સંઘ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ‘મૌનક્રાંતિ’ થઈ છે : રાજ્યપાલ
SadhanaWeekly.com       | ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
 
RSSના પાંચ પૂર્વ પ.પૂ. સરસંઘચાલકના જીવન-કર્તૃત્વ પરનાં પુસ્તકોનું લોકાર્પણ
‘આઠ વર્ષ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે નવી પેઢી સમક્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને સાચા અર્થમાં લઈ જવો જરૂરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે વિશ્ર્વનું સૌથી મોટું સંગઠન છે, જેના દ્વારા એક ‘મૌન ક્રાંતિ’ થઈ છે, જેને માટે આ પાંચ ઋષિતુલ્ય મહાનુભાવોએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. પરમ પૂજનીય સરસંઘચાલકો દ્વારા અદ્ભુત કાર્ય સ્નેહ, પ્રેમ અને આત્મીયતા દ્વારા થયું છે. તેમણે દેશને પરમ વૈભવ સુધી લઈ જવા માટે એક પથદર્શક બની કાર્ય કર્યંુ છે.’ આવું રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ અમદાવાદ મેનેજમેન્ટ ઍસોસિયેશન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ)ના પાંચ પૂ. સરસંઘચાલકના વ્યક્તિત્વ અને કર્તૃત્વ પર કેન્દ્રિત પુસ્તકોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલજીની અધ્યક્ષતામાં અને શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના સાધુ પૂ. બ્રહ્મવિહારીદાસજી, સાધુ પૂ. અક્ષરવત્સલદાસજી અને પ્રકાશક પ્રભાતકુમારના સાંનિધ્યમાં સંપન્ન થયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાંચ પૂ. સરસંઘચાલકના વ્યક્તિત્વ અને કર્તૃત્વ પર કેન્દ્રિત પુસ્તકો છે, તેમાં ‘હમારે ડૉ. હેડગેવારજી’, ‘હમારે ગુરુજી’, ‘હમારે બાલાસાહબ દેવરસ’, ‘હમારે રજ્જુ ભૈયા’ અને ‘હમારે સુદર્શનજી’નો સમાવેશ થાય છે. આ પાંચેય મહાનુભાવોએ ‘રાષ્ટ્ર સર્વોપરી’ના મૂળમંત્રને પોતાના જીવનનું ધ્યેય માન્યું હતું. જો કોઈ એવું કહે કે નવી પેઢીમાં સંઘ આકર્ષણનો વિષય નથી તો કહેવાનું કે આવા લોકો સંઘની દૈનિક શાખામાં જશે તો આ ભ્રમ દૂર થઈ જશે, એમ કહી રાજ્યપાલ ઓ. પી. કોહલીજીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં નવી પેઢી પોતાના મૂળથી વિખૂટી પડતી જોવા મળી રહી છે ત્યારે સંઘનું કાર્ય મહત્ત્વનું બની રહે છે. નવી પેઢીને સંઘના વિચારદર્શન, ગતિ-પ્રગતિથી વાકેફ કરવા અને વિવિધ ક્ષેત્રમાં સંઘ શું કાર્ય કરી રહ્યો છે, તે જણાવવું જ‚રી છે. આ માટે જે નવી પેઢીના સંપર્કમાં આવે ત્યારે સંઘની વાત કરે અને તેમની ઉત્સુકતા જાણીએ અને શંકાનું સમાધાન લાવીએ.
તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે સંઘની પ્રગતિના આધાર માટે ત્રણ મુદ્દા મહત્ત્વના છે. એક છે સંઘનો ઉદ્દેશ્ય રાષ્ટ્રને પરમ વૈભવ સુધી લઈ જવાનો. યોગી અરવિંદે કહ્યું હતું કે રાષ્ટ્રની તેજસ્વિતાનું તેજ ધીમું પડે ત્યારે એ તેજને દીપ્તિમાન કરવાનું કાર્ય અમે કરીએ છીએ. સંઘ પણ આ જ કાર્ય કરી રહ્યું છે. જેનાથી રાષ્ટ્રનું તેજસ્વી સ્વરૂપ યથાવત્ રહે. સંઘની પ્રગતિનો બીજો આધાર છે, દૈનિક શાખા કે જેના માધ્યમથી મૌનપૂર્વક સ્વયંસેવકોમાં સંસ્કાર આવે છે. સંઘની પ્રગતિનો ત્રીજો આધાર છે, તેની કાર્યપદ્ધતિ, જે પૂર્ણ વૈજ્ઞાનિક છે.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલજીએ જણાવ્યું કે સરસંઘચાલક એ કોઈ વ્યક્તિ નથી, એક સંસ્થા છે. અહીં આદેશ નથી અપાતા, પરંતુ માત્ર નિર્દેશ થતા હોય છે અને વિજયાદશમીએ ઉદ્બોધન અપાય છે, તે વર્ષભર શું થયું અને હવે શું કરવાનું છે, તેનું એક દૃષ્ટા, પથદર્શક બનીને માર્ગદર્શન કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક માટે હિન્દુ સમાજ પ્રાણપ્રિય છે. નરમાં નારાયણ જોઈને કાર્ય થયું છે. સંઘ દ્વારા થતાં સેવાકાર્યો એક લાખ ૭૦ હજાર છે.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, પ્રબુદ્ધ નગરજનો, સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
આજે ભગવો લહેરાય છે, તેમાં આ મહાપુરુષોનું યોગદાન : સાધુ અક્ષરવત્સલદાસજી
 
બીએપીએસના સાધુ અક્ષરવત્સલદાસજીએ આ પ્રસંગે જણાવ્યું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની મુલાકાતે રજ્જુ ભૈયા આવ્યા હતા, ત્યારે પૂ. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે, આવા આધ્યાત્મિક મહાપુરુષોને કારણે ભારતભૂમિ પૂણ્યશાળી છે. આજના સોશિયલ મીડિયાના સમયમાં ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામના સ્ટેટસમાં વ્યક્તિ એટલી વ્યસ્ત બની ગઈ છે કે, આવા મહાન પુરુષોનાં ચરિત્રોને વાંચવાનું ભૂલી ગઈ છે. આ મહાપુરુષોએ અનેક મુશ્કેલી, આક્ષેપો વચ્ચે પણ રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતનાનું કાર્ય છોડ્યું નથી. આજે ભારતના સિંહાસન પર જે ભગવો ધ્વજ લહેરાય છે તેની પાછળ પણ આ મહાપુરુષોનું યોગદાન રહ્યું છે. આ પુસ્તકોના માધ્યમથી નવી પેઢીને શાશ્ર્વત સુખ અને શાંતિના માર્ગે, સાંસ્કૃતિક વિરાસત સુધી લઈ જવાની છે.