શક્તિ-ચરિત્ર : મહિલા બોક્સરોને જીતની ખુશીમાં ભેટમાં મળી ગૌમાતા
SadhanaWeekly.com       | ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
તાજેતરમાં જ ગુવાહાટીમાં યોજાયેલી ધ વર્લ્ડ યુથ વીમેન્સ બોક્સિગં ચેમ્પિયનશિપમાં હરિયાણાની મહિલા બોક્સરોએ વિક્રમસર્જક મેડલો જીતીને રાજ્યનું નામ રોશન કર્યું. ત્યાંની સરકારે પણ ખુશ થઈને ઘણાં ઇનામ જાહેર કર્યાં, પણ એક ઇનામ એવું હતું કે એ આ વિજેતા મહિલાઓ માટે ‘પ્રાઇઝ કમ પણ સરપ્રાઇઝ જ્યાદા’ જેવું બની ગયું.
આપણાં શાસ્ત્રોમાં દીકરીનાં લગ્ન સમયે મંગળફેરા ફરતી વખતે ગાયોનાં દાન દેવાનો ઉલ્લેખ આવે છે ખરો. પણ આજકાલ તો વિજેતાઓને મોંઘી બાઈક કે કાર ભેટમાં મળતી હોય છે એ સમયમાં આ બોક્સરોને પણ સાનંદશ્ર્ચર્ય થયું હશે જ્યારે તેમને દેશી ગાયોનો ઉપહાર મળ્યો હશે. આ ખુશનસીબ છ બોક્સરોમાંથી વિવિધ કેટેગરીમાં નીતુ, સાક્ષી, જ્યોતિ અને શશીને સુવર્ણચંદ્રક, તો અનુપમા અને નેહાને કાસ્યચંદ્રક પ્રાપ્ત થયા છે.
ગયા સપ્તાહમાં રોહતકના રાજીવ ગાંધી સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં વિજેતાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, ત્યારે હાજર રહેલા બોક્સિગં હરિયાણા ઍસોસિયેશનના પ્રમુખ અને રાજ્યના એનિમલ હસબંડરી ખાતાના પ્રધાન ઓમપ્રકાશ ધાનકરે બોક્સર માટે ગાયનું દૂધ કેટલું લાભદાયક છે તે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય બક્ષિસ તો દરેક વિજેતાઓને આપવામાં આવે જ છે પણ આ દેશી ગાયોનું દૂધ તો રમતવીરો માટે એક અનોખો ઉપહાર છે. ગાય બહુ ચપળ પ્રાણી છે. જ્યારે ભેંસો આળસુ હોય છે. મોટા ભાગે સૂઈ રહેતી હોય છે. ગાયોનું દૂધ સ્વાસ્થ સુધારે છે. સાથે સાથે દિમાગને પણ ચુસ્ત બનાવે છે. ખેલાડીઓ માટે એટલે જ ગાયનું દૂધ વધુ ગુણકારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક જાતિની આ ગાયો રોજનું સરેરાશ દસ લિટર દૂધ આપશે. અમે છએ છ મહિલા વિજેતાઓનાં સરનામાં લઈ લીધાં છે. ટૂંક સમયમાં જ તેમને આ ચોપગાં ઉપહારો મોકલી દેવામાં આવશે.
ધાનકરે કહ્યું હતું કે ટૂંક સમયમાં રાજ્ય સરકાર ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન પણ કરશે, જેમાં રમતગમતને લગતી ફિલ્મો દર્શાવવામાં આવશે, જેથી અન્ય લોકોને પણ પૂરતું પ્રોત્સાહન મળશે.
જોકે, આ જીવંત બક્ષિસને ક્યાં રાખવી અને કેવી રીતે પાળવી એ પણ ઘણી ખેલાડીઓ માટે પ્રશ્ર્ન હશે. હિસાર શહેરમાં રહેતી ૧૮ વર્ષીય નીતુ કહે છે કે તેના ફેમિલીને અત્યારે તો ધ્યાનમાં નથી આવતું કે આ ગાયને રાખશે ક્યાં ? બે વર્ષ પહેલાં અમારે ત્યાં પણ ગાય હતી. અમે પાડોશના ખાલી પ્લોટ પર તેને રાખતા, પણ જ્યારે પાડોશીએ એ જગ્યા ખાલી કરવાનું કહ્યું ત્યારે અમારે ગાય વેચી દેવી પડી હતી. જો કે આ વાત પણ સરકારના ધ્યાનમાં છે. આના ઉકેલ‚પે દરેક મોટાં ગામ-શહેર પાસે ૫૦થી ૧૦૦ એકર જમીન, પ્રાણીઓ માટેની પેઈંગ ગેસ્ટ હોસ્ટેલ તરીકે અનામત રાખી મુકાશે. નીતુની માતા પુષ્પાદેવીએ કહ્યું હતું કે આ એક અનોખી ભેટ છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ.