વિચાર વૈભવ : ભગવદ્ગીતા- શાશ્ર્વતના સ્પર્શનું ગીત
SadhanaWeekly.com       | ૨૩-ડિસેમ્બર-૨૦૧૭
 
ભગવદ્ગીતા વિશે બોલવા નડિયાદ જવા નીકળ્યો છું. ગઈકાલે અર્જુનના એ પ્રશ્ર્નોને જગાડ્યા હતા, પણ સવાર સુધીમાં તો ધમનીઓમાં ગીતા જાગી ઊઠી, ગીતા પુસ્તક નહીં પણ ધમનીનો ધબકાર થઈ ગઈ છે. એક પુસ્તકનું આવું ભેટવું, આવી અભેદની સ્થિતિ સર્જવી એ પણ એક મજા છે.
સહેજ કાન માંડીને સાંભળીએ તો જણાય કેટકેટલા સ્તરે ગીતા સંભળાઈ છે, પહેલાં તો કૃષ્ણએ કહી અને અર્જુને સાંભળી. બીજા સ્તરે સંજયે રિપોર્ટિંગ કર્યું, ધૃતરાષ્ટ્રને... પછી આપણા કવિ વેદ વ્યાસે એને મહાભારતની કથામાં ગૂંથી. પછી તો એના અનુષ્ટુપનો અનુભવ અનંતને થયો, ભાષ્યો રચાવા લાગ્યાં. સાયણાચાર્ય અને શંકરાચાર્યની અર્થઘટનની પરંપરા આજ સુધી લંબાણી. ટિળકે કર્મતિલક કર્યું. બધા સંપ્રદાયોએ પોતાના મતસમર્થનમાં વ્યંજનાને વિસ્તારી. અરવિંદ, એમર્સન. ઓશો રજનીશ અને દાદા આઠવલેએ જીવનની એક આહલેકથી અમૃત પીરસ્યું તો સ્વામીજીઓ ખાસ કરીને ચિન્મયાનંદજી અને સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાની વાણી-વારિણીથી જગતને ભીંજવી નાંખ્યું.
આજે એકવીસમી સદીના પહેલા દાયકાને વટાવીને આપણે ઊભા છીએ ત્યારે નવી દૃષ્ટિએ ગીતા વાંચવી છે. ગીતાનો રિંગટોન આધુનિકતાનો છે. પ્રારંભમાં જે ‘મૂકં કરોતિ વાચાલં અને પંગું લંઘયતે ગિરિ’ની ઉદ્ઘોષણા છે તે કોઈ સ્પીચ થેરાપિસ્ટ કૃષ્ણ કે ની-રીપ્લેસમેન્ટની વાત નથી પણ આપણી બે મોટી ક્રાંતિઓનો સંકેત છે. ‘મૂકં કરોતિ’ તે ધાતુની પતરીઓ (ચીપ્સ)ના એકીકરણથી થયેલી કમ્યુનિકેશન (મોબાઈલ) ક્રાંતિ અને ઉડ્ડયનની અજબ અનુભૂતિની લાગણીરેખા ‘પંગું લંઘયતે ગિરિ’માં પડઘાયી છે. હું ગીતાને ૨૧મી સદીના અર્જુનના પ્રતિનિધિ તરીકે વાંચું છું અને વાંચવી પણ છે, નવી રીતે અર્થાવવો છે એના શાશ્ર્વત-સ્પર્શને...
ગીતાનું પ્રવેશદ્વાર મને ગમે છે, કારણ કે આપણા યુગની જાણે કે વિટંબણા વિશે બોલે છે. ગીતા પ્રારંભાય છે વિષાદયોગથી, અર્જુન જેવો એક સમર્થ વ્યક્તિ ભારે સ્ટ્રેસમાં છે.’ શું કરવું-ના કરવુંની સમસ્યા છે. આ અર્જુન આપણો પ્રતિઘોષ છે.
અર્જુન આપણી ભાષામાં વાત કરે છે, સ્થિતપ્રજ્ઞના મહાપ્રકરણમાં આ મહાયોદ્ધો પૂછે છે કે ‘હે કેશવ, સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય, કેવું બોલે, ચાલે, બેસે ?’ આ પ્રશ્ર્નો આપણા પ્રશ્ર્નો છે. ગીતા જેમ વ્યક્તિના આંતરને ઉપરતળે કરી શકવાના પોલાદી અને પેચીદા પ્રશ્ર્નોત્તરની પરશાળ છે તેમ બાહ્મજીવનમાં યુદ્ધ જેવી વિભીષિકાની પાર્શ્ર્વભૂમાં સામાજિક નિસ્બત અને વૈશ્ર્વિક-કલ્યાણ-સંદર્ભે એક અખંડ-દર્શન રૂપે નિર્દેશાય છે. આપણા કવિ અનિલ જોશી સાથેની વાતચીતમાં ઉલ્લખાયેલ મરાઠી કવિ ફક્રુશીંદેની એક પંક્તિ યાદ આવે છે. ‘આપને તો કોલાહલભરી લોખંડની દુકાનમાં બેઠા છીએ, પણ નિરાશ થવાની જરૂર નથી, વાગ્દેવીની વીણાનો તાર અહીંથી જ આપણને મળશે.’ જે મેદાનમાં ગીતા કહેવાય છે તે મેદાનનો કોલાહલ મારે માટે બહુમૂલ્ય છે, મને આજેય ઊંડી આંખોવાળા ભીષ્મ, બાષ્પીભૂત થતી વિદ્યાના પ્રતિનિધિ જેવા દ્રોણની દાઢીમાં તોફાને ચઢેલો ખુલ્લા મેદાનનો પવન ગમે છે. સદા પ્રશ્ર્નાળુ પણ માયાળુ અર્જુનની ખેંચાયેલી પ્રત્યંચામાં સંતાયેલી યુગોથી સચવાયેલી પડેલી મનુષ્યની બુદ્ધિ અને કુરુક્ષેત્રના આકાશને કાળું કરીને ફેલાતા અને ફસાતા જતા વાદળદળ જેવી મહત્ત્વાકાંક્ષાના કાળાંડિબાંગ વાળ. મને કુરુક્ષેત્રના વિઝ્યુલાઈઝેશનમાં ભારે મજા આવે છે. કારણ ગીતાના શબ્દો આજેય જ્યાં જ્યાં બોલાય છે ત્યાં ત્યાં આ કુરુક્ષેત્ર મારા મનમાં ઊભું થાય છે. આ ગીતા બીજા યુદ્ધોત્તર ડહાપણ ગ્રંથો અને વ્યવસ્થાપન વિજ્ઞાનના વિચારવિગ્રહો અને વચન વિસ્તારો કરતાં જુદી છે. આ યુદ્ધ પહેલાં અને યુદ્ધના મેદાનમાં કહેવાયેલી સંવાદસાંકળ છે. જગતના બે મહાપુરુષોએ એક મહાયુદ્ધ-પહેલાંની ક્ષણોમાં છેડેલા વિષયો છે. આ ગીતાની આધુનિક અપીલને, વિચારવમળો અને વર્તનવર્તુળોને એકવીસમી સદીના કર્મ-ક્ષેત્રે ઉતારવા, અનુભવવા અને પેલા કૃષ્ણસન્નિધિના આનંદને પામવાનો મારો જીવનશ્રમ રહ્યો છે.. ગીતામાં જે અખંડનો અનુભવ છે તે તેનું ‘કન્વર્ઝન્સ’ છે. અહીં ભક્તિની રાગિણી છે. તો કર્મની સુગંધ છે. જ્ઞાનનો અગાધ-આકાશી સ્પર્શ છે, તો વિશ્ર્વ-નાગરિકની સજ્જતાનું એક ઝીણું સંગીત વહ્યા કરે છે. ગીતા મોબાઈલ ટેક્નોલોજીનો પૂર્વાવતાર છે, ગીતા એક એવું સીમકાર્ડ છે જે અસીમ સાથે જોડે છે.
* * *
(‘ગ્રંથનો પંથ’ એ શ્રેણીમાં નડિયાદની ઐતિહાસિક ડાહીલક્ષ્મી લાઇબ્રેરીમાં આપેલા પ્રવચનનો એક અંશ...)