સમાજ ધર્મ : ‘રાષ્ટ્રકથા’માં શહીદોના પરિવારોને સન્માન અને પુરસ્કાર
SadhanaWeekly.com       | ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
સત્ય, પ્રેમ, કરુણા, ત્યાગ અને વૈરાગના સમન્વય સમા વિશ્ર્વપ્રસિદ્ધ અને વિશ્ર્વવંદનીય પૂ. મોરારી બાપુની કથા એટલે શ્ર્લોક અને લોકના બે કાંઠે વહેતી નદી. બાપુની કથા સમાજના દરેક વર્ગને તૃપ્ત કરે છે. આ કથામાં સૌ પ્રકારનાં લોકો માટે બધા પ્રકારનું ભાથું પ્રાપ્ત થાય છે. બાપુએ કથાના માધ્યમથી કલા, સાહિત્ય, સમાજ, માનવતા, બંધુતા વગેરેને કોટી કોટી અક્ષત કંકુએ પોંખ્યાં છે. બાપુ માણસપ્રેમી છે, ઈશ્ર્વરપ્રેમી છે, સંસ્કૃતિપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી છે. સમાજના વિવિધ વર્ગોને ગૌરવ અને સન્માન અર્પતી અનેક વિવિધ પ્રકારની કથાઓ બાપુએ કરી છે અને હવે તેમાં એક નવું છોગું ઉમેરાયું છે. સુરત ખાતેથી બાપુએ રાષ્ટ્રને ગૌરવ બક્ષતી ‘રાષ્ટ્રકથા’નો પ્રારંભ કરીને ભારતમાતાના વીર શહીદોના ચરણોમાં એ કથા સમર્પિત કરી. ૧૯૯૩થી અત્યાર સુધીમાં બાપુએ કરેલી વિવિધ કથાઓમાં જલ, થલ અને વાયુ મુખ્ય હતી. હવે સેનાની ત્રણે પાંખના અને અન્ય શહીદ વીરો માટે બાપુએ બીજી ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી કથા યોજીને તેમને મદદરૂપ બનવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
હૈયું ભરાઈ જાય અને સલામ થઈ જાય તેવો ‘રાષ્ટ્રકથા’નો નવતર વિચાર લઈ શહીદના પરિવારને મદદ કરવા માટે મા‚તીવીર જવાન ટ્રસ્ટ દ્વારા ૨૫૧ કરોડ રૂપિયા એકત્રિત કરવાનો બાપુએ લક્ષ્યાંક રાખ્યો હતો અને દાતાઓએ તેમને ખોબલે ખોબલે આપ્યું પણ ખરું. આ દાનમાંથી શહીદ સૈનિકોના પરિવારજનોને ૨ લાખ ૫૧ હજાર રૂપિયા અને સન્માન અર્પણ કરાયા હતા.
પ્રથમ વખત કથામાં રાષ્ટ્રધ્વજ ફરક્યો, રાષ્ટ્રગાન થયું અને રામકથાનો પ્રારંભ થયો. આ કથામાં અનેક વીર શહીદોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા તથા પરમવીર ચક્ર વિજેતા બાનીસિંગ, સૂબેદાર રાજિન્દરસિંગ, પૂર્વ મેજર જનરલ જી.ડી. બક્ષી, બિટ્ટાસિંગ, કમાન્ડર ઉદય ભાસ્કર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિ સાથે રામભક્તિ પીરસતી પૂ. મોરારીબાપુની રામકથાના પ્રારંભે સરથાણા જકાતનાકા અનંતફાર્મથી બપોરે ૧ કલાકે ૧૦૧ કળશ સાથે પોથીયાત્રા નીકળી હતી. યાત્રાના માર્ગ પર સોસાયટીઓમાં રંગોળીઓ કરાઈ હતી. પુષ્પવર્ષા સાથે યાત્રીઓનું સ્વાગત કરાયું હતું. ઘોડેસવારો સાથે આઠ બગીઓમાં શહીદોના પરિવારોને બેસાડાયા હતા. કથાસ્થળ કર્ણભૂમિ પાર્ટી પ્લોટ પર પહોંચતાં શહીદના પરિવાજનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.
પ્રથમ વખત શહીદો માટે સમર્પિત એવી મોરારી બાપુની આ ૮૦૨મી રામકથા ‘રાષ્ટ્રકથા’નો નવતર વિચાર વિશ્ર્વભરમાં પ્રસિદ્ધિ પામ્યો અને બાપુને નતમસ્તકે કોટી કોટી વંદન થયાં...
મોરારી બાપુની પ્રારંભ વાણી...
 
કદંગદ બિચારી મન માહી, ધન્ય જટાયુ સમ કોઉ નાહી
રામકાજ કારન તનુ ત્યાગી, હરિ ગયઉ પરમ બડભાગી
અર્થાત્ : અંગદે મનમાં વિચાર કરીને કહ્યું કે જટાયુ સમાન ધન્ય કોઈ નથી. રામના કાર્ય માટે શરીર છોડીને એ પરમ ભાગ્યશાળી ભગવાનના ધામ જતું રહ્યું.
આ કથાને એટલે નામ આપું છું માનસ શહીદ. વિશ્ર્વનો પહેલો શહીદ રામાયણનો જટાયુ છે. આપણી પરંપરામાં પહેલા શહીદ તરીકે તેને બૌદ્ધિકોએ પણ સ્વીકાર્યું છે. ભગવાનની કથાના પ્રસંગો લઈ ક્રિષ્કિંધાકાંડની બે પંક્તિ કથામાં બીજીવાર લઈ રહ્યો છુ. પંજાબમાં માનસ જટાયુ કથા કરી હતી. તેમાં આ પંક્તિઓનો ઉપયોગ કર્યો હતો. અત્યાર સુધી જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને હવે નવું સૂત્ર આપું છું જય ઈમાન. આ શબ્દો સાથે પૂ. મોરારીબાપુએ શનિવારે સુરતની રામકથાનો પ્રારંભ કર્યો હતો. તેમણે વ્યાસપીઠ પરથી શહીદ સૈનિકોને સલામી આપી હતી.
પૂજ્ય બાપુએ કહ્યું કે, હું વિચારતો હતો કે કથામાં વિષય કયો લેવો. વિચારતા રામકથામાં કોણે કોણે શહીદી લીધી તેનો વિચાર કર્યો. આથી આ કથાને માનસ શહીદ નામ આપું છું. ગુજરાતી ભાષા સરસ છે. આથી કથા આપણે ગુજરાતીમાં જ રાખીએ. જેને ન સમજાય તે ગુજરાતી શીખે. કથામાં બાપુએ હાલમાં વધેલી બદીઓની સામે નવું સૂત્ર આપતાં કહ્યું કે જય જવાન, જય કિસાન લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યું. અટલ બિહારી બાજપેયીએ જય વિજ્ઞાન સૂત્ર આપ્યું. હવે હું નવું સૂત્ર જય ઈમાન આપું છું. આજે ઈમાનદારીની કમી છે. વિજ્ઞાનમાં પણ ઈમાન હોવું જોઈએ, ઈમાનદારી માટે પ્રાણ આપો. દરેક ક્ષેત્રમાં ઈમાનદારીની જરૂર છે. રાજકીય બલિદાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય રાજ્ય માટે શહીદ થયા. પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ તાશ્કંદ મંત્રણામાં પ્રાણ આપ્યા હતા. આ શહીદી રાષ્ટ્ર માટે હતી.
સૈનિક અને પ્રજાનો સંબંધ
 
શહીદ સાથે રાષ્ટ્રની પ્રજાએ કેવો સંબંધ રાખવો જોઈએ તેના સંકેતો રામ ચરિત માનસમાં છે. રાષ્ટ્રના સંતાનો છે અને આપણા રક્ષણહાર છે, તે અર્થમાં તે બાપ છે. દેશનો સૈનિક આપણો બાપ પણ છે અને મિત્ર પણ છે. તેની સાથે આપણે પ્રીતિનો સંબંધ પણ રાખી શકીએ.
ત્રણ કથાઓ
૧૯૯૩ : જળસેના - માનસ સેતુબંધ, બાપુએ રામેશ્ર્વરના સેતુબંધ પાસે જહાજમાં કથા કરી હતી.
૧૯૯૪ : વાયુસેના - માનસ પુષ્પક રામકથા, બાપુએ પુષ્પક વિમાનમાં કથા કરી. કથા વાયુસેનાને સમર્પિત કરી શકાય.
૨૦૧૧ : થલસેના - માનસ ૭૦૦, કૈલાસ માનસરોવરની કથાને સિયાચીનમાં તૈનાત થલસેનાના સૈનિકોને સમર્પિત કરી.
 
મોરારીબાપુની ૮૦૧મી કથા વ્રજચોરાસીમાં પરિક્રમા પર હતી. તો ૮૦૦મી કથા માણસ મસાણ કાશીમાં હતી. ૭૯૯મી કથા જૂનાગઢમાં માનસ નગરમાં હતી. તો ૭૯૮મી કથા વિંધ્યાચલમાં માનસ શ્રીદેવીના ધ્યેયથી કરી હતી. આથી સુરતની કથા શહીદોની સ્મૃતિમાં થઈ રહી હોવાથી રાષ્ટ્રકથા નામ અપાયું છે.
જટાયુએ રામના માટે શહીદી વહોરી. એક સાધુ પૂછે છે કે જટાયુ, આંખો તો ખોલો. જટાયુ કહે મારા રામ આવે છે. અંતિમ સમયે રાવણ આવી જાય તો દેખાય નહીં માટે આંખો મીંચી છે. રામને જોઈ મૃત્યુને આધીન થવું છે. મુખમાં ગંગાજળ નથી નાંખી શકવાનો પણ રામના ચરણની ગંગાનું પાન કરવું છે. જટાયુના જેવી ગતિ કોઈની નથી. સીધો હરિધામ ગયો હતો.
બાપુની એક ચિઠ્ઠી પર વડાપ્રધાન પદ જતું કરી દીધું એને સરદારની શહીદી જ કે’વાય મારા બાપ
 
મોરારીબાપુએ કહ્યું હતું કે શહીદી એક નહીં અનેક પ્રકારની હોય છે. બાપુની એક ચિઠ્ઠી પર પોતાને મળનારું વડાપ્રધાન પદ જતું કરી દીધું એ સરદારની એક પ્રકારની શહીદી જ કેવાય મારા મારા બાપ. જીવ આપવો એ પણ શહીદી છે અને પોતાની ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષાને છોડીને કોઈના આદેશને સર આંખો પર ચડાવી લેવો એય શહીદી જ છે.
આજે સંતાનો માટે ઘણાં મા-બાપ પોતાનું બધું જતું કરી દે છે. આને પણ શહીદી ગણી શકાય. ઢગલાબંધ કામ વચ્ચે, પોતાના શેઠના, બોસના ને ઉપરી અધિકારીના મહેણાંટોણા સાંભળીને પણ ઘરે આવીને બધા વચ્ચે હસતાં-હસતાં રહેવા માંડવું એ પણ શહીદી જ છે. મોરારીબાપુએ કહ્યું હતું કે આ રામકથા સરહદે બેઠેલા સેનાના જવાનો પણ સાંભળે છે. એવી મને ખબર પડી. આ મારા માટે આનંદની વાત છે. કોઈના માટે કામ થતું હોય અને એ તેને ખબર પડે તો એક રાજીપો થાય. આ રાજીપો અત્યારે તો આપણા બધા વચ્ચે થાય છે. જવાનો ખુશ છે કે તેમને આપણે યાદ કરીએ છીએ અને આપણે ખુશ છીએ કે તેઓ આપણા માટે જાગતા બેઠા છે.
રામકથાની રત્નકણિકા
 
- યુદ્ધપુરુષ શાંતિરસમાંથી જન્મે છે.
- યોદ્ધા કઠોર હોય, પરંતુ ક્રૂર ન હોય.
- લાઓત્સે કહે છે સૌનિક યોદ્ધો હોય, પરંતુ યુદ્ધખોર નથી.
- ભારતીય સેનાનો મહામંત્ર જયહિંદ છે.
- વાણી અને સંયમ જીત્યા તેણે દુનિયા જીતી.
- ભિક્ષાનું અન્ન ગ્રહણ કરનાર ઉપવાસી છે.
- રામ યુદ્ધપુરુષ નથી, પરંતુ બુદ્ધપુરુષ છે.
- મારો કૃષ્ણ યુદ્ધપુરુષ નહીં, બુદ્ધપુરુષ છે.
- મારા પરશુરામ, કબીર આ બધા બુદ્ધપુરુષ છે.
- સમાજના શરીર પર ગૂમડાં થાય ત્યારે ઓપરેશન કરવાં પડે.
- ગાંધીબાપુની બધામાં નકલ ન કરાય. તેઓ અપવાદ છે.
- રામના બે બાપ એક જટાયુ અને એક દશરથ. બંનેને તાત કહ્યા છે.
- બધું ભૂલવા નથી આવ્યા. સ્મરણ કરવા આવ્યા છીએ.
- મનની ગાંઠ ગુરુ કાઢે, ધનની ઇન્કમટેક્સ.
 
સમાજને ડરાવવા ઘણા મંગાકાકા કાળો ધાબળો ઓઢે છે
 
મોરારી બાપુએ કહ્યું હતું કે સમાજમાં એવા ઘણા મંગા કાકા છે જે કાળો ધાબળો ઓઢી ડરાવી રહ્યા છે. જરૂર છે એ કાળો ધાબળો દૂર કરનારા ગુરુની. આ વાતને વિગતે વર્ણવતાં તેમણે એક સંતની પુસ્તિકાનો ઉલ્લેખ કર્યો હતો, જે પુસ્તિકામાં એક પ્રસંગનું વર્ણન છે. તેમાં એક મહોલ્લાનાં બાળકો મંગા કાકા સાથે રમે, તોફાન કરે, મંગા કાકા પણ બાળકોને ચોકલેટ આપે, રાજી રાખે. બાળકો સાથે રમે. એમાં એક દિવસ બન્યું કે મંગા કાકા કાળો ધાબળો ઓઢીને આવ્યા. રીંછ આવ્યું હોય તે રીતે તે મહોલ્લામાં ઘૂમ્યા, બાળકો ડરી ગયા. એ સમયે એક બાળકના દાદા દૂર બેઠા બેઠા આ દૃશ્ય જોઈ રહ્યા હતા. બાળકો ડરના માર્યા થરથર કાંપતા હતા, ત્યારે દાદા હસતા હતા. એ જોઈ બાળકોને થોડો ગુસ્સો આવ્યો, પછી બન્યું એવું કે દાદાએ મંગા કાકા ઉપરથી કાળો ધાબળો ખેંચીને દૂર કર્યો. એ સાથે જ બાળકોએ જોયું કે આ તો આપણા મંગા કાકા છે. જેવો ધાબળો દૂર થયો અને મંગા કાકાને જોયા કે તુરંત બાળકો તેમની સાથે રમવા માંડ્યા હતા.
કથાનો બોધ : વાત માત્ર એટલી જ છે કે સમાજમાં આવા મંગા કાકા કાળા ધાબળા ઓઢીને ડરાવવા તો આવશે જ. જરૂર છે દાદા‚પી ગુરુની, જે આવા ધાબળા દૂર કરી તમને ડરમાંથી મુક્ત કરાવે.
આપણે નથી ઇચ્છતા છતાં યુદ્ધ લાદી દેવાય તો લડવું જ પડે. જેના ચિત્તમાં લોભ છે, તેને દેખાતું નથી. આથી યુદ્ધ કરવું પડે છે. સરહદે ફરતી ટુકડી પાછી આવે ત્યારે તેમાં એક ઓછો થાય તો સાથીઓને કેવું લાગતું હશે ? તેની લાશ લઈ જતી વખતે તેમના મનમાં પણ યુદ્ધ ચાલતું હશે, પરંતુ આ અનિવાર્યતા છે. માટે કહું છું, કોઈપણ શહીદ થાય ત્યારે તેના પરિવાર પાસે ભેગા બેસજો.

રામકથામાં વેધશાળાનો વાવાઝોડાની ચેતવણીનો સંદેશો આવતાં બાપુએ કહ્યું મારો રામ પહેલો આવે કે વાવાઝોડું !

સૈનિકો ગોળીઓના વરસાદમાં જીવે છે, અહીં તો પાણી છે
કથામાં મોરારીબાપુને વેધશાળાનો સંદેશો પહોંચાડાયો. આ વાંચી તેમણે કહ્યું કે મારા સૈનિકો સરહદ પર ગોળીઓના વરસાદમાં બારેમાસ જીવે છે. જ્યારે અહીં તો વરસાદનું જ પાણી છે. આ તો મૌસમ છે, ગમે તે ક્ષણે બદલાય. તમને અહીં દુ:ખી થવા નથી બોલાવ્યા અને કોરા રહેવા પણ નથી બોલાવ્યા. ભીના થવા બોલાવ્યા છે. કોઈએ કોરા રહેવાનું જ નથી. જોઈએ વરસાદ પહેલો આવે કે મારો રામ. આવો આવો એકલધામ... આવો આવો મુશળધાર.. હું તો બધાને ભીંજવવા જ બેઠો છું.
પાકિસ્તાન હવે યુદ્ધનું સાહસ કરશે તો તેના ચાર ટુકડા થશે : જી.ડી. બક્ષી
 
રક્ષા વિશેષજ્ઞ અને રિટાયર્ડ મેજર જનરલ જી. ડી. બક્ષીએ રામકથામાં કહ્યું હતું કે, વિશ્ર્વની સૌથી જૂની સંસ્કૃતિને ખતમ કરવા મંદિરોનો નાશ કરાયો. હજારો મહિલાઓ પર અત્યાચારો કરાયા. દેશના ઉત્થાનની નવી લહેરનો પ્રારંભ ગુરુ ગોવિંદસિંહે કર્યો હતો. સેનાના શહીદો માટેની આવી મદદ માત્ર ગુજરાત કરી શકે છે. આઝાદી બાદ પણ ભારતને તોડવાના પ્રયત્નો કરાયા. તેમાં બાંગ્લાદેશ યુદ્ધ તો એક ટ્રેલર હતું. પાકિસ્તાન હવે યુદ્ધનું સાહસ કરશે તો તેના ચાર ટુકડા થશે.
લાખો લોકો આ દેશના નિર્માણમાં લાગ્યા છે : ઉદય ભાસ્કર (એર કમોડોર)
 
૧૦ વર્ષ પહેલાં નિવૃત્ત થયો. મારા જેવા લાખો લોકો ભારત માટે રાષ્ટ્રનિર્માણમાં લાગ્યા છે. આપણે સૌ ભગવાન રામની ખિસકોલી જેવા છીએ. ખિસકોલી ભલે નાની હતી, પરંતુ રામજીનું કાર્ય કરતી હતી. મારા જેવા લાખો લોકો આ દેશના નિર્માણમાં લાગેલા છે. સુરતની આ પહેલ અગત્યની છે. સુરતના જેવી પહેલ સમગ્ર દેશમાં થવી જોઈએ. પૂર્વસૈનિકો કે તેમના પરિવારને લાગવું ન જોઈએ કે તેઓ એકલા છે.
રામકથામાં શહીદો માટે ૩ મોટાં દાન, લવજી બાદશાહે ૫ કરોડ અર્પણ કર્યા
 
રામકથાના એક જ દિવસમાં પંદર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ફાળો એકઠો થયો હતો. મોરારીબાપુએ રામકથા દરમ્યાન ૨૫૧ કરોડ રૂપિયા એકઠા કરવાની નેમ રાખી હતી, જે આંકડો સ્વાભાવિક રીતે અશક્ય લાગતો હતો, પણ મોરારીબાપુએ હંમેશા અણધાર્યાં કામો કર્યાં છે એટલે એ રીતે આશાવાદ પણ અકબંધ હતો. રામકથાના બીજા દિવસે નાનુભાઈ સાવલિયાના દીકરા હિરેન સાવલિયા અને અન્ય સાથી મિત્રો દ્વારા શહીદો માટે બનાવવામાં આવેલા મારૂતિ વીર જવાન ટ્રસ્ટને પાંચ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. તો સુરતના જ જાણીતા ક્ધસ્ટ્રક્શન ગ્રુપના અગ્રણી લવજી બાદશાહે પણ પાંચ કરોડ રૂપિયાનો ચેક બાપુને અર્પણ કર્યો હતો. હરેકૃષ્ણ એક્સપોર્ટ્સના રત્નકલાકારો દ્વારા એક કરોડ ત્રણ લાખ ‚પિયા ભેગા કરવામાં આવતાં હરેકૃષ્ણ એક્સપોર્ટ્સના સવજીભાઈ ધોળકિયાએ પોતાનો સહયોગ ઉમેરીને ૩ કરોડ ૧૧ લાખ ‚પિયાનો ચેક બાપુએ આપ્યો હતો. આ ઉપરાંત ત્યાં અન્ય લોકો દ્વારા પણ બે કરોડથી વધુની રકમ ટ્રસ્ટના ખાતામાં આવી હતી, જે બધાનો સરવાળો પંદર કરોડથી વધુ થવા જાય છે. આમ ગઈકાલે એક દિવસમાં મોરારીબાપુની રામકથામાં પંદર કરોડ રૂપિયાથી વધુ રકમ એકઠી થઈ હતી.