કોંગ્રેસ, બસપાના શાસનમાં દલિતો પર થયેલાં અત્યાચારોની હૃદયદ્રાવક દાસ્તાન
SadhanaWeekly.com       | ૦૬-ડિસેમ્બર-૨૦૧૭
 
 
ગુજરાતમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ ગુજરાતમાં કહેવાતા માનવઅધિકારવાદીઓ અને અન્ય લોકોએ ઘણા રોટલા શેક્યા. દલિતો પર થયેલા અત્યાચાર બેશક અત્યંત નિંદનીય છે, પણ દલિતોના અત્યાચારના નામે આંદોલનો ચલાવતા અને હાહાકાર મચાવતા લોકોએ એ જાણવું જ રહ્યું કે સમગ્ર દેશમાં આના કરતાં પણ અરેરાટી ઉપજાવે તેવા અનેક અત્યાચારો દલિતો પર થાય છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતને ટાર્ગેટ કરતાં પહેલાં એ ઈતિહાસ પણ તપાસી લેવો જરૂરી છે કે ભાજપનું શાસન નથી તેવા કોંગ્રેસ, જેડીયુ, બસપા જેવા પક્ષોના શાસનમાં હૃદય હચમચી ઉઠે તેવા અત્યાચારો દલિતો પર થયા છે. દલિત અત્યાચારો અંગે ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ આંદોલન કરતાં આંદોલનકારીઓને અન્ય સ્થાનોના અત્યાચારો કેમ દેખાતા નથી ? જે સરકારના ખોળે બેસી આ આંદોલનો ચલાવે છે તે જ સરકારના શાસનમાં અન્ય રાજ્યોમાં ઘૃણાજનક બનાવો બન્યા છે.
 
દેશના દલિત અત્યાચારના ઇતિહાસમાં દલિત નરસંહારની સૌથી મોટી ઘટના બિહારમાં ૧લી ડિસેમ્બર, ૧૯૯૭માં બની. એ વખતે બિહારમાં રાજદનું રાજ હતું અને મુખ્યમંત્રી તરીકે રાબડી દેવી હતી. એ દિવસે બિહારના જહાનાબાદ જિલ્લાના લક્ષ્મણપુર બાથે ગામે રણવીરસેનાના સભ્યોએ અચાનક હુમલો કરી આખેઆખી દલિત વસતીને ખેદાનમેદાન કરી નાખી. મહિલા તથા પુરુષોને ઘરની બહાર કાઢી લાઇનબંધ ઊભાં રાખી ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યાં. મરનારમાં ૨૭ મહિલાઓ જેમાં દસ મહિલાઓ ગર્ભવતી હતી અને ૧૦ બાળકો પણ હતાં. અનેક પરિવારોમાં લાશોના અંતિમ સંસ્કાર કરનારું પણ કોઈ જ બચ્યું ન હતું. લાશોને ટ્રકોમાં ભરી સ્મશાને લઈ જવામાં આવી હતી.
 
આવો જ નરસંહાર બિહારના ભોજપુર જિલ્લાના બથાનીટોલા ગામે થયો હતો, જેમાં ૨૧ દલિતોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. નીતિશ, લાલુ અને કોંગ્રેસની મહાગઠબંધનની સરકારના સમયગાળામાં બિહારના મુજફ્ફરપુરમાં બાઈક ચોરીના આરોપ હેઠળ બે દલિત યુવકોને બર્બરતાપૂર્વક માર મારવામાં આવ્યો. તેમના મોં પર પેશાબ કરી તેમને પીવા માટે મજબૂર કરવામાં આવ્યા.
 
આ જ સમયગાળામાં બિહારના પશ્ર્ચિમ ચંપારણ્ય જિલ્લામાં નરકોટિયાગંજમાં દલિત યુવતીનું બંદૂકના નાળચે અપહરણ અને બળાત્કારની ઘટના બની. જે.ડી.યુ., આર.જે.ડી.ના શાસનમાં ૩૦ જુલાઈ, ૨૦૧૬ના રોજ બિહારનાં જ દરભંગામાં દલિત મહિલાને ઘરમાંથી ઢસડી બહાર કાઢવામાં આવી સરેઆમ નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારવામાં આવ્યો. ઑગસ્ટ, ૨૦૧૬માં રાજધાની પટણામાં પોસ્ટમેટ્રિક સ્કોલરશીપમાં કાપણીનો વિરોધ કરી રહેલા દલિત છાત્રો પર બિહાર મહાગઠબંધન સરકારે લાઠીઓ વીંઝાવી જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા.
 
હરિયાણાના નેશનલ કોંગ્રેસના શાસનમાં ૨૦૧૧નો એ ગોઝારો દિવસ કૂતરા કરડવાની સામાન્ય ઘટનાને લઈ દલિતોના આખા મહોલ્લાને બાળી ખેદાન-મેદાન કરી નાખવામાં આવ્યો હતો, જેમાં એક દિવ્યાંગ યુવતી અને તેના વૃદ્ધ પિતાને જીવતાં જ બાળી મૂકવામાં આવ્યાં હતાં. દલિતોમાં એ ઘટનાથી એટલી હદે ભય વ્યાપી ગયો હતો કે, મહિનાઓ સુધી મિર્ચપુર સામે જોવાની હિમ્મત પણ નહોતાં કરી શક્યાં. ૨૦૧૪માં હરિયાણાના જ હિસાર જિલ્લામાં ભાંગણા ગામે દબંગ સમુદાયના પાંચ યુવકોએ ચાર દલિત યુવતીઓનું અપહરણ કરી તેમની સાથે દુષ્કર્મ કર્યું. ૨૦૦૫માં અહીંના ગોહનામાં દલિતોનાં ૫૦ ધરો સળગાવી દેવામાં આવ્યાં હતાં. ૨૦૦૨માં અહીંના કલી ગામે ગૌહત્યાના આરોપ હેઠળ ૫ દલિતોની નિર્મમ હત્યા કરી કરવામાં આવી હતી.
 
ઉત્તર પ્રદેશમાં બ.સ.પા.ના. દલિત નેતા માયાવતીજીના શાસનકાળમાં દલિત અત્યાચારના મુદ્દે પ્રથમ નંબરે આવી ગયું હતું. ૨૦૦૯માં ઉત્તર પ્રદેશમાં સમગ્ર દેશમાં ૩૩૪૦૦ જેટલા દલિત અત્યાચારોની ઘટનાઓ બની હતી. આમાંની ૨૨ ટકા તો માત્ર ઉત્તરપ્રદેશમાં જ ઘટી હતી. ૨૦૦૯થી ૨૦૧૩ સુધી સમગ્ર દેશમાં દલિત અત્યાચારની ૧૭૩૦૦૦ જેટલી ઘટનાઓ બની હતી એ વખતે કેન્દ્રમાં કોંગ્રેસની જ સરકાર હતી.
 
હકીકત સ્વીકારવી રહી કે ઊના કાંડ બાદ ગુજરાતમાં દલિતોના મુદ્દે આરોપીઓની ધરપકડ કરવા મુદ્દે હોય કે પીડિતોને સહાયનો તમામ ક્ષેત્રે સંવેદિનશીલતા જોવા મળી છે. અહીંનો આ સમાજ પોતાના પર થયેલ કોઈ અત્યાચારની ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં નિર્વિરોધ આંદોલન ચલાવી શકે છે એ અન્ય રાજ્યોની સરખામણીએ કોઈ બિનદલિત જાતિ તેનો વિરોધ કરતી નથી કે નથી તેની સામે સંઘર્ષમાં ઊતરતી. શું આ ગુજરાતની સંવેદનશીલતા નથી? માત્ર દલિતોની જ વાત નથી. કોઈપણ માનવી પર દેશના કોઈપણ ખૂણે અત્યાચાર થાય તો તેને વખોડવો જ રહ્યો અને ગુન્હેગારોને સજા કરવી જ રહી પરંતુ આવી ઘટનાઓના નામે રાજકારણ રમનારા લોકોને ઓળખીને તેમને ખુલ્લા પાડવા એ પણ માનવતાનું એક કામ છે. ગુજરાતની જનતા આ ચૂંટણીમાં આવાં મહોરાં પહેરેલા ચહેરાઓને ઓળખે અને પોતાની રીતે તેનો જવાબ આપે.
૨૦૧૪માં હિસાર જિલ્લામાં ભાંગણા ગામે દબંગ સમુદાયના પાંચ યુવકોએ ચાર દલિત યુવતીઓનું અપહરણ કરી તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું. તે વખતે તેના વિરોધમાં હજારો લોકો અને મહિલાઓ રોડ પર ઊતરી આવ્યા હતા.