પ્રાસંગિક : કેરળ સરકારની કુદૃષ્ટિ હવે હિન્દુ મંદિરો ઉપર
SadhanaWeekly.com       | ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
 
હિન્દુ કાર્યકર્તાઓની હત્યાની મૂક સાક્ષી
ધર્મને અફીણ કહેનારા સામ્યવાદીઓ ધર્મની બાબતમાં કાચિંડાની જેમ રંગ બદલવા માટે જાણીતા છે. હિન્દુ મંદિરો તથા હિન્દુ પર્વોની ઉજવણીથી દૂર રહેતા સામ્યવાદીઓ અન્ય પંથોનાં શ્રદ્ધાકેન્દ્રોમાં ‘વિશેષ’ પરિધાનમાં પહોંચીને તેમના પર્વોની ઉજવણી કરે તો તે ‘સેક્યુલરિઝમ’ ગણાય છે. આવા હિન્દુદ્વેષી કેરળના સામ્યવાદી શાસકોની છત્રછાયામાં કેરળમાં ૧૯૪૮થી આજ પર્યંત ૩૮૦થી પણ વધુ હિન્દુ કાર્યકર્તાઓની નિર્મમ હત્યા થઈ છે. હિન્દુઓ ઉપર દમન કરતી અને જેહાદી આતંકીઓને છાવરતી કેરળની સામ્યવાદી સરકારની કુદૃષ્ટિ હવે રાજ્યનાં હિન્દુ મંદિરોના ભંડારો ઉપર પડી છે. કેરળની સામ્યવાદી સરકાર યેનકેન પ્રકારેણ કેરળનાં મંદિરોની ધનસંપત્તિ હડપી લેવાના કારસા કરી રહી છે. આથી કેરળનો હિન્દુ સમાજ પૂછી રહ્યો છે કે માત્ર હિન્દુ મંદિરોની જ નહીં, સર્વ પંથનાં શ્રદ્ધાકેન્દ્રોની ધનસંપત્તિ હસ્તગત કરીને તમારું ‘સેક્યુલરિઝમ’ કેમ નથી બતાવતા ?
ધર્મને અફીણ ગણતા સામ્યવાદીઓને મંદિર વિશે પૂછવામાં આવે તો એક જ ઉત્તર મળતો હોય છે કે ‘મંદિરો એ ચાર દીવાલોથી વિશેષ કશું જ નથી અને તેમાં રહેલી મૂર્તિ એ તો માત્ર એક પથ્થર છે, કેરળમાં તો જાહેર મંચ ઉપરથી સામ્યવાદીઓ મંદિર વિશેનું આ પોપટિયું જ્ઞાન અવારનવાર પ્રદર્શિત કરતા હોય છે, પરંતુ હવે આ જ સામ્યવાદી શાસકો રાજ્યનાં હિન્દુ મંદિરોની ધનસંપત્તિને હડપ કરવા માટે તલપાપડ બન્યા છે. આ માટે રાજ્યના ટોચના સામ્યવાદીઓ પ્રસિદ્ધ હિન્દુ મંદિરોના સંચાલક મંડળમાં સ્થાન મેળવવા પડાપડી કરી રહ્યા છે. હા, ધર્મને અફીણ કહેનારા આ સામ્યવાદી નેતાઓને હિન્દુ ધર્મની ધનસંપત્તિ હડપી લેવામાં કશું જ અજુગતું લાગતું નથી, તેથી આજે કેરળનાં સુપ્રસિદ્ધ તીર્થસ્થાનોમાં સામ્યવાદી અગ્રણીઓ સરકારી નિયુક્તિ મેળવીને મંદિરોના ધનભંડારોને લૂંટવામાં પડ્યા હોય તેવું હિન્દુ સમાજ અનુભવી રહ્યો છે. ગુરુવાયુર તથા માલાબાર દેવસ્થાન બોર્ડ ઉપર અડિંગો જમાવીને સામ્યવાદીઓએ તેમના હિન્દુદ્વેષનું પ્રદર્શન કર્યું છે.
આપણે જાણીએ છીએ કે કેરળમાં અનેક પ્રાચીન મંદિરો તથા અનેક મઠો આવેલા છે. આ પવિત્ર સ્થાનોની યાત્રાએ દર વર્ષે લાખો હિન્દુઓ દેશ-વિદેશમાંથી આવતા હોય છે. દાનપ્રિયતા માટે જાણીતો હિન્દુ સમાજ આ શ્રદ્ધાકેન્દ્રોમાં ઉદાર હાથે દાન કરે છે, આથી આ હિન્દુ શ્રદ્ધાકેન્દ્રો ઉપર કેરળની હિન્દુદ્વેષી સામ્યવાદી સરકારની કુદૃષ્ટિ થઈ છે.
હિન્દુ મંદિરો તથા શ્રદ્ધાકેન્દ્રોને સીધી રીતે રાજ્ય સરકાર હસ્તક લેવામાં ઊભી થતી સમસ્યાઓને ટાળવા સામ્યવાદી સરકારે જે તે મંદિર કે મઠના સંચાલક મંડળોમાં સત્તાનો દુરુપયોગ કરીને કટ્ટર સામ્યવાદીઓને બેસાડી દીધા છે. આથી હવે કેરળનાં મોટા ભાગનાં હિન્દુ તીર્થસ્થાનોમાં પોલીસ દ્વારા હિન્દુઓની કનડગત વધી રહી છે. વિશ્ર્વપ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં થતી હિન્દુઓની કનડગત તો ઊડીને આંખે વળગે છે.
હિન્દુ મંદિરોના ધનભંડાર હડપ કરવાના હિન્દુ દ્વેષી ષડયંત્રનો આરંભ વર્ષ ૨૦૧૦માં થયો હતો. એ વર્ષે એક સામ્યવાદી જૂથે ગુરુવાયુરના પાર્થસારથિ મંદિરને સરકાર હસ્તગત કરે તે માટે કેરળ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરી હતી. સદ્ભાગ્યે, ન્યાયાલયે સામ્યવાદીઓની એ હિન્દુદ્વેષી અરજીને ફગાવી દીધી હતી, પરંતુ ન્યાયાલયના આદેશને ઘોળીને પી જનારા સામ્યવાદી શાસકોએ ગત માસમાં વિશ્ર્વપ્રસિદ્ધ ગુરુવાયુર પાર્થસારથિ મંદિરને બળજબરીથી હસ્તગત કરી લીધું.
ગત ૭મી નવેમ્બરની મધ્ય રાત્રિના અઢી વાગ્યાના સુમારે પોલીસનો કાફલો મંદિર ઉપર ખડકી દેવામાં આવ્યો. મંદિરના દ્વાર ઉપર લાગેલા તાળાને તોડીને તેમાં પોલીસે પ્રવેશ કર્યો. આ જ કૃત્ય એક મદરેસા કે ચર્ચમાં થયું હોત તો...?? આખું ભારત ભડકે બળ્યું હોત તે કહેવાની આવશ્યકતા નથી, કેમ કે ભારતને તો આવા અનેક અનુભવો થઈ ચૂક્યા છે. હિન્દુ મંદિર ઉપર થયેલા આ સામ્યવાદી આક્રમણની જાણ થતાંવેંત સેંકડો શ્રદ્ધાળુઓ મંદિર પરિસર ઉપર ઊમટી પડ્યા, પરંતુ ત્યારે સામ્યવાદી પાપકર્મ આકાર લઈ ચૂક્યું હતું. ગુરુવાયુરના આ વિશ્ર્વપ્રસિદ્ધ પાર્થસારથિ મંદિર ઉપર ધર્મને અફીણ ગણનારા હિન્દુદ્વેષીઓએ અધિકાર થોપી દીધો હતો. હિન્દુ શ્રદ્ધાળુઓને પોલીસે બળપ્રયોગ કરીને દૂર કરી દીધાં હતા. આમ, બંધારણે આપેલા ધર્મ સ્વાતંત્ર્યના અધિકારથી હિન્દુઓને વંચિત રખાયા હતા. મીડિયાએ હિન્દુ ધર્મ ઉપરના આ નિર્લજ્જ સામ્યવાદી આક્રમણનું કવરેજ નહીં કરીને તેની સેક્યુલરિઝમના દંભનું પ્રદર્શન કર્યું હતું.
મલબાર અને ગુરુવાયુરના વિશ્ર્વપ્રસિદ્ધ હિન્દુ મંદિરોના સંચાલન મંડળ ઉપર અડિંગો જમાવીને હવે હિન્દુ દ્વેષી સામ્યવાદીઓ કેરળના અન્ય નાના-મોટા સર્વ હિન્દુ મંદિરો ઉપર કુદૃષ્ટિ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ મંદિરો હડપ કરવા તત્પર બનેલી સામ્યવાદી સરકાર આતંકી જૂથ પીપલ્સ ફ્રન્ટ તથા આતંકી મદની સાથેના સુમધુર સંબંધો માટે કુખ્યાત છે. લવ જેહાદના અપરાધી ગુંડાઓને છાવરતી સામ્યવાદી સરકાર કેરળમાં મંદિરોના તીર્થયાત્રીઓ ઉપર દંડા ઉગામે છે. સામ્યવાદી સરકારના આતંકથી ધ્રૂજી ઊઠેલો કેરળનો હિન્દુ સમાજ પ્રશ્ર્ન પૂછી રહ્યો છે કે કેરળમાં મુસ્લિમ અને ખ્રિસ્તીપંથીઓનાં શ્રદ્ધાકેન્દ્રો ઉપર પણ અંકુશ મેળવીને તમારું ‘સેક્યુલરિઝમ’ કેમ નથી બતાવતા ? કેરળના મુખ્યમંત્રી વિજયનની તુલના હવે સેંકડો હિન્દુ મંદિરો તોડનારા ટીપુ સુલતાન સાથે થઈ રહી છે. જો કે વિજયન તો આ તુલનાને સન્માન ગણે છે !! ૩૮૦થી વધુ હિન્દુ કાર્યકર્તાઓની હત્યાથી પણ નહીં ધરાયેલી કેરળની સામ્યવાદી સરકાર આગામી દિવસોમાં કેરળનાં બધાં જ મંદિરો હડપી લેશે તેવા ભયથી સમાજ ભયભીત છે. હવે કેરળમાં દિવાળીના દિવસે મંદિરોમાં ગાયમાતાની ‘કુરબાની’ દ્વારા ‘સેક્યુલરિઝમ’નો જયજયકાર થશે એ દિવસો દૂર નથી એવું જાગૃત હિન્દુ સમાજને દેખાઈ રહ્યું છે.
***
લેખક કેરળના જાણીતા સમાજસેવી અને બ્લોગર છે
સાભાર : ઓર્ગેનાઈઝર
ભાવાનુવાદ : જગદીશ આણેરાવ