ગુજરાતની જનતા ભાજપનો ૧૫૧ સીટોનો સંકલ્પ પૂર્ણ કરશે તેવી ખાતરી

    ૦૯-ડિસેમ્બર-૨૦૧૭
 
 
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના આંગણે
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ ૨૭ તથા ૨૯ નવેમ્બરના રોજ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને વિકાસલક્ષી ભાજપનો પ્રચંડ પ્રચાર કર્યો હતો. ગુજરાતની જનતા સમક્ષ તેમણે લાગણીસભર રીતે અનેક મુદ્દાઓ રજૂ કર્યા અને જાતિવાદી રાજનીતિથી ઉપર ઊઠી વિકાસ સાધવાની વાત કરી. પ્રથમ દિને ભૂજ, અમરેલી, જસદણ અને કડોદરા (સુરત) તથા બીજા દિવસે મોરબી, પ્રાચી, પાલીતાણા તથા નવસારીમાં વડાપ્રધાનશ્રીએ પ્રચંડ જનમેદની વચ્ચે કરેલા સંબોધનના મહત્ત્વપૂર્ણ અંશો અહીં પ્રસ્તુત છે...
 
કીં આયો ભા-ભેણું ? વડાપ્રધાનનું પ્રારંભિક પ્રવચન કચ્છી ભાષામાં
 
ભૂજથી શ્રી ગણેશ કરતા વડાપ્રધાને કચ્છ પ્રત્યેની પોતાની લાગણીને વધુ એક વાર પ્રદર્શિત કરતા પ્રવચનનો પ્રારંભ તેમણે "કીં આયો ભા-ભેણું ? કહી કચ્છી ભાષામાં લોકોને આવકાર્યા હતા અને ત્યારબાદ બે-ત્રણ મિનિટ સુધી કચ્છી ભાષામાં વાર્તાલાપ કર્યા બાદ તેમણે આખુંય સંબોધન ગુજરાતી ભાષામાં કર્યું હતું. કચ્છી ભાષણે લોકોમાં લાગણીસભર ઉત્સાહનો સંચાર કર્યો હતો.
 
‘ખડ, પાણી ને ખાખરા પાણાનો નહિ પાર, વગર દીવે વાળુ કરે દેવકો અમારો પાંચાળ’
 
રાજકોટ ખાતે નરેન્દ્રભાઈ મોદીએ પ્રવચનની શ‚આત એક પાંચાળ ભૂમિની ઓળખ સમા ‘દુહા ખડ, પાણી ને ખાખરા પાણાનો નહીં પાર, વગર દીવે વાળું કરે દેવકો અમારો પાંચાળ’થી કરતાં જણાવ્યું હતું કે, "અગાઉ વાળુ કરવા દીવો પણ ન હતો. અમારી સરકારે ગામડાને વીજળી આપી તેમની આ કાયમી મુશ્કેલી દૂર કરી છે.
 
૨૦૨૨માં દરેકના માથે છત હોય તેવો અમારો સંકલ્પ છે...
 
"૨૦૨૨માં આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થાય છે ત્યારે દરેકનાં માથે છત હોય તેવો અમારો સંકલ્પ છે. ૮ નવે. પછી આ ફૂંફાડા મારતાં વિરોધીઓ એમનું બધું લૂંટાઈ ગયું હોય તેમ માથાં પછાડી રહ્યાં છે. ત્યારે મારે તેમને કહેવું છે કે, મોદી સરકાર ઈમાનદારીના માર્ગથી હટવાની નથી. ગરીબોના લૂંટેલા પૈસા પાછા અપાવીને જ આ સરકાર ઝંપશે. કાશ્મીરમાં આતંકવાદીઓ. પથ્થરમારાને પોસવા પાકિસ્તાનથી આવતા પૈસા કોણ પહોંચાડતું હતું તેનો પર્દાફાશ થયો છે. સફેદ કપડાં પહેરનાર બે લોકો હાલ દિલ્હીની જેલમાં છે.
કોંગ્રેસે કર્યું કશું નથી, કરવું કશું નથી અને કરવા દેવું નથી. દેશની વિકાસયાત્રા - પ્રગતિયાત્રામાં રોડાં નાંખનારને સાંખી નહીં લેવાય. વિકાસના તમામ માર્ગો પણ એક સાથે તેજ ગતિથી ચાલવાનો નિર્ણય કર્યો છે. અમારી પ્રાથમિકતા એ છે કે બાળકોને શિક્ષણ, યુવાનોને રોજગાર અને વડીલોને દવામાં ક્યારેય કમી ના આવે તે અમારો સંકલ્પ છે. કોંગ્રેસને હંમેશા ઉજાગરા થયા કરતા હતા કે, સરદાર પટેલ વડાપ્રધાન ન બની જાય. મણીબહેનની ડાયરી જોઈએ તો ખબર પડે કે, કોંગ્રેસની રગોમાં કેટલી નફરત સરદાર સાહેબ અને ગુજરાત માટે હતી. મોરારજીભાઈ દેસાઈને ષડયંત્રો રચી માત્ર બે વર્ષના ગાળામાં ઘરભેગા કર્યા. આવા લોકો નરેન્દ્રભાઈ મોદીને કઈ રીતે સ્વીકારે ?
 
તો કચ્છીઓને હિજરત કરવાની જરૂર ના પડત
 
અમે માત્ર ચૂંટણી સમયે નથી આવતા. અમે સમયાંતરે ખબરઅંતર પૂછવા આવીએ. કચ્છથી ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરવાનું કારણ જણાવતાં મોદીએ મમરો મૂક્યો હતો કે, ગુજરાત વિધાનસભાનો પ્રારંભનો એકડો અબડાસાથી શરૂ થાય છે, તેમજ આશાપુરા માતાજીનું નામ પણ ‘અ’થી શ‚ થાય છે, તેમજ કચ્છ અને કમળના શબ્દો પણ એક જ છે. પણ હવે રાજ્યને પાછળ ધકેલવામાં મહત્ત્વનો ફાળો ભજવનારાઓને ગુજરાતના લોકો સાંખી નહીં લે. જો નર્મદાનાં નીર ૩૦ વર્ષ પહેલાં આવી ગયાં હોત તો કચ્છીઓને હિજરત કરવાની જરૂર ના પડત.
 
મને ખાતરી છે કે ગુજરાતની જનતા ૧૫૧ બેઠકોનો સંકલ્પ પૂર્ણ કરશે
 
"કોંગ્રેસના નેતાઓ કામરાજજી, આચાર્ય ક્રિપલાણી અને સુભાષચંદ્ર બોઝ વિશે વાત નથી કરતા, કેમ કે તેઓ એક જ પરિવાર વિશે વાત કરી શકે છે. ગુજરાત ભાજપના આગેવાનો ૧૫૧ બેઠક કહી રહ્યા છે, જ્યારે સર્વે કરનારા ૧૪૦ સુધી લઈ જાય છે પણ મને ખાતરી છે કે ગુજરાતની જનતા ૧૪૦ની ધારણાવાળાઓને ખોટા પાડી ૧૫૧ બેઠકનો સંકલ્પ પૂરો કરશે. જ્યારે ભૂકંપ આવે ત્યારે લોકો કહે છે આ બિલ્ડિંગ પડી હતી, પણ કચ્છના લોકો કહે છે કે આ સ્કૂલ બની, આ હૉસ્પિટલ બની, આ બિલ્ડિંગ બન્યું, આ બધું આપણી આર્મીના કારણે શક્ય બન્યું.
 
કોંગ્રેસે જાતિવાદના ઝેરથી સમાજને પીંખી નાંખ્યો છે...
 
"સુરતમાં આવીને મને સમજાયું કે, ત્રણ મહિનાથી કોંગ્રેસ કદમતાલ શું કરી રહી છે. ભાજપાને સમર્થનની એવી આંધી સર્જાઈ ગઈ છે કે, કોંગ્રેસ પરાજયથી ભયભીત થઈ ચૂકી છે. કોંગ્રેસને કોઈ રસ્તો નથી સૂઝતો. ભાજપાના વિકાસના વંટોળને, આંધીને કેમ પહોંચી વળવું તે સૂઝતું નથી. કોંગ્રેસને એ વાતની ખબર પડવી જોઈએ કે તમે જ્યાં સુધી તમારી ગુજરાત વિરોધી માનસિકતા બદલી પ્રાયશ્ર્ચિત્ત નહીં કરો, તમારો અહંકાર નહીં છોડો ત્યાં સુધી ગુજરાત તમને ક્યારેય નહીં સ્વીકારે. ગુજરાતના લોકોમાં વાણી, વ્યવહાર, વર્તન, વિચારી પારખવાની આગવી શક્તિ છે. ટેક્નોલોજીના યુગમાં દુનિયા બદલાઈ ચૂકી છે તે કોંગ્રેસને સમજવાની જરૂર છે. ૨૫ વર્ષ પહેલા કોંગ્રેસે જે કાળાં કામ, તરકીબો અજમાવી સમાજને છીન્નભિન્ન કરી નાંખ્યો, કોમી હુલડ્ડોની હારમાળા સર્જી, કોંગ્રેસના મંત્રી સુરતના બોમ્બ ધડાકામાં જેલ ભેગા થયા. ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડો કરાવ્યો. જાતિવાદના ઝેરથી સમાજને પીંખી નાખ્યો. પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે. ફરી તમારી એ જૂની ચાલ, નીતિ અને નિયત ચાલવાની નથી.
કોંગ્રેસના શાસનમાં દુષ્કાળ પડે એટલે લોકો માટીકામ માટેના આવેદનપત્રો લઈને સરકાર સમક્ષ રજૂઆતો કરે છે. કોંગ્રેસ પાર્ટીની દશા જોઈને એવું આશ્ર્ચર્ય થાય છે કે, તેઓ દેશની ઇચ્છા, અપેક્ષા શું છે તે પારખી શકી નથી. આઝાદીનાં ૭૦ વર્ષ પછી પણ કોંગ્રેસના પાપના કારણે ૧૮ હજાર ગામના લોકોએ વીજળીનો તાર નહોતો જોયો, વીજળી કોને કહેવાય તે ખબર નહોતી. આમ, આજની ૨૧મી સદીમાં આ લોકોને ૧૮મી સદી પ્રમાણે જીવવા મજબૂર કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. આવી કોંગ્રેસને કડકમાં કડક સજા કરી દરેક બુથમાંથી જડમૂળમાંથી ઉખેડી ફેંકી દેશમાંથી વિદાય કરીએ.
 
વિરોધીઓએ ઉછાળેલા કાદવમાં જ કમળ ખીલશે...
 
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જાત-જાતના લોકોએ આવીને એટલો કાદવ ઉછાળ્યો છે કે, હવે કમળના ખીલવાનું બહુ આસાન થઈ ગયું છે. તેમણે આવીને કપરી મહેનત કરી ખૂણે ખૂણે કીચડ ઉછાળવાનું કામ કર્યું છે. આજની ક્ષણે હું હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું, કારણ કે એ કાદવમાં જ કમળ ખીલશે. આ ચૂંટણીમાં એક તરફ વિકાસનો વિશ્ર્વાસ છે અને બીજી તરફ વંશવાદનું વરવું રૂપ છે.
કચ્છમાં ખેતી થાય એ વાતની એમને કલ્પના પણ નહોતી. કચ્છની કેસર કેરી દુનિયાભરમાં છવાઈ છે, પરંતુ કેટલાક લોકો માટે આ વાત સમજ બહારની છે. તેમને કચ્છની કેસર અંગે વાત કરશો તો એ કહેશે કે, કેસર તો કાશ્મીરમાં થાય. કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારના સંજોગો અને પરિબળને ધ્યાને રાખીને વાજપેયીજીએ મને કચ્છ મોકલ્યો હતો ત્યારે કચ્છના ભૂકંપ અને કચ્છના લોકોએ મને વહીવટની એક પ્રકારની મારી ટ્રેનિંગ કરી હતી. આ ધરતી મારી મા છે અને આપ મારાં મા-બાપ છો.
 
કોંગ્રેસ માટે વિકાસ મજાક છે પણ અમારા માટે વિકાસ મિજાજ છે
 
"અમુક લોકોને સમજાવવા મુશ્કેલ હોય છે. તો પછી આપણે માથાપરચી કરવી જ નહીં, જેની નીતિ, રીતિ, નિયત તથા આ ધરતી સાથે કાંઈ નાતો નથી તેઓ પોતાની મર્યાદા સાથે બીજાને ન તોલે એ જ બરોબર છે. કારણ કે, કોંગ્રેસ માટે વિકાસ મજાક છે, પરંતુ અમારા માટે વિકાસ મિજાજ છે.
 
નોટબંધીથી જાણે કે કોંગ્રેસનો કમાઉ દીકરો મૃત્યુ પામ્યો...
 
જીએસટી સંદર્ભે વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધતાં જણાવ્યું કે, "જીએસટી મુદ્દે કેટલાક લોકો જુઠ્ઠાણાં ચલાવે છે. જીએસટીનો નિર્ણય બધાં રાજ્યો સાથે મળીને લેતા હોય છે એમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પણ હતા. જીએસટી એક નવી વ્યવસ્થા છે. અમને ખબર હતી કે તેમાં પ્રશ્ર્નો આવવાના છે. અમારી સુધારા-વધારાની તૈયારી હતી જ અને એટલે જ જરૂર પડે ત્યાં સુધારા કરતા રહીએ છીએ.
નોટબંધીના કારણે કોંગ્રેસનો જાણે કમાઉ દીકરો મૃત્યુ પામ્યો હોય તેમ નોટબંધીના એક વર્ષ બાદ પણ કોંગ્રેસ તેના શોકમાંથી બહાર નથી આવી.
કોંગ્રેસમાં ગુજરાત માટે નફરત એટલી ઠાંસી ઠાંસીને ભરી છે કે ગુજરાતની જનતા તેમને ક્યારેય નહીં સ્વીકારે. ગુજરાતની ચૂંટણીને કોંગ્રેસે ગેરજવાબદાર અને વાહિયાત જૂઠ્ઠાણાથી ભરપૂર રંગોથી રંગવા પ્રયાસ કર્યો છે. વિકાસની જરૂર નથી. વિકાસની કોઈ વાત ન કરો એવું કહેવાની કોંગ્રેસમાં હિંમત નથી. વિકાસ સામાન્ય માણસની જિંદગીમાં બદલાવ લાવવા માટે છે.
 
 
 
ભાજપે ૨૨ વર્ષમાં ગુજરાતને સંપૂર્ણ કરફ્યુમુક્ત કર્યું છે
 
"ગરીબ અને મધ્યમવર્ગના કલ્યાણ માટે સસ્તા સ્ટેન્ટ અને દવાના જનઔષધિ સ્ટોર અમે શરૂ કરાવ્યા છે. નોટબંધીથી કાશ્મીરમાં પથ્થરમારા માટે આવતું પાકિસ્તાની ફંડ બંધ થઈ ગયું છે. આજે આ બધા દિલ્હીની જેલમાં છે. વિકાસ કોઈ એક વર્ગ કે જાતિ માટે નહીં કોઈપણ ભેદભાવ વગર બધાને લાભ થાય તેવો કર્યો છે. પરાજયના ભણકારા વચ્ચે કોંગ્રેસે હવે આરોપ-પ્રત્યારોપનું રાજકારણ શરૂ કર્યું છે. તેઓ ભાજપ પાસે હિસાબ માગે છે. હું હિસાબમાં એટલું જ કહીશ કે ૨૨ વર્ષમાં ગુજરાતને સંપૂર્ણ કરફ્યુમુક્ત કરી દીધું છે. બીજી તરફ ૨૨ વર્ષમાં ભલભલાને મંદિરે જતા કરી દીધા છે.
કોંગ્રેસે એક પણ પાટીદાર મુખ્યમંત્રીને જંપીને બેસવા દીધા નથી
કોંગ્રેસે ગુજરાતમાં એક પણ પાટીદાર મુખ્યમંત્રીને જંપીને બેસવા દીધા નથી. બાબુભાઈ જશભાઈ પટેલથી આનંદીબહેન પટેલ સુધી બધાને હેરાન કર્યા છે. મણીબહેનની ડાયરી વાંચવાથી ખબર પડે. બાદમાં ખમતીધર, બેદાગ અને ગાંધીજીનાં મૂલ્યો ઉપર ચાલનાર મોરારજીભાઈ દેસાઈ કે જેઓ ગુજરાતના હતા તેમને ડુંગળી, બટાટાની જેમ ફેંકી દીધા.
ગુજરાતમાં પ્રથમ વખત જન સંઘના ટેકાથી પટેલના દીકરા બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા તો નવ જ મહિનામાં કોંગ્રેસે બાબુભાઈ પટેલને ઘરે બેસાડી દીધા, ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા તો તેમને પણ હટાવી દેવાયા. બાદમાં કાઠિયાવાડથી પ્રથમ વખત કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, તો ભૂકંપના મુદ્દે તેમની ખુરશી હલબલી જાય તેવી પ્રવૃત્તિ કોંગ્રેસે કરી.
 
બાકીનાં ૧૫ તળાવ પણ ભરાઈ જશે
 
"નર્મદાનું પાણી કચ્છ-કાઠિયાવાડને મળે તે માટે દિલ્હી સાથે મેં બાથભીડી, મુખ્યમંત્રી હોવા છતાં ઉપવાસ ઉપર બેસવું પડ્યું અને જ્યારે નર્મદાની પાઈપ લાઈન નાખી ત્યારે તેમાંથી પાણી નહીં હવા આવશે તેવી મજાક કોંગ્રેસે ઉડાવી, પણ હું ગુજરાતની ધરતીનો દીકરો છું. આ ધરતીમાં મોટો થયો છું માટે તેનું કર્જ ચૂકવવા પ્રયાસ કરી રહ્યો છું. આ વિસ્તારનાં બે તળાવ નર્મદાનાં પાણીથી ભરાઈ ચૂક્યા છે. બાકીના ૧૫ પણ ભરાઈ જશે તેની ખાતરી આપું છું. નર્મદાના નીર આવ્યા પછી કેટલું પરિવર્તન આવ્યું તે તો આપણે ભલીભાતી જાણીએ છીએ. રાત્રે વાળું કરતી વખતે વિજળી માટે વલખા મારતો નાગરિક ૨૪ કલાક વીજળી મેળવતો થયો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાએ ખેડૂતોને સુરક્ષિત કર્યા, દક્ષિણ ગુજરાત સાથે નાતો વધ્યો, ફેરી સર્વિસથી માત્ર એક કલાકમાં સૌરાષ્ટ્રના લોકો ત્યાં પહોંચતા થયા. દેશના સામાન્ય માનવીઓને જે ૫૦ વર્ષ પહેલાં મળવું જોઈએ તે અપાવવાની ઝુંબેશ હવે શ‚ થઈ છે ત્યારે શું દેશને હવે લૂંટાવા દેવો જોઈએ તેવો સવાલ ઉઠાવી મોદીએ કહ્યું કે આ દેશની જનતા માટે આખા દેશમાં ભ્રષ્ટાચાર, કાળું નાણું, બેઈમાની સહિતની બદીઓ દૂર કરી સફાઈની જરૂર છે. આ કામ હવે શરૂ થયું છે ત્યારે કોંગ્રેસ જૂઠાણાં અને વાહિયાત વાતો ચલાવી રહી છે.
 
ખેતરે ખેતરે સોલાર પંપ...
 
"ચણાના ઝાડ હોય કે છોડ હોય તેની પણ જેને ખબર પડતી નથી તેઓ ખેડૂતોના પ્રશ્ર્નો લઈને નીકળી પડ્યા છે. પરંતુ ગુજરાતનો ખેડૂત સમજદાર છે, ખોટી વાતોમાં નહીં ફસાય. વડાપ્રધાને ખેતરે-ખેતરે સોલાર પંપની દિશામાં કેન્દ્ર સરકાર કામ કરી રહી હોવાનું જણાવી કહ્યું હતું કે, આનાથી વીજ બીલનું નામોનિશાન નહીં રહે તેમ જ રાતે ઉજાગરા કરવા નહીં પડે. વિકાસ શું કહેવાય તેની સાથે કોંગ્રેસને લેવાદેવા નથી, પણ ગુજરાતમાં વિકાસ નહીં અટકે, વિકાસને નવીં ઊંચાઈ પર લઈ જવાશે. કોંગ્રેસ જૂઠાણાં ચલાવી રહી છે. મીટિંગમાં તમામ રાજ્યો મળીને બધું નક્કી કરે છે, તેમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પણ હોય છે, પરંતુ તેઓ બહાર આવીને ગપ્પાં મારે છે.
 
કોંગ્રેસ પાસે પૂરતો સમય હતો, દરિયો હતો, વિકાસ કેમ ન કર્યો ?
 
"હું મુખ્યમંત્રી હતો અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્મદાનાં નીર માટે ઉપવાસ પર બેઠો છું અને ભૂતપૂર્વ વડાપ્રધાન અહીંયાં એમ બોલે છે કે મને કોઈ મળ્યું નથી. લાગે છે કે એ કોઈનું લખેલું બોલી રહ્યા છે. અમરેલી જિલ્લાને દરિયાકાંઠો મળ્યો છે. કોંગ્રેસ પાસે પૂરતો સમય હતો. દરિયો હતો તો તેનો વિકાસ કેમ ન કર્યો ? રોરો ફેરી સર્વિસ શરૂ કરીને કાઠિયાવાડની બહાર નીકળી ગયેલા કાઠિયાવાડીઓને પાછા લાવવા છે. અમરેલી જિલ્લામાં ડેરી ઉદ્યોગ ધમધમતો થયો છે. મધક્રાંતિ થઈ છે. વડાપ્રધાને વીજળી રસ્તા સહિતના વિકાસના મુદ્દા ઉઠાવ્યા હતા. જસદણ અને ચલાલામાં ભાજપના એ વિસ્તારના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
હું ચા વેચીશ પણ, દેશ નહીં વેચું
લોકશાહીમાં સૌનો પૂરતો અધિકાર છે અને આવા લોકો મને ચાવાળો કહે છે પણ હું તેમને કહીશ કે હું જરૂર પડે ફરી ચા વેચવા બેસી જઈશ પણ દેશ વેચવાનું કામ નહીં કરું. કોંગ્રેસના નેતાઓ વાણીવર્તન ઉપરથી કાબૂ ગુમાવી ચૂક્યા છે અને ગલીચ આક્ષેપો અને હીન ભાષામાં વાત કરી રહ્યા છે તેના ઉપરથી લાગે છે કે, પાર્ટી ચારિત્ર ગુમાવી ચૂકી છે અને હવે તેના બચવાની કોઈ શક્યતા નથી.
કચ્છના ભૂકંપે મને વહીવટનો એકડો શીખવાડ્યો
૨૦૦૧ના ભૂકંપ સમયે કચ્છે મને વહીવટનો એકડો શીખવાડ્યો હતો. ત્યારે મારા માટે આ મુલક અલગ જગ્યા ધરાવે છે. તેમણે જવાહરલાલ નહેરુ પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે, તેમના શાસનમાં અંજારમાં ભૂકંપ આવ્યો અને ૨૦૦૧માં અમારા શાસન દરમિયાન કચ્છમાં બીજો ભૂકંપ આવ્યો ત્યારે તેઓના અને છેલ્લાં ૧૭ વર્ષમાં અમે કરેલાં કાર્યોની સરખામણી કરશો તો ખ્યાલ આવશે વિકાસ કોને કહેવાય.
 
કોંગ્રેસે હંમેશા યુવાનોને ગેરમાર્ગે દોર્યા અમે આદિવાસીઓને હક્કો અપાવ્યા
 
"અમે આદિવાસીઓને હક્ક અપાવવાનું કામ કર્યું. દાંડીયાત્રાના ‚ટને દસ વર્ષ સુધી જે અટકાવ્યો હતો તેને આગળ વધારવાનું કામ કર્યું છે. જ્યારે કોંગ્રેસ હંમેશા ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું. આજકાલ દેશમાં ત્રણ ચૂંટણીઓ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી, ગુજરાતની ચૂંટણી અને કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી. ત્રણેય ચૂંટણીનાં પરિણામો નક્કી છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ભાજપનો જ ધ્વજ લહેરાશે અને કોંગ્રેસના પ્રમુખ તરીકે પેલા પરિવાર સિવાય કોઈ આવશે જ નહીં. કોંગ્રેસ ગુજરાતનું ઘોર વિરોધી છે અને ગુજરાત તેમને સબક શીખવાડીને જ રહેશે. ચૂંટણીમાં કોંગ્રેસનો વાણીવિલાસ એ શરમજનક બાબત છે. ચૂંટણી એક ગંભીર બાબત છે, એ કોઈ બાળકોનો ખેલ નથી. જનતાને તમારે વાત સમજાવવી પડે. કાશ્મીરમાં નોટબંધી પછી હવાલા કારોબારનો પર્દાફાશ થયો. ૪૦ વર્ષથી આ દેશ કાશ્મીરમાં આતંકવાદનો શિકાર બન્યો છે. ભૂતકાળમાં હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. ત્યારે પણ ગુજરાતના અમરનાથ યાત્રીઓ પર હુમલો થયો હતો અને હમણાં પણ થોડા સમય પહેલાં વલસાડના અમરનાથ યાત્રીઓ પર હુમલો થયો હતો. આ બંને ઘટનાઓ પછી આ પરિણામો અલગ છે. અગાઉની ઘટના પછી તત્કાલિન કોંગ્રેસ સરકારે કાઁઈ કર્યું ન હતું. હમણાંની ઘટના પછી અમે જવાબદાર આતંકવાદીઓને વિણી વિણીને ઠાર માર્યા છે.
 
૧૦૦ ક્રિશ્ર્ચિયન બહેનો અને ફાધરને અમે જીવતા લાવ્યા...
 
થોડા સમય પહેલાં જ આર્ક બિશપ થોમસ મેકવાને એક સનસનીખેજ પત્ર લખી કહ્યુ હતું કે, "આ દેશ રાષ્ટ્રવાદીઓના હાથમાં ન સોંપો. આવા અણછાજતા વિધાનનો મોઘમમાં જવાબ આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, "હમણાં એક ધાર્મિક વ્યક્તિએ ફતવો પાડ્યો કે, રાષ્ટ્રપ્રેમીઓને હાંકી કાઢો. આ આઘાતજનક છે. આ દેશના સંતો મુનિઓ ઋષિઓએ માનવતાની કેવી સેવા કરી છે. રાષ્ટ્રપ્રેમના કેવા સેવાકાર્યો કરતા હોય છે. એટલે જ અમે રાષ્ટ્રપ્રેમના કારણે જાતિ, બિરાદરી ભાષા પ્રાંત જોયા વગર દુનિયામાં ક્યાંય સંકટ આવે તો સેવા કરવા તત્પર હોઈએ છીએ.
"વિદેશો સાથેના ઘનિષ્ઠતા અને સંબંધોથી ઈરાકમાં ફસાયેલા નવસારી જિલ્લાના ૪૯ યુવાનોને સલામત દેશમાં સરકાર પાછી લાવી શકી હતી. આતંકવાદીની ચુંગાલમાં ફસાયેલી રેલની ૧૦૦ નર્સિંગ કામ કરતી ક્રિશ્ર્ચયન બહેનોને પરત લાવ્યા. અફઘાનિસ્તાનમાંથી ફાધર પ્રેસને જીવિત લાવ્યા. શ્રીલંકામાં ફાંસીની તારીખ મુકરર કરાયેલા ૫ ભારતીય માછીમારોને સલામત લાવ્યા. તામિલનાડુનાં અનેક લોકોને ગલ્ફમાં ફાંસીની સજા થઈ હતી. તેને કૂટનીતિ દ્વારા જન્મટીપમાં બદલાવી શક્યા છે. દેશની વિદેશ નીતિ નાગરિકો માટે હોય છે. અન્ય દેશો જોડે સંબંધ કેળવવા પડે છે.
 
ઓબીસી વિરુદ્ધ કોંગ્રેસનો કારસો
 
ઓબીસી, બક્ષીપંચ બંનેએ કોંગ્રેસ પાસે બંધારણીય દરજ્જો માગ્યો, પરંતુ કોંગ્રેસે ૪૦ વર્ષ સુધી આપ્યો નહીં. અમારી સરકારે લોકસભામાં બંધારણીય દરજ્જાનું બીલ પસાર કરાવ્યું પણ રાજ્યસભામાં કોંગ્રેસની બહુમતી હોવાથી હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે. ઓબીસીના હક્કને રોકવાનું કામ કરે છે, પરંતુ હું કાયદો અમલમાં લાવવા પ્રયાસ કરીશ. ઓબીસીનું અહિત કરવાના કોંગ્રેસના કારસા ક્યારેય સફળ નહીં થાય.
 
વીર જવાનો સામે શું વાંધો હતો ?
 
દેશની સેના સામે, બલિદાન આપનારા વીર જવાનો સામે કોંગ્રેસને એવો તે શું વાંધો હતો કે, વન રેન્ક-વન પેન્શનની માંગ કોંગ્રેસે સ્વીકારી નહીં ? અમે આની જવાબદારી માથે લીધી. એટલું જ નહીં, વન રેન્ક-વન પેન્શન આપ્યું.
સોમનાથના ઇતિહાસની જેમને ખબર નથી તેઓ સોમનાથ દર્શન કરવા આવે છે. જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આજે સોમનાથનું ભવ્ય મંદિર બન્યું ન હોત.
 
૨૨ વર્ષમાં અમે શું કર્યું ...
 
"કોંગ્રેસ પૂછે છે કે અમે ૨૨ વર્ષમાં શું કર્યું ? તો તમારી દુકાનો અમે બંધ કરી દીધી. એ વખતે પાણીની સમસ્યા હતી ને ટેન્કરોનો ધંધો કોંગ્રેસીઓના હાથમાં હતો. બિલ બની જતું. કોયલા કાંડ, ૨જી કાંડ, દુનિયાના કોઈ ખૂણામાં બાકી નથી રાખ્યું.. જ્યાં મળ્યું ત્યાં કોંગ્રેસે લૂંટ્યું. તેમણે પ્રશ્ર્ન કર્યો હતો કે કોંગ્રેસની સરકાર હોત તો આ નર્મદા યોજના પૂરી થાત ? ૧૭ દિવસમાં અમે નર્મદાના પ્રશ્ર્નને ઉકેલી નાખ્યો. શેત્રુંજીનાં પાણી બહાર લઈ જવાની કોઈ વ્યવસ્થા ન હતી જે અમે કરી. એક તરફ ફકીર ગાંધીના એકના વારસદારો અને બીજી બાજુ રાજ ઘરાનાના ગાંધી. આપણે વિચારવાનું કે કોની સાથે રહેવું ? ગરીબના કપાળનો પરસેવો તમને ખૂંચવા લાગ્યો છે. તમે સોનાનો ચમચો લઈને જન્મ્યા છો. તમને ગરીબોના પસીનાની શું ખબર હોય ? દિલ્હીમાં અમે બેઠા પછી અલંગને યાદ કર્યું. પહેલાંના પીએમને અલંગની જાણ પણ નહીં હોય.
 
કોંગ્રેસે ભાઈ-ભાઈ વચ્ચે દિવાલ ઊભી કરી
 
"ઉત્તર પ્રદેશની જનતા કોંગ્રેસને ઓળખી ગઈ છે. ભાઈ-ભાઈ વચ્ચે દીવાલ કેમ ઉભી કરવી ગામ અને શહેરને કેમ લડાવવા તેનો કારોબાર કોંગ્રેસે ચલાવ્યો છે અને મલાઈ ખાતી રહી છે. જ્યારે ગુજરાત પૂરગ્રસ્ત હતું. ગામોના ગામો ડુબ્યા હતા, ત્યારે તેઓ બેંગ્લોરમાં જઈ બેઠા હતા. વિકાસ કોને કહેવાય એ અમે કરી બતાવ્યું છે. બુલેટ ટ્રેનની સામે વાંધો ઊઠાવનારાઓ તમે બળદગાડામાં ફરો.
 
સંઘના કાર્યકર્તાઓની માનવતાની મહેંક
 
"મચ્છુ હોનારત વખતે વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધી મોરબી આવ્યા હતા. ત્યા મૃત પશુઓના સડવાના લીધે દુર્ગંધ મારતી હતી. શું ઇન્દિરા ગાંધી આ વાસથી બચવા માટે મોઢે ‚માલ બાંધીને નિરિક્ષણ કરતાં હતાં ? આ હોનારત વખતે આરએસએસ, જનસંઘના કાર્યકરો મૃતપશુઓ, ગંદકી ઉલેચતા હતા. એ મેગેઝિનમાં લખ્યું હતું કે, માનવતા કી મહેંક, રાજકીય ગંદકી. જેમને પોતાના હિતની જ પડી હોય. એમને જનતાના હિતની વાત ક્યાંથી સૂઝે ! રાજકારણમાં કે સત્તામાં હોઈએ કે ન હોઈએ ૪૦ વર્ષથી સતત જનતા જનાર્દનના સુખ-દુખના સાથી રહ્યાં છીએ. આપત્તિને અવસરમાં પલટીને મોરબીના પુનર્નિર્માણ જે ભગીરથ કામ કરાયું છે. જેનાથી દેશવિદેશમાં મોરબીની ઓળખ ઊભી થઈ છે.
આતંકીઓને ગળે લગાડનારાઓ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે છે
ડોકલામ વિવાદ ટાણે સતત ૭૦ દિવસ સુધી સૈનિકો ચીન સામે ડટીને ઊભા હતા, ત્યારે તેઓ ચીનને ગલે લગાવતા હતા. મુંબઈ આતંકી હુમલા બાદ કોઈ કામગીરી ન કરનારા અમારી પાસેથી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાઓ માંગે છે. તેઓને આ માંગતાં શરમ નથી આવતી, અમે શું ત્યાં કોઈ ફિલ્મ ઉતારવા ગયા હતા કે સીડી હોય !