તંત્રી સ્થાનેથી : ગુજરાતમાં ભાજપનો વર્તમાન અને ભવિષ્ય ઉજળા છે
SadhanaWeekly.com       | ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ ફૂંકાયો છે. પાર્ટીઓ સ્પર્ધા કરે, શાસક પક્ષ-વિપક્ષ સ્પર્ધા કરે પરંતુ અહીં તો નરેન્દ્ર મોદી V/s રાહુલ ગાંધી હોય તેવું વાતાવરણ ભાજપ દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. ભાજપાની ૨૨ વર્ષના શાસનની, એકાદ-બે વર્ષ ભાડૂઆતની જેમ ખુરશીના દાવેદારો ૧૯૯૫-૨૦૦૦માં આવ્યા તે બાદ કરતા, સિદ્ધિઓ અનેક-અનેરી અને સંતોષપ્રદ છતાં આ વ્યૂહરચના ચૂંટણીમાં જતા દરેક રાજ્યમાં લાગુ પડે તેનું કારણ વડાપ્રધાનનો શાસનનો અનુભવ, વકતૃત્વ, પ્રગતિ, મુત્સદ્દીગીરી, નીડર શાસક તરીકે છાપ, લોકપ્રિયતા, રાજ્ય અને હવે તો રાષ્ટ્રના વિકાસ અંગેનું વિઝન, છેલ્લા ૩ વર્ષમાં ભારતના દરેક અગત્યના ક્ષેત્રે વૈશ્ર્વિક માપદંડ ઊંચો લાવવા માટેની જહેમત તથા તેના સુખદ પરિણામો, ભારતીયોને ગર્વ થાય તેવું ભારતનું વિશ્ર્વમાં માન, સ્થાન અને અનેક અગત્યના સમૂહોમાં તેની ભાગીદારી વગેરેનો સરવાળો કરીએ તો રાહુલ ગાંધી સાથે સંપૂર્ણ ગાંધી-નહેરુ કુટુંબ પણ મુકીએ તો તુલનામાં નવા પરિપ્રેક્ષ્યમાં મોદીનું પલ્લુ ભારે છે. આપાતકાળના કારણે બાંગ્લાદેશની સ્થાપનામાં ઇંદિરાજીએ ભજવેલ પ્રશંસનીય ભૂમિકાનું ધોવાણ થયું છે તે નોંધવું રહ્યું. ૧૨૫ વર્ષ જુની પાર્ટીમાં રાહુલને અધ્યક્ષ બનાવાય તો પણ મોદી-રાહુલની તુલના અસંભવ હોવાથી બીજેપીને આ વ્યૂહરચનાનો ફાયદો થશે તે નિર્વિવાદ સત્ય છે.
છેલ્લી પાંચ ચૂંટણીઓમાં ભાજપાને ૧૧૫-૧૨૧ સીટ મળી છે. જ્યારે કોંગ્રેસને ૪૫-૬૦. ૨૦૧૨માં ભાજપાને ૪૭.૮૫% મત જ્યારે કોંગ્રેસને ૩૮.૯૩%. દરેક ચૂંટણીમાં પડકારો હતા જ. આંતરિક વિખવાદ, આતંકવાદનો ઘેરો, કાર સેવકોના મૃત્યુ, મોતના સોદાગર તરીકે દોષારોપણ, ઢૂંઢીયા રાક્ષસ અને આપખૂદ શાસક તરીકેનું ચિતરામણ, જ્ઞાતિ-જાતિના સમીકરણોમાં ત્રીજા વિકલ્પ તરીકે કમર કસી માથું ઊંચુ કરતી પાર્ટી વિગેરે છતાં ચૂંટણીમાં ભાજપા પાર્ટીની સાથે મતદારોએ આ પડકાર ઝીલી લઈને ભાજપા-નરેન્દ્ર મોદીને જ્વલંત સફળતા અપાવી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તો આ લોકપ્રિયતાની પરાકાષ્ઠા. આગવી ચૂંટણી સંદર્ભે ૧૨% વધુ વોટ, અને કુલ વોટના ૩૧% વોટ ભાજપાને આપી, બધી જ ૨૬ સીટના લોકપ્રતિનિધિ ભાજપાના જ ઉમેદવાર. કોંગ્રેસનું વોટ પ્રમાણ વર્ષોવર્ષ ઘટતું જાય છે. ૨૨ વર્ષથી શાસનમાં ન હોય તેને આમ પણ રાજગાદી પર બેસાડે તેટલી ભોળી ગુજરાતી પ્રજા ખરી ?
સુશાસિત ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં જીડીપીનો ગ્રોથ રેટ ૧૦% ની આસપાસ રહ્યો છે. જ્યારે કોંગ્રેસના રાજ્ય કે કેન્દ્રમાં શાસન દરમ્યાન કૌભાંડના આંકડા કોમનવેલ્થ ગેમ્સ, કોલગેટ, હોવીત્ઝર વિગેરે અનેક ગેરરીતિઓ જોતાં જ પ્રજાએ તેમને દિલ્હીની ગાદી પરથી ખસેડ્યા શબ્દ અયોગ્ય, તગેડી મુક્યા. (૨૧૬માંથી માત્ર ૪૪ સીટ). ગુજરાતની પ્રગતિ માત્ર આંકડામાં સમાઈ જાય તેટલી નહી નક્કર ખરાઈ, વાસ્તવિકતા, રસ્તા, પાણી, વીજળી, ગટર, બાગ-બગીચા, એરપોર્ટ માત્ર નહીં, લોકોત્ત્સવો, મેળાવડાઓ, માત્ર આનંદ-પ્રમોદ નિમિત્તે નહીં તો જ્ઞાન-વિજ્ઞાન ઉપાર્જન અર્થેય ખેડૂત, વિદ્યાર્થી, મહિલા સૌને સ્પર્શે અને એક આગવી છાપ ધારણ કરે તેવાં આયોજનો. વાઈબ્રન્ટ ગુજરાતમાં જાણે ગુજરાત નાનો દેશ હોય તેવી છાપ ઉપજે. અનેક દેશની ભાગીદારી, ત્યાંના પ્રમુખ/ઉપપ્રમુખ/પ્રધાનમંત્રી તેમના વૈજ્ઞાનિક ઉદ્યોજકો વ્યાપારી કાફલા સાથે આવીને બે પ્રજાઓ વચ્ચે ટેક્નોલોજી - નાણાંની આપ-લેથી પ્રગતિ કેમ સધાય તેના પર ચર્ચા વિચારણ કરે. ફળસ્વરૂપે ચીન, જાપાન, સાઉથ કોરિયા, અમેરિકા, જર્મની, સિંગાપોર, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા વિગેરે અનેક દેશોના પ્રતિનિધિઓ આવ્યા. દેશમાં એફડીઆઈની બાબતમાં ગુજરાત પાંચમા નંબરે દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બેંગ્લોર જ આગળ. છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ ગણો વધારો.
ઉદ્યોગોની પ્રાણશક્તિ એટલે વીજળી. કૃષિ ઉદ્યોગને ય ધમધમતો કરવો હોય તો વીજળીનો પ્રવાહ સતત વહેવો જોઈએ. સૂર્યશક્તિમાંથી વીજળી ઉત્પન્ન કરવામાંય ગુજરાત પહેલું. ૮ માસથી વધુ ઉપલબ્ધ સૂર્યઊર્જાનો મહત્તમ ઉપયોગ વીજળી ક્ષેત્રે થાય એટલે ભારતનું વિદેશી હૂંડીયામણ અબજો ડૉલર બચે, જેનું નેતૃત્વ ગુજરાતે જ પૂરું પાડ્યું. ક્લાઈમેટ ચેન્જના કારણે અકાળે પડતા દુકાળમાં કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પશુઓની હીજરત કે પીવાના પાણીનાય ટેન્કર-ટ્રેઈન દોડાવવા પડે તે હવે નર્મદા યોજનાની સિદ્ધિ પછી અદ્રશ્ય. વરસાદની સીઝનમાં જળાશયો છલકાય તે સામાન્ય પરંતુ ભર ઉનાળેય તેમાં પૂરતું પાણી રહે તે નર્મદાની કમાલ.
સરકાર તો હવે નદીઓનેય ઇન્ટીગ્રેટ કરી, દેશને સુજલામ્-સુફલામ્ કરવાની તૈયારીઓમાં છે, છતાંય રાજનૈતિક પાર્ટીઓ કે ખાસ વર્ગના લોકો, ગુજરાતને જ્ઞાતિ-જાતિ-ધર્મ-સંપ્રદાય-પંથમાં વિભાજીત કરી શક્ય હોય તો રાજકીય રોટલા શેકવા કમર કસે છે. અભણ કે ભણેલાને યોગ્યતા પ્રમાણે કામ મળવું જ જોઈએ. ભણવાની યોગ્યતા ધરાવનારને પૂરતી તક મળવી જોઈએ તે ય સુનિશ્ર્ચિત કરવાનું કામ શાસન-પ્રશાસનનું. સાથે જ વંચિતોનેય મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ સરકારનું. આમ સૌ નાગરિકોને સમાન તકો મળે તેવી કાયદાકીય જોગવાઈ કરવાની જવાબદારીય વિધાનસભા, લોકસભા, રાજ્યસભાના શિરે છે. ગ્રામ્ય વિસ્તારોને સુસજ્જ કરવા તથા ત્યાંના નાગરિકોનેય પૂરતી શિક્ષણ-સ્વાસ્થ્ય અને રોજગારીની તકો મળે તેનું આયોજન એ વિકાસશીલ દેશનો સૌથી મોટો પડકાર હોય. તેમાં ખાસ જ્ઞાતિ-જાતિ, સંખ્યાબળે કે આર્થિક રીતે સક્ષમ ન હોય તો તેમની માગણીઓ શાસન સમક્ષ લાવે તે તો જ્વલંત-ધબકતી લોકશાહીની આદર્શ વ્યવસ્થા જ કહેવાય. વાટાઘાટનો માર્ગ, પૂરક માહિતી દ્વારા શાસન-પ્રશાસનનું માગણીઓ બાબતે સંવેદનશીલતા તથા તેનો સુખદ ઉકેલ હોય તો જ સર્વાંગી વિકાસ થઈ શકે જેની ધબકતી લોકશાહીમાં, સંવેદનશીલ શાસકો હોય ત્યાં ઉજળી તકો હોય. અસ્પૃશ્યતાના માનસ કેન્સરની સંપૂર્ણ નાબુદી અને દારૂની બદી માનવજીવનમાંથી હટાવવી એ સામાજિક પ્રકલ્પો લઈને ભેખધારીની જેમ સુધારણા અર્થે કાર્યરત યુવાનોનું સમાજ અભિવાદન કરે જ. શાસન-પ્રશાસનની પણ તેમની માગણીઓ યોગ્ય સંદર્ભોમાં સંતોષવાની અને કાયદો-વ્યવસ્થા સંદર્ભે. હૈયાધારણ આપવી તે ય સાહસિક ફરજ, પરંતુ બેકાબુ આંદોલનો અને ‘કહીં પે નિગાહે કહીં પે નિશાના’ સ્થિતિ થાય તો સામાજિક પ્રકલ્પો તથા તેના ગર્ભમાં રહેલ ઉત્તમ વિચારોનો હ્રાસ થાય છે. તક સાધુ રાજકીય નેતાઓ તેમને ગેરમાર્ગે ય દોરે. ગુજરાતનું યુવાધન અને જે તે સમાજો વાસ્તવિક મુશ્કેલીઓ દૂર કરવા, અયોગ્ય માર્ગ ન અપનાવે તો સરકારે સહમત થવું જ પડે. તે લોકો દ્વારા જ ચૂંટાયેલી છે અને ‘સેવા’ અર્થે જ હોય. ‘શાસન’ ઓછું ‘સેવા’ વધુ માત્ર વાતમાં નહી, વ્યવહારમાં ય ઝળહળે. અન્યથા સમગ્ર દેશનું મીડિયા, કેટલાક વિદેશી મીડિયા અને ભારતની પ્રગતિની ઉજળી તકો જોતા તથા તેમાં સહભાગી બનવા મથતા નિવેષકો, ગુજરાતના પરિણામો અને ‘મોદી’ સ્વીકૃતિ કે ભાજપા શાસનના પુનરાવર્તન માટે ટાંપીને બેઠા છે. વૈશ્ર્વિક સર્વેક્ષણ સંસ્થા પ્યુ રીસર્ચના મતે વડાપ્રધાનની લોક ચાહના અકબંધ છે. વોટીંગ મશીનોમાંથી પણ તે અકબંધ નીકળે તેવી સંભાવના અનેક ન્યૂઝ ચેનલ તથા અન્ય સંસ્થાઓએ કરી છે.
આમ છતાં વાણી સ્વાતંત્ર્યના બખ્તર નીચે, છેલ્લા છ માસમાં, વિકૃત મનોદશાનું વરવું, નિમ્નકક્ષાનું પ્રદર્શન, સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતમાં થયું છે. જે નથી તેના સંસ્કારને શોભ્યું, નથી અસ્મિતાને. અભદ્ર ભાષા, અક્ષમ્ય ઉપહાસ, અજુગતી સંવેદનાઓ ઉભય પક્ષે કે સર્વ પક્ષે ઉભરાઈ છે માત્ર દુર્ગંધ પ્રસારવા. આ કસમયના પ્રસવમાંથી ગુજરાત બહાર આવે તો લોકશાહીની ઢબે, રાજ્યના ભવિષ્ય અંગેના મુદ્દાઓ ચર્ચી, સ્વસ્થ લોકમાનસ કેળવી, સાચું ‘મતદાન’ થાય અને શાસકો ચૂંટવામાં પરિપક્વતા આવે.
ભાજપા શાસિત કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં અનેક ક્ષેત્રે સુધારણા તે લાવવાની ગતિ, નોટબંધી દ્વારા ડિઝિટાઈઝેશન અને કાળા-નાણાંના વ્યવહારમાંથી મુક્તિ, એક રાષ્ટ્ર-એક કર અન્વયે જીએસટીનું અમલીકરણ તથા લોકમાગણી ધ્યાને લઈ તેમાં સુધારા, નિર્ણાયક અને મજબૂત વ્યવસ્થાઓએ આંતરરાષ્ટ્રીય શાખમાં ખૂબ વધારો કર્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ૨૦૧૭, ઑક્ટોબરના રીપોર્ટ પ્રમાણે મ્યાનમારને બાદ કરતાં, સમગ્ર સાર્ક તથા એશિયન દેશોમાં ભારત ગ્રોથ બાબતે અગ્રેસર છે. જીએસટી તથા એનપીએ અંગેના નવા કાયદાકીય પ્રાવધાનોના કારણે આ વર્ષે ૭.૫% તથા આવતા વર્ષથી ૮-૧૦% વિકાસની સંભાવનાઓ છે. ૨૦૧૬માં માથાદીઠ આવક ૧૪૪૦ ડૉલર હતી તે વધીને ૧૫૯૧ અમેરિકી ડૉલર થઈ છે. સરકારી નીતિઓના કારણે ખાનગી વપરાશ ખર્ચા જે ૨૦૧૬માં ૧.૩ ટ્રિલિયન ડૉલર છે તે ૨૦૨૨માં ૨ ટ્રિલિયન ડૉલર થશે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક, મોંઘવારી સૂચકઆંક ૪% રહેશે તેમ જણાવે છે. નિકાસમાં ૪.૭%નો ગત વર્ષ કરતા વધારો અને વાણિજ્ય ખાદ્યમાં ૧૧%નો ઘટાડો, એફડીઆઈ દ્વારા આ જ વર્ષમાં ૬૦ બિલિયન ડૉલરનો લક્ષ્યાંક પાર, વિગેરે બધી જ સિદ્ધિઓ પારદર્શક્તા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, ત્વરિત નિર્ણયો, લોકભોગ્ય નીતિઓ વિગેરેને આભારી છે. આંતરરાષ્ટ્રીય એજન્સી મૂડીઝ દ્વારા ભારતનું અપગ્રેડેસન ‘Baa2‘ થવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાંથી ઓછા વ્યાજે નાણાંની ઉપલબ્ધી, કેપિટલ માર્કેટમાં વધુ સંસ્થાઓ/દેશોનું રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ સેન્ટીમેન્ટ્સમાં સુધારો શક્ય થશે. ગુજરાતના પરિણામોની પણ તેના પર અસર પડે છે.
પ્રતિસ્પર્ધી પાર્ટીઓએ પણ વ્યૂહરચનાના ભાગરૂપે કે આંતરિક વિખવાદ ટાળવા, સોશિયલ મીડિયાની ગભરામણમાં કે યુવા નેતાઓના બેફામ વાણીવિલાસમાં, શાસકીય નિર્ણયોની સમય અવધિના ફેરફારમાં કે આયાતી ઉમેદવારો (યુવાઓ) દ્વારા અકબંધ મતોની ગણતરીમાં, છેલ્લા દિવસ સુધી ઉમેદવારોના નામ ઘોષિત કર્યા નથી જેનો વિશ્ર્લેષકો તથા બજારો દ્વારા વિશ્ર્વાસના અભાવમાં ખપાવાઈ છે. મતદારો પર પણ આની સીધી અસર થાય અને અનિર્ણાયક મતદારો ગેરમાર્ગે ન દોરાય તેવા આયોજનો જ મતદાનને વિજયમાં પરિવર્તિત કરી શકે.
ગુજરાત અને દેશના મતદારોનો મૂડ જોતાં ગુજરાતમાં ભાજપાના વર્તમાન અને ભવિષ્ય ઉજળાં જ છે. લોકસંગ્રહ નિમિત્તે કરેલ શાસનનું સત્યકથન અને વિશ્ર્વાસપૂર્વકની રજૂઆત દ્વારા, અનિર્ણિત મતદાર પણ બુથમાં જઈને બાય ડિફોલ્ટ કમળ પર જ બટન દબાવશે આવું અનેક ઉદ્યોજકો, વ્યાપારીઓ, ખેડૂતો અને અન્ય નાગરિકોનો ‘મત’ છે, એટલે ભાજપાની જીત નક્કી છે.