાંખવાળું, કદાવર, જંગલી પક્ષી જોવા મળે છે. એ ઘાતક હોય છે, જીવ લઈ લે તેવું ! હવે એ પક્ષી ચીને પાકિસ્તાનના ખભે બેસાડી દીધું છે ! બહુ ચર્ચાયેલો એક ચીન-પાકિસ્તાનનો સંયુક્ત પ્રોજેક્ટ છે, ઈકોનોમિક કોરિડોર અથવા તેને સીપીઈસી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ કોરિડોર યોજના અંતર્ગત બીજા પણ માર્ગ બાંધકામના પ્રોજેક્ટ્સ છે, એવા ત્રણ પ્રોજેક્ટ્સ માટે ચીને પાકિસ્તાનને હાલ પૂરતું નાણાં ભંડોળ પૂરું પાડવાનું અટકાવી દીધું છે. અહેવાલ તો એવા મળે છે કે, ચીનને અત્યાર સુધી ચાલેલા કામમાં પાકિસ્તાને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જાણતાં જ કામ અટકાવી દીધું છે ! ચીનના આવા નિર્ણયથી પાકિસ્તાન સરકાર અને તેમના અધિકારીઓ પર વીજળી પડી છે. એ બાઘા થઈ ગયા છે. ભ્રષ્ટાચાર બાબતે ચીન જેટલું સચેત દક્ષિણ એશિયામાં બીજું કોઈ જ નથી અને ભ્રષ્ટાચારથી પાકિસ્તાન ખદબદે છે.
ચીનની સરકારે લીધેલા એ નિર્ણયના પગલે એક ટ્રિલિયન રૂપિયાના ભંડોળવાળા રોડ પ્રોજેક્ટ્સ અટકી જશે. એ રોડ પ્રોજેક્ટસ પાકિસ્તાન નેશનલ હાઈવે ઓથોરિટીના હતા જે ચીનથી સહાયથી પૂરા કરવાના હતા. હવે જ્યાં સુધી ચીનની સરકાર નવી માર્ગદર્શિકા બહાર નહીં પાડે ત્યાં સુધી ગાડું પડ્યું ઘોંચમાં !
સીપેક દ્વારા હાથ ધરાનારો ચીનનો સૌથી મોટો અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘વન બેલ્ટ વન રોડ’ છે, જે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થાય છે, અને ચીનના અડિયલ વિસ્તાર ઝીન જિયાંગ સાથે જોડાઈ બલૂચિસ્તાન સુધી પહોંચે છે. જેના પર અસર પડશે એવા રોડ પ્રોજેક્ટ્સમાં ૨૧૦ કિ.મી. લાંબો ડેરા ઇસ્માઈલ ખાન-ગુહોબ રોડ, ૧૧૦ કિ.મી. લાંબો ખુઝદાર બાસીમા રોડ, બલૂચિસ્તાન અને ત્રીજો ૮.૫ બિલિયન રૂપિયાના ખર્ચે બાંધનારો ૧૩૬ કિ.મી. લાંબો કોરડોર હાઈવે જે પણ પાક. કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થઈ થાકોટ ખાતે પૂરો થાય છે.
ખરેખર તો આ ત્રણેય પ્રોજેક્ટ પાક. સરકારના વિકાસ કાર્યક્રમ હેઠળ હાથ ધરાવાના હતા, પરંતુ ડિસેમ્બર, ૨૦૧૬માં પાકિસ્તાન નેશનલ હાઈવે ઓથોરિટીના જાહેર કર્યા મુજબ એ ત્રણેય રોડ ઇકોનોમિક કોરિડોરની યોજના હેઠળ આવરી લેવાશે ! અને તે અંગે રાહત દરે ચીન ભંડોળ પણ પૂરું પાડશે. આમ તો એ ભંડોળ નવેમ્બર મહિનામાં મળી જવાનું હતું, પણ ચીને જોઈન્ટ વર્કિંગ ગ્રુપ મીટિંગમાં કહી દીધું કે, નવી માર્ગદર્શક ‚પરેખા ઘડાઈ જશે પછી જ ભંડોળ આપવામાં આવશે ! પાકિસ્તાનનું તો ‘બાવાના બે બગડ્યાં’ જેવું થયું ! કારણ કે થયેલા કરારની બધી શરતો ચીને રદ કરી દીધી છે ! પાકિસ્તાને જ્યારે આ સાંભળ્યું ત્યારે ક્ષુબ્ધ થઈ ગયું ! સીપીઈસીની રચના ૨૦૧૫માં જ્યારે ચીનનો જિનપિંગ પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે ૫૦ બિલિયન યુએસ ડૉલર્સના રોકાણના કરાર સાથે થઈ હતી.
ચીનની વાતમાં આવી ગયેલા પાકિસ્તાનને આ યોજનાઓથી જરા પણ ફાયદો નથી. ગ્વાડોર પોર્ટની વાત હોય તો, એ પોર્ટથી થતી બધી આયાત ચીન જવાની હતી પાછી કોઈ કમાણી વગર પાકિસ્તાને ૧૬ બિલિયન યુએસ ડૉલરની લોન ચીનની બેન્ક પાસેથી લઈને ૧૩ ટકા વ્યાજદર સાથે ૪૦ વર્ષમાં તે પાછી ચૂકવવાની હતી, જ્યારે ચીન ચાર વર્ષમાં તેનું રોકાણ પાછું વાળી લેવાનું હતું.
પાકિસ્તાન મોડું સમજ્યું અને ૧૫મી નવેમ્બરના રોજ ૧૪ બિલિયન યુએસ ડૉલરનો ટીઆમેર-ભાશા ડેમ બાંધવાની યોજના સીપીઈસીમાંથી પાછી ખેંચી લઈને ચીનને ના પાડી દીધી, કારણ કે એ યોજના પાકિસ્તાનની કેડ વાળી નહીં, તોડી નાખે એટલી ખર્ચાળ બની જવાની હતી પાંચ બિલિયન યુએસ ડૉલરનો પ્રોજેક્ટ શ‚ કરતાં સુધીમાં ૧૪ બિલિયન યુએસ ડૉલર પર પહોંચ્યો હતો. મોટાભાગના પ્રોજેક્ટ્સના પેટાકોન્ટ્રેક્ટ પાછા ચીનની કંપનીઓ સાથે જ કરવાના ! પાકિસ્તાને પોતાનું જ ઉત્પાદન ચીનને આપવાનું અને જરૂર પડે પાછું મોંઘાભાવે ચીન પાસેથી જ ખરીદવાનું ! ચીનની લુચ્ચી નજર પાકિસ્તાનનાં કુદરતી સાધનો પર છે, જે પાકિસ્તાનને ગુલામીની ગર્તામાં ધકેલી દેવા સમાન છે ! અબ આયા ઊંટ પહાડ કે નીચે !