જ્યારે સોનિયા ગાંધીએ દલિત નેતાને પદભ્રષ્ટ કર્યા
SadhanaWeekly.com       | ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
૧૯૯૧માં કોંગ્રેસને ૨૩૨ બેઠકો લોકસભામાં મળી હતી, પણ ૧૯૯૬માં કોંગ્રેસને માત્ર ૧૪૦ બેઠકો મળી ત્યારે સોનિયા ગાંધીએ નરસિંહરાવની બૂરી દશા કરી નાખી હતી.
 
૧૯૯૮માં લોકસભાની ચૂંટણી જાહેર થઈ. આ ચૂંટણી વખતે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સીતારામ કેસરી હતા. સીતારામ કેસરી રાજકારણમાં કસાયેલા દલિત નેતા હતા. તેમણે જીવનભર કોંગ્રેસમાં રહી પક્ષની સેવા કરી હતી. કોંગ્રેસ માટે તેઓ એટલા સમર્પિત નેતા હતા કે તેમણે એકવાર જાહેરમાં કહી નાખેલું કે, ‘ઇન્દિરા-કોંગ્રેસ માટે મારી ચામડીનાં જૂતાં બનાવીને પહેરાવવાં પડે તો પણ હું તૈયાર છું.’
 
૧૯૯૮ની લોકસભા ચૂંટણી જીતવા કોંગ્રેસે સોનિયા ગાંધીને સ્ટાર કેમ્પેઈનર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યાં. કેન્દ્રમાં અટલજીની સરકાર બની. કોંગ્રેસને આ ચૂંટણીમાં ૧૪૧ બેઠકો મળી.
 
આ પરાજયના દોષનો ટોપલો કોના શિરે નાખવો તે પ્રશ્ર્ન થયો. આખરે મળી ગયા બિચારા આ દલિત નેતા સીતારામ કેસરી.
દિલ્હીના કોંગી કાર્યાલયમાં પક્ષના ધુરંધરોની મીટિંગ મળી. ચૂંટણીમાં મળેલી હાર માટે સીતારામ કેસરી પર મીટિંગમાં જ પ્રહારો શ‚ થયા. નેતાઓએ ચાલાકીપૂર્વક સોનિયા ગાંધીને અપયશના આ કુંડાળામાંથી બહાર રાખ્યાં. આ દલિત નેતાએ પક્ષપ્રમુખ તરીકે ચૂંટણીમાં ૧૩૮ જેટલી સભાઓ સંબોધી હતી, છતાં એકધારો વાક્બાણોનો મારો થતાં કેસરીજી હત્પ્રભ થઈ ગયા. જીવનભર કોંગ્રેસ માટે લોહીનું પાણી કરનાર આ સમર્પિત નેતાના બચાવમાં એક પણ નેતા ન આવ્યો. રણમેદાનમાં જ્યારે ચારેતરફથી થતાં પ્રહારોની કારમી વેદના ભોગવતા યોદ્ધા જેવી સીતારામ કેસરીની સ્થિતિ હતી. કેસરીજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. આખરે કેસરીજીથી આ સ્થિતિ સહન ન થતાં અશ્રુભરી આંખે કાર્યાલયમાં બાજુના ઓરડામાં ચાલ્યા ગયા.
 
પક્ષપ્રમુખની ગાદી જેવી ખાલી થઈ કે પૂર્વયોજના મુજબ સોનિયાજી ખાલી પડેલી જગ્યા પર આવીને ગોઠવાઈ ગયાં. કાર્યવાહી શરૂ થઈ અને કેસરીજીને બદલે સોનિયાજી પક્ષપ્રમુખ તરીકે ઘોષિત થઈ ગયાં.
અટલજીએ કેસરીજીને બેઘર થતા બચાવ્યા
 
સીતારામ કેસરીએ જીવનભર ભાજપને અને અટલજીને ગાળો ભાંડી હતી. ઉપરોક્ત ચૂંટણી પછી કોંગ્રેસે સીતારામ કેસરીને લોકસભાની કે પછી રાજ્યસભાની ટિકિટ આપી નહીં, તેથી તેમને દિલ્હીનું નિવાસસ્થાન ખાલી કરવાનો વારો આવ્યો. બંગલો ખાલી કરી લાચાર કેસરીજી બિહારમાં પોતાના વતનમાં જવાની તૈયારી કરી રહ્યા હતા, કારણ કે તેમની પાસે સરકારી બંગલા સિવાય કોઈ વધારાનું નિવાસસ્થાન ન હતું. તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલજીને કેસરીજીની આ સ્થિતિની જાણકારી થઈ, ત્યારે તેમણે સીતારામ કેસરીને બોલાવીને કહ્યું, ‘આપ બિહાર મત જાઈએ. આપકો નિવાસસ્થાન કી તકલીફ હૈ ના ? વહ દૂર હો જાએગી. આપ અપને હી નિવાસસ્થાન મેં રહ સકોગે. મૈં યહ નિવાસસ્થાન સ્વાતંત્ર્ય સેનાની ક્વોટામેં આપકો એલોટ કર દૂંગા.’ કેસરીજીની આંખમાં આંસુ આવી ગયાં. હવે તેઓ કહેવા લાગ્યા કે, નહેરુ-ઇન્દિરા કોંગ્રેસ માટે મારી ચામડીનાં જૂતાં બનાવી પહેરાવવાની વાત મેં કરેલી તે કોંગ્રેસે જ મને હડધૂત કર્યો છે, જ્યારે જે બ્રાહ્મણ (અટલજી)ને મેં જીવનભર ગાળો ભાંડી હતી તે અટલજીએ મારા પર પ્રેમ વરસાવ્યો છે.’