ધર્મકથા : રાજા ચક્રવેણ - રાજધર્મના ચક્રવર્તી સમ્રાટ
SadhanaWeekly.com       | ૨૩-ડિસેમ્બર-૨૦૧૭
 
 
એક સમયે ચક્રવેણ નામનો એક રાજા હતો. તે ખૂબ ધર્માત્મા, સત્યવાદી, સ્વાવલંબી, દૃઢનિશ્ર્ચયી, ત્યાગી, વૈરાગ્યવાન, જ્ઞાની, ભક્ત, તેજસ્વી અને ઉચ્ચ કોટિનો અનુભવી પુરુષ હતો. તે રાજ્યના ધનને દોષવાળું સમજીને તેને પોતાના કે પોતાની પત્નીના કામમાં લેતો ન હતો. પ્રજાની પાસેથી જે કંઈ કર લેવામાં આવતો હતો તે બધો જ પ્રજાની સેવામાં વાપરવામાં આવતો હતો. ચક્રવેણ રાજ્યનું કાર્ય નિરભિમાનપણે નિષ્કાળ ભાવથી તનમનથી કરતો હતો. પ્રજા પર તેનો બહુ પ્રભાવ હતો. રામરાજ્યની પેઠે તેના રાજ્યમાં કોઈ દુ:ખી ન હતું.
ચક્રવેણ તથા તેની પત્ની શરીરના નિર્વાહ માટે બળદ અને હળથી ખેતી કરતાં હતાં. તેમના ખેતરમાં તે જરૂરી અન્ન પકવતાં હતાં. પોતે કરેલી ખેતીની ઊપજથી કેવળ સાદાઈથી ખાવા-પહેરવાનું કામ ચાલી શકતું હતું. તેની પત્ની પાસે કંઈ ઘરેણાં ન હતાં. તેનું જીવન એક સાદાસીધા ખેડૂત જેવું હતું. સૂવાના છ કલાક બાદ કરતાં તેનો બધો સમય તેના રાજ્યની પ્રજાની સેવામાં, પરોપકાર તથા ઈશ્ર્વરભક્તિમાં પસાર થતો. સર્વ જીવો પ્રત્યે તેનામાં સમતા, દયા અને પ્રેમનો ભાવ હતો. તે સર્વ જીવોને પોતાના (પરમાત્માનાં) સ્વરૂપ સમજીને સર્વની નિષ્કામ પ્રેમભાવથી સેવા કરતો હતો. તે કોઈ પણ નોકર-ચાકર રાખતો નહીં કે રાજ્યના માણસો, નોકરો વગેરે પાસે પોતાનાં કામ કરાવતો નહીં. તે પોતાના રાજધર્મનું આસક્તિ અને અહંકાર વિના ખૂબ ઉત્સાહ અને ધૈર્યથી પાલન કરતો હતો.
એક વાર તેના રાજ્યમાં મોટો મેળો ભરાયો. તેમાં દૂરદૂરનાં ગામો અને શહેરનાં લોકો પણ પુષ્કળ સંખ્યામાં એકઠા થયા. એક દિવસ ખૂબ ઘરેણાં પહેરેલી ધનવાન વેપારીઓની સ્ત્રીઓ પોતાની દાસીઓ સાથે રાણીનાં દર્શન કરવા આવી. તે સ્ત્રીઓએ કહ્યું, ‘રાણીજી ! આપના જેવાં વસ્ત્રો તો અમારી મજૂરણો પણ પહેરતી નથી. આપ અમારી દાસીઓને તો જુઓ ! તેમણે કેવાં સુંદર વસ્ત્રાભૂષણો પહેરેલાં છે ? જેમ આ સ્ત્રીઓ અમારી દાસીઓ છે તેમ અમે પણ તમારી દાસીઓ છીએ. આપને આવી સ્થિતિમાં જોતાં અમને દુ:ખ થાય છે. અમે આપને એક સમ્રાટની મહારાણીનાં જેવાં વસ્ત્રાભૂષણો પહેરેલા રૂપમાં જોવા ઇચ્છીએ છીએ. આપ રાજાને વસ્ત્રાભૂષણો મંગાવવાનું કહો.’ આ પ્રમાણે રાણીનાં દર્શન કરવા આવેલી સ્ત્રીઓ તેમનો પ્રભાવ પાડીને ચાલી ગઈ. રાણીના ચિત્ત પર તેમની વાતોની અસર થઈ.
સાંજે રાજા પોતાનો રાજધર્મ બજાવી ઘેર આવ્યા. રાણીએ બધી ઘટના કહી સંભળાવી અને વેપારીઓની સ્ત્રીઓએ જે કંઈ કહ્યું હતું તે પ્રમાણે કીમતી વસ્ત્રો અને આભૂષણોની વ્યવસ્થા કરવા જણાવ્યું. ‘હું આપ જેવા સમ્રાટની પત્ની છું. મારી શોભા એ આપની શોભા છે.’ રાજાએ ઉત્તર આપ્યો, ‘હું કેવી રીતે મંગાવી દઉં ! રાજ્યના પૈસાનો સ્પર્શ પણ હું કરતો નથી, તો તેને ઉપયોગમાં તો લઉં જ કેવી રીતે ? અત્યારે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. જો હું તમારા કહ્યા પ્રમાણે કરું તો મારી બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય અને સંસાર તથા સમાજમાં આપણો રાજધર્મ અધર્મના માર્ગે વળે.’ રાજાનાં આ વચન સાંભળવા છતાં રાણીએ સ્ત્રીહઠ પકડી. રાણી ખૂબ ઉચ્ચકોટિના તથા પવિત્ર પિતાની પુત્રી હતાં પણ તેમનામાં આ કુબુદ્ધિ જોતાં રાજાથી રહેવાયું નહીં. પત્નીના પ્રેમથી પ્રેરાઈને રાજાએ વિચાર કર્યો કે ‘ભલે રાણી ગમે તેટલો આગ્રહ કરે પણ હું મારા રાજધર્મથી વિચલિત થઈશ નહીં. પરંતુ હું સમ્રાટ છું. દુષ્ટ, અત્યાચારી અને બળવાન રાજાઓ પાસેથી કર લઈ શકું છું.’ આ પ્રમાણે વિચાર કરી તેણે દૂર દેશનાં રાજ્યો તથા ખંડિયા રાજ્યો સાથેનો વહીવટ ચલાવનાર પ્રધાનને બોલાવ્યો અને કહ્યું, ‘મંત્રી ! આપ રાક્ષસોના રાજા રાવણની પાસે જાઓ અને કહો કે હું રાજા ચક્રવેણ પાસેથી આવ્યો છું. તેમણે મને આપની પાસેથી કર રૂપે સવા મણ સોનું લેવા માટે મોકલ્યો છે.’
સમ્રાટની આજ્ઞા મળતાં મંત્રી કેટલાક પુરુષોની સાથે રથમાં બેસી સમુદ્રકિનારે પહોંચ્યા. ત્યાંથી નાવ વડે લંકામાં પ્રવેશ કર્યો. તેમણે રાવણને સમ્રાટ ચક્રવેણનો સંદેશો સંભળાવ્યો. આ સંદેશો સાંભળતાં જ રાવણ હસ્યો. તેણે સભાસદોને કહ્યું, ‘જુઓ, હજી પણ સંસારમાં આવા મૂર્ખ રાજાઓ છે. ઋષિઓ, દેવતાઓ, રાક્ષસો વગેરે સર્વેની પાસેથી કર લેનારા મારા જેવા બળવાન સમ્રાટ પાસેથી કરની આશા રાખે છે.’ તેણે રાજા ચક્રવેણના દૂતને કેદ કરવાનો વિચાર કર્યો, પરંતુ સભાસદોએ અભિમાની રાવણને સમજાવી અધર્મ કરતો અટકાવ્યો અને સભાસદોએ ચક્રવેણના મંત્રી-દૂતને છોડી દીધો.
રાવણની રાણી મંદોદરીને જાણ થતાં તેનું દુ:ખ પ્રકટ કરતાં રાવણને કહ્યું, ‘સ્વામી ! આપે ઘણું જ ખરાબ કર્યું. રાજા ચક્રવેણને હું જાણું છું. તે એક સત્યવાદી અને પોતાનો રાજધર્મ બજાવનાર ધર્માત્મા રાજા છે. તેમનું ચક્ર સમગ્ર સંસારમાં ચાલે છે. તેથી જે તેમની આજ્ઞાનું પાલન નથી કરતો તેનું અનિષ્ટ થઈ જાય છે. આપે તેમના દૂતને સંતુષ્ટ કરીને જ પાછો મોકલવો જોઈતો હતો. હજુ પણ આપ તેનો પત્તો મેળવી તેને સંતોષ આપો. નહીં તો કોણ જાણે આપણું કેટલુંયે અનિષ્ટ થઈ જશે.’
રાવણ બોલ્યો, ‘તું ખૂબ ડરપોક છે. જેની હું જરા પણ પરવા કરતો નથી તેનાથી તું આટલી બધી ડરે છે ?’ રાણીએ કહ્યું, ‘કાલ સવારમાં હું આપને ધર્માત્મા રાજા ચક્રવેણનો પ્રભાવ બતાવીશ.’ સવાર થતાં જ મંદોદરી અભિમાની રાવણને મહેલની અગાશીમાં લઈ ગઈ. ત્યાં તે રોજ કબૂતરોને ચણ નાખતી. ખૂબ જ કબૂતરો આવતાં. મંદોદરીએ દાણા ચણતાં પક્ષીઓને કહ્યું, ‘તમને રાજા રાવણની આણ છે. ખબરદાર, દાણા ન ચણશો.’ પરંતુ પક્ષીઓ તો દાણા ચણતાં જ રહે છે. રાવણે કહ્યું, ‘મૂર્ખી ! બિચારા આ પક્ષીઓ શું સમજી શકે ?’ આ સાંભળી મંદોદરી બોલી, ‘હવે આપ રાજા ચક્રવેણનો પ્રભાવ જુઓ.’ પછી તેણે પક્ષીઓને કહ્યું, ‘સાવધાન ! તમને રાજા ચક્રવેણની આણ છે. કોઈ દાણા ચણશો નહીં.’ આ સાંભળતાંની સાથે જ બધાં જ પક્ષીઓએ દાણા ચણવાનું બંધ કરી દીધું. તેમાં એક કબૂતર બહેરું હોવાથી કશું સાંભળી શકતું નહોતું. આથી તેણે દાણો ઉઠાવ્યો, પણ એટલામાં જ તેનું ગળું તૂટીને નીચે પડ્યું. રાવણે કહ્યું, ‘મંદોદરી ! આમાં તમારી કંઈક ચાલાકી અથવા માયા છે. નહીં તો આ પક્ષીઓ બિચારાં શું સમજે ?’ આ પ્રમાણે કહી રાણી મંદોદરીની વાત ઉડાવી દઈ રાવણ રાજસભામાં ચાલ્યો ગયો.
આ બાજુ રાજા ચક્રવેણનો મંત્રી સમુદ્રકિનારે બેસી કાળી ચીકણી માટીથી રાવણની લંકાની આબેહૂબ રચના કરે છે. રાવણની લંકાના પ્રવેશદ્વાર તથા અન્ય દીવાલો વગેરેની આબેહૂબ પ્રતિકૃતિ બનાવે છે. આ લંકાની પ્રતિકૃતિ અંગેની જાણ કરવા તે રાવણના દરબારમાં જાય છે. દૂતને જોઈ રાવણ ચોંકી ઊઠ્યો અને બોલ્યો, ‘કેમ, તમે પાછા શા માટે અહીં આવ્યા ?’ દૂતે કહ્યું, ‘હું આપને એક કૌતુક બતાવવા માગું છું. આપ મારી સાથે સમુદ્રતટ પર આવો.’ રાવણ ઉત્સુક થઈ સભાસદો સાથે દૂતની સાથે સમુદ્રતટ પર જાય છે.
મંત્રીએ રાવણને પૂછ્યું, ‘જુઓ, આ બરાબર આપની લંકાની નકલ છે ને ?’ રાવણે તેની અદ્ભુત કારીગરી જોઈને કહ્યું, ‘ઠીક છે, શું આ બતાવવા તેં અમને અહીં બોલાવ્યા હતા ?’ મંત્રીએ કહ્યું, ‘નહીં, નહીં. આ લંકા દ્વારા આપને હું એક કૌતુક બતાવવા માગું છું. જુઓ લંકાનો કોટ, દરવાજા, ઘુમ્મટ વગેરે જેવાં ને તેવાં બરાબર છે ને ?’ રાવણે કહ્યું, ‘દેખાય છે.’ મંત્રીએ કહ્યું, ‘મારી રચેલી લંકાના પૂર્વદ્વારના કોટને કહું છું કે રાજા ચક્રવેણની આણ દઈ નીચે પાડું છું. તેની સાથે જ આપની લંકાના પૂર્વદ્વારના કોટને નીચે પડતો જોશો.’ મંત્રીએ તેમ કર્યું. રાવણને પોતાની લંકાના પૂર્વ દરવાજાનો કોટ તૂટી પડતો દેખાયો. આ જોઈ રાવણને ખૂબ જ આશ્ર્ચર્ય થયું. મંત્રીએ આ પ્રમાણે રાવણે લંકાના કોટની ચારેબાજુની દીવાલો પડતી જોઈ. રાવણને મંદોદરીના પક્ષીઓના ચણ ચણવાની ઘટના યાદ આવી, મંત્રીએ કહ્યું, ‘જો આપ મારા સમ્રાટની આજ્ઞા નહીં માનો તો તેમને આપની સાથે યુદ્ધમાં ઊતરવું નહીં પડે પણ હું એકલો જ આપની લંકાનો નાશ કરી દઈશ.’ રાવણ ભયભીત થયો. જો આમ જ થશે તો અનર્થ થશે, તેમ વિચારી મંત્રીને સવા મણ સોનું આપી પોતે સમ્રાટ ચક્રવેણનો શરણાર્થી હોય તેવા ભાવથી દૂતને વિદાય આપી.
મંત્રીએ રાજ્યમાં પરત આવી સવામણ સોનું રાજા ચક્રવેણ તથા રાણી સમક્ષ હાજર કર્યું. રાજાએ સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો.
આ ઘટના સાંભળી રાણીને બહુ આશ્ર્ચર્ય થયું અને તેની ઉપર બહુ પ્રભાવ પડ્યો. રાણીએ રાજાને કહ્યું, ‘આપણે જાતમહેનતથી ખેતી કરીને જીવનનિર્વાહ કરીએ છીએ અને પ્રજાનું ધન પ્રજાના સેવાકાર્યમાં વાપરીએ છીએ તેનો આ પ્રભાવ છે. આપણા પોતાના કામ માટે રાજ્યના પૈસા વાપરવાનો વિચાર સુધ્ધાં પણ કરતાં નથી તેનો આ પ્રભાવ છે.’ રાણીનું દિલ બદલાઈ ગયું. રાણીએ કહ્યું, ‘સ્વામી, અત્યાર સુધી જે નિયમોથી ચાલતી આવી છું તે પ્રમાણે રહીશ. કુસંગથી મારી બુદ્ધિ, ત્યાગ અને વૈરાગ્ય વિચલિત થઈ ગયાં હતાં. મારા દુરાગ્રહ બદલ આપની ક્ષમા માગું છું. મારો અપરાધ માફ કરી આ સોનું પાછું મોકલાવી દો.’
રાજા ચક્રવેણ મંત્રીને આ સોનું પરત આપવા લંકાના રાજા રાવણના દરબારમાં મોકલે છે. આ જોઈ રાવણના હૃદયમાં રાજા ચક્રવેણના રાજધર્મની પ્રતીતિ થઈ. રાવણ, દૂત-મંત્રીનું રાજદરબારમાં બહુમાન કરે છે અને પ્રેમથી વિદાય આપે છે. રાવણે પણ મંત્રીને સંદેશો મોકલાવતાં કહ્યું, ‘હે દૂત ! તમારા રાજા ચક્રવેણને મારાં પ્રણામ કરજો. તેમના રાજધર્મ તથા પ્રજાનાં સેવાકાર્યોથી હું પ્રભાવિત થયો છું. આ સંસારમાં મારા જેવા અનેક રાજાઓમાં પણ આપ સદાયે પૂજાશો. ભવિષ્યમાં આપના જીવનમાંથી પ્રેરણા મેળવી અનેક રાજાઓ આ ભૂલોકમાં તેમના રાજ્યની પ્રજાની સેવા કરશે.’