પ્રેરણા: શરાબબંધી, કુહાડીબંધી થકી ગામની શિકલ બદલતા યુવાનો
SadhanaWeekly.com       | ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
યુવા જો ધારે તો અસંભવને સંભવ બનાવી શકે છે. આ સાબિત કર્યું છે ઝારખંડ રાજ્યના રાંચી પાસેના ગામના યુવાઓએ. ગામના વિકાસ માટે કેટલાક એવા નિયમો બનાવ્યા છે, જેની ચર્ચા દૂર દૂર સુધી થઈ રહી છે. ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂ પી શકતો નથી. જંગલ કાપી શકતો નથી. પોતાનાં પાલતું પશુઓને છૂટાં છોડી શકતો નથી. કોઈ ખુલ્લામાં કુદરતી હાજત કરી શકતો નથી. ગામના યુવાઓએ અહીં બોરિંગ માટેના કૂવાની ઊંડાઈની પણ મર્યાદા નક્કી કરી છે. આ ગામનું નામ આરાકેરમ છે. ટુંડાટોલી પંચાયતમાં આરા અને કેરમ નામના બે વિસ્તારો મળી આ ગામ બન્યું છે. અહીંના લગભગ તમામ લોકો ખેતી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. મોટાભાગનાં ઘર પણ માટીનાં જ છે.
ગામના કેટલાક યુવાઓએ ગામની તસવીર બદલવાનું નક્કી કર્યું. ગામની સૌથી મોટી સમસ્યા દારૂના સેવનની હતી. અહીના દરેક ઘરમાં દારૂ ગળાતો અને પીવાતો. પરિણામે ખેતી ને મજૂરી થકી થતી આવકનો મોટો ભાગ દારૂમાં જ ખર્ચાઈ જતો. પરિણામે ગામનાં બાળકો ન તો ભણી શકતાં હતાં કે ન તો ગામનો વિકાસ થઈ શકતો હતો, માટે યુવાઓએ સૌપ્રથમ શરાબ બંધ કરાવવાનો નિર્ણય કર્યો, પરંતુ એ કામ એટલું આસાન પણ ન હતું. શરૂઆતમાં ગ્રામજનો દ્વારા જબરજસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો. છતાં યુવકો પોતાના અભિયાનમાં અડગ રહ્યા. યુવકોને આ અભિયાન ચલાવવાની પ્રેરણા ક્યાંથી મળી ? તે અંગે જણાવતાં ગોપાલરામ વેદિયા નામના એક સ્થાનિક કહે છે કે, ૨૦૧૪માં નરેગા અધિકારી સિદ્ધાર્થ ત્રિપાઠી અમારા ગામમાં આવ્યા. તેઓએ ગામની દયનીય હાલત જોઈ કહ્યું હતું, જ્યાં સુધી ગામમાંથી દારૂનું વ્યસન નહીં જાય ત્યાં સુધી ગામની સ્થિતિ સુધરી શકશે નહીં. તેમની વાતોની અસર થઈ અને ૩૦ યુવાનોએ દારૂ છોડવાની પ્રતિજ્ઞા લીધી.
આ યુવાઓએ સૌપ્રથમ પોતાના પર જ દારૂબંધીનો નિયમ કડકાઈપૂર્વક લાગુ કર્યો. થોડા સમય બાદ તેમને લાગ્યું કે દારૂ વગર પણ જીવી શકાય છે. ત્યારબાદ ૨૦૧૬માં આ યુવાઓએ ‘નવજાગૃતિ સમિતિ’ બનાવી અને એ સમિતિને જ ગામની સરકાર માનવામાં આવી અને એ સરકારના પ્રધાનમંત્રી, ઉપપ્રધાનમંત્રી, શિક્ષણમંત્રી, વનમંત્રી, વીજળીમંત્રી, કૃષિમંત્રી, નશામુક્તિ મંત્રી, સ્વાસ્થ્યમંત્રી, સફાઈમંત્રી અને વ્યવસ્થામંત્રી પણ છે. સરકારના મંત્રીઓ ગામના લોકોને શરાબ છોડી સ્વસ્થ જીવન જીવવા માટે સમજાવતા રહ્યા. શરૂઆતમાં લોકો દારૂ વગર પણ જીવી શકાય છે એમ માનવા જ તૈયાર ન હતા. લોકો તરફથી જ જબરજસ્ત વિરોધનો સામનો કરવો પડતો, પરંતુ સરકારે એ વિરોધને નજર અંદાજ કર્યો અને સ્પષ્ટ સંભળાવી દેવાયું કે કોઈપણ સંજોગોમાં ગામમાં દારૂ બનાવવાની કે પીવાની મંજૂરી મળશે નહીં. તેમ છતાં પણ જો કોઈ દારૂ બનાવતાં કે પીધેલી હાલતમાં ઝડપાયો તો તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે.
હવે સવાલ એ હતો કે આ ગામમાં કેટલાક પરિવારોની રોજીરોટી જ દારૂના ધંધા પર ચાલતી હતી. તેઓએ સરકાર સમક્ષ સવાલ ઉઠાવ્યો કે, તેમની રોજીનું શું? સરકારે ગ્રામીણોના રોજગાર માટે સરકારી યોજનાઓનો સહારો લીધો. રોડ નિર્માણ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યા, જેને કારણે લોકોને રોજગાર મળવા લાગ્યો અને ધીરે ધીરે લોકો દારૂબંધી તરફ વળ્યા.
આજે આ ગામનો એક પણ વ્યક્તિ દારૂ પીતો નથી. એટલું જ નહીં અહીં આવતા બહારના લોકોને પણ મહેમાન-ગતિમાં દારૂ પિરસાતો નથી. એક સમયે અહીં દારૂને આતિથ્યનો જરૂરી ભાગ મનાતો અને દારૂ ન પિરસાય તો મહેમાનનું અપમાન ગણાતું. આજે ગામના દરેક ઘરની દીવાલ પર ચીતરી દેવામાં આવ્યું છે કે, મહેમાન ! દારૂ માગીને શરમાવશો નહીં. દારૂબંધી બાદ ગામમાંથી અનેક દૂષણો દૂર થઈ ગયાં છે. લોકો હવે પોતાના બાળકોને શાળામાં મોકલવા લાગ્યાં છે. દારૂ ન પીવાને કારણે જે પૈસા બચવા લાગ્યાં છે તે પૈસાનો ઉપયોગ તેમની અન્ય જીવન જરૂરિયાતો પર થવા લાગ્યો છે.
નશામુક્તિ મંત્રી વિજય વેટિયા જણાવે છે કે, પહેલાં ગામનો પ્રત્યેક વ્યક્તિ વર્ષે ૧૮,૦૦૦ રૂપિયાનો દારૂ પી જતો. પરિણામે લોકો ક્યારેય આર્થિક રૂપે સધ્ધર થઈ શકતા ન હતા, પરંતુ દારૂબંધીએ ગામનું વાતાવરણ જ બદલી નાખ્યું છે. લોકોનો વિકાસ થઈ રહ્યો છે. ધાર્મિક બાબતે પણ લોકોમાં જાગૃતિ આવવા લાગી છે. અગાઉ ગામમાં એક પણ મંદિર ન હતું. હવે એક શિવમંદિર બની રહ્યું છે અને એ મંદિર-નિર્માણમાં તમામ લોકો સહયોગ કરી રહ્યા છે.
જે લોકો અગાઉ દારૂ બનાવી વેચતા હતા તે લોકોનો સહયોગ આમાં પ્રેરક છે. જે વાસણોમાં તે દારૂ બનાવતા હતા તેને તેઓએ વેચી દીધાં અને એની જે કિંમત ઊપજી તેને મંદિર-નિર્માણ માટે દાનમાં આપી દીધી. એક સમયે ગ્રામીણો પોતાનાં બાળકોને પોતાનાં પાલતું પ્રાણીઓને ચરાવવા માટે મોકલતાં હતાં અને ગામમાં પ્રાથમિક શાળા સાવ સૂની લાગતી. આજે એ જ વાલીઓ પોતાના બાળકોને નિયમિત રૂપે શાળાએ મોકલી રહ્યાં છે.
શિક્ષણમંત્રી કવેશ્ર્વર વેદિયા જણાવે છે કે, શાળાસમય બાદ પણ ગામનાં બાળકોને ગામના જ એક યુવાન સુનિલ મહતો અને ખુદ કવેશ્ર્વર વેદિયા ભણાવે છે. ગામમાં સ્વચ્છતા પ્રત્યે પણ સારી જાગૃતિ આવી છે. સફાઈમંત્રી સુમનદેવી જણાવે છે કે સવારે પાંચ વાગ્યે ગામમાં ઘોષણા થાય છે તેની સાથે જ ગામના તમામ લોકો ગામની ગલીઓ અને રસ્તાઓમાં ઝાડુ લઈ નીકળી જાય છે. ત્યાર બાદ જ તેઓ પોતાનાં દૈનિક કાર્યોની શરૂઆત કરે છે. ગામમાં શ્રમદાનની પણ અનોખી પરંપરા શરૂ થઈ છે, મીડિયામંત્રી આદિત્ય મહતો જણાવે છે કે, દરેક મહિનાની ૧લી અને ૧૪મી તારીખે ગામના લોકો શ્રમદાન કરે છે. જે અંતર્ગત ગામના રસ્તાઓ પર અને ખાલી જમીન પર વૃક્ષારોપણ કરવામાં આવે છે. અત્યાર સુધી પપૈયાનાં ૫૦૦૦, બાવળ અને બોરડીનાં ૩૦૦૦-૩૦૦૦ હજાર, લીમડો, ગુલમોહર અને સાગનાં ૫૫૦ રોપા રોપવામાં આવ્યા છે, જેમને ખાનગી જમીન પર આ રોપા રોપવા હોય તેની પાસેથી રોપા દીઠ બે રૂપિયા વસૂલવામાં આવે છે.
ગામની પાસે જ ૩૦૦ એકરમાં ફેલાયેલ એક જંગલ છે, જ્યાં ૩૦૦ જાતનાં વૃક્ષો છે. અગાઉ લોકો બળતણ માટે બેરોકટોક લીલાં-સૂકાં લાકડાં કાપ્યા કરતા હતા અને જંગલમાં પોતાનાં પ્રાણીઓને છૂટાં મૂકી દેતાં હતાં. વનમંત્રી રમેશ વેદિયા જણાવે છે કે ગ્રામીણોએ ભેગા મળી જંગલ બચાવવા માટે કુહાડીબંધી અને પ્રાણીઓને જંગલમાં છોડી મૂકવા પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે ગામમાં કોઈને પણ ઝાડ કાપવાનો અધિકાર નથી. બળતણ માટે સૂકાં લાકડાં જ લેવા દેવામાં આવે છે. તે પણ જંગલના નક્કી થયેલા ભાગમાંથી જ. જંગલમાં ૭૦ એકરનો એક ભાગ છે, જેમાં પ્રવેશ પ્રતિબંધ છે. ત્યાંથી કોઈ સૂકાં લાકડાં તો શું એક પાંદડું પણ લાવી શકતું નથી. આવું કેમ ? આનો જવાબ આપતાં સામાજિક કાર્યકર્તા ગુણાનંદ જણાવે છે કે, સૂકાં લાકડાં હોય કે પછી પાંદડાં તમામ જંગલને પોષણ આપવામાં મદદરૂપ થાય છે. વરસાદમાં પાંદડા અને લાકડાં સડી જાય છે અને બાદમાં તે ખાતર બની જાય છે અને તેના થકી જંગલનો ફેલાવો થાય છે. ગ્રામીણોના આ કાર્યની વાત જેઓ પણ સાંભળે છે તે તેનાં વખાણ કર્યા વગર રહી શકતું નથી.
ગ્રામીણ સરકારી યોજનાઓ પર દેખરેખ રાખતા અરવિંદકુમાર જણાવે છે કે, ગ્રામીણોમાં આવેલ આ પરિવર્તન સાબિત કરે છે, કે હવે તેઓ જાગી ગયા છે અને આ બાબત દેશ માટે શુભ સંકેત છે. દેશનાં અન્ય ગામો પણ આ ગામમાંથી પ્રેરણા લે તો દેશની શકલ જ બદલાઈ શકે છે.
***
(સાભાર : ‘પાંચજન્ય’ - ૧૨ નવેમ્બર, ૨૦૧૭)