તંત્રી સ્થાનેથી : રામમંદિરના નિર્માણમાં મુસ્લિમો ય કાર સેવક
SadhanaWeekly.com       | ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
અયોધ્યામાં બાબરી માળખાના ધ્વંસની ૨૫મી વરસીના એક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે આ પ્રકરણની સુનાવણી ૨૦૧૯ સુધી એટલે કે સામાન્ય ચૂંટણી સુધી ટાળવાની કોંગ્રેસી નેતા અને મુસ્લિમોના વકીલ કપિલ સિબ્બલની અરજ ફગાવી અને ફેબ્રુઆરીમાં જાહેર કરી. આ વિવાદનું યથાશીઘ્ર નિરાકરણ ઇચ્છતા તમામ લોકો અદાલતના અભિગમથી આનંદીત છે. રામ ભારતનો આત્મા છે. સવારે ‘રામ-રામ’, અજુગતી હરકતે ‘રામ, રામ, રામ, રામ !’ લગ્ન પ્રસંગે ‘રામ-સીતાની જોડી’ અને અંતકાળે "રામ બોલો ભાઈ રામ...! આવા ‘રામ’ના જન્મસ્થળનાં ભવ્ય મહેલને આતંકી બાબરે તોડ્યું, જાણે રામ ભુલાઈ જશે. વિશ્ર્વભરના હિન્દુ સમાજને આ સ્થળ રામ જન્મભૂમિ અંગેની આસ્થા તો હતી જ હવે પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખાતરી પણ છે. ૧૫૨૮માં બાબરે મંદિર તોડી પાડ્યું અને નવું માળખું બાંધ્યું, જેને મુસ્લિમો બાબરી મસ્જિદ તરીકે ઓળખવા લાગ્યા. ૧૯૯૨માં રામભક્ત હિન્દુ સમાજે ત્રણ ગુંબજોવાળું એ મુસ્લિમ માળખું ધ્વસ્ત કરી, એક ભવ્ય રામમંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો, તેની સાથે પ્રતિસ્પર્ધી માગણીઓ વધુ ઘેરી બની.
ભારત સરકારે સર્વોચ્ચ ન્યાયાલયમાં ૧૯૯૪માં શપથપત્ર દાખલ કર્યું હતું કે, જો મંદિરને ધ્વસ્ત કરી તેના પર બાબરી મસ્જિદ બાંધવામાં આવી તેમ સાબિત થશે તો હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખી કાર્ય કરાશે. અલ્હાબાદ હાઈકોર્ટે રામ જન્મભૂમિના સ્થાન નીચે રડાર તરંગો થકી ફોટોગ્રાફી કરાવરાવી. કેનેડાના વિશેષજ્ઞોએ પુરાવા સાથેનો અહેવાલ આપ્યો કે ભૂતકાળમાં ત્યાં ભવ્ય મંદિર હતું. પુરાતત્ત્વ વિભાગના આ અહેવાલના આધારે અલ્હાબાદ હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોની પીઠે ૧૫ વર્ષોની સઘન કાર્યવાહી બાદ ચુકાદો આપ્યો કે, આ જ સ્થળ ભગવાન શ્રીરામનું જન્મસ્થળ છે. બાબરી માળખું મંદિરનો ધ્વંસ કરી તેના સ્થાને ઇસ્લામના નિયમો વિરુદ્ધ બનાવવામાં આવ્યું હતું, માટે તેને મસ્જિદ ગણી શકાય નહીં. તેમ છતાં કોર્ટે આ પરિસરને ભગવાન શ્રીરામ લલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડ એમ ત્રણ ભાગમાં વિભાજિત કરી ત્રણેયને પરિસરનો ૧/૩ ભાગ વહેંચવાનું કહ્યું એ ક્યાંનો ન્યાય ? ભાગલાનો આદેશ ન્યાયસંગત હોવા અંગે પ્રશ્ર્નો ઉઠાવી ત્રણેય પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં ગયા. પરિચિત સુપ્રીમ કોર્ટ માટે પણ સર્વ સંમતિ બને તેવો ચુકાદો આપવો અઘરું જણાતાં સહુ પક્ષકારોને અદાલત બહાર જ સમાધાન સાધવા સૂચન કર્યું. એય સર્વગ્રાહી ન બનતાં કેસ આગળ ચાલ્યો અને પાંચમી ડિસેમ્બરે કોર્ટે સુનાવણી કરી કેસને ફેબ્રુઆરી સુધી લંબાવ્યો. કરોડો લોકોની ભાવના, આસ્થા, શ્રદ્ધા, ધાર્મિક સંવેદનાઓ સાથે જોડાયેલ મુદ્દાને હવે રાજકીય ચશ્માથી જોવામાં આવી રહ્યું છે. રામજન્મભૂમી ઘોષિત કરવાથી અલ્પસંખ્યકોની નારાજગી, ડર અને તેમના ઝનૂનથી જુએ એટલે સુપ્રીમ કોર્ટ આનાથી વધુ શું નિર્ણય કરી શકે ? આવનારા દિવસોમાં પણ નિર્ણય કરવો અઘરો છે. એટલે જ એક ઉકેલ એ પણ દર્શાવાયો કે ભારતીય સંસદ કરોડો હિન્દુઓની લાગણી જોઈને આ અંગેનો ખરડો પસાર કરે.
શ્રીરામ જન્મભૂમિની સંકુલ સમસ્યા કેવળ ભૂમિ પરના અધિકાર - ટાઇટલ સ્યૂટ જેટલી મર્યાદિત બાબત નથી. આજે આ સ્થળે શ્રીરામ લલ્લા વિરાજમાન છે, નિત્ય પૂજા-અર્ચનાય થાય છે, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ભગવાન રામ ભારતનો વૈભવ અને સંસ્કૃતિ છે, સૌ ધર્મના લોકોની આસ્થા તેમની સાથે જોડાયેલી છે. મુસ્લિમોનો એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે, શ્રીરામ જન્મભૂમિ સ્થળ પરનો અધિકાર મુસ્લિમો સ્વેચ્છાથી છોડી દે તો સમગ્ર ભારતમાં હિન્દુ-મુસ્લિમ સમરસતા-એકતામાં સુગંધ ભળે.
સ્વામી વિવેકાનંદે ૧૮૯૮માં તેમના મિત્રને લખેલા એક પત્રમાં લખ્યું હતું કે, ‘હું ભવિષ્યના ભારત દેશને અરાજકતા અને સંઘર્ષથી ઉપર ઊભરતો જોઈ રહ્યો છું. ગૌરવશાળી અને અજેય.’ સ્વામીજીની આ વાતની સાર્થકતા એટલે ભારતીય મુસ્લિમો સ્વેચ્છાએ રામમંદિરનું નિર્માણ મુસ્લિમ કારીગરોની કાર સેવા દ્વારા થાય તેવી માંગણી કરે. ભારતના મુસ્લિમો ભારતીયો જ હતા અને ધર્મ-પરિવર્તનને કારણે હિન્દુમાંથી મુસ્લિમ બન્યા હતા એવો ભારતના ૧૪ ટકામાંથી ૧૨ ટકા મુસ્લિમોને પણ ખ્યાલ છે. ઇન્ડોનેશિયાના મુસ્લિમોનો રામ પ્રત્યેનો આદર-પ્રેમ અને અભિવ્યક્તિ જુએ એટલે આ થવું અસંભવ જરા પણ નથી.
સમાજ, સરકાર, સુપ્રીમ કોર્ટ અને હિન્દુ-મુસ્લિમ બધા માટે વિવાદિત અને અઘરો લાગતો આ કેસ એવી રીતે ઉકેલાય કે ભવ્ય રામમંદિરના પ્રાંગણમાં સમરસતાના દીવડા ઝળહળી ઊઠે એવી અભ્યર્થના. જય શ્રીરામ.