જેવો ભાવ તેવી સફળતા
SadhanaWeekly.com       | ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુનને પોતાની પ્રયોગશાળામાં તેમની સાથે મળી રસાયણ તૈયાર કરી શકે એવા યુવાનની જરૂર હતી. બે નવયુવક તેમને મળવા આવ્યા. બન્નેને બે દિવસમાં એક રસાયણ (દવા) બનાવી લાવવા જણાવ્યું. બન્ને નવયુવકો બે દિવસ પછી નાગાર્જુન પાસે આવ્યા. તેઓએ પેલા યુવકોને પૂછ્યું, તમને આ દવા બનાવવામાં કોઈ મુશ્કેલી તો નથી પડીને ? એક યુવકે કહ્યું, મુશ્કેલીઓ તો આવી. પિતાજીને પેટમાં દુખાવો ઊપડ્યો. માતા પણ બીમાર પડી ગયાં હતાં. તે જ વખતે ગામમાં આગ લાગી ગઈ, પરંતુ મેં તમામની પરવા કર્યા વગર રસાયણ બનાવવાનું ચાલુ રાખ્યું. અને તેને બનાવીને જ જંપ્યો. બીજા યુવાનને પૂછ્યું અને તેં બનાવેલ રસાયણ ક્યાં છે ? પેલા યુવકે કીધું, ગામમાં જ્યારે આગ લાગી કે તરત જ હું રસાયણ બનાવવાનું છોડી ઘાયલોની મદદે દોડી ગયો અને તેમને બચાવી મલમપટ્ટી કરી. માટે રસાયણ બનાવી શક્યો નથી. માટે મને બે દિવસનો વધુ સમય આપો. નાગાર્જુન હસ્યા અને કહ્યું, ‘તું કાલથી મારી રસાયણશાળામાં કામે આવી જા.’ આ સાંભળી પ્રથમ યુવકને આશ્ર્ચર્ય થયું, ત્યારે નાગાર્જુને કહ્યું, ‘મિત્ર, તું કામ તો કરી શકે છે, પરંતુ તારા કામ પાછળના ઉદ્દેશ્યની તને ખબર નથી. રસાયણશાસ્ત્રનું કામ રોગીઓના રોગનિવારણનું હોય છે. જેને રોગી પ્રત્યે સંવેદના નથી હોતી તેની દવા ક્યારેય કારગર સાબિત થતી નથી. માટે હાલ તારા માટે રસાયણશાસ્ત્રમાં કોઈ સ્થાન નથી.