મુઝફ્ફર હુસેનની કલમે : બર્લિનની દીવાલની જેમ પાક-અફઘાન સીમા તૂટશે ?
SadhanaWeekly.com       | ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
પાકિસ્તાન - અફઘાનિસ્તાન સરકારો પોતાના સરહદની વિવાદોનો અંત લાવવા માટે વિવાદિત વિસ્તારોમાં
બર્લિનની માફક દિવાલ બનાવવા જઈ રહી છે. જેનો સ્થાનિક લોકો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. જાણીએ શું છે આ વિવાદ..
દુનિયામાં ઘણા ઓછા દેશો એવા હશે, જેમની બોર્ડર એકબીજાને મળતી નહીં હોય. પ્રાકૃતિક ‚પથી બનેલા દેશો વચ્ચે કુદરતી બોર્ડર હોય એ સાવ સ્વાભાવિક છે! પહાડ, નદી કે સમુદ્ર થકી બે દેશોની બોર્ડર અલગ બનતી હોય એ સહજ છે. પણ જ્યાં આવી કુદરતી બોર્ડર નથી. ત્યાં મનુષ્ય પોતાની કૃત્રિમ સીમાઓ નક્કી કરી લે છે અને આ કૃત્રિમ બોર્ડર થકી બંને દેશો અલગ ગણાતા રહે છે. પણ આમ કરવા જતાં બંને દેશો વચ્ચે મનભેળ ન હોવાને કારણે, સુરક્ષા સીમાઓ પર સૈનિકોની સંખ્યા વધતી જાય છે અને તેમાંથી ક્યારેક બે દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી જાય છે, એ ભણકારા અસલ યુદ્ધ બનીને રહે છે. આ માટે યુએન એટલે કે રાષ્ટ્રસંઘે તથા દુનિયાભરની ઘણી મોટી સામાજિક સંસ્થાઓ શાંતિના મુદ્દે આગળ વધી રહ્યા છે, અનેક અપીલો કરી ચૂક્યા છે અને હજુ કરી રહ્યા છે. જે માણસને મર્યા બાદ માંડ છ ફૂટની જગ્યા જોઈએ છે, તે પોતાના દેશની એક એક ઈંચ જમીન માટે માત્ર બે-પાંચ નહીં પણ બટાલિયનની બટાલિયનને સ્વાહા કરવા માટે યુદ્ધમોરચે ધકેલી દે છે. યુદ્ધની હાર કે જીત પછીનું બંને દેશનું પહેલું કામ પોતાના દેશની સીમાના રક્ષણનું રહે છે. આઝાદી પછી માત્ર ભારતનું જ વિભાજન થયું હતું, એવું નથી બલ્કે, ભારતીય ઉપખંડમાં ત્રીજો દેશ પણ બની ગયો જેને આપણે બાંગ્લાદેશના નામે ઓળખીએ છીએ.
૧૯૪૭માં મહંમદઅલી ઝીણાએ ધર્મના નામે પોતાના નેતૃત્વ હેઠળ અલગ દેશની માંગ કરી. આઝાદી મેળવવા માટે ભારતે આ ભાગલાપૂપી કડવા ઘૂંટડા ગળ્યા. પશ્ર્ચિમી અને પૂર્વે પાકિસ્તાનનો અલગ દેશના રૂપે સ્વીકાર કર્યો. એટલું જ નહીં એક દિવસ એવો પણ આવ્યો કે જેમાં, પૂર્વી પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. જો કે, શ્રીલંકા, નેપાળ, ભૂતાન અને બ્રહ્મદેશ જેવા દેશોએ પણ સ્વાતંત્ર્ય મેળવ્યું. આટલા બધા દેશો સ્વતંત્ર થયા પણ તેમના કોઈના ભારત સાથે સીધી ટક્કર થઈ નથી. બસ, કાંટાળી તારની વાડ બાંધી રાખવામાં આવી છે. બસ એક ધર્મના નામે પાકિસ્તાન જ ભારત સાથે ટકરાતું રહે છે. ભારત પર છૂટક હુમલા ઉપરાંત, પાકિસ્તાને ત્રણ વાર તો મોટા હુમલા કર્યા છે. આજે પણ એની નિયત સાફ નથી. જ્યારે ભારતના મનમાં કોઈ પણ પ્રકારનું પાપ ન હોવાને કારણે આજ સુધી તેણે તો માત્ર કાંટાળી તારથી જ સીમાનું રક્ષણ કર્યું છે. આ કાંટાળી તારને લીધે ભારતે ઘણું ભોગવવું પડે છે. છતાં ભારત હજીય શાંત છે. જ્યારે દુનિયામાં એવા ઘણા દેશો છે, જે માત્ર સીમારેખા પર વિશ્ર્વાસ નથી કરતા, જ્યારે દીવાલ બનાવીને તેઓ પોતાની સીમાને વધુ સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ માટે બહુ દૂરનાં ઉદાહરણો લેવા જવાની જરૂર નથી. આ દૃશ્ય તો આપણી સીમાઓ પર ઊભેલા દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ દેખાય છે. બંને મુસ્લિમ દેશો હોવા છતાં પણ દીવાલ બાંધીને પોતાને બર્લિનને જેમ સુરક્ષિત રાખવામાં વિશ્ર્વાસ રાખે છે. એટલે જ કોયટાથી મળેલા સમાચાર મુજબ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બર્લિનની દીવાલ જેમ દીવાલ બાંધવા માટે આ બંને દેશ કટિબદ્ધ બન્યા છે. બંને વચ્ચે દીવાલ બાંધીને તેઓ તમામ વિવાદને સમાપ્ત કરવા ઇચ્છે છે. જ્યાં સુધી આ બંને દેશો પર બ્રિટિશ રાજ હતું ત્યારે તેઓ વચ્ચે કોઈ ટકરાવ થયો નથી, પણ ૧૮૬૩માં બ્રિટિશ સત્તાધીશોએ આ બંને દેશોની સીમા નક્કી કરી હતી. હવે જ્યારે અહીંથી બ્રિટિશરાજનો અંત આવ્યો છે અને તેમણે સ્વતંત્રતા મેળવી છે ત્યારે હવે તેની સીમાઓ સળગવા માંડી છે. બંને મુસ્લિમ રાષ્ટ્રો છે, પણ સત્તા સામે ધર્મ પણ ગૌણ બની જાય છે. તેમાં વળી આ મામલે અમેરિકાએ ‘આગમાં ઘી નાખવાનું’ કામ કર્યું છે. અમેરિકા તો યેનકેન પ્રકારેણ અફઘાનિસ્તાનનો પક્ષ લઈ રહ્યું છે અને ભારતીય ઉપખંડમાં પોતાનો રાજનૈતિક પગ માંડવા ઇચ્છે છે.
આ બધા સીમાના, સત્તાના રાજકારણથી પખ્તુન કબાલીઓનો નાગરિક સાવ અલિપ્ત છે. એટલું જ નહીં, તેઓ તો આ સીમારેખાથી સાવ અજાણ હોય, એમ જ જીવે છે. આજ સુધી જે જગ્યા પાક - અફઘાન સરહદના નામે જાણીતી હતી અને આજેય છે તે વિસ્તારના નાગરિકો અહીં કોઈ સીમારેખા ઇચ્છતા નથી. તેમને માટે તો ‘સબ ભૂમિ ગોપાલ કી...’ જેવું છે. આ બે દેશ વચ્ચે જે અઢી હજાર કિમીની સરહદ છે, તે પણ તેઓ તોડવા ઇચ્છે છે. કાબુલ સરકાર અહીંની ફેન્સિંગની વિરોધી છે. વળી, આ તારની ફેન્સિંગ ચીનની વચ્ચેથી નીકળે છે. એટલે કોઈ એક દેશની નાગરિકના ઓળખ કાર્ડ અથવા પાસપોર્ટ કે અન્ય કોઈ સાબિતીની જ‚ર પડે છે. આ બધી કડાકૂટ વચ્ચે અહીં ઘણા તો એવા વિસ્તારો છે. જેઓ સ્થાનિક પખ્તુઓ સાથે આપસમાં એકતાથી રહે છે, તેમના રીતરિવાજોને માને છે અને આ વાત થકી એટલે કે આ એકતાથી તેઓ એવું બતાવવા માંગે છે કે, અહીં સીમાસુરક્ષા વાડ કે દીવાલ બાંધવાનો કોઈ અર્થ ખરો ? તો બીજી બાજુ, પાકિસ્તાનના અર્ધસૈનિક ફ્રંટિયરના સ્થાનિક કમાંડરો જણાવે છે કે સરહદો દીવાલ તો બર્લિનમાં પણ હતી, મેક્સિકોમાં પણ છે તો પછી પાક-અફઘાનિસ્તાન વચ્ચે કેમ ન હોઈ શકે ? આ પ્રકારનો મત સત્તાવાળાઓનો છે, પ્રજા તો સીમાસુરક્ષા વાડ તોડી અખંડ પ્રદેશમાં જીવવા ઇચ્છે છે.