આસપાસ : શબરીમાલા મંદિર : પ્રભુ અયપ્પાનું નિવાસસ્થાન
SadhanaWeekly.com       | ૨૩-ડિસેમ્બર-૨૦૧૭
 
 
શબરીમાલા મંદિર પ્રભુ અયપ્પા (ધર્મષષ્ઠ)નું નિવાસસ્થાન માનવામાં આવે છે. આ વિશ્ર્વવિખ્યાત મંદિરનાં મહિમાનાં જેટલાં ગુણગાન કરવામાં આવે તેટલાં ઓછાં છે. આ મંદિર કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. કહેવાય છે કે મક્કા મદિના બાદ આ વિશ્ર્વનું બીજા નંબરનું સૌથી મોટું મંદિર છે, ત્યાં દર વર્ષે કરોડો તીર્થયાત્રીઓ દર્શન માટે આવે છે. વર્ષના આંકડાઓ પર નજર નાખતાં જાણ થાય છે કે, નવેમ્બરથી જાન્યુઆરી મહિના વચ્ચે જ પાંચ કરોડ તીર્થયાત્રીઓ આ મંદિરમાં ભગવાન અયપ્પાનાં દર્શન કરે છે. ભગવાન અયપ્પાનું આ ધામ કેરલ અને તામિલનાડુની સરહદ પર પશ્ચિમ ઘાટની પહાડી પર આવેલું છે. આ મંદિરને દક્ષિણ ભારતના પ્રમુખ તીર્થસ્થળનો દરજ્જો મળેલો છે. પૂળકવનના નામે પ્રસિદ્ધ ૧૮ ડુંગરની વચ્ચે સ્થિત આ પવિત્ર ધામ ચારે બાજુથી ગીચ વન અને નાના મોટા ડુંગરોથી ઘેરાયેલું છે. કહેવાય છે કે મહર્ષિ પરશુરામે શબરીમાલા પર ભગવાન અયપ્પાની સાધના કરવા માટે તેમની મૂર્તિ સ્થાપિત કરી હતી.
પ્રભુ અયપ્પાને ભગવાન શિવ અને વિષ્ણુનો પુત્ર માનવામાં આવે છે. દંતકથા મુજબ ભગવાન વિષ્ણુના મોહિની અવતારમાં તેમના રૂપ પર ભોલેનાથ મોહિત થઈ ગયા હતા. તેમની જ લીલાથી ભગવાન અયપ્પાનો જન્મ થયો. જેમની વિદ્વત્તા અને પરાક્રમ અદ્વિતીય માનવામાં આવે છે. મંડલ પૂજા (૧૫ નવેમ્બર) અને મકરાવિલક્કુ (૧૪ જાન્યુઆરી) આ શબરીમાલાના પ્રમુખ ઉત્સવ છે. મલયાલમ પંચાંગ (મહિના)ના પહેલા પાંચ દિવસો અને વિશુ મહિના (એપ્રિલ મહિનો)માં જ આ મંદિરનાં દ્વાર ખોલવામાં આવે છે, તે સિવાય આખું વર્ષ મંદિરનાં દ્વાર બંધ જ રહે છે. ઉત્સવો દરમિયાન ભક્તો ઘીથી પ્રભુ અયપ્પાની મૂર્તિનો અભિષેક કરે છે. આનો ઉદ્દેશ્ય પરમાત્મા જોડે જીવાત્માના મેળાપનો છે. અહીં આવનારા શ્રદ્ધાળુઓને ‘સ્વામી તત્ત્વમસી’ના નામથી સંબોધિત કરવામાં આવે છે. આ સંબોધનનો અર્થ સંસ્કૃત વાક્ય (સૂક્ત) અહં બ્રહ્માસ્મિ જોડે બહુ મળતો આવે છે. અર્થાત્ અહીં આવનારા ભક્ત પોતાને ભગવાનનું અભિન્ન અંગ માને છે. શબરીમાળાની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પૂજા છે ‘મકરાવિલક’. આ પૂજાના અંતમાં ભક્તો ડુંગરની ટોચ પર આસમાનમાં ફેલાયેલી પવિત્ર જ્યોતિ મકરજ્યોતિનાં દર્શન કરે છે. અહીં આવનારા ભક્તોએ કેટલીક મહત્ત્વની વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જેમ કે મંડલ પૂજાના સમયે ૪૧ દિવસ સુધી અલગ અલગ પ્રકારની પરેજી પાળવી પડે છે. શ્રદ્ધાળુઓએ તામસિક પ્રવૃત્તિઓ અને માંસાહારથી બચવું પડે છે. અહીં આવનારા તીર્થયાત્રી મોટાભાગે એક ટોળાંના રૂપે આવે છે જેમનું નેતૃત્વ એક ખાસ વ્યક્તિ કરે છે. આ ખાસ વ્યક્તિના હાથમાં કપડાંની એક પોટલી હોય છે. જેને ઈરામુડી કેટ્ટૂ કહેવામાં આવે છે. બીજાં હિંદુ મંદિરોથી બિલકુલ અલગ અહીં બધી જાતિના શ્રદ્ધાળુઓ આવી શકે છે. પણ ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓ માટે અહીં પ્રવેશ નિષેધ છે. આટલું જ નહીં, આ મંદિર પાસે એક એવું સ્થાન છે જ્યાં તત્કાલીન મુસ્લિમ ધર્માનુયાયી વવર (વાવરઉંડા)ને સમર્પિત છે, જે પ્રભુ અયપ્પાના સહયોગી મનાતા હતા. આ મંદિરની આ એક ખાસ વિશેષતાને કારણે આ મંદિર જુદા જુદા ધર્માનુયાયીઓની વચ્ચે આસ્થાનું કેન્દ્ર બનેલું છે.