પ્રેરણા : અનાથ-રખડુ બાળકોને શિક્ષિત કરીને હું શાળાકીય શિક્ષણમાંથી વંચિત રહ્યાનો રંજ દૂર કરું છું
SadhanaWeekly.com       | ૨૩-ડિસેમ્બર-૨૦૧૭
 
એક સમયના બાળશ્રમિકનું અ. ભા. વિદ્યાર્થી પરિષદ દ્વારા સન્માન
મને સમાજે અન્યાય કર્યો છે કે મને સરકારી સહાય હજી મળી નથી. મને શાળા / કૉલેજમાંથી પુસ્તકો મળ્યાં નહીં.
આવાં અનેક હાથવગાં વિધાનો આપણે નિષ્ફળ વિદ્યાર્થીઓના મોંઢે સાંભળતા હોઈએ જ છીએ, પરંતુ આવાં બધાં જ વિધાનો જેના જીવનમાં સત્ય ઠર્યાં છે એવા બેંગલુરુના ગોપીનાથના મોંઢે આ પોપટિયા વાક્યો ક્યારેય આવતસિં નથી. બાલ્યાવસ્થાથી આવી પડેલી અગણિત સામાજિક-આર્થિક આફતોને અવસરમાં પરિવર્તિત કરનારા આવા યુવા સમાજસેવી શ્રી ગોપીનાથને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા વર્ષ ૨૦૧૭ માટે પ્રો. યશવંતરાવ કેળકર યુવા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.
લગભગ ત્રણ દાયકા પૂર્વે કર્ણાટકના એક કરોડપતિ પરિવારમાં જન્મીને રોડપતિ બનેલા પરિવારમાં બાળપણ વિતાવનારા ગોપીનાથે બેંગલુરુની ઝૂંપડપટ્ટીઓ, ફૂટપાથ તથા અન્ય જાહેર સ્થળોએ રખડુ જીવન જીવતા અનેક બાળકોને જ્ઞાનગંગામાં સ્નાન કરાવીને નવજીવન આપ્યું છે. છેલ્લાં સાત વર્ષોમાં શ્રી ગોપીનાથે સ્થાપેલી ‘સ્પર્શ’ સંસ્થા દ્વારા ૨૫૦૦ જેટલા ઘર-પરિવાર વિહોણા, અનાથ બાળકોને સંસ્કાર, શિક્ષણ અને પોષણ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉત્કૃષ્ટ સમાજસેવાને સન્માનિત કરવા માટે એબીવીપી દ્વારા પ્રત્યેક વર્ષે અપાતો ગૌરવવંતો ‘યુવા પુરસ્કાર’ આ વર્ષે ગોપીનાથને ગત ૨ ડિસેમ્બરે રાંચીમાં અર્પણ કરવામાં આવ્યો.
પોતાના પિતાજીના કુસંગી જીવનને કારણે દરિદ્ર બની ગયેલા ગોપીનાથના પરિવારના સભ્યોને ખેતમજૂરી તથા ઘરકામ કરીને પેટનો ખાડો પૂરવાના દિવસો આવ્યા હતા. ૬-૭ વર્ષના ગોપીનાથને પણ બાળશ્રમિક બનીને પરિવારના સભ્યોને સહાય કરવી પડતી હતી, આથી તેને પ્રાથમિક શિક્ષણથી આંશિક રીતે વંચિત રહેવું પડ્યું હતું. પરંતુ શાળામાં જઈને અભ્યાસ કરવાનું તેનું સ્વપ્ન તેની અપરમાતાએ પૂર્ણ કર્યું ત્યારે તે પ્રમાણમાં મોટો થઈ ચૂક્યો હતો. પરંતુ મને ‘અન્યાય થયો છે’, ‘મને અન્યાય થયો છે’, ‘મને સહાયતા મળી નથી’ જેવાં રોદણાં રોવાને બદલે બાળશ્રમિક રહેલા ગોપીનાથે પરિશ્રમ કરીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ખજઠની અનુસ્નાતક ઉપાધિ પ્રથમ વર્ગ સાથે પ્રાપ્ત કરી.
ખજઠ બન્યા પછી અનેક કંપનીઓમાં મળતી તગડા પગારવાળી નોકરીઓને ઠુકરાવીને ગોપીનાથે સમાજસેવાનો માર્ગ અપનાવ્યો. એક સમયે બાળશ્રમિક રહેલા ગોપીનાથે એવા કપરા દિવસો અન્ય બાળકોને ન જોવા પડે તે માટે વર્ષ ૨૦૦૨માં એક સમાજસેવી સંસ્થાની રચના કરી. જઠઅઙ નામની આ સંસ્થા દ્વારા ગોપીનાથે વંચિત પરિવારોને બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગેની કામગીરીનો આરંભ કર્યો. લગભગ ૩ વર્ષ સુધી બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણ વિષયક સમસ્યાઓ વિશે કાર્ય કર્યા પછી ગોપીનાથે વંચિત પરિવારોના તેમજ નિરાધાર, અનાથ બાળકોની સમસ્યાઓના પડકારને પહોંચી વળવા માટે તથા આવાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૦૫માં ‘સ્પર્શ’ નામના ટ્રસ્ટની સ્થાપના કરી. આજે બેંગલુરુ તથા તેની આસપાસના વિસ્તારોમાં ચાલતા ‘સ્પર્શ’નાં ૮ કેન્દ્રોમાં અનાથ, નિરાધાર કે વંચિત પરિવારોના ૪૦૦ જેટલાં બાળકો શિક્ષણ અને પોષણ મેળવી રહ્યાં છે. આજે ‘સ્પર્શ’માં ૪૦ જેટલા યુવા સમાજસેવીઓ આ વંચિત બાળકોને નવજીવન પ્રદાન કરી રહ્યા છે. સમાજઋણ કેવી રીતે ફેડી શકાય તેનું શ્રેષ્ઠ દૃષ્ટાંત એક સમયના બાળશ્રમિક ગોપીનાથે પૂરું પાડ્યું છે. છેલ્લાં સાત વર્ષોમાં ‘સ્પર્શ’ દ્વારા ૨૫૦૦થી પણ વધુ વંચિત બાળકો લાભાન્વિત થયા છે.
વંચિત બાળકોના સર્વાંગી વિકાસ માટે ગોપીનાથના ‘સ્પર્શ’ ટ્રસ્ટ દ્વારા ‘નિસર્ગ ગ્રામ’ પ્રકલ્પ ચલાવવામાં આવે છે. ૫૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળા આ નિવાસી પ્રકલ્પમાં અત્યારે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથોસાથ કૌશલ્યવિકાસનું પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ગોપીનાથના પ્રયત્નોથી પરિવારથી વિવિધ કારણોથી વિખૂટા પડેલાં અનેક બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. અનેકવિધ બાળસમસ્યાઓ માટે ‘સ્પર્શ’ દ્વારા માર્ગદર્શન કાર્યક્રમો તથા સ્વાસ્થ્ય શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ‘અનાથાલયો ચલાવવાનો એકાધિકાર માત્ર અમારો જ છે’ એવી દંભી માનસિકતામાં રાચતી વિદેશી સહાયથી ચાલતી અનેક સંસ્થાઓ ગોપીનાથની ‘સ્પર્શ’ સંસ્થાની પ્રવૃત્તિઓથી ભારોભાર દુ:ખી છે. ભારતીય સંસ્કૃતિને અનુસરીને અનાથ તથા વંચિત બાળકોની સેવા કરનારા ગોપીનાથના માર્ગમાં શ્ર્વેત વસ્ત્રધારી ‘કથિત’ સેવાવ્રતીઓ અનેક અંતરાયો ઊભા કરતા રહે છે, પરંતુ ‘નરસેવા એ જ નારાયણ સેવા’એ સ્વામી વિવેકાનંદના સૂત્રને જીવનમંત્ર ગણનારા ગોપીનાથના ‘સ્પર્શ’ને વિદેશી તત્ત્વો સ્પર્શ કરી શકતા નથી એ જ ગોપીનાથની ઉત્કૃષ્ટ સમાજસેવાનું શ્રેષ્ઠ પ્રમાણ છે.
આવા સમાજસેવી તથા ‘પ્રો. યશવંતરાવ કેળકર યુવા પુરસ્કાર’ વિજેતા ગોપીનાથને હાર્દિક અભિનંદન.
* * *
(‘ઓર્ગેનાઈઝર’માં પ્રકાશિત લેખનો જગદીશ આણેરાવ દ્વારા ભાવાનુવાદ
એબીવીપી દ્વારા અપાતા ‘યુવા પુરસ્કાર’ વિશે થોડુંક...
 
વિશ્ર્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ - ટૂંકમાં એબીવીપીના વિકાસના શિલ્પી રહેલા પ્રા. યશવંતરાવ કેળકરની પુણ્યસ્મૃતિમાં અપાતા ‘યુવા પુરસ્કાર’નો આરંભ વર્ષ ૧૯૯૧થી થયો હતો. દેશમાં ચાલતું અન્ય એક પણ વિદ્યાર્થી સંગઠન આ પ્રકારના પુરસ્કાર આપતું નથી, તે દૃષ્ટિએ એબીવીપીનો આ વાર્ષિક ઉપક્રમ પ્રશંસનીય છે. પ્રા. યશંવતરાવ કેળકર યુવા પુરસ્કાર એબીવીપીના પ્રત્યેક વર્ષે યોજાતા રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રદાન કરવામાં આવે છે.
એબીવીપી અને ‘વિદ્યાર્થી નિધિ ટ્રસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે આ પુરસ્કાર સમાજસેવાના વિવિધ આયામોમાં કરેલી ઉત્તમ કામગીરી માટે યુવા સમાજસેવીને આપવામાં આવે છે. આવા યુવા સમાજસેવી દ્વારા થઈ રહેલી ઉત્કૃષ્ટ સમાજસેવાને બિરદાવવા તથા તે પ્રવૃત્તિઓ દ્વારા યુવા-વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુથી દેશભરમાંથી ચયન કરીને આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે.
આ વર્ષે દિ. ૩૦ નવે.થી ૩ ડિસે. સુધી રાંચીમાં યોજાયેલા એબીવીપીના રાષ્ટ્રીય અધિવેશનમાં દિ. ૨ ડિસેમ્બરના દિવસે શ્રી ગોપીનાથને વર્ષ ૨૦૧૭નો પ્રા. યશવંતરાવ કેળકર યુવા પુરસ્કાર અર્પણ થયો હતો.
 
કોણ છે શ્રી ગોપીનાથ ? 
  • સોનાની ખાણો માટે જગપ્રસિદ્ધ કર્ણાટકના કોલાર પાસેના એક ગામમાં શ્રીમંત પરિવારમાં જન્મેલા ગોપીનાથનું બાળપણ અત્યંત દુ:ખમય અને કષ્ટમય રહ્યું હતું.
  • અત્યંત વિશાળ પ્રમાણમાં ખેતી-જમીન ધરાવતા ગોપીનાથના દારૂડિયા પિતાએ દારૂના વ્યસનમાં બધી જ સંપત્તિ ગુમાવી દીધી તેથી એક વખતના જમીનદાર પરિવારના સભ્યોને ખેતમજૂરી કરીને પેટિયું રળવું પડતું હતું. ગોપીનાથને પણ બાળ શ્રમિક તરીકે કામ કરવું પડતું હતું.
  • ખેતર તથા લોકોના ઘરમાં શ્રમિક તરીકે કામ કરનારા ગોપીને પ્રાથમિક શાળામાં જઈને આરંભિક અભ્યાસ કરવાની તીવ્ર ઇચ્છા થતી પરંતુ તે ક્યારેય ફળિભૂત થઈ શકી નહીં.
  • ગોપીનાથની શાળાએ જવાની મહેચ્છા તેની અપર માતાએ ગામડાની એક સરકારી શાળામાં તેને પ્રવેશ અપાવીને પૂર્ણ કરી, ત્યારે તેનું વય ૧૦ વર્ષનું હતું.
  • શાળામાં પ્રવેશ મળ્યા પછી ગોપીએ પાછું વળીને જોયું નથી. બેંગલુરુ વિશ્ર્વવિદ્યાલયમાંથી ખજઠની પદવી પ્રાપ્ત કરીને ગોપીનાથે વંચિત, રખડુ અને ભાગેડુ ભૂલકાંઓને શિક્ષિત કરવાના ધ્યેય સાથે ‘સ્પર્શ’ નામના ટ્રસ્ટની સ્થાપના કરી જેના થકી અત્યાર સુધી હજારો વંચિત બાળકોને શિક્ષણ તથા સુરક્ષા પ્રાપ્ત થયાં છે.