ચેનલોનું ચૂંટણી સર્વેક્ષણ

    ૦૯-ડિસેમ્બર-૨૦૧૭
 
 
એબીપી ન્યૂઝ - લોકનીતિ સીએસડીએસ
 
એબીપી ન્યૂઝ - લોકનીતિ સીએસડીએસ દ્વારા નવેમ્બરમાં કરાયેલા બીજા સર્વેમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરી હતી. આ સર્વે પ્રમાણે ભાજપને ૧૧૩થી ૧૨૧ બેઠકો મળશે જ્યારે કોંગ્રેસને ૫૮થી ૬૪ બેઠકો મળશે. અન્ય પક્ષોને ૧થી ૭ બેઠકો મળવાની આગાહી કરાઈ છે. ભાજપને ૪૭ ટકા, કોંગ્રેસને ૪૧ ટકા અને અન્ય પક્ષોને ૧૨ ટકા મતો મળવાની આગાહી પણ આ સર્વેમાં કરાઈ છે.
એબીપી ન્યૂઝના બીજા સર્વેમાં ભાજપની બેઠકોમાં ઘટાડો થવાની શક્યતા દર્શાવાઈ છે પણ ભાજપ જીતે છે તેવી આગાહી કરાઈ છે એ નોંધપાત્ર છે. એબીપી દ્વારા કોણ બનશે મુખ્યમંત્રી સહિતના બીજા ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરાયા છે તેમાં પણ માહોલ ભાજપ તરફી હોવાનું ચિત્ર ઊપસે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપની મતોની ટકાવારી ઘટી શકે પણ બેઠકોમાં બહુ ફરક નહીં પડે. બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસને સાફ કરી નાંખશે તેવું ચિત્ર પણ ઊપસે છે. દક્ષિણ ગુજરાતમાં તો ભાજપની લહેર છે અને આદિવાસી પટ્ટામાં ભાજપ કોંગ્રેસનો સફાયો કરીને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં જે થોડું ઘણું નુકસાન છે તે સરભર કરી નાંખશે.
 
 
 
ટાઇમ્સ નાઉ - વીએમઆર
 
અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉ - વીએમઆરના સર્વેમાં ગુજરાતમાં ભાજપ સરળતાથી જીતી જશે તેવી આગાહી કરાઈ છે. આ સર્વે નવેમ્બર મહિનામાં કરાયો હતો અને તેમાં ભાજપને ૧૧૮થી ૧૩૪ બેઠકો મળવાની આગાહી કરાઈ છે. કોંગ્રેસને ૪૯થી ૬૧ બેઠકો મળશે જ્યારે અન્ય પક્ષો-અપક્ષોને મહત્તમ ૩ બેઠકો મળશે તેવી આગાહી કરાઈ છે. આ સર્વે પ્રમાણે ભાજપને કુલ મતદાનના ૫૨ ટકા મત મળશે જ્યારે કોંગ્રેસને ૩૯ મત મળશે. અન્ય પક્ષો-અપક્ષોને ૯ ટકા મત મળશે.
ભાજપે ૨૦૧૨માં ૪૮ ટકા મત મેળવ્યા હતા અને આ સર્વે પ્રમાણે ભાજપના મતોની ટકાવારીમાં ૪ ટકાનો વધારો થશે. તેના કારણે ભાજપે ૨૦૧૨માં મેળવેલી બેઠકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે. ભાજપને ૨૦૧૨માં ૧૧૫ બેઠકો મળી હતી અને આ વખતે તેમાં જંગી વધારો થશે તેવી આગાહી કરાઈ છે. ભાજપે ૧૫૦ કરતાં વધારે બેઠકોનું લક્ષ્ય આ વખતે રાખ્યું છે ને તેની નજીક ભાજપ પહોંચી શકે તેવી શક્યતા આ સર્વેમાં વ્યક્ત કરાઈ છે. આ સર્વેમાં જેમને સવાલ પુછાયા તે પૈકી ૮૧ ટકા લોકો એવા હતા કે જેમણે જણાવ્યું કે, પોતે ભાજપને મત આપવાનું ચાલુ રાખશે.
ટાઇમ્સ નાઉના સર્વેમાં પાંચ મહત્ત્વના સવાલો પુછાયા હતા. આ પૈકી એક સવાલ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે કરેલી કામગીરીની આ ચૂંટણી પર કેવી અસર પડશે તેવો હતો. મોટા ભાગના લોકોએ હકારાત્મક અસર ગણાવીને મોદીની કામગીરીને વખાણી હતી. બીજી તરફ એવો સવાલ પણ પુછાયો હતો કે, રાહુલ ગાંધી લોકોના મૂડને પારખવામાં સફળ રહ્યા છે ? આ સવાલના જવાબમાં મોટા ભાગના લોકોનો જવાબ નકારાત્મક હતો.
ટાઇમ્સ નાઉ દ્વારા કરાયેલા અન્ય ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં પણ ભાજપતરફી લહેર હોવાનો ઉલ્લેખ છે. ભાજપ ગુજરાતમાં સત્તા જાળવશે તેવો સૂર વ્યક્ત થયો છે.
 
 
 
ઇન્ડિયા ટુડે - અક્સિસ
 
હિંદીમાં આજ તક તથા તેઝ અને અંગ્રેજીમાં હેડલાઇન્સ ટુડે એમ ત્રણ ટીવી ચેનલો ધરાવતા ઇન્ડિયા ટુડે અને અક્સિસ દ્વારા ગુજરાતમાં કરાયેલા સર્વેમાં ભાજપ ગુજરાતમાં સત્તા જાળવશે અને કોંગ્રેસનો સફાયો કરી નાંખશે તેવી આગાહી કરાઈ છે. આ સર્વે પ્રમાણે ભાજપ ગુજરાતમાં ૧૧૫થી ૧૨૫ બેઠકો મેળવશે જ્યારે કોંગ્રેસને ૫૭થી ૬૫ બેઠકો મળશે. હાર્દિક પટેલ સમર્થિત કોઈ પક્ષ ચૂંટણીમાં ઝંપલાવે તો તેને એક પણ બેઠક નહીં મળે તેવી આગાહી પણ કરાઈ. સર્વે પ્રમાણે ભાજપે ૨૦૧૨ની ચૂંટણીમાં મેળવેલી ૧૧૫ બેઠકો કરતાં આ વખતે તેનો દેખાવ સારો હશે ને તેની બેઠકોમાં વધારો થશે. આ સર્વે પ્રમાણે ગુજરાતમાં ભાજપને કુલ મતદાનના ૪૮ ટકા મતો મળશે જ્યારે કોંગ્રેસને ૩૮ ટકા મતો મળશે. અન્ય પક્ષો તથા અપક્ષોને ૧૪ ટકા મતો મળશે. એકંદરે ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં મળેલા મતોની ટકાવારીમાં બહુ ફરક નહીં પડે અને બેઠકોમાં પણ બહુ ફરક નહીં પડે, કેમ કે કોંગ્રેસે ૨૦૧૨માં ૬૧ બેઠકો જીતી હતી.
આ સર્વેની નોંધપાત્ર બાબત એ છે કે ૭૪ ટકા લોકોએ મોદીની કામગીરીને વખાણી છે અને કહ્યું છે કે, મોદીએ બહુ સારી કામગીરી કરી છે. ૬૬ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેના કારણે ગુજરાતને ફાયદો થયો છે. ૩૧ ટકા લોકો એવું માને છે કે મોદી વડાપ્રધાન બન્યા તેના કારણે ગુજરાતને કોઈ ફાયદો થયો નથી. આ સર્વેમાં મુખ્યમંત્રીપદ માટે વિજય ‚પાણીને સૌથી વધારે લોકોએ પસંદ કર્યા છે અને તેમને ૩૪ ટકા મત મળ્યા છે જ્યારે શક્તિસિંહ ગોહિલ ૧૯ ટકા લોકોને પસંદ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી માત્ર ૧૧ ટકા લોકોની પસંદ છે.
અત્યારે એવો પ્રચાર કરાય છે કે જીએસટી તથા નોટબંધીના કારણે ભાજપ સામે નારાજગી છે તેથી તેની અસર મતદાન પર પડશે. આ સર્વેમાં મોટા ભાગના લોકોએ જીએસટી તથા નોટબંધીના કારણે ભાજપ સામે મતદાનની શક્યતા નકારી છે.
 
 

 
 
 
નેશનલ ચેનલોમાં પણ ગુજરાત છવાયું
 
ગુજરાતની ચૂંટણીમાં સમગ્ર દેશના મીડિયાને રસ પડ્યો છે અને ટીવી ચેનલો તો છેલ્લા એક મહિનાથી બીજા બધા મુદ્દા બાજુ પર મૂકીને ગુજરાત પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. છેલ્લા બે મહિનામાં જ ગુજરાતની ચૂંટણી પર યોજાયેલા મોટા કાર્યક્રમો પર નજર નાંખશો તો સમજાશે કે ટીવી ચેનલો કઈ હદે ગુજરાતની ચૂંટણીને મહત્ત્વ આપી રહી છે. ગુજરાતી ટીવી ચેનલો તો ગુજરાતની ચૂંટણી પર કાર્યક્રમો કરે તેમાં નવાઈ નથી પણ નેશનલ ટીવી ચેનલોમાં પણ ગુજરાતના કાર્યક્રમોની ધૂમ છે.
ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને એબીપી ગ્રુપની હિંદી ચેનલ એબીપી ન્યૂઝે તાજેતરમાં શિખર સંમેલન કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય ‚પાણી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આનંદ શર્મા તથા રણદીપ સુરજેવાલા, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ઉપરાંત હાર્દિક પટેલ તથા અલ્પેશ ઠાકોર જેવા સ્થાનિક નેતા પણ હાજર રહ્યા. આ પહેલાં એબીપીની ગુજરાતી ચેનલ એબીપી અસ્મિતા દ્વારા મહાસંવાદ કાર્યક્રમ યોજાયો ત્યારે તેમાં પણ અનેક રાષ્ટ્રીય નેતા હાજર રહ્યા હતા. એબીપીના શિખર સંમેલનના દિવસે જ ઇન્ડિયા ટીવી તથા ઝી ન્યૂઝ એ બંને હિંદી ચેનલો દ્વારા પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. બંનેમાં અમિત શાહ સહિતના રાષ્ટ્રીય નેતા હાજર રહ્યા હતા. આ પહેલાં નવેમ્બરમાં આજ તક, ઇન્ડિયા ન્યૂઝ ટીવી ચેનલો દ્વારા અમદાવાદમાં મહાસંવાદ કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાતને સ્પર્શતા મુદ્દાઓની તેમા વિગતવાર ચર્ચા થઈ.
સ્થાનિક ગુજરાતી ટીવી ચેનલો તો છેલ્લા બે મહિનાથી ગુજરાતની ચૂંટણી પરના કાર્યક્રમોનો સતત મારો ચલાવી રહી છે. ગુજરાતની દરેક વિધાનસભા બેઠકમાં સ્થાનિક નેતાઓ સાથેના કાર્યક્રમો યોજાયા છે અને તેનું લિસ્ટ બનાવવા જઈએ તો બહુ લાંબી યાદી થઈ જાય. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એ રીતે અભૂતપૂર્વ કવરેજ ગુજરાતી અને નેશનલ મીડિયામાં પણ મળી રહ્યું છે.